section and everything up till
*/ ?> Ankita Mulani Archives - Shabdoni Sangathe

તીસ નંબર બીડી

આ વાર્તા કોઈ વ્યસનમુક્તિના ટોપિક પર નથી કે સાંભળવી નહીં ગમે, પરંતુ મારા જીવનમાં બનેલી સત્યઘટના હું આપ સૌ સમક્ષ અભિવ્યક્ત કરું છું.

પાંચમું ધોરણ પૂર્ણ કર્યું એટલે પપ્પાની ઈચ્છા મુજબ હું સુરત શહેરમાં ભણવા માટે આવી. મેં પ્રથમવાર સુરત જોયેલું, વાડ કરેલા ખેતરમાંથી દીવાલ ચણેલા ખુલ્લા કોપડાનો અનુભવ ત્યારે થયેલો. અરે!, સાચું કહું મને એ પણ ખબર નહોતી પડતી કે શોપિંગ મોલની અંદર ઉભેલી નારિયેળી માત્ર શો-પીસ હોય! હું એવું વિચારતી કે આ નારીયેળીને સૂર્ય પ્રકાશ કેવી રીતે મળતો હશે?

હું રોજ જોતી કે એક દૂધ આપવા વાળા કાકા રોજ નીચે એક સ્વિચ દબાવતા અને છેક ત્રીજા માળ પરથી કાંતામાસી તપેલી લઈને દૂધ લેવા આવતા, હું વિચારતી કે સ્વિચ અહીં દબાવે તો ઉપર કેમ ખબર પડતી હશે? મને એવું થતું કે આ સ્વિચ હું પણ દબાવું, હું પણ સ્વિચ દબાવતી એટલે પેલા માસી ફરીથી નીચે ઉતરતા પણ કોઈને ના જોતા બે ગાળો બોલી પાછા ઉપર ચાલ્યા જતા. પછી સમજાયું કે એ સ્વિચ ડોરબેલની હતી. આવા તો અસંખ્ય કિસ્સાઓ હતા હું જ્યારે અણસમજ હતી.

પરંતુ પરિસ્થિતિઓએ મને માત્ર 14 વર્ષની ઉંમરમાં જ ખૂબ જ સમજુ બનાવી દીધી હતી. હું માનું છું કે કદાચ અમુક સ્થાન જીવનમાં પહેલીવાર જોઈએ એનો અહેસાસ જીવનભર યાદગાર રહેતો હોય છે.

સાતમ-આઠમની શાળામાં બે ચાર દિવસની રજાઓ હતી. ગામડેથી મમ્મી પપ્પા પણ થોડા દિવસો માટે આંટો મારવા આવેલા. સૌ પરિવાર સાથે હતો તેથી વિચાર્યું કે નજીકમાં ક્યાંક ફરવા જઈએ. સૌની સહમતીથી સાપુતારા, નાસિક બાજુ પ્રવાસ નક્કી થયો.

7 ઓગસ્ટ 2006 ની એ રાત હતી. સૌ પોતપોતાનો સામાન લઈને ભાડે બાંધેલી ગાડીમાં ગોઠવાયા. આગળની સીટમાં ડ્રાઈવરની બાજુમાં પપ્પા હતા. પાછળની સામસામેની સીટમાં હું, કાકા, ફુવા અને મમ્મી હતા. પાછળની સીટમાં ફોઈ કાકી અને નાના ભાઈ બહેનો.

ધીરે ધીરે ગાડીએ રફતાર પકડી અને અમે ગુજરાતમાંથી બહાર નીકળી મહારાષ્ટ્ર તરફ આગળ વધવા લાગ્યા. ગાડીની બહાર ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો અને ગાડીની અંદર હલચલ મુવી. નાસિકના જંગલમાંથી અમેં પસાર થઈ રહ્યા હતા ત્યારે બાહ્ય વાતાવરણ એટલું આહલાદક હતું કે સ્વાભાવિક રીતે ચા પીવાની ઈચ્છા હૈયે ટળવળે જ. ઠંડો પવન, ઝાકળ બાજી જાય એવું વાતાવરણ, અડધી રાત્રીનો સમય અને ઘનઘોર અંધારાની વચ્ચે આછા આછા પ્રકાશમાં એક ચા ની લારી દેખાઈ.

સૌ ચા પીવા નીચે ઉતર્યા, પપ્પાએ મને પણ કહેલું કે અહીંની લીલી ચા નો સ્વાદ ખરેખર સ્વાદીષ્ટ હોય છે, પરંતુ મને ચા પ્રત્યે ઓછો લગાવ એટલે મેં વધુ ધ્યાન ના આપ્યું અને હું ગાડીમાં આડે પડખે થઈ. ચા પીઈને સૌ આવ્યા એટલે હું બેઠી થઈ,સૌ ગાડીમાં ગોઠવાયા અને ગાડી ફરીથી ગતિ પકડી મંજિલ તરફ દોડવા લાગી.

