section and everything up till
*/ ?> Divya Parmar Archives - Shabdoni Sangathe

નિત્યક્રમ

સોમીત નાનપણથી જ ખુબ લાગણીશીલ હતો. એટલે સોમીત માત્ર વ્યક્તિ સાથે વાત કરીને પોતાના બનાવી લેવાની કળા ધરાવતો હતો. સોમીતની એક આદત હતી કે તે પોતાની આસપાસ બની રહેલી તમામ ઘટનાઓનું નિરીક્ષણ ખુબ બારીકાઈથી કરતો! પણ તેની આ આદતના કારણે ઘણી વાર તે હસીને પાત્ર પણ બની જતો. છતાં પણ સોમીત આ બધી બાબતોને ધ્યાનમાં લેતો નહિ અને પોતાના પર હસનાર સાથે પણ એ પ્રેમથી વાત કરવાનું ચાલું રાખતો!
સોમીત પોતાના નાના એવા ઘરમાં પોતાના પિતા મનહરભાઈ સાથે રહેતો હતો. તેના મમ્મી સોમીતના જન્મ સમયે જ સ્વર્ગ જતા રહ્યા હતા. સોમીત જ્યારે નાનો હતો ત્યારે તેની દાદી પાસે રહેતો પણ હવે તેના દાદી આ દુનિયામાં રહ્યા ન હતા. સોમીત જ્યારથી સમજણો થયો ત્યારથી તે નિરીક્ષણ કરતો કે રોજ તેના પિતા તેને મંદિરે લઈ જતા. મંદિરે દર્શન કરીને મનહરભાઈ સોમીતનો હાથ પકડીને તેને રોજ મંદિર પાસે આવેલા બગીચે લઈ જાય. આ બગીચાની મધ્યમાં આવેલા ગુલમહોરના વૃક્ષની નીચે પથ્થરની બેઠક બનાવેલી હતી. મનહરભાઈ રોજ ત્યાં સોમીતની સાથે જઈને બેસે અને થોડીવાર વાતો કરે પછી મનહરભાઈ પોતાના ખીસ્સામાંથી એક કાગળ કાઢે અને ધ્યાનથી વાંચવા લાગે. કાગળ વાંચીને મનહરભાઈ સોમીતના માથા પર પ્રેમથી હાથ મૂકે અને સોમીતને લઇને ઘર પાછા જતા રહે.
આ બાબત વર્ષોથી આમને આમ ચાલતી રહી. રોજ મનહરભાઈ અને સોમીત મંદિરે જાય અને પછી બગીચે જાય. મનહરભાઈ ખીસામાંથી કાગળ કાઢીને વાંચે અને ફરી ઘર પાછા જતા રહે! વર્ષોથી ચાલ્યા આવતા આ નિત્યક્રમે સોમીતના મનમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા પણ સોમીત મનહરભાઈને આ કાગળ વિશે પૂછી શકતો નહિ. ધીરે ધીરે સોમીત મોટો થઈ જાય છે. ઘણું બધી બાબતો તેના જીવનમાં પરિવર્તન પામે છે સિવાય એક બાબત એ તેના પોતાનો નિત્યક્રમ! સોમીત ૧૨માં ધોરણમાં સારા નંબરથી પાસ થયા પછી કોલેજમાં એડમીશન લે છે. સોમીતનો પહેલો દિવસ હતો કોલેજનો પણ સોમીત કરતાં વધારે ઉત્સાહી મનહરભાઈ હતા. નિત્યક્રમ પ્રમાણે મનહરભાઈ સોમીતને લઇને મંદિર જાય છે અને પછી ત્યાંથી બગીચે જાય છે.
