section and everything up till
*/ ?> Disha Patel Archives - Shabdoni Sangathe

શ્રેષ્ઠ બનવું કે ઉત્તમ?

શ્રેષ્ઠ અને ઉત્તમ વચ્ચેનાં તફાવતની ક્ષિતજ જેને દેખાઈ જાય તે વ્યક્તિને પોતાનું જીવન એક સુંદર રીતે જીવવાની રીત મળી જાય. શ્રેષ્ઠ બનવું એટલે અન્ય લોકોથી વધુ સમૃદ્ધ બનવું. કોઈ હરીફાઈ હોય તો તેમાં પોતાના પ્રતિસ્પર્ધી વ્યક્તિઓથી ફક્ત આગળ નીકળવા માટે જ પ્રયાસ કરવા. નહીં કે પોતાની આવડતને ઉજ્જવળ બનાવવના પ્રયત્નો કરવા. શ્રેષ્ઠતા એટલે સરખામણી. શ્રેષ્ઠ બનવાની હોડમાં વ્યક્તિ કેટલું શીખ્યો, શું શીખ્યો? તે મહત્વનું નથી પણ અન્ય લોકોથી કેટલું વધારે પ્રાપ્ત કર્યું એ અગત્યનું બની જતું હોય છે. ટૂંકમાં પોતાની આવડતને અન્યોની આવડત કરતાં વધુ સારી સાબિત કરવાના પ્રયાસો એટલે શ્રેષ્ઠતા. એમાં ભલે પોતાને કંઈ શીખવા મળે કે ન મળે. શ્રેષ્ઠ બનવાની ઈચ્છા જ્ઞાનપ્રાપ્તિને પણ સ્પર્ધા બનાવી દે છે.

પણ જે વ્યક્તિ શ્રેષ્ઠ બનવાની ભાગદોડને છોડીને ઉત્તમ બનવાનાં પ્રયાસ કરે તો પોતાના જીવનમાં જે ઈચ્છે તે પામી લે છે. કેમ કે ઉત્તમ બનવું એટલે અન્યો સાથેની હરીફાઈના વમળમાંથી બહાર નીકળીને પરિપૂર્ણતાનાં સળંગ રસ્તે ચાલવુ. ઉત્તમ બનવાનાં માર્ગ પર હરીફાઈ તો હોય જ છે પણ એ હરીફાઈ અન્ય લોકો સાથે નઈ પરંતુ પોતાની જાત સાથે. ભૂતકાળમાં જે-જે ભૂલ થઈ હોય તે ભૂલોને સુધારવી, પશ્ચાતાપની અગ્નિમાં તપીને પોતાની જાતને વધુને વધુ ઘસીને તેજસ્વી બનાવવી અને સરખામણી કરવાની ભાવનાને છોડીને ફક્ત ઉત્તમ બનવાનાં પ્રયત્નો કરનાર વ્યક્તિ જ પોતાની ઈચ્છા મુજબનું જીવન જીવી શકે છે. બાકી શ્રેષ્ઠતાની ઈચ્છા ધરાવનાર તો ફક્ત સ્પર્ધા માટે જ જીવી જાણે છે.

નાનપણમાં કાચબા અને સસલાવાળી વાર્તા તો બધા એ સાંભળી જ હશે. એમાં સસલાને પોતાની ઝડપનો અહંકાર હતો. અને કાચબાને પોતાની જાત પર આત્મવિશ્વાસ. એટલે જ કાચબાની ધીમી ગતિને સામાન્ય બાબત ગણીને સસલું સૂઈ રહ્યું અને કાચબો દોડ જીતી ગયો. આ વાર્તાના સંદર્ભથી જ શ્રેષ્ઠ અને ઉત્તમ વચ્ચેનો તફાવત સરળતાથી સમજી શકાય. સસલું પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવામાં રહ્યું, જ્યારે કાચબો ફક્ત પોતાના સ્વાભિમાન માટે અને પોતાની ક્ષમતાને વધુ નિખારવા માટે જ હરીફાઈમાં દોડી રહ્યો હતો. કાચબો જીત્યો કારણ કે તે ઉત્તમ બનવાનાં માર્ગ પર ચાલ્યો. અન્યને પરાજિત કરવાની ઈચ્છાથી નઈ પણ પોતાના સંતોષ માટે હરીફાઈમાં પોતાનું યોગદાન આપ્યું હતું. જ્યારે સસલાને એમ જ હતું કે હું તો શ્રેષ્ઠ જ છું મને કોણ પરાજિત કરવાનું?.

