section and everything up till
*/ ?> Dr. Priyanka Dholiya Archives - Shabdoni Sangathe

સંઘર્ષનું પરિણામ

ગૌરવ :- પપ્પા આપણે કેટલી મહેનત કરીએ છીએ પણ આપણી ગરીબી કેમ ઓછી નથી થતી? બાળપણથી જોતો આવ્યો છું કે તમે,મમ્મી,બહેન આપણે બધા જ રાત દિવસ જે કામ મળે એ કરીએ છીએ. મમ્મી બીજાનાં ઘરના કામ કરે તો બહેન સિલાઈ કામ. તમે પણ હીરાનાં કામમાં આખો દિવસ વ્યસ્ત હોવ છો. ( હતાશ થઈને એકી શ્વાસે બોલી જાય છે.)

તેના પપ્પા હોઠો પર હળવું સ્મિત લાવીને વળતો જવાબ આપે છે કે બેટા, અત્યારે જે પણ કામ કરે છે એ મન લગાવીને સાચી નીતિથી કર્યા કર અને જોજે ભવિષ્યમાં આનું પરિણામ ખુબ જ શ્રેષ્ઠ મળશે. ક્યારેય હિંમત હારીને નિરાશ થઈને બેસી ના જતો.

ગૌરવ તેના પિતાના આ શબ્દો મનમાં વાગોળતો ત્યાંથી ઊભો થઈને ચાલ્યો જાય છે.

આ સમયે ગૌરવ અને તેની બહેન સ્કુલમાં ભણતા હતા. બંને ભણવામાં હોશિયાર પણ આર્થિક તંગીના કારણે ભણતરમાં આગળ વધવું ખૂબ મુશ્કેલ હતું. તેના પપ્પા બહારથી વ્યાજે પૈસા લાવીને ફી ભરતા એ બંને ભાઈ-બહેનને ખબર હતી. ઘણી વખત તો ઘરમાં ખાવાનાં પણ ફાંફાં પડી જતા. એટલા માટે બંનેને ક્યારેક ભણવાનું છોડી દેવાનું મન થતું પણ પિતાના આત્મવિશ્વાસને ઠેસ ન પહોંચે એટલે ચાલું રાખ્યું.

રોજ દુર દુર સુધીને ચાલતા જવું , થાકીને ઘરે આવીને ઘરનાં કામ કરવા,ફાટેલા અને કોઈનાં ઊતરેલાં કપડા પહેરવાં આ બધું રોજનું હતું. પૈસાના અભાવનાં કારણે સમાજમાં બહુ હાલાકીનો સામનો કરવો પડતો પણ આ તો નસીબમાં લખેલું છે તેમ માનીને મુંગા મોઢે સહન કરી લેતા.

સમય જતા ગૌરવે ફાર્મસીમાં અભ્યાસ પુરો કર્યો અને બહેનને મેડીકલ ડિગ્રી અપાવી. પરંતુ ખરી કસોટી હવે શરુ થઈ. નોકરી કે ધંધામાં સેટ થઈ બધાનાં પૈસા વ્યાજ સાથે પરત કરવા એ ગૌરવનો ધ્યેય બની ગયો.

થોડા સમય માટે નોકરી કરી બચાવેલી રકમમાંથી ધંધામાં ઝંપલાવ્યું અને કોસ્મેટીક વસ્તુઓ બનાવવાની ફેકટરી ચાલુ કરી. નસીબ પણ સાથ આપતું હોય તેમ એકમાંથી બીજી અને ત્રીજી ફેકટરીનું નિર્માણ થયું. બે વર્ષમાં દેવું ચુકતે કરીને પોતાનું ઘર અને ગાડી લીધી. ત્યારબાદ લગ્ન કરીને માતા પિતા સાથે શાંતિથી જીવન પસાર કરવા લાગ્યો.

