section and everything up till
*/ ?> Adarsh Prajapati Archives - Shabdoni Sangathe

ફિલ્ટર

ચિંતનલેખ – ફિલ્ટર

જ્યારથી પત્રવ્યવહાર બંધ થયો ત્યારથી આપણે ઈન્ટરનેટ અને સોશિઅલ મીડિયા સાથે સંધિ કરી છે. આમ તો સદંતર બંધ નથી થયો પણ કહેતા આશ્ચર્ય થાય છે કે અમુક નવયુવકો એ પત્ર વ્યવહારને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને એવું લાગે છે કે આપતા જ રહેશે. એમની રૂઢિઓને આગળ લઈ જવાની ધગશની ખરેખર દાદ આપવા જેવી છે. બીજી તરફ નાનકડા બાળકના હાથમાં મોબાઈલ આપી દેવામાં આવ્યા છે. એક ટેણી બીજા બાળકને ખેતરમાં રમવા બોલાવવાની જગ્યાએ ગેમમાં કસ્ટમ રમવાની વાતો કરે છે. ઈન્ટરનેટ એ ખરેખર દુનિયાને એક અલગ જ સ્વરૂપ આપી દીધું છે. હમણાં બે એક દિવસ પહેલાની જ ઘટના કે એક બહેન દ્વારા એક ભાઈને ખરાબ રીતે મારવામાં આવ્યો પરંતુ સોશિઅલ મીડિયાના પીઠબળથી એ પણ સાબિત થઈ ગયું કે એ વ્યક્તિ નિર્દોષ છે. કદાચ સોશિઅલ મીડિયા ના હોત તો આ વસ્તુ ક્યારેય શક્ય જ ના બનતી તથા પોલીસ પણ આ બાબતે ધ્યાન ના આપી એ ભાઈને અંદર કરી દેતી. બિચારો નિર્દોષ આજીવન પીડા સહન કરતો. એટલે એક અંશે આ વ્યાજબી પણ છે અને એક અંશે આ ગેરવ્યાજબી પણ.

બે એક દિવસ પહેલા હું ઇન્સ્ટાગ્રામમાં સર્ફિંગ કરી રહ્યો હતો ત્યાં મને એક પ્રોફાઈલ દેખાઈ. હવે આપણું મન તો ચંચળ ખોલ્યા વગર તો જપે જ નહીં. બસ આંગળીના એક સ્પર્શથી એની પ્રોફાઈલ ખુલી ગઈ. અંદર લખ્યું હતું, “ચોકલેટ લવર, મ્યુઝિક લવર” એકાઉન્ટ ખુલ્લું ન હતું એટલે કે પ્રાઇવેટ હતું એટલે ફોટો જોવા ન મળ્યા. હા ખાલી પ્રોફાઈલમાં એક છોકરીનો ફોટો હતો એ પણ બ્લેક ફિલ્ટરમાં. તપાસ કરતા મને ખબર પડી કે આ તો ૪૦ વર્ષના કોઈક દાદીની પ્રોફાઈલ છે. હવે આ દાદીને દાંતના ચોગઠા કાઢવાની ઉંમરે ક્યાં ચોકલેટ!! જ્યાં જોવો ત્યાં બસ એક અનુકરણ થઈ ગયું છે અનુકરણ નહીં આંધળું અનુકરણ કે પોતે જેવા છીએ એવા દેખાવું નથી.