પોતાની શ્રેષ્ઠતા સાબિત કરનારાઓને કાયમ માટે અસંતોષ જ રહે છે. કેમ કે તેઓ અન્યો સાથે હરીફાઈ કરે છે. અને બીજા સાથેની હરીફાઈનો કદીય અંત આવતો નથી. ગઈકાલે જે શ્રેષ્ઠ સ્થાન પર હતું તો આજે એનું સ્થાન કોઈ બીજું લઈ લેશે અને આવતીકાલે કોઈ ત્રીજું. સત્તા પામવાની લાલસામાં અમુક વાર ખુદને જ ખોઈ બેસાય છે. અન્યો કરતા વધુ શ્રેષ્ઠ બનવા જઈએ તો અંતે પોતે જ ક્યાંક અંટવાઈ ગયા હોય એવું પણ બને. ઉત્તમતાની અભિલાષા આનાથી તદ્દન વિપરીત છે. વ્યક્તિ પોતાના સાથે જ હરીફાઈ કરે છે અને પોતે જ જીતે છે. દરેક વાર જીતે છે. કદીય હારતો નથી. કારણ કે ઉત્તમ વ્યક્તિ પોતાના સિવાય અન્ય કોઈને પણ પ્રતિસ્પર્ધી માનતો નથી. પોતાના સાથે જ હરીફાઈ કરીએ તો ભૂતકાળમાં જે હતું એનાં કરતાં વધુ ધારદાર વ્યક્તિત્વ દિવસે ને દિવસે બનતું જાય છે.

શ્રેષ્ઠ વ્યક્તિ “સ્વાર્થી” બનતો જાય છે અને ઉત્તમ વ્યક્તિ “પરમાર્થી” બનતો જાય છે. તમે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લો અને તમારાં મનમાં એવું થાય કે, “ફલાણા ભાઈએ/બેને સ્પર્ધામાં ભાગ ન લીધો હોત તો હું ચોક્કસ જીતી જાત.”તો સમજવું કે તમે શ્રેષ્ઠતાનાં વર્તુળમાં ઘેરાયેલા છો. બીજાની ઉત્તમ અભિવ્યક્તિથી તમને ઈર્ષ્યા થાય છે. અને આ વલણ તદ્દન ખોટુ છે. તેનાથી ફક્ત ઈર્ષ્યા અને સ્વાર્થની પ્રગતિ થશે તમારા વ્યક્તિત્વની નહીં. અને જો તમને આ વખતે મનમાં એવું થાય કે, “જે-તે સ્પર્ધાથી મને ઘણું બધું જાણવા મળશે અને ભૂતકાળમાં મારામાં જે ખોટ હતી તે હવે પૂરી થશે.” તો સમજવું કે તમે એક ઉત્તમ વ્યક્તિ છો. ઉત્તમ વ્યક્તિ પરિપૂર્ણતા પામવાના માર્ગ પર આપોઆપ ચાલવા લાગે છે. અને એનું વ્યક્તિત્વ નિર્મળ અને નિઃસ્વાર્થી બનતું જાય છે.

શ્રેષ્ઠતાનાં માર્ગ પર ક્યારેય સફળતા મળતી નથી અને જો મળે તો પણ એ ક્ષણિક જ હોય છે. વ્યક્તિનો અસંતોષ કાયમ માટેની સફળતા છીનવી લે છે. જ્યારે ઉત્તમતાનાં માર્ગ પર ચાલનાર વ્યક્તિને સફળતા પાછળ દોડવાની જરૂર જ નથી. એની પાસે સફળતા સામેથી જ આવીને દ્વાર ખખડાવે છે. આજના આધુનિક યુગમાં પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિ એટલી બધી ચરમસીમાએ પહોંચી ગઈ છે કે મનુષ્યનાં જીવનમાંથી ‘સંતોષ’ શબ્દ
નામશેષ થઈ ગયો છે. અસંતોષના બીજ માંથી જ દુઃખ, ચિંતા અને તણાવ જન્મે છે. ભારતમાં ૪૩% ભારતીયો હાલ તણાવમાં પોતાનું જીવન “કાપે” છે. આનું કારણ શ્રેષ્ઠ બનવાની તીવ્ર અભિલાષા છે.

