section and everything up till
*/ ?> Taru Mistri Archives - Shabdoni Sangathe

કાગળમાં

લખાવ્યું છે કવનને આજ કાગળમાં,
બનાવ્યું છે ચમનને આજ કાગળમાં.

હરીને હું નમું દિવસે ને રાતે પણ,
સજાવ્યું છે ભજનને આજ કાગળમાં

રહી ક્યાં શાંતિ આજે આ જગતમાં જો,
બતાવ્યું છે અમનને આજ કાગળમાં.

ગઝલ આજે લખી થોડી અનોખી જો,
જતાવ્યું છે દમનને આજ કાગળમાં.

દરદ મારાં કહું છું હું કવન દ્વારા,
સમાવ્યું છે મનનને આજ કાગળમાં.

🖊️Taru Mistri

નારી

પાત્રને અનુરૂપ જળ જેમ ઢળી જશે નારી,
જીવનનાં દરેક રસમાં કાયમ ભળી જશે નારી.

છે ભુખ એને થોડા આત્માસન્માન ને સ્નેહની,
વાત હશે ચારિત્ર્યની તો સૌથી લડી જશે નારી.

જાણવાં છતાં નાદાન બનીને છેતરાય છે કાયમ,
કહ્યા વગર સૌનાં અંતરમનને કળી જશે નારી.

નિજ પરીવારની રક્ષા ખાતર લૂંટાવી દેશે સર્વસ્વ,
પીડા પોતાની દબાવી સૌનાં દુઃખ દળી જશે નારી.

નથી એ અબુધ છે નારી શક્તિનો અફાટ સાગર,
દિકરી,ભગીની, વહુ, પત્ની રૂપે ફળી જશે નારી.

🖊️Taru Mistri

સ્ત્રી – લેખ

નથી અસ્તિવ આ દુનિયાનું સ્ત્રી વીના,
છતાં ક્યાં છે અસ્તિત્વ સ્ત્રીનું આ દુનિયામાં?

આ એક પંક્તિ ઘણું બધું કહી જાય છે. સાચે જ વિચારીએ તો સ્ત્રી વીના આ દુનિયાનું અસ્તિવ જ નથી. છતાં આ દુનિયામાં સ્ત્રીનાં અસ્તિવની અવગણના ચોક્કસ પણે કરવામાં આવી છે. આજે પણ કેટલાં સમાજો, કેટલીક વ્યક્તિ સ્ત્રીને તુચ્છ સમજે છે. એને બુદ્ધિ વગરની કે લાચાર માને છે. સ્ત્રી માટે એક કહેવત બનાવી છે આ સમાજે કે ‘ સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય છે.’ એક વાર સ્ત્રી જેટલી જવાબદારી સાથે બે ડગલાં ચાલી તો જુઓ. સમજાય જશે હકીકત કે આખરે સ્ત્રીની બુદ્ધિ ક્યાં હોય છે..!

જગ આખું કહે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય,
એક સ્ત્રી જેટલી બેડીઓનો ભાર સહે તો સાચો માનું.

એક બાળકી આ દુનિયામાં જન્મ લે એ સાથે જ એને નીતિ, નિયમો, સમાજ, સંસ્કારનાં નામે ખોખલી બનાવી દેવામાં આવે છે. તું એક છોકરી છે તારાં થી આવું ના થાય, તારાથી આવી રમતો ના રમાય, છોકરાં ભેગી તે છોકરી રમતી હોય? નાનપણથી જ એની આઝાદી છીનવી એનાં હાથમાં ઘરઘર રમતાં રમકડાં આપવામા આવે છે. એક નાજુક બાળકીનાં અસંખ્ય સવાલો ત્યાં જ મારી દેવામાં આવે છે. બાળપણમાં એને પગે ઝાંઝરી નહીં હું તો કહું એક પગે સમાજની અને બીજે પગે સંસ્કારો નામની બેડી પહેરાવી દેવામાં આવે છે.

પગે પાયલ નહીં પણ બેડી દીધી,
સાથે જીવનમાં કાંટાની કેડી દીધી.

સાચું કહેજો કેટલી દીકરીએ આ અનુભવ કર્યો છે?
નાનપણથી બાળકી ને એક કઠોર ઢાચામાં ઢાળી દેવામાં આવે છે. માત્ર મને તો એક સ્ત્રી સાથે દરેક ક્ષેત્રમાં અન્યાય થયાંનો અનુભવ થાય છે.