થોડા વર્ષો પછી ફરી એક દિવસ ગૌરવ તેના પિતા અને દીકરા સાથે બેસીને તેના સંઘર્ષની ગાથા કહી રહ્યો હતો. તેના પપ્પાનો દિલથી ઉપકાર માન્યો કારણ કે તેમની સાચી શિખામણનાં લીધે જ તેના પરિશ્રમનું આટલું સચોટ પરિણામ મળ્યું હતું. આ સાથે દીકરાને પણ સમજાવતો હતો કે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ હિંમત હાર્યા વગર તેનો સામનો કરે. ભલે વાર લાગે પણ સાચી મહેનતનું પરિણામ હંમેશા સારું જ આવે છે.

🖊️Dr. Priyanka Dholiya

લેખ-માણસાઈ

માણસાઈ..
આ એક એવો શબ્દ છે જેનો ધર્મ, નાત-જાત કે કોઈ રીત-રીવાજ સાથે સંબંધ નથી. જુના જમાનામાં ભલે બહુ સુખ સુવિધા નહોતી પણ માણસાઈ દરેક માનવીમાં હતી. જ્યારે આધુનિક યુગમાં માણસ માણસાઈને નેવે મુકીને ફક્ત તેનાં સ્વાર્થ માટે એકબીજા સાથે સંબંધ રાખે છે. ઓછી થઈ રહેલી માણસાઈનાં ઘણાં દ્રષ્ટાંતો છે જે આપણે રોજિંદા જીવનમાં અનુભવી રહ્યા છીએ.

પહેલી એકદમ સામાન્ય પરિસ્થિતિ છે કે મા-બાપ વૃદ્ધ થતાં જ બોજા રૂપ લાગે છે અને લોકો તેને ધિક્કારે છે. ભુલી જાય છે કે તેઓ પણ એકદિવસ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરશે. કયાં જાય છે ત્યારે માણસાઈ? ઉંમરનાં છેલ્લા પડાવમાં તમે તેને બટકું રોટલો આપવામાં આનાકાની કરો છે કે જેઓ બાળપણમાં તમારું પેટ ભરવા પોતે ભૂખ્યા રહ્યા હતા.

ઘણીવાર રસ્તામાં જતા કોઈ ગંભીર અકસ્માત દેખાય તો ઈજાગ્રસ્ત માણસને મદદ કરવાને બદલે તેના ફોટો પાડીને શોસિયલ મિડીયા પર પ્રકાશિત કરાય છે. કેટલી હદે લોકો માણસાઈ ભુલી રહ્યા છે કે કોઈનો જીવ જાય તો પણ તેને બચાવવા કોઈ જ પગલાં નથી ભરતાં. બળાત્કારનાં કેસ પણ દિવસે દિવસે વધતા જાય છે એ પણ ખરેખર એક શરમજનક વાત છે. અમીરોનાં પગ ધોઈને પાણી પીવે છે તો ગરીબોને મદદ કરવામાં કેટલીય વાર વિચારવું પડે છે. આ તે કેવી માણસાઈ?

હજું ઘણું બધું છે કે જે સાબિત કરે કે અમુક લોકોમાં માણસાઈનો છાંટો પણ નથી. ચોર્યાસી લાખ ફેરા ફર્યાં પછી મનુષ્ય અવતાર મળે છે તો આપણે બહુ જ ભાગ્યશાળી છીએ. માણસાઈ એ આપણો પ્રથમ ધર્મ છે. જરૂરીયાતને મદદ કરવી કે લોકો પ્રત્યે દયા રાખવી એ આપણી ફરજ છે.

પરંતુ આપણા ધર્મ વિરુદ્ધ જઈને અને ફરજો પુરી નહી કરીને ભગવાનને પણ વિચારવાં મજબૂર ના કરીએ કે મનુષ્ય જન્મ આપીને તેનાથી કંઈ ભુલ તો નથી થઈને?

🖊️ડો. પ્રિયંકા ધોળીયા