મનુષ્ય લક્ષ્ય મેળવવા માટે એટલો બધો આંધળો બની જાય છે કે એ સફરનો આનંદ જ ચૂકી જાય છે. ઝડપથી લક્ષ્ય મેળવવાની લાલસામાં એ ઝડપથી દોડે છે અને એ યાત્રાની મજા ચૂકી જાય છે.
કાચબાની જેમ ધીમે ધીમે ચાલીએ તો પણ લક્ષ્ય તો મળે જ છે. સાથે સાથે એ સફરનો ઉલ્લાસ માણવા પણ મળે છે. આ વિષય અંગે હૃદયમાં બે પંક્તિઓ ગુંજે છે………

“ઝડપથી દોડ્યા તો એ યાત્રાનો ઉલ્લાસ હારી ગયા,
પા પા પગલી ચાલ્યા તો યાત્રાની મોજ જીતી ગયા.”

ટૂંકમાં, બીજા સાથે હરીફાઈ કરવા માટે નઈ પણ પોતાની જાત સાથે હરીફાઈ કરવા જીવવું. ઉત્તમ વ્યક્તિ શ્રેષ્ઠ બની શકે છે પણ શ્રેષ્ઠ વ્યક્તિ કદીય ઉત્તમ બની શકતો નથી. ઉત્તમ વ્યક્તિ આજે નઈ તો કાલે પોતે ઈચ્છેલુ તમામ પામી લે છે. માટે હંમેશ ઉત્તમ બનવાનાં જ પ્રયાસ કરવા કારણ કે ઉત્તમનું પરિણામ અતિઉત્તમ જ મળે છે. અને અતિઉત્તમથી ઉત્તમ બીજું કશું જ નથી.

🖊️Disha Patel

દ્રૌપદી વસ્ત્રહરણ – Lekhanotsav

છંદકાવ્ય
માત્રામેળ છંદ : હરિગીત

શ્વેત સુવાળી દ્રૌપદીનુ, હૃદય વિચલિત થઈ રહ્યું,
સુણી સમાચાર સભાનાં, એ નયન ચિંતાતુર થયાં,
હાર્યા યુધિષ્ઠીર સત્તાઓ, સૌ ભાઈ સંગ જાતને,
પાસાં હજુય છુટતાં નથી, રે દોષ દેવો ધરમને?. ………(૧)

સ્વ પત્નિને દાવે લગાડી, જુગારમાં દુર્યોધને,
દાવે લગાડી દ્રૌપદીને, ધર્મરાજ યુધિષ્ઠિરે,
ષડયંત્રો રચ્યાં શકુનિએ ને દ્યૂત જીત્યાં કૌરવો,
દ્રૌપદી સહિત દાસ બન્યાં, શૂરવીર સમાં પાંડવો. ………(૨)

આદેશ આપ્યો દ્રૌપદીને, સભામાં હાજર થવા,
સુણી અધર્મો સભાનાં એનાં, નયન ક્રોધે રે ચડ્યાં,
એ સૂક્ષ્મ એવી ક્ષણમાં, લાખ પ્રશ્નો વરસી રહ્યાં,
હૃદય તૂટ્યું, મન ભાંગ્યું, અપમાનથી કોપિત થયા. ……..(૩)

દ્રૌપદી કહે દાસીને, “આ મને સ્વીકાર્ય નથી”,
“દુર્યોધનનાં દાસને રે, મારા પર અધિકાર નથી”,
પાંચેય બળવાન પતિઓને, પ્રશ્ન છે કૃષ્ણાનો,
સ્વયંને હારી ગયાં પછી, મને કેમ તે હાર્યા?. ……. (૪)

દ્રૌપદીનું એ કથન કહ્યું, દાસીએ દ્યૂતસભામાં,
ક્રોધ ફાટ્યો દુર્યોધનનો, અહંકાર ભભૂકી ઉઠ્યો,
આદેશ આપ્યો દુશાસનને, બળથી ઘસડી લાવે,
નિર્વસ્ત્ર કરે યજ્ઞસેનીને, પ્રતિશોધ પુરો કરે. ……… (૫)

એ દ્રૌપદીનાં ભવનમાં, રાક્ષસ બની પેસી ગયો,
કેશ ખેંચી દ્રૌપદીને, બળપૂર્વક સ્પર્શ કર્યો,
નાજુક નમણી કાયાને નિર્દય બની ઘસડી રહ્યો,
ખેંચી રહ્યો એ ક્રૂરતાથી સભામાં અટકી પડ્યો. ……… (૬)

ક્રોધનાં અંગાર વરસ્યાં, દ્રૌપદીનાં પ્રલાપમાં,
વિદુર, ભીષ્મ, દ્રોણ પાસે, ન્યાય માંગે એ સભામાં,
પાંચેય પતિ નિરાધાર બન્યાં, શિશ ઝુકાવી શરમમાં,
સ્વમાન માટે લડત લડતી, મદદની એ આશમાં. ……….(૭)

અટ્ટહાસ્યથી ગુંજે સભા કૌરવોનાં ત્રાસથી,
કુટિલ શકુનિ મૂંછો મરડે કુટિલતાનાં એ ગર્વથી,
મૌન રહ્યાં મહારથીઓ, ધર્મથી બંધાઈ ગયા,
અધર્મનાં અંધકારમાં, ધર્મ દીપક ઝાંખાં પડ્યાં. ……..(૮)

પ્રશ્નો સાથે ઝઝુમીને શરીર થકી થાકી પડી,
મદદ માંગી એણે સખાની ગોવિંદનુ રટણ કર્યું,
રુદન કરીને, હાથ જોડી, સભા વચ્ચે અડગ ઉભી,
મૂંછો મરડતો દુશાસન એ સાડલો ખેંચી રહ્યો. ………(૯)

એ જેમ જેમ ચીર ખેંચતો, તેમ તેમ વધી રહ્યાં,
થાકી ગયો એ ચીર ખેંચી, ભોંયને ચાટી રહ્યો,
એ ચીર પૂર્યા હરિએ અને લાજ રાખી સખીની,
હર યુગે યુગે હરિ આવ્યાં, હર નારીનાં રક્ષણ હિતે. …… (૧૦)

(દ્રૌપદીનાં અન્ય નામ : યજ્ઞસેની, કૃષ્ણા, પાંચાલી)

🖊️Disha Patel

સહનશકિત

જેનાં પાસે “શક્તિ” અને “સહનશકિત” હોય તેને કોઈ જ પરાજિત ન કરી શકે. સહન કરવું એટલે આપણાં શરીર, મન અને મસ્તિષ્ક પર બાહ્ય અને આંતરિક પ્રહારોનો હથોડીમાર જેટલો વધુ પ્રબળ એટલાં વધુને વધુ ઘડાઈ ઘડાઈને સુડોળ બનતાં જવું. અન્ય પર પ્રહારો કરવાની શક્તિ કરતાં એ પ્રહારોને વેઠવાની શક્તિ હંમેશા વધું જ હોય છે. આ બાબત સતત પ્રહાર કરનારાં માણસોએ બરાબર સમજવી જોઈએ. કુંભારની ઓળખ એનાં મટલાથી જ થાય છે. કેમકે માટલા પાસે માર અને તાપ “વેઠવાની” શક્તિ છે. જયારે કુંભાર પાસે માર અને તાપ “આપવાની” શકિત છે.

સ્ત્રી અને પુરુષનાં સાહસની વાત કરીએ તો બંને આ જ બાબતથી એકબીજાથી ભિન્ન છે. પુરુષ એની શક્તિથી આખા સંસારની કઠિનાઈઓનાં સાગરમાં સમુદ્રમંથન કરી પોતાનાં પરિવાર માટે સુખનું અમૃત મેળવવાં પોતાની જાત સમર્પિત કરી દે છે. જ્યારે સ્ત્રીની સહનશકિત એક નવી પેઢીને જન્મ આપી પોતાનાં પરિવારની અસ્મિતાને જાળવી રાખે છે. પ્રસુતિની અસહ્ય પીડા, માસિકધર્મ
દરમિયાન સમાજ દ્વારા થતો અણગમો કોણ જાણે કેટલીય ભયંકર પીડાઓ સહે છે. છતાં જે સ્ત્રી આ સમાજને જન્મ આપે એ જ સમાજ એને ધિક્કારે અથવા એની પાંખો કાપીને એને મર્યાદાનાં પિંજરામાં પૂરી દે તો સ્ત્રીનું વ્યક્તિત્વ અને મનોબળ બંને ભયંકર રીતે ઘવાઈ જાય છે. અને સ્ત્રી વધું ને વધું સહનશીલ બનતી જાય છે. સ્ત્રીની સહનશકિત દરેક પુરુષની શક્તિ બની રહે છે. એટલે જ તો “શક્તિ”(પાર્વતી) વિનાં “શિવ” પણ અધૂરાં છે. આ જ સહનશક્તિની શક્તિ છે!.