એક જણની વાત નથી તમારી મારી અને સૌની વાત છે. તમે માત્ર એટલું જ જોવો છે જેટલું સામેવાળો બતાવવા માંગે છે. તમારો સાદો ફોટો મુકવાનો આગ્રહ રાખો ને! ફિલ્ટર વાપરવું જરૂરી છે? ઘણા હમણાં કહેશે કે ભાઈ તમે વાપરો છો અને શિખામણ દયો છો? હા તો ગાંધીજીના પોતાના અક્ષર ખરાબ હતા છતાં પણ તેઓ કહેતા કે ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. તો હું પણ કહું છું કે ફિલ્ટરનો ઉપયોગ કરો પણ માપસર. ઊડતી ઊડતી કોમેન્ટ આવશે કે ભાઈ તમારી પ્રોફાઈલ ફોટો તો જોરદાર છે. હા એકસમયે મનોમન હરખાય પણ જઈશું પરંતુ આપણને જ ખબર હોય છે કે ૫૦ ફોટા પાડ્યા પછી એક સારો આવ્યો હોય છે. બસ એના પરથી એક બોધ લેવો જોઈએ કે તમે લાખ પ્રયત્નો કરો છો એ દુનિયાને ના બતાવો તો ચાલશે પણ એક સફળતા ભર્યો પ્રયત્ન દુનિયા સમક્ષ મુકશો તો લોકો વાહ વાહ કરી ઉઠશે.

આ તો થયું એનું સબળુ પાસું. હવે વાત છે નબળા પાસાની એટલે કે આપણે જે ફિલ્ટર વાપરીને આપણી સાચી ઓળખાણ છુપાવી રહ્યા છીએ એ વ્યાજબી ગણાય ખરું? આજકાલ કેટલા ખરાબ બનાવ બને છે ક્યાંક ને ક્યાંક આ તો જવાબદાર ખરું જ! મારા ખુદની જ વાત કરું તો મેં એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં મેં પાતળા થવાનું ફિલ્ટર વાપર્યું હતું પણ એનો કોઈ ફાયદો ખરો? હા તમારા મનપસંદ લોકો સામે સારા દેખાઈશું એજ ને! બીજું કશું? આ વસ્તુ ક્યાંકને ક્યાંક વિશ્વાસને ખોખલો કરી દે છે. માની લો કે એક વ્યક્તિ ફિલ્ટર વાપરીને જ બધા ફોટા મૂકે જાય છે અને બીજા લોકોને અંધારામાં રાખે છે. શું ક્યારેય એની પોલ નહીં ખુલે? અને હા ખુલશે તો શું સામેવાળી વ્યક્તિ તમને વિશ્વાસમાં લેશે? ભલે ને તમે ગમે એટલા નજીક હશો એ સંબંધમાં ખટાશ આવવી એ તો નિશ્ચિત જ છે.

 

ફિલ્ટરનો ઉપયોગ ન કરો એવું નથી પરંતુ વાસ્તવિકતાને સાચવણી કરતા કરતા ફિલ્ટર વાપરો. મજાક મસ્તી માટે વાપરો એ અલગ વાત છે પરંતુ આની અસરો બહુ ઘાતક બની શકે છે. એટલે જેવા છો એવા જ દેખાવ. પસંદ કરવવાળું તો તમને આંખો બંધ કરીને પણ પસંદ કરી લેશે.

આદર્શ પ્રજાપતિ

સનેપાત

જેવી રીતે આપણે જાણીએ છીએ કે માણસ એક સામાજિક પ્રાણી છે એટલે કે એ સ્પષ્ટ જીવન અને સાર્થક જીવનશૈલીમાં જીવી શકવા સક્ષમ છે. જ્યારે અન્ય કોઈ સજીવમાં કોઈ ને કોઈ ખામીઓ જોવા મળે જ છે. જેમ કે પશુ પંખીઓ બોલી નથી શકતા, એમની પાસે આપણા જેવી બુદ્ધિ નથી કે નવી નવી શોધ કરી શકે. ટૂંકમાં માણસ એક અજોડ પ્રાણી છે જે આપણા સૌ મનુષ્યો માટે ગર્વની બાબત છે. આદિમાનવથી શરૂ કરી માણસે જેમ જેમ જરૂરિયાત ઉત્પન્ન તેમ તેમ શોધ કરવાની ચાલુ જ રાખી છે. જેનું પરિણામ તમે આજના સમયમાં જોઈ જ શકો છો. દુનિયા ખૂબ મોટી છે એમાં ઘણા પ્રકારના લોકો રહે છે. બધાને અલગ અલગ વિભાગોમાં અલગ અલગ રીતે વર્ગીકૃત કરવા અશક્ય થઈ પડે. સ્વાદથી, રંગથી, કપડાથી, વિચારથી, બોલચાલથી, મનોભાવોથી ના જાણે કેટકેટલા ભિન્ન વિભાગોની સૂચિમાં માણસોને મૂકી શકાય. આજે કંઈક જુદા જ પ્રકારના માણસોની વાત છે કે જેને ‘સનેપાતિયા’ તરીકે ઓળખવામાં આવે છે.