સોમીત આજે મનહરભાઈને પેલા કાગળ વિશે પૂછવાનું વિચારે છે અને મનહરભાઈ સાથે પેલી પથ્થરની બનેલી બેઠક પર બેસે છે. મનહરભાઈ બગીચામાં રમી રહેલા બાળકો સામે પ્રેમથી જુએ છે અને સોમીતને કહે છે કે ‘ તને કદાચ યાદ નહિ હોય બેટા, પણ તું અહીં રમવા આવવા માટે કેટલી જીદ કરતો હતો! આ બાળકોને રમતા જોઈને મને રોજ તારું વીતેલું બાળપણ યાદ આવે છે.’ બંને એકબીજા સામે હસે છે અને થોડીવાર બંને વચ્ચે મૌન છવાઇ જાય છે. મનહરભાઈ ખીસ્સામાંથી પેલો કાગળ કાઢે છે. આ જોઈને સોમીત મનહરભાઈને કહે છે કે ‘ યાદ છે પપ્પા એક વાર આપણે અહી બગીચે આવેલા અને તમે આ કાગળ વાંચતા હતા અને હું તમને કહ્યા વગર જ રમતો રમતો થોડું દૂર જતો રહ્યો હતો!’ મનહરભાઈ સોમીતની સામે જોઇને હસે છે અને કહે છે ‘ બેટા તારી નાનામાં નાની દરેક વાત મારા માટે ખૂબ મહત્વની છે એટલે યાદ તો હોય જ ને !’ મનહરભાઈ કાગળ વાંચવા લાગે છે.
સોમીત મનહરભાઈને પુછે છે કે ” પપ્પા તમે રોજ આ કાગળ અહીં જ કેમ વાંચો છે ? આ કાગળમાં શું લખેલું છે, મને નાનપણથી આ નિત્યક્રમ જોવાની આદત પડી ગઈ છે પણ આ કાગળમાં શું લખ્યું છે તે હજુ સુધી મને ખબર નથી!” મનહરભાઈ સોમીતની સામે જોઇને હસે છે અને જાણે પોતે ભૂતકાળમાં સરી પડ્યા હોય એમ સોમીતને કહેવા લાગે છે ” બેટા આ કાગળ તારી મમ્મીએ લખેલો પહેલો પત્ર છે. અમે બંને જ્યારે કોલેજમાં ભણતાં હતાં ત્યારે અમે રોજ અહીં આ પથ્થરની બેઠક પર બેસતાં અને વાતો કરતાં !” સોમીતે ક્યારેય પોતાની મમ્મી વિશે પોતાના પિતાના મુખે કંઈ જ સાંભળ્યું ન હતું! સોમીતને લાગતું કે તેના પપ્પા તેની મમ્મીને યાદ કરવા માંગતા નથી પણ તેના પપ્પા રોજ તેની મમ્મીને યાદ કરે છે. મનહરભાઈ સોમીતને કહે છે કે “બેટા પ્રેમથી સાથે જીવવા માટે શારિરીક રીતે સાથે હોવું જરૂરી નથી! મૃત્યુ પછી પણ પ્રેમથી સાથે જીવી શકાય છે.”
થોડી વારનાં મૌન પછી મનહરભાઈ સોમીતને કહે છે કે “બેટા આ પથ્થરની બેઠક અને આ તારી મમ્મીએ લખેલો પહેલો પત્ર તારી મમ્મીના ગયા પછીના એટલાં વર્ષો બાદ પણ મને અહીં થયેલી અમારી પહેલી મુલાકાતનો અહેસાસ કરાવે છે.” સોમીતની આંખમાં આંસું આવી જાય છે. મનહરભાઈ સોમીતના માથા પર હાથ મૂકે છે અને કહે છે કે ” તારી મમ્મી તેના મૃત્યુ પછી પણ મારી યાદોમાં કાયમ જીવે છે. આ પથ્થરની બેઠક મને રોજ તેના સાથે હોવાનો અહેસાસ કરાવે છે.” એટલું કહીને મનહરભાઈ કાગળને વાળીને ખીસ્સામાં મૂકી દે છે અને બંને ઘેર જાય છે. મનહરભાઈ પોતાના જીવનના છેલ્લા દિવસ સુધી આ નિત્યક્રમ જાળવી રાખે છે.