સહનશકિતનું એક ઝળહળતું ઉદાહરણ એટલે “અરૂણીમા સિન્હા” ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલાંક લૂંટારાઓએ અરૂણીમાનાં ગળાની ચેઈન ખેંચવાનો પ્રયાસ કર્યો. ધક્કામુક્કીમાં અરૂણીમા ટ્રેનની બહાર ફંગોટાઈ ગયાં. અને સામેથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈને તેઓ ટ્રેનનાં પાટા પર જઈ પડ્યાં. તેઓ લગભગ બેભાન અવસ્થામાં હતા. પોતાનાં શરીરને ઊભું કરવાનાં અથાગ પ્રયાસ કર્યા છતાં તેઓ નિષ્ફળ રહ્યા.

એ જ પાટા પર આવતી ટ્રેન એમનાં પગ પરથી પસાર થઈ ગઈ અને આવી કુલ 49 ટ્રેન અરૂણીમાનાં પગ કચડીને દોડી ગઈ. પોતાનાં પગ પરથી પસાર થતી એક-એક ટ્રેન અરૂણીમાનાં હૃદય અને મનોબળને ભયંકર ક્રૂરતાથી કચડી રહી હતી. અરૂણીમાનાં કચડાઈ ગયેલાં પગને ઉંદરો બટકા ભરી ભરીને ખાઈ રહ્યાં હતાં. આખી રાત અરૂણીમા આવી જ અવસ્થામાં રહ્યાં. અરૂણીમાએ પોતાનો ડાબો પગ ગુમાવ્યો. આવી અસહ્ય પીડાની કલ્પનામાત્રથી જ શરીરનાં એક- એક રોમ ધ્રુજી ઉઠે.

પણ કહેવાય છે ને કે “હિંમતે મર્દા તો મદદે ખુદા” અરૂણીમા હિંમત ન હાર્યા અને એમનાં વારંવાર પ્રયાસોથી તેઓ વિશ્વની પ્રથમ એવી મહિલા બન્યાં કે જેમણે કૃત્રિમ પગનાં સહારે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય. અરૂણીમાને 2015 માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. જેમનાં મનનું મનોબળ જ એવરેસ્ટ જેટલું ઊંચું હોય એને એવરેસ્ટ ચડતાં વિશ્વની કોઈ તાકાત રોકી શકે ખરી?!. આવી અડીખમ મહેનતનાં પરિણામે અરૂણીમા હરહંમેશ માટે અમર થઈ ગયાં. અરૂણીમાનાં પ્રયત્નોનાં ભૂગર્ભમાં સહનશકિતનો જ પાયો રહેલો છે.

મહાભારત કાળમાં પણ માતા ગાંધારીની પ્રતિજ્ઞા, માતા કુંતીનું બલિદાન, દ્રૌપદીનું સાહસ તથા ધૈર્ય અને એ પ્રત્યેક સ્ત્રી જેણે પોતાનાં ભાઈ, પતિ કે પિતાને યુદ્ધ દરમિયાન ગુમાવ્યાં તેની સહનશીલતા, બાહુબળ ધરાવતાં બળવાન યોદ્ધાઓનાં બળ કરતાં કંઈ ઓછી નથી. સહન કરવાનો અર્થ કોઈ વારંવાર અત્યાચાર કર્યા કરે અને આપણે એને સહન કર્યા કરીએ એવો કદાપી નથી. શક્તિ અને સહનશકિતનો ઉપયોગ યોગ્ય સમય અને સંજોગો મુજબ કરવો જોઈએ. જ્યાં અન્યાય થતો હોય ત્યાં શક્તિની તલવાર વિંઝવી અને જ્યાં થોડુંક સહન કરવાથી પોતાનું અને અન્યોનું કલ્યાણ થતું હોય ત્યાં તલવારને મ્યાનમાં જ રાખવી. ગાંધીજીએ પણ સહન કરી અને વિરોધ કરીને જ અંતે દેશને આઝાદી અપાવી.

પથ્થરને જ્યારે મૂર્તિ બનાવવાં માટે કોતરવામાં આવે છે ત્યારે તે શિલ્પી દ્વારા અપાતા તમામ પ્રહરોને સ્વીકારી લે છે. અને અંતે પોતાનામાં ભગવાનની આકૃતિ પામે છે. પણ જ્યારે પથ્થરને નિરર્થક સમજીને ફેંકવામાં આવે છે ત્યારે તે અન્યો પર પ્રહાર કરે છે. બસ જિંદગીમાં પણ આવું જ છે અમુક આપત્તિઓ જીવનમાં જો નવસર્જન લઈને આવે તો એ આપત્તિઓનો માર સહી લેવો એમાં આપણું જ હિત છે.

🖊️Disha Patel