 

આમ જોવા જઈએ તો દરેકમાં થોડોક સનેપાત તો હોય જ છે અને હા હોવો પણ જોઈએ પરંતુ અમુક હોય ને કે જેને ભૂખ તો ચાર રોટલીની લાગી હોય પણ જોશમાં ને જોશમાં દસ રોટલીનો ઓર્ડર આપી દે બસ આવા જ લોકો સનેપાતમાં પણ અતિશયોક્તિ કરીને બેઠા હોય છે. આવા લોકોને ઘડી ઘડી સનેપાત આવી જાય. રસ્તા પર ચાલતા ચાલતા જો કોઈ પથ્થર નજરે ચડી ગયો તો પછી તો પતી જ ગયું! એ પથ્થરને બિચારાને ઠેકડા મારી મારી એટલો આગળ લઈ જશે કે જેમ એ પથ્થરને સફળતાની સીડી સુધી ના લઈ જવાનો હોય! વળી પાછું જો લાતો મારી મારી પેટ ભરાય જાય તો એ પથ્થરને છોડવાનો તો નહીં જ, છેલ્લે એને એક જોરથી લાત મારી રસ્તાની નીચે પાડી દેવાનો. આ કરીને સનેપાતિયા લોકોને શું અનહદ આનંદ  થાય કે પૂછો જ ના. અમુકને અમથો અમથો સનેપાત ઉપડતો હોય. ચાલતા ચાલતા કોઈને ટપલી મારીને ચાલ્યા જાય, કોઈની પીઠ થબથબાવી ચાલ્યા જાય. શું એમના હાથમાં ખંજવાળ આવતી હશે?

કેટલાકને નવી નવી વસ્તુ લાવાનો સનેપાત હોય અને વળી તેનાથી વધુ તો વસ્તુ બીજાને બતાવવાનો! નવો મોબાઈલ લાવ્યા તો બધાને બતાવવા કેવો સનેપાત હોય; બસ કોઈનો ફોન ના આવ્યો હોય તો પણ અમથો અમથો ફોન કાઢી એનું લોક ખોલી અંદર એકાદ વાર સ્ક્રોલ કરી પાછો ફરીથી મોબાઈલ બંધ કરવો ત્યારબાદ જોવું કે સામેવાળો મને જોતો હતો કે નહીં. આ અલગ જ પ્રકારનો નશો કહેવાય. એનાથી વળી ઉચ્ચ કક્ષાનો સનેપાત કહીએ તો એ છે બાઇકનો. ઘણા નવયુવાન લોકોને અન્ય કોઈ છોકરીને જોતા ખબર નહીં કેવા પ્રકારનો સનેપાત ઉપડે છે કે એ તરત જ ઝડપ વધારી દે છે. આ તો સાઇલેન્સરનો અવાજ આવે છે એટલે તીવ્ર લાગે પણ જો કદાચ માનવમનનો અવાજ આવતો હોત તો આ પરિસ્થિતિમાં એ ઘણો જ તીવ્ર હોત! બાઇકને નજીકથી એકદમ સમમમ લઈને કાઢવાનો જે સનેપાત છે એ ખરેખર લાભદાયી છે અને ભૂલેચૂકે બ્રેક ના વાગી કે લપસી જવાયું તો તો અતિ ઉત્તમ. શું યાર તમને સ્વર્ગની સીડીઓ પૃથ્વી પર દ્રશ્યમાન થઈ જાય અને જો બચી ગયા તો પછી એકાદ પગ કે હાથમાં સનેપાત નાબૂદ થઈ ચૂક્યો હશે.

