section and everything up till
*/ ?> Bhavik Makvana Archives - Shabdoni Sangathe

દીપક બુઝાઈ ગયો

“આ શું ગાંડપણ માંડ્યું છે રોજેરોજ? ઉતાર આ કપડાં.” દીપકના પપ્પા ગુસ્સામાં બોલ્યા.

મૌન ધારણ કરી દીપક ધીરે ધીરે પોતાની બહેનના પોતે પહેરેલા કપડાં ઉતારવા લાગ્યો.

પાણી લઈને આવેલા દીપકના મમ્મીએ એના પપ્પાને ગુસ્સો શાંત રાખવા જણાવ્યું. પોતાના લાડકવાયા દીકરાને આવી હરકત કરતો જોઈ ગુસ્સો આવે એ સહજ છે. જયંતીલાલે પાણી પીધું અને મૌન બની બેસી ગયા સાથે જ સુશીલાબેન પણ ચૂપ. દીપકની બહેન ટ્યુશન ગયેલી એથી આજે આ વાતથી અજાણ રહી, પણ એના માટે આ નવું નહોતું રોજેરોજ આ જોઈ એ પણ દુઃખી થતી જ.

દસમાં ધોરણમાં ભણતો દીપક ખૂબ દેખાવડો ખરો પણ બાળપણથી જ કંઈક અલગ હરકત કરતો આવ્યો. રમવાનું પણ છોકરીઓ સાથે અને ચાલ પણ એવી જ. શાળામાં દીપક બધા છોકરાઓ માટે તો મજાકનો વિષય જ બની ગયેલો. જે એને જુએ એ હેરાન જ કરે અને મશ્કરી ઉડાવે. દીપક આ બધું મૌન બની સહન કર્યા કરતો.

એક દિવસ તો ઘરે એણે એના મમ્મીને ફરિયાદ પણ કરી કે મારું નામ દિપીકા કેમ ના રાખ્યું? એની બહેનને પણ કહેતો રહેતો બહેન કાશ હું તારી એક બહેન હોત તો! આવી હરકતોથી જયંતીલાલ અને આખો પરિવાર હેરાન હતો, કરે પણ શું અને કહે પણ કોને? રોજેરોજ દીપકના પપ્પા ગુસ્સે થતા પણ દીપક તો મૌન જ.

પાણી પી બેઠેલા જયંતીલાલ અચાનક ઉભા થઈ દીપકના રૂમમાં ગયા અને આજે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, ” આ બધા ધંધા બંધ કરી દે, બાકી આ ઘર છોડી ચાલ્યો જા.” સુશીલાબેન એ જયંતીલાલ ને અટકાવ્યા, “આ શું બોલો છો કંઈ ભાન છે તમને? જેવો છે એવો આપણો છોકરો છે. તમારાથી ના જોવાય તો હું એને રહીને અલગ રહીશ.”

આ બધું સાંભળી આજે શાળાએ ગયેલો દીપક શાળાએથી પાછો જ ના ફર્યો. ઘણી શોધખોળ પછી જાણવા મળ્યું કે આજે દીપક બુઝાઈ ગયો. (નજીકની નહેરમાંથી એની લાશ મળી આવી) આ દુઃખદ સમાચાર સાંભળી આખો પરિવાર આજે મૌન બની આઘાતમાં સરી ગયો.