સૌની આંખો ઘડી ઝેર ભાંગવા થોડી મીંચાતી અને ખુલી જતી. ગાડી થોડી ચાલી ત્યાં હું ઝબકી અને સામેની સીટ પર બેઠેલા ફુવાના શર્ટનું ખિસ્સું ફંફોળવા લાગી અને હિન્દીમાં બોલી કે, “આલ!,આલ!, તીસ નંબર બીડી આલ. હેય…!, બોલા ના…, તીસ નંબર બીડી આલ”.

સૌ ઝોલા ભરી ઊંઘમાં હતા. માત્ર એક પપ્પા જાગતા હતા. થોડીવાર તો સૌને એવું જ થયું કે હું કંઈક બબડું છું, પરંતુ મારી નજર, મારો અવાજ, મારી બોલી, મારી ભાષા, અને મારી રજુઆત પપ્પાની દ્રષ્ટિને કંઈક અલગ લાગી.

હું અંદાજે ચારથી પાંચ વાર બોલી હોઈશ કે આલ આલ તીસ નંબર બીડી આલ. ફુવાએ એના ખિસ્સા સુધી ગયેલો મારો હાથ એક ઝટકો મારીને તરછોડ્યો અને બોલ્યા, “જા હવે! અહીં કોઈ બીડી નથી, સુઈ જા હવે”. હું થોડીવાર ગુસ્સે થઈ અને સુઈ ગઈ.

સવાર પડતા અમે નાસિક પહોંચ્યા, ત્યાં ધર્મશાળામાં રોકાયા. મારા સિવાય સૌને રાત્રે ઘટેલી ઘટનાની જાણ હતી. સૌ મારી સામે જોઇને હસતા હતા પરંતુ સૌના હસવાનું કારણ હું સમજી નહોતી શકતી. મને એમ હતું કે પાણી જતું રહેલું અને મારે હજુ નહાવાનું બાકી છે એટલે સૌ હસતા હશે.

પપ્પાએ મને નજીક બોલાવી, હું પપ્પા પાસે ગઈ. પપ્પાએ મને પૂછ્યું બેટા, “બીડીમાં કેટલા પ્રકાર આવે?”

મેં કહ્યું પપ્પા કોઈ સારી વાત પુછોને!, આવી વાતો શું કરો છો સવાર સવારમાં?

પપ્પાએ ફરીથી કહ્યું તું જે જાણતી હોય એ કહે, “મેં કહ્યું બીડી આવે અને બીસ્ટોલ આવે બીજું મને કંઈ નથી ખબર”. મને બીડીથી સખત નફરત છે એ જાણવા છતાંયે આવું ને આવું જ પૂછ્યા કરે મને હું બબડી ઉઠી.

પપ્પાએ કહ્યું, “કે તે આજ પહેલા ક્યારેય તીસ નંબર બીડીનું નામ સાંભળ્યું છે?”

મેં કહ્યું, “ના, મને નથી ખબર કે બીડીના નામ પણ અલગ અલગ હોય!”.

મેં પૂછ્યું, ” કેમ પણ તમે મને આવું શા માટે પૂછો છો”?

સૌને આ વાતની જાણ હતી તેથી સૌ બોલવા લાગ્યા આલ, આલ તીસ નંબર બીડી આલ… હું મંત્રમુગ્ધ બની સૌને નિહાળતી રહી અને સૌ મારી મજાક કરતા હતા એટલે આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા.

પપ્પાએ ગઈ રાત્રે મારી સાથે બનેલી સઘળી વાત મને જણાવી અને કહ્યું, “જ્યારે હું દસમું ભણતો ત્યારે તીસ નંબર બીડી બંધ થઈ ગયેલી એ પછી ક્યારેય તીસ નંબર બીડીનું નામ સાંભળ્યું નહોતું, આજે અચાનક 35 વર્ષ પછી સાંભળ્યું તો અચરજ પામ્યો”.

પપ્પા અને અન્ય પરિવારજનોના મનમાં આ વાત ઘર કરી ગઈ કે જે વસ્તુની મને સ્વપ્ને પણ જાણ નથી એ વસ્તુનો ઉલ્લેખ મેં કેવી રીતે કર્યો? આખરે એ તીસ નંબર બીડી વિશે હું કેમ બોલી? હું ઘણીવાર ઊંઘમાં બોલું છું, પરંતુ મારી ભાષા, મારો અવાજ, મારો લહેકો ક્યારેય નથી બદલાયો. તો આજે કેમ આવું બન્યું?

બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરી સૌ ગુજરાત સુરત ખાતે પાછા ફરી રહ્યા હતા. ફરીથી અમારી ગાડી બપોરે 2 વાગ્યે એ જંગલમાં પહોંચી. સૌ ફરીથી લીલી ચા પીવા ત્યાં ઉભા રહેલા આ વખતે હું પણ સાથે ગયેલી.