 

સનેપાત એ કઈ યુવાન કે કોઈ ચોક્કસ વ્યક્તિમાં નથી હોતો એ બાળપણથી જ આપણી જોડે વિકસિત થઈ જાય છે. નાના બાળકો કે જે ભણવા જાય છે તો ત્યાં પણ સનેપાતના દર્શન થાય જ છે. શું તમારા ક્લાસમાં કોઈ એવો વિદ્યાર્થી નહોતો કે જે હંમેશા સાહેબ કે બેનનો આજ્ઞાકારી બાળક હોય કે જે સાહેબ પ્રશ્ન પૂછતાની સાથે જ જવાબ આપવા ઉછળકૂદ કરતો જ હોય! કે પછી એવો કોઈ કે જેની જોડે નવી પેન્સિલ કે નવો કંપાસ ને નવી બોટલ હોય. એ ફરી ફરીને એ વસ્તુઓ બતાવવા પ્રયત્ન કરશે અને મનોમન ખુશ થશે બસ આ એક પ્રકારનો સનેપાત જ છે.

 

આશા એટલી જ કે તમારામાં આમ જ સનેપાત વિકસતો રહે તથા એ સર્વોચ્ચ શિખરો સર કરે એવી અભ્યર્થના જેથી બીજા લોકોને હસવાનું માધ્યમ મળી રહે. અંતે એક પંક્તિ કે

“ના જોઈએ મારે એકેય પણ વાત.
બસ હવે તો જે છે એ છે સનેપાત.
ગધેડું મારે તો હું પણ મારીશ લાત,
કેમ કે મારામાં છે પોતાનો સનેપાત.”

-આદર્શ પ્રજાપતિ

જરૂરિયાત કેટલી?

“બસ મારે ત્રણ જોડી કપડાં લેવા છે એટલે લેવા જ છે એમાં હું એકનો બે નહીં થાવ.”

“પણ હમણાં તો બે જોડી લાવ્યો હતો હમણાં થોડોક સમય રાહ જો પછી લાવજે.”

“ના ના એ હું ના જાણું મારે જોઈએ જ છે.”

ઉપરના વાક્યોમાં તમને હઠ દેખાતી હશે પરંતુ મૂળ પ્રકાશ જરૂરિયાત પર છે. એના જોડે પહેલેથી બે જોડી છે તો પછી ફરી ત્રણ જોડી લેવાનો કોઈ અર્થ છે ખરો? આવું જ કંઈક આપણે આપણા જીવનમાં પણ કરીએ જ છીએ ને! કોઈ વસ્તુની જરૂરિયાત નથી તો પણ લાવીને ઢગલો કરી દેશું. એક કિલો દાળ જોઈતી હશે તો દસ કિલો લાવી દઈશું! કેમ? કંઈ ખાસ કારણ નહીં તમને દુકાનદાર પાસે એક કિલો માંગતા શરમ આવે બીજું શું? જો તમારે બે જ રોટલીની જરૂર છે તો પછી તમે બે જ લો પછી પાંચ લઈને ભોજન વ્યર્થ કરવામાં કોઈ સાર્થકતા નથી.

ભગવાને તમને સરસ સુખ સાહેબી આપી છે તો એનો ખોટો ઉપયોગ કરવો જરૂરી છે? માની લો કે તમે બહાર ગામ ફરવા માટે ગયા. ત્યાં તમને તરસ લાગી તો તમે એક પાણીની બોટલ ખરીદી. કેટલા રૂપિયામાં? બસ માત્ર દસ કે વીસમાં. હવે અહીં પાણી કેટલું બધું સસ્તું છે. એની જ સરખામણીમાં જો તરસની વાત કરીએ તો? જો તમને પાણી ન મળ્યું હોત અને કદાચ ડીહાયડ્રેશન થઈ ગયું હોત તો તમારે દવાખાનામાં દસના હજાર આપવા પડતા. અહીં પાણી એકદમ સસ્તું છે પરંતુ તરસ મોંઘી છે. જીવનમાં પણ આ જ રીતે ચાલે છે. સુખ એકદમ સસ્તું છે પરંતુ સુખી થવું મોંઘું છે. રસ્તા પર સૂતો માણસ પણ ખૂબ સુખી હોઈ શકે છે અને બંગલામાં રહેતો માણસ પણ ખૂબ દુઃખી હોઈ શકે છે.

