section and everything up till
*/ ?> સ્નેહની શબ્દાવલી Archives - Shabdoni Sangathe

સુખની શોધ

આજનો આધુનિક જમાનો ઓનલાઈન સર્ચનો છે એ તો આપણે સહુ સારી રીતે જાણીએ જ છીએ અને આમ પણ વેબસાઈટ પર આપણે સુખ નામનો શબ્દ જેટલી વાર સર્ચ કરીએ એટલી વાર અનલીમીટેડ સર્ચ ઓપશન પણ મળી જાય છે, પણ ‘સુખ ઓનલાઈન નથી મળતું” હા, ઓનલાઈન જીવવાથી જરૂર મળે છે.

ઓનલાઈન એટલે એવું નહીં કે, સતત સોશ્યિલ મીડિયા પર વ્યસ્ત રહેવું અહીં ઓનલાઈન એટલે પોતાના વર્તમાનમાં મસ્ત. ઘણીવાર આપણે બહારની દુનિયામાં સુખ શોધવા મથીએ છીએ એ ભૂલીને કે એ તો આપણી ભીતર જ છે. જીંદગીમાં બધું સર્ચ કરી શકાય પણ સુખ નહીં. સુખ સર્ચ નથી કરવાનું એ તો આપણે મેળવવાનું છે. સુખ સ્થળ, વસ્તુ કે ભૌતિક સગવડતાઓને આધારે નથી પામી શકાતું પણ આપણી જિંદગીને માણવાની રીત પર આધાર રાખે છે. અને બધું મેળવી લેવાની ઈચ્છા કરતા જેટલું મળે છે એટલું માણી લેવાની આદત સુખ માટે વધુ સારા પરિણામો આપે છે.

સુખ પામવા માટે,સ્વજન પાસેથી મળતી “સગવડતાઓ” નહીં,સ્વજન સાથે વિતાવેલી “ક્ષણો” ખૂબ મહત્વની છે. નકામું ભરી રાખવું એ મનુષ્યનો સ્વભાવ માત્ર છે. યાદ રાખો કે, જો “સંગ્રહ” કરવાથી જ સુખ મળતું હોય તો કીડી જેટલું સુખી કોઈના હોત. સુખની શોધમાં આપણે એ રીતે રઘવાયા થઈ જઈએ છીએ કે પાસે પડેલું સુખ જોઈ જ નથી શકતા. સુખનો અભાવ એ સુખ ખોવાઈ જવાને કારણે નથી એ તો માત્ર માણસની વૃતિ છે. તમે જ્યાં સુધી સુખને શોધ્યા કરશો ત્યાં સુધી સુખ તમને નહીં જ મળે.

આપણે સુખ શોધવા નિકળીએ છીએ, કદી કોઈ દૂ:ખ શોધવા નિકળ્યું હોય એવું સાંભળ્યુ છે, પણ જ્યારે આપણે સુખ શોધવા નિકળીએ છીએ ત્યારે એ જ દૂ:ખનું કારણ બની રહે છે. હકીકત એ છે કે, આપણને કોઈના દુઃખે દુ:ખી થતા તો ખૂબ સારી રીતે આવડે છે,પણ કોઈના સુખે સુખી થતા આવડતું નથી. આધુનિક વ્યક્તિ આજ સુધી શોધી નથી શકયો કે સુખ શેમાં છે? રંગમાં, રૂપમાં, સ્વાદમાં કે સ્વાર્થમાં? અને છે તો કેમ સુખ વધારે છે?

બાળપણની એક વાર્તા તો યાદ હશેને, એક વખત એક ગામડાનો ભાઈ શહેર જઈને કોબીજનો દડો લાવ્યો અને એની પત્નીને કહ્યું કે લે , આજે આનું શાક બનાવજે. થોડીવાર પછી એમની પત્ની થાળીમાં કોબીના પાન લઈને ઉકરડા પર ફેંકવા જતી હતી, એ જોઈને પતિને પૂછ્યું ક્યાં છે અને ક્યાં જાય છે? પત્નીએ નારાજગી સાથે જવાબ આપ્યો, તે વળી આ બધું ફેંકવા બીજે ક્યાં? આ શહેર વાળા એ તો તમને છેતરી લીધા બધું જોઈ નાખ્યું પણ અંદરથી ના તો કોઈ ગોટલો નીકળ્યો કે ના એવું કંઈ જેનું શાક બની શકે અંદર એવું કશું નથી. પતિ તો ખૂબ ચિડાઈ ગયો અને બોલ્યો, અરે ,મૂરખ! આમાંથી કંઈ ના નીકળે એ થાળીમાં જે પાંદડા પડ્યા છે ને એનું શાક બનાવવાનું છે.