પપ્પાએ એ ચા વાળાને પૂછ્યું, તીસ ભાઈ બીડી મળશે? એ ચા વાળાના ચહેરાનો રંગ ઉડી ગયો, એની અંદર છુપી કોઈ વાત જાણે એ કહેવા માંગતો હોય એવો ભાવ એના ચહેરા પર તાદૃશ્ય થયો. એ ચા વાળો બોલ્યો કોને પીવી છે? પપ્પાએ કહ્યું છે કે નહીં તું એ કે? એ બોલ્યો હું માત્ર રાત્રે જ બીડી વેચું છું, દિવસે નહીં. એની વાતમાં કંઈ તથ્ય લાગ્યું એટલે પપ્પાએ પૂછ્યું કેમ એમ?

એ ચા વાળો બોલ્યો તમે જે તીસ નંબર બીડી માંગી એ બીડી મારી પાસે રાત્રે ઘણાંએ માંગી છે, કહેવાય છે કે આ જંગલમાં ઘણાં અતૃપ્ત શરીર મૃત્યુ પામ્યા છે, અને એ લોકો પોતાની અધૂરી ઈચ્છાઓ અહીં આવનાર લોકો પાસે પુરી કરાવે છે. એ વાતનો હું સાક્ષી રહ્યો છું, કે કોઈ પાંચ વર્ષનું બાળક પણ અહીં અનોખી અનોખી વસ્તુઓની માંગણી કરે છે.

મારા પપ્પાએ તે રાત્રે બનેલી ઘટનાની તે ચા વાળાને વાત કરી. તેણે કહ્યું આ વાત આ જંગલમાં સામાન્ય છે. જેના મનનું મનોબળ નબળું હોય તેવા લોકો આવી ઘટનાનો શિકાર બને છે. કદાચ તમારી દીકરીને એ રાત્રે બીડી આપી હોત તો એ પીવત એમાં નવાઈ નહીં. આ વાત સાંભળી સૌ સ્તબ્ધ બની ગયા. મને તો ઘેર પહોંચતા જ 104 ડીગ્રી તાવ આવી ગયેલો. કારણકે મારા મનનું મનોબળ ખૂબ જ નબળું હતું અને હું ડરપોક હતી.

સતત મનમાં એક જ સવાલ ઉદ્દભવ્યા કરતો કે બીજા કોઈ સાથે નહીં પરંતુ મારી સાથે જ કેમ આવું બન્યું?

એનો જવાબ એટલો જ હશે કે જ્યારે આપણે આ દુનિયા સમક્ષ થાકેલા, હારેલા, મુંજાયેલા અને ડરેલા રહીશું તો આ દુનિયાના બાહ્યપરિબળો આપણને જલ્દી અસર કરી આંતરિક રીતે તોડી નાંખશે. એક પોલા ઢગલા જેવા નહીં પરંતુ કઠોર પહાડ જેવા બનીએ જેથી કોઈ આપણને તોડવા મથે તો પણ એને મોઢે ફીણ આવી જાય.

અહીં અભિવ્યક્ત કરેલી સત્યઘટના કદાચ ભણેલી વ્યક્તિ ના સ્વીકારી શકે! પરંતુ એ ઘટના મારી સાથે બન્યા પછી હું આંતરિક ખૂબ જ મજબૂત બની છું. ઘણીવાર આપણે મજબૂત બનવા માંગીએ તો પણ નથી બની શકતા, પરંતુ આવી નાની મોટી ઘટના આપણને અંદરથી અને બહારથી ખૂબ જ મજબૂત બનાવી દે છે.

અંતે એક શેર મસ્ત બને છે જે અહીં ટાંકુ છું,

“હેય!, વિઠ્ઠલ તિડી,
આલ તીસ નંબર બીડી” 😊

🖊️Ankita Mulani

મળવાની છેલ્લી ઈચ્છા (પત્ર)

Mothers Day Special

મારી વ્હાલા દુનિયાની બેસ્ટ મમ્મી,

તને લાગતું હશે ને! કે આ પત્ર મેં 3 વર્ષ પછી કેમ લખ્યો અને એ પણ વ્હાલી મમ્મી એવી શુભ શરૂઆત સાથે? હું જ્યારે ઘર છોડીને ભાગી ગઈ ત્યારે કદાચ હું ભવિષ્યની પરિસ્થિતિથી તદ્દન અજાણ હતી, હું સ્વાર્થી માત્ર મારો જ વિચાર કર્યો. નાનો ભાઈ, પપ્પા અને તને એ ક્ષણે ભૂલી જ ગયેલી.

જ્યારે તારા ગર્ભમાં લાત મારતી ત્યારે તું હસી પડતી હશે ને! આજે ખરેખર હું તારા અને પપ્પાના જીવનને લાત મારીને ચાલી ગઈ. પણ મમ્મી તું અને પપ્પા તો મને કદાચ સ્વીકારી પણ લેત પરંતુ આપણો પડોશ, આપણી સોસાયટી, આપણાં સગાંવહાલાં, આપણો સમાજ કદી ના સ્વીકારત. કારણ કે એ લોકોની માન્યતા એવી જ છે કે દીકરીના જીવનનો નિર્ણય એ જાતે ના લઈ શકે, મા બાપ કહે ત્યાં જ પરણવાનું. પણ તે મારી સહેલી ધારાનું જીવન જોયું ને! બિચારી ત્રણ ઠેકાણાં બદલી તો’યે ઠેકાણે નથી પડી. જો એ ઈચ્છતી હતી ત્યાં રેવામાસીએ લગ્ન કરવાની મંજૂરી આપી દીધી હોત તો આજે આટલી દુઃખી ના હોત.