જેવી વાત તરસની છે એવી જ વાત ભૂખની છે. ભોજન સસ્તું છે પરંતુ ભૂખ મોંઘી છે. તમે અવારનવાર આવા શબ્દો પ્રયોજતા હશો કે આજે જમવાનું સરસ બન્યું છે, આજે એનો સ્વાદ કંઈક અલગ જ છે વગેરે વગેરે. વાસ્તવિકતાએ એવું કશુંય પણ હોતું નથી. એક માણસને ખેતરમાં મોકલવામાં આવે છે અને આખો દિવસ કામ કરાવવામાં આવે છે અને બીજાને માત્ર ઘરમાં આરામ કરવાનું કહેવામાં આવે છે. બંનેને રાત્રે એકસરખું ભોજન આપવામાં આવે છે. આ ભોજન ખેતરમાં ગયેલા માણસને સ્વાદિષ્ટ લાગશે જ્યારે ઘરમાં બેઠેલા માણસને બિલકુલ નહીં લાગે. કહેવાનો મતલબ તમારી ભૂખ નક્કી કરે છે કે ભોજન કેવું છે. પાંચ દિવસના ભુખ્યાને તો સૂકી રોટલી પણ એકદમ સ્વાદિષ્ટ લાગશે જ્યારે કામ કર્યા વિનાનાને તો છપ્પન ભોગ પણ ફિક્કા લાગશે. જે તે કામ મહત્વ નથી ધરાવતા પરંતુ એમની પાછળના પ્રયત્નો ખૂબ અગત્યના છે. તમને બે ટંકનું ભોજન મેળવી શકો છો તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને એ લાયક બનાવ્યા.

માણસોમાં જરૂરિયાતો અક્ષય છે અને એ અક્ષયપાત્ર ક્યાં છે એ પણ કોઈને ખબર નથી. જેમ જેમ એને તકલીફ પડશે એમ એમ એ નવા નવા ઉપાય શોધતો રહેશે. જરૂરિયાત હોય એટલું જ કરવું જોઈએ. એ પરથી એક બીજો વિવાદાસ્પદ મુદ્દો છે કે માંસાહાર યોગ્ય છે કે નહીં? ઘણા લોકોના મતમતાંતર અલગ હોય શકે એના સાથે કોઈ નિસ્બત નથી. તર્ક કંઈક આવો છે કે આપણે આપણી જીભ માટે આ બધા ખેલ કરી રહ્યા છીએ અર્થાત આપણી જરૂરિયાત સંતોષવા. જીવને મારવાથી પાપ લાગે, નિસાસા લાગે એની વાત નથી કરવી પણ ઘણા લોકો એવું કહે છે કે એનો સ્વાદ શું જોરદાર હોય છે. એ લોકોને એટલું જ કહેવું છે કે જો માંસ ખાવું હોય તો ખાલી માંસ જ ખાવ પછી કેવો સ્વાદ આવે એ જોવો મતલબ કે એમાં મરચું, મીઠું, મસાલા, હળદર, પાણી એ બધા શાકાહારને નાખ્યા વગર ખાવ. જો પછી પણ તમને સ્વાદ લાગે તો ઠીક છે કે માંસાહાર યોગ્ય હશે. આ માત્ર એક તર્ક છે સાચો કે ખોટો એ ભગવાન જાણે. આ બાબતમાં વિસ્તૃત ચર્ચા કરવી યોગ્ય નથી. અંતે એટલું જ કે તમારી બિનજરૂરી જરૂરિયાત સંતોષવા અન્ય કોઈને નુકશાન થાય એવું ના જ કરવું જોઈએ.

🖊️આદર્શ પ્રજાપતિ