આપણી જિંદગી પણ કદાચ આવી જ છે. સુખનું મૂળ આપણી અંદર જ પડ્યું છે પણ આપણે જિંદગીના એક પછી એક પડ ઉખેળીને અંદરથી સુખ નામનું ગોટલું શોધવા મથ્યા કરીએ છીએ પણ ખરેખર અંદર કઈ હોતું જ નથી જે છે તેના ઉપલા પડમાં જ છે પણ જો ઓળખતા આવડે તો. આપણે સુખને નથી શોધતાં બસ એની માત્રા શોધીએ છીએ. ડગલેને પગલે અન્ય સાથે સરખામણીનું ત્રાજવું લઈને આપણા સુખને માપવા બેસી જઈએ છીએ. ખરેખર સુખ કેમ શોધવું એ ખરી સમસ્યા છે જ નહીં એના તો કરોડો ઉપાયો છે આપણી પાસે પણ આપણે સુખી રહી શકતા નથી એ જ આપણી સાચી સમસ્યા છે.

આપણામાંથી મોટા ભાગના માટે સંસારમાં પોતાનું ધારેલું થાય એ જ સુખ છે અને એ સુખ માટે આપણે વલખાં મારવા લાગીએ છીએ એ ભૂલીને કે સુખ એ ભૌતિક સગવડતાઓ કે માપદંડ આધારો પર નથી મળતું. દરેક કર્મ હંમેશા સુખ અપાવતું હોતું નથી પણ કર્મ કર્યા વગર ક્યારેય સુખ મળતું પણ નથી. સુખ માટેની આપણી લાગણીઓ અને માંગણીઓનો ક્યારેય અંત આવતો જ નથી અને આપણી માંગણી કંટાળાજનક વાક્યની જેમ લંબાતી જતી હોય છે. સુખની આશા એ સંગમ જેવી હોય છે જે ક્યારેય પૂરો જ નથી થતી.

સુખને શોધવા વલખાં મારતો માનવી ભૂલી જાય છે કે, જે ભીતર નથી એ વિશ્વમાં ક્યાંય નથી.સુખરૂપી વૃક્ષની ડાળીએ ઝૂલવા તલપાપડ રહેતો વ્યક્તિ ભૂલી ચુક્યો છે કે મૂળને પણ સંતોષ નામનું ખાતર ખૂબ જરૂરી છે. મને યાદ નથી પણ કોઈએ કહ્યું છે કે, સુખી થવા માટે સુખને પિછાણવું પડે છે, જાણવું પડે છે અને પછી માણવું પડે છે. તમારા જીવનમાં શાંતિ અને સંતોષ હોય ને તો એ જીવનનું મોટામાં મોટું સુખ છે.

🖊️Rekha Manvar”સ્નેહ”

“મન”….અસ્તિત્વનો પર્યાય

વ્યક્તિનું મન એટલે એના વિચારોનું ઉદગમસ્થાન, વ્યક્તિના વિચારો એટલે એના વર્તનનું કેન્દ્રબિંદુ, વ્યક્તિનું વર્તન એટલે એના મનનો અરીસો, વ્યક્તિના મનનો અરીસો એટલે એનું વ્યક્તિત્વ, અને વ્યક્તિનું વ્યક્તિત્વ એટલે વ્યક્તિના અસ્તિત્વનો પર્યાય.

થોડું ગૂંચવણભર્યું લાગ્યું ને? મન વિશે લખવું ખરેખર ખૂબ ગૂંચવણભર્યું છે, પણ વિચારોને જરા એ તરફ દોડાવો તો આપણને સહુને આપણું મન જ એ કોયડાનો અનન્ય ઉકેલ લાગે છે. આપણા વિચારો એ આપણા જીવનની જીવંતતા માટે ખૂબ આવશ્યક છે, એટલે નિશ્ચિતપણે કહી શકો કે, આ વિચારો જ આપણા મનનો ખોરાક છે. વિચાર નથી તો મનનું કોઈ જ અસ્તિત્વ નથી અને મન નથી તો વિચારોનું પણ કોઈ સ્થાન પણ નથી.

