section and everything up till
*/ ?> Gayatri Shrimali Archives - Shabdoni Sangathe

ઈચ્છું તારા પ્રેમમાં – Lekhanotsav

તું સાગર તો હું કમળ બનવા ઈચ્છું તારા પ્રેમમાં.
તું પ્રેમી તો હું પ્રણય બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

જો થાય દુનિયાની નવી શરૂઆત ક્યારેય પણ,
તું આદમ તો હું ઇવ બનવા ઈચ્છું તારા પ્રેમમાં,

છુટા ના પાડી શકે દુનિયાની કોઈ તાકાત બંનેને,
તું કાગળ તો હું કલમ બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

એક તરફ જ છે મંઝિલ બે મનમૌજી મુસાફરની,
તું રાહ તો હું સફર બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

શાયર બની બેઠી તને એકાંતની યાદોમાં મળવા,
તું ગઝલ તો હું રમલ બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

જખમોને રોકી ના શકું પણ બચાવી તો શકુંને,
તું દરદ તો હું મલમ બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

એકમેક વગર અધૂરી લાગે છે મળતી નામના,
તું નામ તો હું અટક બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

સાથ જન્મોજનમનો જીવનની અંત ક્ષણો સુધી,
તું શબ તો હું કબર બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

મારા માટે ધર્મ કર્મ પુણ્ય મોક્ષની પ્રાપ્તિ તારા થકી,
તું જળ તો હું કળશ બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

બની ગઈ છું તારા પ્રેમમાં એટલી બધી ઘેલી કે,
તું દિવસ તો હું વરસ બનવા ઈચ્છું તારા પ્રેમમાં.

🖊️Gayatri Shrimali

મૌન – કવિતા

બુમ બરાડા પાડતી ચકલી થઇ ગઈ મૌન.
નવી નકોર સાસરી જઈને વહુ બની મૌન.

જતાવતી હતી પિતા સામે લાખો નખરા,
પતિની જીદ્દ સામે પિતાની લાડલી મૌન.

મમ્મી જોડે જમવા હજારો ભાવ ખાતી,
કડવાં કારેલા ખાઈ થયાં વહુરાણી મૌન.

મમ્મી જોડે તૈયાર ઝઘડતી વિના કારણ,
ઝઘડો રોકવા સાસુ જોડે થઇ જતી મૌન.

ભાઈબહેન પાસે કરાવતી પોતાના કામ,
દિયરનણંદની જોઈ મસ્તી એ થતી મૌન.

ડરતી કે ભૂલ થશે તો બોલશે સાસરીમાં,
એક ડરના કારણે એ ધારણ કરતી મૌન.

ઘેલી બની કહેતી નહિ પાછી પડું કોઈથી,
પિતાની આબરૂ રાખવા બની દીકરી મૌન.

🖊️Gayatri Shrimali

માણસાઈ-અછાંદસ

વધારે પૈસાની લાલચમાં ભૂલ્યો માનવી માણસાઈ.
સારા જીવનની દાનતમાં ભૂલ્યો માનવી માણસાઈ.

પોતાને સમજે છે વિશેષ સામેવાળા વ્યક્તિઓથી,
દેખાવ કરવાની આદતમાં ભૂલ્યો માનવી માણસાઈ.

ભેદ ભૂલી ગયો સાચાં ખોટા પાસાઓને જોવાનો,
વધારે પડતાં ડહાપણમાં ભૂલ્યો માનવી માણસાઈ.

તહેવારને કૃષ્ણના નામ સાથે જોડે છે ધરાવાસી,
જુગાર ખેલી શ્રાવણમાં ભૂલ્યો માનવી માણસાઈ.

જ્યાં ગળથુથીમાં સારા સંસ્કારોનું સિંચન થાય છે,
નિર્ભયાના આ ભારતમાં ભૂલ્યો માનવી માણસાઈ.

માબાપને ભૂલીને લડે છે જમીન માટે સગા ભાઈ,
રંગ બદલતા કાગળમાં ભૂલ્યો માનવી માણસાઈ.

કામમાં યાદ કરતાં મિત્રો પર વધી રહ્યો છે વિશ્વાસ,
ગરીબ ભાઈની હાલતમાં ભૂલ્યો માનવી માણસાઈ.

🖊️ગાયત્રી શ્રીમાળી “ઘેલી”