હું એવું નથી કહેતી કે તે અને પપ્પાએ શોધેલા ઠેકાણે હું પણ દુઃખી થાત, પણ મને ખબર નહીં ક્યારે સિદ્ધાર્થ સાથે અતૂટ લાગણીઓ બંધાઈ ગઈ! એવું નથી કે તને અને પરિવારને મેં સાચો પ્રેમ નથી કર્યો, પરંતુ મમ્મી હું સિદ્ધાર્થ વગરનું જીવન વિચારી જ નથી શકતી. અને તારા દબાણ નીચે જીવતા જીવતા ક્યારે સિદ્ધાર્થ મને લેવા આવ્યો અને હું ચાલી ગઈ એની મને ભાન જ ના રહી.

આજે મારા ઘેર કોઈ પણ મહેમાન આવે છે તો એ મને જોઈને પહેલાં તને યાદ કરતા કહે છે શું માતાના સંસ્કાર છે! આવી વહુ તો ડામશીએ દીવો લઈને ગોતવા નીકળીએ તો’યે ના મળે. સિદ્ધાર્થ અને આકૃતિની કેમેસ્ટ્રી ખૂબ જ જોરદાર છે. અમે બીજાને પણ દાખલા આપીયે છીએ કે જાવ આકૃતિ પાસે અને જઈને જુવો કે ઘર, નોકરી, ઘરડા મા બાપની સેવા વચ્ચે તાલમેલ કેમ જાળવવો? આ બધી જ શીખ મમ્મી મને તે જ આપેલી છે. હું આજે કોઈ માટે ઉદાહરણરૂપ બની છું તેનો આધારસ્તંભ મમ્મી તું છે.

તે ક્યારેય મારા કે ભાઈ વચ્ચે ભેદભાવ નથી કર્યો, જે વસ્તુ અને જે સુવિધાઓ તે એને આપી છે એ જ વસ્તુ અને એવી સુવિધાઓ તે મને આપી છે. તારે ખોળે એક દિકરી હતી તો તારા અંતરમનમાં એક શાંતિ હશે ને કે જીવનનો થાક મારી પાસે ઉતારી શકીશ પણ મેં તો કદાચ તારા આ મહામુલા સ્વપ્નાઓ પર પાણી જ ફેરવી નાખ્યું.

મારો પરિવાર અને સિદ્ધાર્થ મારાથી ખૂબ જ ખુશ છે અને હું પણ સૌથી ખુશ છું, પણ જીવવામાં હજુ કંઈક અધૂરપ લાગે છે અને એ અધૂરપ છે તારી અને આપણા પરિવારની. હું આજે અનેક સફળતાઓ મેળવીને ઘણી ખુશ થાઉં છું, મનોમન તને યાદ કરીને રડી પડાય છે. તારા ફોટાને છાતી ચરસો ચાંપી હિબકે ચડી જવાય છે. ભૂતકાળના એ બાળપણના દિવસો યાદ કરતા કરતાં ક્યારેક ભૂલી જવાય છે કે હું આજે સિદ્ધાર્થની પત્ની બની ચુકી છું અને એક નાનકડી દીકરીની માતા પણ…

હા મમ્મી એક વર્ષ પહેલા જ મેં એક દીકરીને જન્મ આપ્યો છે અને તે પણ પ્રથમ જૂને. તારો અને એનો જન્મ દિવસ સાથે જ છે. તું હવે માત્ર મારી મમ્મી જ નથી રહી તું મારી દીકરીની નાની બની ગઈ છે. તે બિલકુલ તારી જ હમશકલ છે. જ્યારે માતા બની ત્યારે જ તારા દર્દનો અનુભવ કરી શકી. હું મારી દીકરીને એક મિનિટ માટે પણ દૂર નથી રાખી શકતી, મારા ગયા પછી તારું જીવન કેવું બની ગયું હશે? સગાસબંધીઓએ તારી ઉપર કેટલાં માછલાં ધોયા હશે કેવા તને મેં’ણા ટો’ણા માર્યા હશે? અને વાંક મારો હતો છતાંયે તે કેટલું સાંભળ્યું હશે?

મમ્મી હું જેમ તારી આંગળી પકડીને તારી સાથે ચાલતી એમ મારે હજુ ચાલવું છે, તારી છાતી પર માથું મૂકીને સૂતી એમ સૂવું છે, તારા હાથેથી જમતી તેમ જમવું છે, અને હાલરડું ગાઈને સુવડાવતી તેમ આજેય સૂવું છે. આખો દિવસ મારો વ્યસ્તતામાં નીકળી જાય છે પરંતુ તારી પાસે જે નિરાંતનો અનુભવ કરી શકતી એ નિરાંત મને આજે ત્રણ કરોડના ઘરમાં નથી અનુભવાતી.