🖊️Divya Parmar

ક્ષિતિજ પરનું મિલન: ૮

રજનીબહેન અને આકાશભાઈ મીરાં અને અર્જુનની મિત્રતાને સંબંધમાં બદલાવવા માટે તે બંને સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. મીરાં અને અર્જુન બંને એકબીજાની સામે નવાઈથી જુએ છે. મીરાંની આંખોમાં જોઈને અર્જુન સમજી જાય છે કે મીરાં આ સંબંધ માટે તૈયાર નથી. અર્જુનને પોતાના માતાપિતા સામે હા કે ના કહેવા પહેલા મીરાં શું ઈચ્છે છે, એ જાણવું વધુ યોગ્ય લાગ્યું! મીરાં અને અર્જુન બન્નેએ આ બાબત પર વિચારવા માટે સમય માંગ્યો. રજનીબહેન અને આકાશભાઈ બાળકો પર કોઈ દબાવ નાખવા માંગતા ન હતા એટલે એમને જોઈએ તેટલો સમય આપવાનું નક્કી કરે છે.
આકાશભાઈ અર્જુન અને મીરાંને સમજાવે છે કે , ‘પતિ-પત્નીના સંબંધો જીવનના ખુબ મહત્વના સંબંધો હોય છે કારણ કે પતિ અને પત્ની સિવાય પરિવારના અન્ય લોકો પણ એક નવા સંબંધમાં બંધાય છે!’ મીરાં આ સાંભળીને આકાશભાઈ પાસે જાય છે અને કહે છે કે ‘તમે જે કંઈ કહ્યું તે વાત હું અને અર્જુન બન્ને સારી રીતે જાણીએ છીએ. પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડે તો એ સંબંધ તૂટવાથી અન્ય કેટલાય સંબંધોમાં તિરાડ પડે છે.’ અર્જુન પણ મીરાંની વાતથી સહમત થાય છે.
મીરાં અને અર્જુન બંને સારા એવા મિત્ર હતા પણ બન્નેએ ક્યારેય પોતાની વચ્ચે મૈત્રીના સંબંધ સિવાય બીજો કોઇ સંબંધ કલ્પયો ન હતો! અર્જુન અને મીરાં બન્ને શાંત સ્વભાવના હતા પણ બંનેની આદતો, પસંદ-નાપસંદ તદૃન અલગ અલગ હતું જેમ કે, મીરાં રવિવારની રજામાં મંદિર જવાનું પસંદ કરતી અને સામાજિક સેવાના કાર્યોમાં જોડાવાનું પસંદ કરતી હતી. મીરાં પોતાના પગારમાંથી થોડો એવો હિસ્સો અનાથ બાળકો માટે અનાથાશ્રમમાં દાન કરતી હતી. જ્યારે અર્જુન રવિવારની રજામાં મૂવી જોવા જવું, મિત્રો સાથે કોઈ જગ્યા પર જઈને કલાકો સુધી ફોનમાં ગેમ્સ રમવી વગેરેમાં પસાર કરતો હતો. અર્જુન પોતાનો પગાર પોતાના મોજશોખ પાછળ વાપરી નાખતો અને ભવિષ્યનો વિચાર કરતો નહિ. મીરાં અને અર્જુન એકબીજા વિશે લગભગ બધીજ બાબતો જાણતા હતા.