મન પણ અજીબ છે, શરીરમાં ક્યાં છે કોઈને ખબર નથી કદાચ એ અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ પણ કોઈને ખ્યાલ નથી. પરંતુ આપણને કંઈપણ કરવું હોય તો એ માટે આપણું મન એ માટે રાજી હોય તો જ તે કાર્ય શક્ય બને છે. અમુક વ્યક્તિ એવું કહે કે મન પર કાબુ રાખો તો દુઃખી નહીં થાવ. પણ એવું જરૂરી નથી કે મન પર કાબુ રાખીને કોઈ સુખી થઈ જ જવાય.હા, એકાગ્રતા કેળવીને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને કાબુમાં જરૂર રાખી શકાય.

વિચારોનો પ્રવાહ સતત અને અવિરત છે એને બંધ કરવો અશક્ય છે પણ હા, મનના વિચારોને ચોક્કસ દિશા જરૂર આપી શકાય.દરેક વ્યક્તિ એવું કહે છે હું તો મારા મન મુજબ વર્તુ છે પણ હકીકત તો એ છે કે, વ્યક્તિના જીવનમાં આવતાં ઉતાર ચડાવ અનુસાર વ્યક્તિના મનના આવેગો સતત બદલાતાં રહે છે અને એટલે જ વ્યક્તિની વર્તુણુંક એની સાથે બનતી ઘટનાઓને આધારે બદલાતી રહે છે. આસપાસની પરિસ્થિતિ કાયમ વ્યક્તિના મનની સ્થિતિ પર પોતાની છાપ છોડતું રહે છે.કદાચ એટલે જ વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ અલગ સમયે અલગ અલગ તરી આવે છે.

મનનો આકાર, દેખાવ કે સ્થાન કોઈએ ક્યારેય જોયા નથી પણ મનનો અનુભવ દરેક વ્યક્તિએ કર્યો હોય છે. આપણું મન આપણા જીવનના સુખ, દુઃખ, કરુણા, દયા, ક્રોધ, હાસ્ય, પીડા,વિકૃતિ દરેક ભાવોને સમજી શકે છે અને અનુભવી પણ શકે છે.વ્યક્તિનું મન જે અનુભવે એ વિશે જ વિચાર કર્યા કરશે અને જે વિચાર કરશે એવું જ જીવનમાં અનુભવશે.અર્થહીન વિચારોને કાબુમાં કરીને મન પર વિજય જરૂર મેળવી શકાય પણ એ વિચારનો અર્થ કેટલો કરવો એ મન પર છોડવો જ રહ્યો.

મનની ગતિ ખૂબ ઝડપી હોય છે કદાચ સૂર્યના પ્રકાશની ગતિ કરતાં પણ વધારે અને મનની લંબાઈ કે ઊંડાઈ માપવાની કોઈ માપપટ્ટી પણ નથી. કોઈએ મનને માંકડું કહ્યું છે તો, કોઈએ એક સુંદર પતંગિયું તો કોઈએ વિચારોનું વાવાઝોડું કહીને બિરદાવ્યું છે પણ નિશ્ચિતપણે એટલું જરૂર કહી શકાય કે, મન એટલે આપણા મગજમાં ઉદ્દભવેલા વિચારોના અસંખ્ય તરંગો…..

ઘણીવાર બીજાના વિચારો આપણા મન પર ઊંડી છાપ છોડી જતાં હોય છે. અને એટલે જ આપણું મન હમેંશા બીજા વ્યક્તિની સમજ પર આવલંબન ધરાવતું થઈ જાય. બીજાનો દ્રષ્ટિકોણ આપણને જરૂર મદદગાર સાબિત પુરવાર થઈ શકે પણ નિજ વ્યક્તિત્વના ઘડતર માટે દરેક વ્યક્તિએ પોતાના વિચારોને બને એટલા સ્પષ્ટ રાખવા જરૂરી છે.