સિદ્ધાર્થ અને ઘરે સૌનો સ્વભાવ ખૂબ જ સારો છે, સિદ્ધાર્થ ખૂબ જ મહેનતુ છે. ખબર નહીં મારા પરિવાર અને સિદ્ધાર્થ વિશે તને ખોટી જાણકારી કોણે આપી અને તે અને પપ્પાએ કંઈ તાપસ કર્યા વિના જ એ સત્ય માનીને મને સિદ્ધાર્થને ભૂલી જવાની વાત કહી હતી. ત્રણ વર્ષમાં મને કોઈએ અહેસાસ નથી થવા દીધો કે હું ભાગીને આવી છું. મારા સાસુએ પણ દિકરીથી વિશેષ પ્રેમ આપ્યો છે છતાં પણ તારા પ્રેમની હૂંફ ઝંખું છું. તારું વ્હાલ ઝંખું છું.

વેકેશનમાં મામાની ઘેર તો જતી રહેતી પરંતુ ત્યાં જ્યારે એકલું લાગતું અને ક્યાંય ગોઠતું નહીં ત્યારે તું જે દિવસે લેવા આવવાની હોય અને કેવી હું કાગડોળે રાહ જોયા કરતી અને તને જોઈને તને ભેંટીને હું કેટલું રડતી અને ઘરે જવાની જીદ કરતી બસ આજે પણ એ ક્ષણ ફરી આવે એવું ઈચ્છું છું બસ ફર્ક એટલો છે કે આજે મામાના ઘરે નહીં પણ મારા ઘરે છું.

ઘણીવાર એવું થયેલું કે હું તારી પાસે આવું પરંતુ તારા એ શબ્દો આપણાં ઘર તરફ આવતા મારા ડગલાં રોકી દે છે. હું ભાગીને ગઈ અને લગ્ન કરી લીધા ત્યારે તને મારા પરિવારે કોલ કરેલો અને જ્યારે આપણી વાત થઈ ત્યારે તે કહેલું કે, “આજ પછી ક્યારેય આ ઘર તરફ પાછું વળીને જોયું કે આ ઘરે તારા પગલાં પડ્યા એ પછીથી તું ક્યારેય મારું મોઢું નહીં જોવે” તારા આ શબ્દો મને કંપાવી દે છે, હું પપ્પાને એકલા સ્વપ્ને પણ ના વિચારી શકું અને નાના ભાઈને હજુ તારી ખૂબ જરૂર છે, ભાઈના લગ્નનો વર મા બનવાનો શોખ તારો અધુરો રહી જાય, એટલે વિચાર્યું કે જ્યારે સામેથી તું આપણા સંબંધો સ્વીકારીશ ત્યારે જ પાછી આવીશ.

આજે હું મારા પરિવાર સાથે દરેક તહેવાર ઉજવું છું, પરંતુ તારી સાથે દિવાળીએ દિવા પ્રગટાવવાની, ફટાકડા ફોડવાની, મીઠાઈઓ બનાવવાની અને ફરવા જવાની મજા જ કંઈક અલગ હતી. તું તારી પહેલા પણ મારું વિચારતી, અને હું સ્વાર્થી તારો એકવાર પણ વિચાર કર્યા વિના…

તું એક વાર તો મને મળીશને? મને અને મારી દીકરીને તારી છાતીનું વ્હાલ આપીશને? સિદ્ધાર્થ અને અમારા પરિવારને સ્વીકારીશને? આપણા સગાંવહાલાં, સોસાયટી અને સમાજના બંધનની ટીકાની પરવાહ કર્યા વિના એકવાર મને અપનાવીશને? બસ મારી આ છેલ્લી ઈચ્છા છે.

હું ભાગીને ગઈ ત્યારે લોકોએ મારી ખૂબ ટીકા કરી હશે ખૂબ જ બદ્દદુવા આપી હશે, કદાચ તારી અને પપ્પાની જીભેથી પણ મારા માટે બદ્દદુવા અને અપશબ્દો નીકળ્યા હશે પરંતુ હું એટલું તો જાણું જ છું કે તમે દિલથી મારા માટે કદીયે ખરાબ નહીં વિચાર્યું હોય. પરંતુ તારી અને પપ્પાની ઈજ્જત ઉપર પાણી ફેરવીને જનારીને પ્રભુ ક્યાં જન્મે સુખી કરે?

હાલ જ મારી તબિયત લથડતા જાણ થઈ કે મને છેલ્લા સ્ટેજનું ફેફસાનું કેન્સર છે, જેના ઈલાજ માટે ઘણું મોડું થઈ ગયું છે. કદાચ હું મારા પરિવાર, મારી દીકરી, સિદ્ધાર્થ અને તારી સાથે પણ ખૂબ જ ઓછા દિવસોની મહેમાન છું. ખબર નહીં ક્યારે અંતકાળ આવી જાય! એક દિવસ તો સૌને પ્રભુ પાસે જ જવાનું છે પરંતુ આ જન્મે હું તને એકવાર મળ્યા વિના નથી જવા માંગતી, મારી દિકકરીનો હાથ મારે તારા હાથમાં સોંપવો છે જેથી તું એનું ભવિષ્ય સુધારી શકે, અને સિદ્ધાર્થને બીજા લગ્ન કરવા માનવી શકે, મારા ગયા પછી તે એકલા થઈ જશે, એ જીવી નહીં શકે. આ ઉંમરે તેને વિધુર જોવાની તાકાત તેના મા બાપમાં નથી.