મીરાં રાત્રે જમીને અગાસીમાં ચાલતી હતી. અર્જુન મીરાં સાથે વાત કરવા માંગતો હતો. અર્જુને ઘરમાં જોયું પણ મીરાં ક્યાંય પણ દેખાણી નહિ. અર્જુન મીરાંને શોધતો શોધતો અગાસીમાં આવે છે. અગાસીમાં હારમાં ગોઠવેલા સોફા પર મીરાં બેઠી હતી. ચંદ્રની મીઠી ચાંદની મીરાંના મુખને વધુ આકર્ષક બનાવતી હતી. અર્જુન મીરાંને જુવે છે. મીરાં એકદમ શાંત દેખાતી હતી. અર્જુન મીરાંની પાસે જાય છે. મીરાં અર્જુનને બેસવાનું કહે છે. અર્જુન મીરાંની પાસે બેઠે છે અને મીરાંને કહે છે, ‘મીરાં હું જાણું છું કે તારા મનમાં ઘણા બધાં પ્રશ્નો ચાલતા હશે પણ મીરાં હું તારો મિત્ર છું. તારા મનમાં ચાલતા દરેક પ્રશ્નનો તું મને કહી શકે છે!’ અર્જુનની વાત સાંભળીને મીરાંને થોડું સારું લાગે છે. મીરાં અર્જુનને કહે છે કે આપણે સારા મિત્ર બની ગયા છીએ. આપણે એકબીજા વિશે બધું જ જાણીએ છીએ. મીરાં પોતાની વાત પુરી કરે તે પહેલાં અર્જુનની બહેન શિખા મીરાંને શોધતી શોધતી અગાસી પર આવે છે. શિખા મીરાંને કહે છે કે , ‘ meera can you help me ? મીરાં શિખાને કહે છે હા જરૂર પણ તમારે શું મદદ જોઈએ છે?’ શિખા મીરાંનો હાથ પકડીને પોતાની સાથે લઈ જાય છે અને પોતાના કબાટમાંથી ડ્રેસ કાઢીને મીરાંને બતાવે છે. શિખા મીરાંને કહે છે કે ‘ your dressing sense is too good તો મીરાં એમ કહે કે કાલે હું ઓફિસની ઇવેન્ટમાં ક્યો ડ્રેસ પહેરું ?’ મીરાં શિખાએ બતાવેલા ડ્રેસમાંથી કોઈ એક પસંદ કરી આપે છે.
મીરાં અને અર્જુન બે દિવસ પછી રવિવારે સાથે ફરવા જવાનું નક્કી કરે છે. બંને સાંજના સમયે દરિયાકિનારે જાય છે. દરિયાકિનારાનો શાંત અને મીઠો પવન મનને તૃપ્ત બનાવી દેતો હતો. દરિયાકિનારે આવેલી નારિયેળી પવનમાં જાણે કે જુમી રહી હતી. મીરાં પોતાની સેન્ડલ ઉતારી દે છે અને અર્જુન સાથે રેત પર ચાલવા લાગે છે. દરિયાકિનારે કેટલાંય પ્રેમીઓ બેઠાં હતાં. બધાજ એકમેકમાં એવા ખોવાય ગયા હતા જાણે કે આ દરિયાકિનારો એમને અલગ દુનિયામાં લઈ આવ્યો હોય! મીરાં અને અર્જુનને લાગ્યું કે આ વાત કરવા માટે યોગ્ય સમય છે. મીરાં અર્જુનને કહે છે, ‘અર્જુન હું તને એક વાત કહેવા માંગુ છું! કદાચ તને મારી વાત યોગ્ય ન લાગે પણ જો આ વાત કહેવાનું મોડું થઈ જશે તો આપણે કદાચ સારા મિત્ર પણ ન બની શકીએ.’ મીરાંના મુખ પર થોડી ચિંતાના ભાવ જોઈને અર્જુને કહ્યું, ‘ મીરાં, તારે જે કહેવું હોય તે કહિ શકે છો. કદાચ તું મને પૂરી વાત નહિ કે તો મને ખોટું લાગશે!’ મીરાં અર્જુનને કહે છે કે ‘ આપણે સારા મિત્રો છીએ પણ કદાચ આપણે પતિપત્ની બનવા માટે યોગ્ય નથી. આપણી પસંદ-નાપસંદ, આદતો તદૃન જુદા જુદા છે.’ મીરાં જાણે કંઇક કહેવા માટે અચકાતી હોય તેમ બોલતાં બોલતાં અટકી જાય છે.