નાજુક કુમળાં હાથથી લઈ દેહ કરચલી વાળો થાય ત્યાં સુધી એક સ્ત્રી ક્યારે પોતાનાં માટે જીવતી નથી.
એક દિકરી, બહેન, મિત્ર, પત્ની, વહુ, મા, દાદી કેટલાં કિરદાર બખૂબી કોઇપણ ફરીયાદ વગર હસતાં મુખે નિભાવે છે , છતાં દરેક કિરદારમાં એણે અનેક પરીક્ષા માંથી પાસ થવાનું હોય છે. અને સ્ત્રી પોતાનું કર્તવ્ય ગણી બસ બીજા માટે જીંદગી કુરબાન કરી દે છે પોતાનાં સપનાં કાયમ માટે દફનાવી દે છે.

આપતી રહી સ્ત્રી અગ્નિપરીક્ષા છતાં પવિત્રતા એની જાણી ના શક્યો,
સ્ત્રીનાં મક્કમ મનોબળને આ સમજનો અગ્નિ પણ બાળી ના શક્યો.

એક સ્ત્રી કોઈ પોતાનાં પુરુષ મિત્ર સાથે વાતો કરતી હોય કે એની સાથે થોડી મજાક મસ્તી કરતી હોય તો, કે પોતાની મસ્તીમાં, પોતાની રીતે જીવવવની કોશિશ કરે તો આ સમાજ એને ચોક્કસ શંકાની નજરે જોઇ છે, એને સ્વચ્છંદી, કે ચરિત્રહિન ગણવામાં આવે છે. આમ કેટલીયે વાર સ્ત્રીએ અવાર નવાર અગ્નિ પરીક્ષા આપવી પડે છે, શા માટે એક સ્ત્રીની જ અગ્નિ પરીક્ષા હોય? શું આ સમજ દૂધે ધોયેલો છે? શું એક સ્ત્રી ને પોતાની રીતે કે પોતાનાં સપના સાકાર કરવાનો કોઈ અધિકાર નથી? શું સ્ત્રીને આઝાદ બની ઉડવાનો કોઈ હક નથી?

મોકળાશથી વિહરી શકું એવું આકાશ દે,
પછી પાંખો ફેલાવી ઉડવા થોડાં શ્વાસ દે.

સ્ત્રી માત્ર પ્રેમની ભૂખી હોય છે, જયાં પ્રેમ મળશે ત્યાં એ નમી જશે. એટલે જ કહુ છું સ્ત્રી ને પોતાનાં પગમાં નહીં પણ પોતાનાં હૃદયમાં સ્થાન આપશો તો જીવનની દરેક બાજી જીતી જશો. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય જ છે, સ્ત્રીને માત્ર પુરુષ સામોવળી બનાવો જ નહીં એટલો દરજ્જો માન, સન્માન પણ આપો. સ્ત્રી સહનશીલતાંની મૂરત છે, એ દરેક દર્દ હસતાં મુખે સહી જાય છે. ણે પોતાનાં પરિવાર માટે કુરબાન થઈ જાય છે. એટલે જ સ્ત્રી ઇશ્વરનું અમુલ્ય સર્જન છે.

સ્ત્રી સહનશીલતાંની મૂરત છે,
એટલે જ તો એ ખૂબસુરત છે.

સ્ત્રીની બાહારી સુંદરતા સાથે આંતરિક સુંદરતાને પણ નીહાળતાં શીખો. સ્ત્રી વિશેની માનસિકતા કંઇક અંશે બદલવાની કોશિશ કરીએ. સ્ત્રીને પણ પાંજરે પુરવા કરતાં બધાં બંધનો તોડી મુક્ત બની વિહરવા દઈએ. પોતાની જીંદગી જીવવાનો એને પણ પુરે પૂરો હક છે.

સ્ત્રી વીના આ દુનિયાંની કલ્પના અસકય છે,
સ્ત્રી થકી જ છે જગની મહત્તા એજ તથ્ય છે.

સ્ત્રીનું મહત્વ સમજી સ્ત્રી ને એનું સાચું અસ્તિવ પ્રદાન કરવાની કોશિશ કરીયે..
અસ્તુ….🙏

🖊️Taru Mistri