આવતા જન્મે ફરી મળીશું, મમ્મી હું પ્રભુ પાસે જઈને એમ જ કહીશ કે મને આવતા જન્મે તારા જ ખોળે જન્મ મળે અને મારી આ અક્ષમ્ય ભૂલ સુધારવાનો મોકો મળે. મમ્મી મને કંઈ થઈ જાય એ પહેલાં મને મળવા આવીશને? એમ કરજે તું 9 મેં ના રોજ જ મળવા આવજે ત્યારે હું પણ તને છેલ્લીવાર મળી લઉં અને મારી દીકરી પણ મને છેલ્લી વાર મળી લેય. આવતી 9 મેં સુધી હું તમારી વચ્ચે નહીં હોઉં એ નક્કી છે. મમ્મી તું એકવાર પ્લીઝ હૈયે પથ્થર મૂકીને પણ આવજે કારણ કે હું ત્યાં હવે નહીં આવી શકું. મારી આ છેલ્લી ઈચ્છા એક પુરી કરજે, મને મમ્મી તું મધર્સ ડે ના દિવસે મળવા આવજે.

લી. તારી લાડકડી આકૃતિ.

🖊️Ankita Mulani

ગામડિયો

પ્રેરણાત્મક વાર્તા

દીક્ષા હજુ તો માંડ પાંચ વર્ષની થાય એ પહેલા જ માતા અમૃતાબેનનું એક કાર એક્સસિડેન્ટમાં ગંભીર મૃત્યુ થયું. પપ્પા રાકેશભાઈ એકલા માથે દીકરીની, ઘરની, વ્યવહારિક કામકાજની અને કમાણીની જવાબદારી આવી પડી. સમાજ કહેતો કે બીજા લગ્ન કરી લેવાય પરંતુ રાકેશભાઈને વિચાર આવતો કે આવનારી સ્ત્રી કદાચ મને તો ખુશ રાખશે પરંતુ દીક્ષાને અમૃતા જેવો પ્રેમ આપશે કે નહીં? એ વિચારથી જ બીજા લગ્ન કરવાનું માંડી વાળેલું.

દરરોજ અમૃતાબેનનો દીવાલ પર ટાંગેલો ફોટો જોતા ત્યારે રાકેશભાઈની આંખોમાંથી શબ્દોની અભિવ્યક્તિ થતી કે હજુ તો દીક્ષા નાની છે પછી મોટી થાશે હું બધું એને કેમ શીખવાડીશ? એના જીવનમાં આવનારા વળાંક સામે ટકી રહેતા, એના શરીરમાં ઉંમરની સાથે સાથે આવનારા ચેન્જીસને સહજભાવે સ્વીકારતા કેમ શીખવાડીશ? આજે તારી ગેરહાજરી મારા માટે નહીં પરંતુ દીક્ષા માટે ખૂબ ખટકે છે.

પપ્પાના દરેક વેણને ઝીલતી દીક્ષા આજે 18 વર્ષની પૂર્ણ થવા જઈ રહી હતી. શક્ય તેટલી તમામ બાબત રાકેશભાઈ દિક્ષાને ખૂબ જ શાંત ચિત્તે સમજાવતા. તેના પરિણામે દીક્ષા રસોઈમાં પણ નાની ઉંમરે જ અવ્વલ બની ગઈ હતી.

દીક્ષા હવે બે ચોટલા વાળી યુનિફોર્મ પહેરી જનારી સ્કૂલમાંથી જીન્સ ટીશર્ટ વાળી કૉલેજમાં ભણવા જઈ રહી હતી. પપ્પાની ઈચ્છા મુજબ દિક્ષાએ કોમ્પ્યુટર એન્જિનિયરીંગમાં પ્રવેશ લીધો. થોડા દિવસ તો દીક્ષા કૉલેજથી ઘરે આવતી તો દરેક બાબત પપ્પા સાથે શેર કરતી. પછી બાપ દીકરી વચ્ચે વાતો ઓછી થવા લાગી. ઘણીવાર રાકેશભાઈને એમ થતું કે લાવ દીક્ષા સાથે થોડી વાતો કરું, પરંતુ દીક્ષા પોતાના કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત જ હોય.

દિક્ષાના વર્ગખંડમાં એક ઋતુલ નામનો એક ગામડાનો છોકરો ભણવા આવ્યો હતો. બિચારો ખૂબ જ સીધો સાદો. એટલે પુરી કૉલેજના સિનિયર સ્ટુડન્ટસ તેના ભોળપણાનો ફાયદો ઉઠવતા. દિક્ષાનું મિત્રવર્તુળ પણ તેની મજાક ઉડાડતું. તેમ છતાંયે ઋતુલ સૌની ટીકા, ઉપેક્ષાને પર થઈને પોતાના ભણવાથી મતલબ રાખતો.