અર્જુન મીરાંને કહે છે, ‘મીરાં આગળ બોલ તું શું કહેવા માંગે છે?’ મીરાં અર્જુનને કહે છે,’ અર્જુન કદાચ આપણે પરિવારની ઇચ્છાઓને માન આપીને લગ્ન કરી લઈશું તો શરૂઆતમાં તો આપણે ખુશ હોય શકીએ પણ જેમ જેમ જવાબદારીઓનો ભાર વધતો જશે તેમ તેમ આપણે બન્ને એકબીજાને દોષ દેવા લાગીશું! અને એ સમયે કદાચ આપણાં સંબંધો બદલાય ગયા હોવાથી આપણે સારા મિત્ર પણ નહિ રહીએ’ આ સાંભળીને અર્જુન મીરાં સામે હસે છે અને મીરાં ને કહે છે કે ‘ મીરાં હું આ જ વાત તને છેલ્લા બે દિવસથી કહેવાની કોશિશ કરું છું પણ હું ના કહી શક્યો! હું વિચારતો હતો કે કદાચ તું મને પસંદ કરતી હોય તો ? હું તને દુઃખ પહોંચે એ વિચારથી કહી શકતો ન હતો.’ બંને વાતોમાં એટલા ખોવાય ગયા હતા કે ક્યારે તેમના પગ સુધી દરિયાના મોઝાં પહોંચી ગયા તેનું પણ ધ્યાન ના રહ્યું!
અર્જુન મીરાંનો હાથ પકડીને મીરાંને દરિયા તરફ ફેરવે છે. અર્જુન મીરાંને દૂર દરિયાની મધ્યમાં ઠળતો સૂર્ય બતાવે છે. દૂર પાણીની મધ્યમાં જાણે કે સૂર્ય અને દરિયો એકમેકમાં ભળી ગયા હોય તેવું લાગતું હતું! મીરાં અર્જુનના મનની વાત જાણી ગઈ હોય તેમ અર્જુનની સામે હસે છે. અર્જુન મીરાંને કહે છે,’કદાચ પરિવારની ઇચ્છાઓને માન આપીને આપણે બન્નેએ લગ્ન કરી લેશું તો આપણું બંનેનું મિલન ક્ષિતિજ પરનાં મિલન જેવું થશે. આ સૂર્ય અને પાણી બધાની નજરમાં એકમેકમાં ભળતાં દેખાય છે પણ ખરેખર બંને ક્યારેય એકમેકમાં ભળતાં નથી. તેવી જ રીતે આપણે બંને એકસાથે રહીશું પણ આપણાં મન ક્યારેય એકમેકમાં ભળી શકશે નહિ!’ મીરાં અર્જુનને કહે છે, ‘ મીરાં એક મિત્ર તરીકે તું મને સમજી શકયો એ મારા માટે ખૂબ મહત્વની વાત છે. આપણે આપણાં સંબંધને મિત્રતાનો સુંદર એવો વળાંક આપીને જીવનભર સારા મિત્ર બની શકીએ છીએ.’ મીરાં અને અર્જુન બન્ને ક્ષિતજ પરનું મિલનને અવગણીને જીવનમાં મિત્રતા નામનો સુંદર વળાંક લાવે છે. સમય વીતતાં બન્ને પોતાની પસંદના પાત્ર સાથે લગ્ન કરી લે છે. મીરાં અને અર્જુન આજે પોતાના જીવનમાં વ્યસ્ત હોવા છતાં સારા એવા મિત્ર છે. કારણ કે બન્નેએ યોગ્ય સમયે આકર્ષણ અને પ્રેમ વચ્ચેનું અંતર પારખી લીધું! બન્નેએ ભવિષ્યમાં થનારી ભૂલો સુધારવા કરતાં જીવનમાં સુંદર વળાંક લેવાનું પસંદ કર્યું!
