section and everything up till
*/ ?> Himanshi Parmar Archives - Shabdoni Sangathe

ભારણ

ગુનાહ માંથી ઉગરવા મારું વલખા મારવું સાવ અકારણ હતું,
ડૂબવું નિશ્ચિત હતું, મુંજ પર મારાં જ શબ્દોનું ભારણ હતું.

ધોધમાર અશ્રુજળ હૃદયમાં પેસીને છલકાવા લાગ્યું ખુબ,
એક ઠોકરમાં દરિયો થઇ બેઠું દિલ, જે આજ સુધી રણ હતું.

શોધતા મને આવડ્યું નહિ એ ક્ષતી ચોક્કસ મારી જ દ્રષ્ટિની છે,
નવી સવારે, નવા રંગે ખીલ્યો સૂરજ, તેની પાછળ પણ કારણ હતું,

ભૂતકાળની સ્મૃતિઓને ભેગી કરવામાં શાને વેડફે છે જીવન તું?
તે ભૂતકાળ તો આવનાર ભવિષ્યનું, માત્ર એક ઉદાહરણ હતું.

હતી તું સાચી તોયે હવે શું? વગર વાંકે સજા તો મળી ગઈ,
‘હું સાચી છું’ એ તારું કેવું સાવ જ મંદ ઉચ્ચારણ હતું!

આ જે આંખોની સપાટી પર ઝળહળવા લાગ્યા છે અમુક ટીપા,
ભીતરના સતત મનોમંથન પછીની સત્યતાનું એ તારણ હતું.

આત્મ લાંછન લેવાની ટેવ વ્યસન જેવી લાગી કે છૂટતી નથી,
નોતરું સ્વયં વિનાશ તે પહેલાં, શું મળવાનું નિવારણ હતું?

🖊️Himanshi Parmar

વિદાય

પાનેતર પહેરી પિતાની લાડકી જો કેવી રૂડી ઝળહળ હતી!
ચંચળ આ નજર પિતાની, પુત્રી પર દોડી જતી પળપળ હતી.

જાણી કે વેળા વિદાયની હવે તો નજીક આવે છે ક્ષણ-ક્ષણ,
અડગ પિતૃ હૃદયમાં પણ શરૂ થઈ કંઇક ખળભળ હતી.

આંગળી પકડી જ્યાં દોરી ગયો બાપ ડેલીએ દીકરીને વિદાય કાજ,
ધ્રુજતા હાથમાં થઈ કંપારી, સ્મૃતિઓ આવી બેઠી સકળ હતી.

નવા સંબંધે જોડી દીકરીને, નવા જીવનના આપ્યા આશિષ,
શૂન્ય ઘરની ડેલીએ ઊભા, બાપની આંખ હવે ખળખળ હતી.

દીકરીનો મીઠડો સ્વર અને ઝાંઝરનો ઝણકાર તાત ગોતે ભીતર,
ખાલી ઉંબરે, શૂન્ય બારણે,આ કેવી મિથ્યા ચળવળ હતી?

એ તપતો તપન ને તાત હૃદય સમાન જ્વલિત થઈ બળતું હતું,
હતી બંનેમાં ઉષ્મા, ને વળી પીડતી વેદના કોઈક અટળ હતી.

🖊️Himanshi Parmar

અબોધ ધર્મ

જ્ઞાની – અજ્ઞાની સૌ જાણે કે અંતિમ વિસામો મરણ હોય,
છતાં મૃત્યુના ભયથી સતત ભાગે જીવવા, જેમ હરણ હોય.

એ મંદિર બહાર સો ભૂખ્યા પેટ, તરફડે તો ભલે ને તરફડે,
કોઈ મહાદાનીના છપ્પન ભોગ તો પથ્થરનાં જ ચરણ હોય.

મૃષાવાદી એક ભગવાધારીનાં વેણે કરી દે જીવ ન્યોછાવર,
આવા પાંગળા જનસમૂહ મધ્યે, સંતોને શેની અછત હોય!

મોટા દાનની, મોટી તખ્તી, ને મોટો જયજયકાર થવો જોઈએ,
દાન કર્યું જો ન જાણે કોઈ, તો દાન કેમ કહેવાયું સફળ હોય!

ઘરના પ્રભુ વૃદ્ધાશ્રમ પાળે,ને મંદિરના પગથિયાં ગણે રોજ,
આજ્ઞાકારી, માતૃ – પિતૃ વત્સલ, આવા ઘણા શ્રવણ હોય!

“હું” જ્ઞાની, “હું” સર્વસ્વનાં ભ્રમમાં ભ્રમિત છે કંઈ કેટલાય!
પતન પહેલા આ નાદાનોને, પ્રભુ કેમ નહિ આપતો સમજ હોય!

– Himanshi Parmar (MAAN)