એક દિવસ કૉલેજથી છૂટયા પછી સૌ વિદ્યાર્થીઓને કૉલેજની એક સ્પોર્ટ્સ ઈવેન્ટમાં જવાનું હતું. દીક્ષા પોતાની એક્ટિવા લેવા માટે પાર્કિંગમાં ગઈ. ત્યારે ઋતુલ ચણા ખાતો પાર્કિંગમાં કોઈની રાહ જોઈ રહ્યો હોય તેમ ઊભો હતો. દિક્ષાએ પિંક ટોપ અને સફેદ જીન્સ પહેર્યું હતું. પાતળો સરખો શરીરનો બાંધો અને ભીનો વાન, સાથે ખુલ્લા વાળ અને સોનેરી ફ્રેમના સન ગોગલ્સ તેની આભામાં અભિવૃત્તિ કરી રહ્યા હતા.

જીવનમાં પહેલીવાર ઋતુલે કોઈ છોકરીના પેન્ટના પાછળના ભાગમાં લોહીનો ડાઘ જોયો હતો, થોડી વાર વિચાર્યું કે અહીં પાર્કિંગમાં કોઈ હાજર નથી એટલે દીક્ષા સાથે વાત ન કરી શકાય. પરંતુ દિક્ષાને આ હકીકતથી અવગત કેમ કરવી? મનમાં ચાલી રહેલા મનોમંથન વચ્ચે એક વિચાર આવ્યો કે પોતે પોતાનું જેકેટ દિક્ષાને આપે અને એટલું જ કહે કે લે આ જેકેટ અત્યારે તારી કમર પર બાંધવું જરૂરી છે.

ઋતુલ જ્યારે શહેરમાં ભણવા આવ્યો ત્યારે ઠંડીથી બચવા તેના મમ્મીએ એક જેકેટ આપેલું જે જેકેટ આજે પોતે એકવાર પણ ખચકાયા વગર દિક્ષાને આપવા જઈ રહ્યો હતો. દીક્ષા પોતાની એક્ટિવા લઈને નીકળે એ પહેલાં જ ઋતુલે સાદ પાડ્યો દીક્ષા એક મિનિટ રોકાઈ જા, એક ખાસ કામ છે. દિક્ષાએ એક્ટિવા ઊભી રાખી અને બોલી તારી જેવા ગામડિયાને વળી મારુ શું કામ હોઈ શકે? ચાલ એક બાજુ જા, અને રસ્તો આપ. ઋતુલે ફરી વિનંતી કરી, પ્લીઝ દીક્ષા બસ એક મિનિટ. દીક્ષા બોલી જલ્દી બોલ તારી એક મિનિટનું કામ. મારી પાસે વધુ સમય નથી, મેં લોન્ગ ઝમ્પમાં પાર્ટીસિપેટ કર્યું છે તેથી મારે ઈવેન્ટમાં પહોંચવાની ઉતાવળ છે, હું કંઈ તારી જેમ ચણા ખાવા નવરી નથી.

ઋતુલે પોતાનું ઑરેન્જ કલરનું જેકેટ કાઢ્યું અને દિક્ષાને આપતા કહ્યું લે આ જેકેટ તારી કમર પર બાંધી દે તું વધુ સારી લાગીશ. ત્યારે પહેલા તો અસ્વીકાર કર્યો. પરંતુ ઋતુલના હઠાગ્રહથી દીક્ષા કમર પર જેકેટ બાંધીને પુરફાટ સ્પીડે ઈવેન્ટ પર પહોંચવા નીકળી ગઈ.

સ્પોર્ટ્સ ઈવેન્ટમાં જઈને પોતે લોન્ગ ઝમ્પનું મેદાન શોધ્યું અને પોતાનો વારો ક્યારે છે તે તપાસ કરી. થોડી જ વાર પછી ચોથા ક્રમ પર દિક્ષાનો વારો હતો. ઈવેન્ટનો શુભારંભ થયો. દરેક રમતો શરૂ થઈ, અનેક કૉલેજના વિદ્યાર્થીઓ ત્યાં ભાગ લેવા આવ્યા હતા.

દિક્ષાનો વારો આવ્યો. કમરે ઑરેન્જ કલરનું જેકેટ બાંધીને દોડતી દોડતી આવી અને 2.6 મીટરનો પ્રથમ ઝમ્પ માર્યો. બીજો 2.8 મીટરનો ઝમ્પ માર્યો અને ત્રીજો વિથ મોર સ્ટેમીના સાથે 3.2 મીટરનો ઝમ્પ માર્યો. સહપ્રતિસ્પર્ધીઓની વચ્ચે દીક્ષા અવ્વલ રહી.

ઘરે ગઈ તો પહેલા પપ્પાને આ ગુડ ન્યૂઝ આપ્યા કે પોતે લોન્ગ ઝમ્પમાં સર્વોચ્ચ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલ અને ટ્રોફી હાંસલ કરી છે. પપ્પા ખૂબ જ ખુશ થયા કે દીકરી ભણવા સિવાયની અન્ય એકટીવીટીમાં પણ મોખરે છે.