વ્યક્તિત્વના ઘડતરના પાયામાં મનનું અસ્તિત્વ રહેલ છે. મનને બાંધીને રાખશો તો એ કાયમ માટે ઉછળતું જ રહેશે. બની શકે તો પોતાના મનને એટલી મોકળાશ જરૂર આપો કે આપણા દરેક વિચારને યોગ્ય અવકાશ મળે આપણા વ્યક્તિત્વને એના મન મુજબનું આચરણ અને અસ્તિત્વને આવકાર મળે. કડવું છે પણ એક સનાતન સત્ય એ છે કે,વ્યક્તિના વિચારો જ હમેંશા એની ગતિ અને અધોગતિનું કારણ બને છે.

જીવનમાં સફળતા માટે મનનું ચિંતન અને મનન બંને ખૂબ જરૂરી છે. માત્ર ચિંતન કરીને અમલમાં મૂકી દેવાથી કદાચ થોડો સમય પૂરતું જીતી જવાશે પણ વિજેતા બનવા માટે એ ચિંતનનું મનન કરવું ખુબજ આવશ્યક છે. મનને વિચારવંતુ જરૂર બનાવ્યે પણ જો મનને તટસ્થ નહીં બનાવી શકીએ તો કદાચ ક્યારેય નિશ્ચિત ધ્યેય સુધી નહીં પહોંચી શકીએ.

આપણું મન અને આપણા વિચારો માત્ર એકબીજા સાથે ગૂંથાયેલ છે, ગૂંચવાયેલ જરાય નથી. ગૂંથાયેલ માળામાં અમુક સમયે અમુક ગૂંચવણ જરૂર પડી જાય છે પણ એ ગૂંચવણ ખોલવા માટે જરૂરી છે વ્યક્તિની સહજભાવનાની. જીવનની જીવંતતા અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે વ્યક્તિત્વને મજબૂત બનાવવું એ યોગ્ય સંકલ્પ છે. અને વ્યક્તિત્વને મજબૂત બનાવવા માટે વ્યક્તિએ પોતાના મનના વિચારોનું ચિંતન અને મનન કરવું અતિઆવશ્યક છે કારણકે, અંતે તો મન જ વ્યક્તિના અસ્તિત્વનો પર્યાય છે…..

🖊️Rekha Manvar

સંબંધોનું સ્થાન

દરેક વ્યક્તિના જીવનમાં અમુક સંબંધોનું એક ચોક્કસ સ્થાન હોય છે. પણ દરેક સંબંધમાં થોડી જગ્યા આપવી જરૂરી છે. સ્નેહભર્યા સંબંધોને ટકાવી રાખવા માટે થોડી હવા ઉજાશ એટલે કે વેંટીલેશન આપવું જરૂરી છે, નહીં તો એક દિવસ સંબંધ જરૂર વેન્ટિલેટર પર આવી જાય છે.

બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખવું પડે નહીંતર એમ જ બધું લખી દેવાથી એટલે કે જગ્યા વગરનું લખાણ ગમે તેટલું સારું લખ્યું હોય તો પણ એ અસરકારક રહેતું નથી, પણ શબ્દો વચ્ચે અમુક જગ્યા અને અમુક અંતરે થોડા વિરામચિન્હો મુકીને જો કશું લખવામાં આવે તો એ લખાણનો અર્થ કે મર્મ કોઈ સમજી શકે અને લખાણની અસરકારકતા જળવાય રહે છે. બસ, આવું જ કંઈક સંબંધોમાં પણ લાગુ પડે છે. અમુક સમયે સંબંધોને પણ થોડી જગ્યા આપવી જ જોઈએ.સાથે રહેવું જરૂરી છે પણ એનાથી વધુ જરૂરી છે યોગ્ય સમયે સાથ આપવો.

કોઈ બે વ્યક્તિ ક્યારેય એક સરખી નથી હોતી કોઈ આપણા જેવું જ હશે અને આપણે વિચારીએ છીએ એવું જ વિચારતું હશે એ માનીને સંબંધો જીવવા એ ભયાનક ભૂલ છે. ક્યારેય કોઈ બે વ્યક્તિ પોતાનો જમણો હાથ પકડીને સાથે નથી ચાલી શકતા. એકબીજાની ખૂબીઓ સહર્ષ સ્વીકારી લઈએ પણ ખામીઓ સ્વીકારી શકતાં નથી એટલે સંઘર્ષ કરી બેસીએ છીએ.કશું પામવું હોય તો પહેલા એ છોડતાં શીખવું આ નિયમ સંબંધ માટે દરેક વ્યક્તિએ સમજવો રહ્યો.