🖊️Bhavik Makvana

પ્રેમનું પરિણામ – વાર્તા

આજે અજયનો પરિવાર ખૂબ જ ખુશ હતો કારણ કે જેની આતરતાથી રાહ જોવાતી હતી એ પરિણામ આજે આવી ગયું. હા નેટની પરીક્ષાનું પરિણામ.
સ્વભાવે શાંત, ભણવામાં ખૂબ જ હોશિયાર અજય બે ભાઈ અને એક બહેનમાં સૌથી મોટો. નાનપણથી જ ખૂબ અભ્યાસુ અને શાળા કક્ષાએથી જ વર્ગમાં દરેક પરીક્ષામાં પ્રથમ જ રહેતો. પરંતુ કોલેજના સમયગાળામાં એનામાં ખાસ્સું એવું પરિવર્તન આવી ગયું હતું. યુવાનીમાં જે દરેક સાથે બનતું એ જ અજય સાથે પણ બન્યું અને એણે પણ એક ગર્લફ્રેન્ડ બનાવી જ દીધી. એનું નામ શ્રેયા.
શ્રેયા પણ ભણવામાં ઘણી જ હોશિયાર. એણે અજય ને એક શરતે જ હા કીધેલું કે આપણા વચ્ચે જે કાંઈ પણ રહે એનું ખરાબ પરિણામ આપણા અભ્યાસ પર ના પડવું જોઈએ. અજય પણ એની સાથે સંમત થઈ ગયેલો.
ઘણા સમય સુધી બધું બરાબર ચાલતું રહ્યું. બંને એકબીજાને બધી જ રીતે મદદ કરતા, અભ્યાસમાં પણ. ખૂબ સારા ગ્રેડના પરિણામ સાથે બંને એ કોલેજના પાંચ સેમેસ્ટર પૂરા કર્યા. બંને ઘણા ખુશ હતા પણ ખુશી લાંબો સમય ક્યાં ટકે જ છે! બન્યું પણ એવું જ. શ્રેયાના ઘરે આ વાતની ખબર પડી ગઈ એટલે એમણે શ્રેયાનો મોબાઈલ લઈ લીધો અને આ સબંધ અહીં જ પૂરો કરવા જણાવી દીધું. આ વાતની જાણ થતાં જ અજય સાવ નાસીપાસ થઈ ગયો એનું ક્યાંય મન નહોતું લાગતું. એ હવે તો ભણવામાં પણ ધ્યાન નહોતો આપતો. આ વાતની અસર એના પરિણામ પર પડવા લાગી અને છેલ્લા સેમેસ્ટરનું પરિણામ જોઈ એનો પરિવાર શોકમાં જ ડૂબી ગયો ત્રણ વિષયમાં એટીકેટી! અજયના ઘરે પણ હવે તો શ્રેયાવાળી વાત ખબર પડી ગઈ હતી.
શ્રેયા તો પાસ થઈ ગઈ હતી પણ અજયનું પરિણામ એના માન્યામાં જ નહોતું આવતું. આખરે શ્રેયાએ પોતાના પરિવાર સામે જીદ કરી કે અજય સાથે જ લગ્ન કરશે. શ્રેયાનો પરિવાર ચિંતાતુર. શ્રેયા તો જીદ મૂકે જ નહિ. આખરે પરિવારે એક શરત મૂકી કે જો અજય નેટની પરીક્ષા પાસ કરી લે અને પ્રોફેસરને લાયક બને તો લગ્ન કરાવી દેશે. આ વાત સાંભળી શ્રેયા પહેલા તો નારાજ થઈ ગઈ કે જે છેલ્લા સેમેસ્ટરમાં ત્રણ એટીકેટી લાવીને બેઠો એ નેટ કેવી રીતે પાસ કરશે. એણે અજયને આ વિશે જણાવ્યું અને અજયે કહી દીધું ” શ્રેયા તારા માટે કંઈપણ કરવા તૈયાર છું.” અને લાગી ગયો મહેનત કરવા. ત્યારબાદ ની એટીકેટીની પરીક્ષા ખૂબ સારા માર્ક્સથી પાસ કરી અને ત્યારબાદ નેટની પરીક્ષાનું પણ ફોર્મ ભર્યું.
દિવસ રાત જોયા વગર અજયે તનતોડ મહેનત કરી અને આજે એ પરિણામ આવી ગયું. ઓલ ઈન્ડિયા રેન્ક વન સાથે અજય નેટ પાસ થયો. આજે એને એની મહેનતનું પરિણામ મળી ગયું. સાથે જ પ્રેમનું પણ પરિણામ આવી ગયું. શ્રેયા અને અજય તથા બંનેના પરિવાર આજે ખૂબ ખુશ હતા. બંનેના લગ્ન પણ રાખી લીધા વેલેન્ટાઈન ડે ના દિવસે.

આજે મારું પરિણામ આવી ગયું,
મને મારી મહેનતનું ફળ મળી ગયું.

કોણ કહે કે નસીબમાં હોય એ જ મળે,
આજે મહેનત સામે નસીબ હારી ગયું.

🖊️Bhavik Makvana