રાકેશભાઈને ઘણીવાર દિક્ષાની કૉલેજ પર જવાનું થતું, તેથી દિક્ષાની કમર પર બાંધેલા ઑરેન્જ જેકેટ જોઈને તરત જ પૂછ્યું આ જેકેટ તો… ઋતુલનું છે! તારી પાસે ક્યાંથી? દિક્ષાએ કહ્યું કે પોતે આ જેકેટ કમર પર બાંધશે તો વધુ સારી લાગશે તેવું ઋતુલે કહ્યું એટલે બાંધી લીધેલું. પણ અત્યારે તો હું ઘરે આવી ગઈ છું. જેકેટ કાઢીને ઘરનાં એક ખૂણામાં ઘા કરતા બોલી ઘરે હું જેવી લાગુ તેવી મને અહીં ક્યાં કોઈ જોવાનું છે! થોડી વાર તો રાકેશભાઈને એવું જ લાગ્યું કે દિક્ષા અને ઋતુલ વચ્ચે કોઈ….મનમાં વિચાર્યું કે ઋતુલે જેકેટ કેમ આપ્યું હશે?

દિક્ષા ત્યાં જ બોલી ઉઠી કે પપ્પા હું ફ્રેશ થઈને આવું પછી આપણે આજે હું સ્પોર્ટ્સમાં અવ્વલ રહી તેના સેલીબ્રેશન માટે  ક્યાંક બહાર જમવા જઈશું. દિક્ષા ઊભી થઈને ઉતાવળે ડગલે બાથરૂમ તરફ જાય છે. જતી વેળાએ પપ્પા દિક્ષાના પેન્ટ પર લોહીનો ધબ્બો જુવે છે અને ઋતુલનો ઓરેન્જ જૅકેટ માટે મનોમન ધન્યવાદ વ્યક્ત કરે છે.

કદાચ જો ઋતુલે જૅકેટ ના આપ્યું હોત તો પોતાની દીકરી આજે કૉલેજમાં મજાક બની જાત. આખી કૉલેજ તેને ગામડિયો કહેતી એ આજે સાર્થક કરી બતાવ્યું, ગામડાના લોકોમાં એકબીજાને સહકાર આપવાની ભાવના હોય. પાર્કિંગમાં ઈચ્છત તો એ દિવસે ઋતુલ દિક્ષાની મજાક કરી શક્યો હોત પરંતુ ઋતુલે નિઃસ્વાર્થભાવે દિક્ષાની મદદ કરી તેમાં ઋતુલના ઘરના સંસ્કાર છતાં થયા.

સવારે પેપર વાંચતી વેળાએ રાકેશભાઈને રોજે એકાદી બળાત્કાર કે પછી છેડતીની ઘટના વાંચવા મળતી તેથી રાકેશભાઈને આજના યુવાધન પ્રત્યે થોડી નફરત હતી. પરંતુ ઋતુલ જેવા ખાનદાની દીકરાને જોતા એ નફરત અહોભાવમાં, આભારભાવમાં પરિણમી. અનુભવ્યું કે દરેક છોકરો સરખો નથી હોતો, અમુક ઋતુલ જેવા પણ હોય છે. જે પોતાનો સ્વાર્થ ના વિચારતા અન્ય છોકરીની રક્ષા કરે છે. આવી સેવાનો મુખ્ય નાયક બનવું ખૂબ જ અઘરું છે.

કોઈ બળાત્કારની કે છેડતીની ઘટના બને તો તરત જ ન્યૂઝ વાળા પહોંચી જાય છે, આવી અંગત રીતે બનતી ઘટનાઓને તો વાચા જ નથી મળતી. તેથી યુવાધન પ્રત્યે આપણી માનસિકતા ક્યારેય નહીં બદલાય.

ફ્રેશ થતી વેળાએ દીક્ષા પણ ઋતુલના ઑરેન્જ જેકેટ પાછળનું કારણ સમજી શકી. થોડીવાર તો સૌ ગામડિયો કહીને ચિડવતા અને તેની મજાક ઉડાવતો પ્રસંગ નજર સમક્ષ તરી વળ્યો. અને મનોમન ઋતુલનો ધન્યવાદ કરતી દિક્ષા પોતાના ઋતુલ સાથે કરેલા ખરાબ વ્યવહાર માટે પોતાની જાતને કોસતી રહી.

બીજા જ દિવસે ઋતુલના ફોટા સાથે રાકેશભાઈએ બનેલી સત્યઘટના પપેરમાં છપાવી એ હેતુથી કે દરેક છોકરા સરખા નથી હોતા. અમુક ઋતુલ જેવા પણ હોય છે. બીજા દિવસે સવારે કૉલેજ જતી વેળાએ ધોયેલુ ઑરેન્જ જેકેટ હાથમાં લીધું અને આભરપત્ર લખી દીક્ષા પાર્કિંગમાં પહોંચીને ઋતુલની “ગામડિયા”ની રાહ જોતી ઉભી હતી…..A+

🖊️Ankita Mulani