કોઇપણ સંબંધમાં જો કશું ધરાર પકડી રાખવામાં આવે તો સંબંધ ઘડાકાભેર તૂટે છે.વ્યક્તિ જરૂરી છે એટલે આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ એવું હમેંશા કહેવું જોઈએ, પણ એને આપણી જરૂર હોય ત્યારે જ એની સાથે રહેવું એ પણ સંબંધ નિભાવવાની કળા છે.કોઈ આપણને સામે ઇચ્છતું ન હોય અને તો પણ આપણે એની આજુબાજુમાં ફરતા રહીએ એ પણ એક જાતનું ટોર્ચર જ છે.અને કદાચ આપણા આત્મસમ્માનને પણ અજાણતાં આપણે જ ઠેસ પહોંચાડતા હોઈએ છીએ.

સંબંધમાં એકબીજાને સમય આપવો જેટલો જરૂરી છે એટલો જ સમય પોતાના માટે પણ આપવો જોઈએ. સંબંધોમાં ક્યારેય વધુ પડતું ઇન્ટરફિયર ન કરવું જોઈએ. દરેક વ્યક્તિના વિચારો, આવેગો, આવેશો બધું જ અલગ હોવાનું એટલે દરેક વ્યક્તિને પોતાની સ્પેસમાં રહેવા દેવો જોઈએ. જો એ આપણી લાગણીને સમજી શકતા હોય તો એ આપણી સાથે આપણી નજીક જ રહેશે પણ કોઈ ધરારી કરવાનો કોઈ મતલબ જ નથી.

અહીં સ્વાર્થી બનવાની કે કોઈના કપરા કે ખરાબ સમયમાં એમને છોડી દેવાની વાત નથી પણ અમુક સમયે વ્યક્તિને સમજવું ખૂબ જરૂરી છે. થોડું એકાંત એમનો પણ હક છે. પણ હા, એમને એકલતા ના આવે એ ફરજ આપણી ખરી. આત્મસમર્પણથી સંબંધ નીભાવવાની શરૂઆત તમે જ કરો અને જો એ આત્મીયતાભર્યો સંબંધ હશે તો પછી એ તમારી પાસે જ આવશે જ. જો એ એની ઈચ્છાથી આવશે તો એ તમને પણ આત્મસંતોષ આપશે.

બે વ્યક્તિ તનથી જોડાઈ એ કદાચ જરૂરીયાત છે પણ મનથી જોડાયેલ રહેવું વધુ જરૂરી છે અને એક બીજાના મનને થોડી મોકળાશ આપો. જ્યારે એવું લાગે કે હવે હટી જવાની જરૂર છે ત્યારે એ સમય ખસી જવું જરૂરી છે. જે મનથી તમારું હોય એમની પાસે જીદ અને હક બધું કરી શકાય પણ તમે સતત પકડી રાખવાનો પ્રયાસ કરશો તો ગેરસમજણ એટલી વધી જાશે કે અલગ પડવા સિવાય કોઈ વિકલ્પ જ નહીં રહે.

કોઈ પણ સંબંધ પરફેક્ટ હોતો જ નથી અને પરફેક્ટ બનાવવો પડે છે પણ એ પ્રયત્ન બંન્ને બાજુ થી હોવો જોઈએ. એક જ બાજુથી ખેંચી રાખવામાં આવે તો કોઈ પણ બંધ તૂટી જ જાય. અને જો બંને પક્ષે એકબીજા માટે સ્નેહ અને સમ્માન હશે તો જ સંપૂર્ણ સમર્પણ શક્ય બને.

“જગ્યા” દરેકને આપી શકાય પણ,
“સ્થાન” કોઈ એકને જ આપી શકાય..
અને જેમને આપણે એ સ્થાન આપીએ છીએ જો એમને થોડી “જગ્યા” આપીશું તો ,”આપણું સ્થાન” એમના મનમાં અને જીવનમાં કાયમ જળવાય રહેશે…..

રેખા મણવર “સ્નેહ”