(સમાપ્ત)

🖊️Divya Parmar

ક્ષિતિજ પરનું મિલન – ૭

મીરાં અર્જુનનાં પરિવારને પોતાનો પરિવાર સમજીને ખુશ રહેવા લાગી હતી. મીરાં અને અર્જુન વચ્ચે હવે સારી આવી મૈત્રી થઈ ગઈ હતી. બંન્ને એ લગભગ બાળપણથી લઇને અત્યાર સુધી તેમના જીવનમાં જે કંઈ થયું એ એકબીજાને કહી ચૂક્યા હતા. હવે મીરાંને અર્જુન સાથે વાત કર્યા વગર ચાલતું નહિ! એક દિવસ વહેલી સવારે આકાશભાઇના ફોન પર કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવે છે. ફોનમાં વાત કરવા માટે આકાશભાઇ રૂમની બહાર આવી જાય છે. ફોનમાં વાત કરીને આકાશભાઇ ઉપર અર્જુનનાં રૂમમાં જાય છે. આકાશભાઇ અર્જુનને જગાડે છે અને અર્જુન સાથે વાત કરે છે. થોડી જ વારમાં અર્જુન અને આકાશભાઇ હોસ્પિટલ જાય છે. રવિવાર હોવાથી ઓફિસે રજા હતી. રવિવારની બપોરે રજનીબહેન અને શિખા વૃદ્ધાશ્રમમાં સેવા આપવા માટે જાય છે. આકાશભાઈ અને અર્જુન બપોરે ઘરે આવે છે. આકાશભાઈ મીરાંને પોતાની પાસે બોલાવે છે. આકાશભાઈના ચહેરા પર ચિંતાનો ભાવ દેખાઈ આવતો હતો. આકાશભાઈ હિંમત કરીને મીરાંને કહે છે કે ‘ મીરાં તારા પિતા શેખર કાલે સજામાંથી મુક્ત થઈને ઘરે પાછા આવતાં હતાં. ત્યારે શેખરની સાથે તારા દાદાજી પણ હતા. એ બંનેનું કાર એક્સીડન્ટ થયું હતું! ‘ આગળના શબ્દો જાણે આકાશભાઇના ગળામાં જ અટકી ગયા. થોડીવાર ત્રણેય લોકો વચ્ચે જાણે મૌન છવાઈ ગયું. આકાશભાઇએ મીરાંના માથા પર પોતાનો હાથ મુક્યો અને કહ્યું, માફ કરજે બેટા મીરાં પણ તારા પિતા શેખર હવે આ દુનિયામાં રહ્યા નથી! મીરાં જાણેકે ઉંડા વિચારોમાં ખોવાઈ ગઈ હતી. અર્જુન મીરાંનો હાથ પકડીને તેને સોફા પર બેસાડે છે. અર્જુન મીરાંને પાણીનો ગ્લાસ આપે છે. મીરાં વિચારોમાં ખોવાયેલી હતી. પોતે ક્યારેય ન જોયેલા પિતા આખરે તો એક પાપી હતા. મીરાં તેમને ક્યારે પણ મળવા માંગતી ન હતી.
અર્જુન મીરાંનો હાથ પકડે છે અને કહે છે, ‘ મીરાં એક વાત કહું છું ધ્યાનથી સાંભળજે!’ મીરાં અર્જુન સામે જુએ છે. અર્જુન કહે છે કે, મીરાં તારા દાદાજી હોસ્પિટલમાં અત્યારે છેલ્લા શ્વાસો લઈ રહ્યા છે. તારા દાદાજી તારા વિશે બધુંજ જાણે છે. એક વખત જો તારે એમને જોવા હોય તો આપણે જલ્દીથી હોસ્પિટલ જવું પડશે. મીરાં નિર્ણય તારો છે. મીરાં અર્જુનને કહે છે કે કોણ છે મારા દાદાજી? મારે એમને મળવું છે એટલા શબ્દો બોલીને મીરાં રડવા લાગે છે. આકાશભાઈ રજનીબહેનને જાણ કરવા માટે વૃદ્ધાશ્રમ જાય છે. મીરાં અને અર્જુન થોડી જ વારમાં હોસ્પિટલ પહોંચી જાય છે. મીરાં અર્જુનની પાછળ પાછળ ચાલે છે. અર્જુન મીરાંને એક રૂમમાં લઈ જાય છે. અર્જુન રૂમની અંદર જાય છે. મીરાંના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા હોય તેમ ત્યાંને ત્યાજ ઊભી રહે છે. અર્જુન મીરાંને રૂમની અંદર બોલાવે છે. રૂમની અંદર છવાયેલી શાંતિ મીરાંના મનને ધ્રુજાવી મૂકે છે. મીરાં વૃદ્ધના પલંગ પાસે આવે છે. બંનેની નજર મળતા જ બંનેની આંખમાં આંસું આવી જાય છે. દાદાજી હાથથી ઈશારો કરીને મીરાંને પોતાની પાસે બોલાવે છે. મીરાં દાદાજીને પહેલીવાર મળી હતી અને એ પણ એમના અંતિમ સમય નજીક હતો ત્યારે! દાદાજી મીરાંના માથા પર પ્રેમથી હાથ મૂકે છે. મીરાં દાદાજીનો હાથ પોતાના હાથમાં લે છે અને પૂછે છે કે, તમે મારા વિશે બધું જ જાણતા હતા છતાં પણ મને મળવા કેમ ના આવ્યા? મીરાંનો પ્રશ્ન સાંભળીને દાદાજીની આંખમાંથી આંસુ નીકળી જાય છે.
દાદાજી મીરાંને કહે છે,’ બેટા મને માફ કરજે પણ શેખરથી તને બચાવવા માટે મેં તને અન્યાય કર્યો છે. હુ તારો અપરાધી છું મને માફ કરી દે બેટા! ‘ આ સાંભળીને મીરાં અને દાદાજી બંને રડી પડે છે. દાદાજીને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. દાદાજી મીરાંને કહે છે ‘ બેટા મારો અંતિમ સંસ્કાર તું…. ‘ બાકીના શબ્દો દાદાજીના ગાળામાં જ રહી ગયા અને દાદાજીએ હંમેશા માટે પોતાની આંખો બંધ કરી લીધી. અર્જુન મીરાંની પાસે જાય છે. મીરાં અર્જુનને ભેટીને હૈયાફાટ રુદન કરે છે. અર્જુનને પોતાની મર્યાદાની ખબર હતી પણ મીરાંનું દુઃખ જોઈને અર્જુનની આંખોમાં પણ આંસુ આવી જાય છે. મીરાં પોતાના જીવનમાં આવેલા અણધાર્યાં વળાંકોથી હારી ગઈ હતી. મીરાંનું રુદન જોઈને કઠણ‌ કાળજાનો વ્યક્તિ પણ રડી પડે! અર્જુન મીરાંને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. મીરાં હતાશ થઈને જમીન પર બેસી જાય છે. ત્યાં રજનીબહેન અને આકાશભાઈ હોસ્પિટલ પહોંચી જાય છે. રજનીબહેન મીરાંને ઘરે લઈ જાય છે. દાદાજીની અંતિમ વિધિ મીરાં કરે છે. અર્જુનનો પરિવાર મીરાંને ખુબજ પ્રેમ અને લાગણી આપે છે. રજનીબહેન મીરાંને ખુબ ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. રજનીબહેનના પ્રેમથી મીરાં થોડાજ દિવસોમાં બધું ભૂલીને પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. મીરાં અને અર્જુન હવે ખુબ જ સારા એવા મિત્ર બની ગયા હતા. મીરાં અને અર્જુનની મિત્રતા જોઈને રજનીબહેન અને આકાશભાઈ બંને એક નિર્ણય લે છે. એક દિવસ મીરાં અને અર્જુનને બોલાવીને બંને સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. આ સાંભળીને મીરાં અને અર્જુન બંને નવાઈ પામે છે. અર્જુન અને મીરાં લગ્નનો વિચાર કરવા માટે રજનોબહેન પાસે થોડો સમય માંગે છે. શું મીરાં અને અર્જુન બંને એકબીજા સાથે લગ્ન કરશે? સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો સંબંધોની બારાક્ષરી દર બુધવારે…..

🖊️Divya Parmar