section and everything up till
*/ ?> વાતનું વતેસર Archives - Shabdoni Sangathe

ઈર્ષ્યા

        ઘણા બધા લોકો કે વસ્તુઓ દેખાવમાં સીધા અને સાદા હોય પરંતુ હોય અંદરથી બહુ ઘાતક. લોકો તો આજકાલ કેવા કેવા નકાબ લઈને ફરે છે કે વાત જ ના પૂછો. ઘણા શબ્દો પણ ભયાનક સાબિત થાય છે. જેમ કે પ્રેમ, આમ તો સીધો જ લાગે પણ આજકાલ એના પરિણામો ઘાતક છે. આવો જ એક શબ્દ છે ઈર્ષ્યા. આ નાનકડો શબ્દ દુનિયાને શું શું કરાવી નાખે છે કદાચ એનો અંદાજ પણ ના લગાવી શકીએ.

          ઈર્ષ્યા એક તો સરખામણી કરવાથી આવી શકે, સંકુચિત મન હોય ત્યારે આવી શકે કે પછી કોઈનું સુખ કે આવડત ના પચતી હોય તો આવી શકે. તમે બધી મુસીબતોનો નજીકથી જોવા પ્રયત્ન કરો તો ઈર્ષ્યા ક્યાંકને ક્યાંક સંતાયેલી જ હોય. આમ તો ઈર્ષ્યા ઘણા બધા પ્રકારની હોય પણ આ નામ આવે એટલે આપણને બીજા પ્રત્યે થાય એ જ યાદ આવે. ઈર્ષ્યા એ માણસનું મન એકદમ વિચલિત કરી દે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને કોઈ પર ઈર્ષ્યા છે એ ભલે ગમે તે સંદર્ભે હોય તો એ માણસને સામેવાળા માણસમાં બધું જ ખોટું દેખાશે. ભલે ને એ માણસ સાચો હશે ત્યાં એને ખોટું જ દેખાશે. એક સ્પર્ધા ચાલી રહી હતી. એમાં પાંચ લોકોએ ભાગ લીધો હતો. વોટિંગ શરૂ થઈ ચૂક્યું હતું. એમાં આપણને ઈર્ષ્યા આવે એવું કોઈક પાત્ર આગળ વધતું નજરે ચડે છે તો આપણે શું કરીશું? બસ બીજા અન્યની મદદ. એથી વિશેષ થઈ શકે સામેવાળાને પછાડવા? બસ આ જ વસ્તુ છે ઈર્ષ્યા. ઈર્ષ્યા બધાને હોય, અત્ર તત્ર અને સર્વત્ર! કદાચ તમે ભણ્યા હશો નિશાળમાં કે ઈર્ષ્યા, ક્રોધ, અહંકાર આ બધું મન માટે અતિ હાનિકારક છે. એ વસ્તુ ત્યારે ભણેલી હાલ યાદ આવે છે કે ખરેખર એ સાચું હતું પણ શો ફાયદો? મગજમાં ઉતરે એ પહેલાં તો આ બધા ખરાબ તત્વોએ મનમાં ઘર બનાવી લીધું હોય છે. ઈર્ષ્યા માટે માણસ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. એ કોઈ અન્ય માણસનું ખૂન પણ કરવા તૈયાર થઈ શકે છે. જેટલો નાનો શબ્દ છે એટલો જ ઘાતક છે.

          હવે ઈર્ષ્યા તો આજીવન થવાની છે. નાના હતા ત્યારે બીજા પાસે વધારે લખોટી કે ભમરડાં જોતા થતી, થોડા મોટા થયા ત્યારે કોઈ પાસે નવી નવી પેન્સિલ કે પેન જોઈને થતી કે પરીક્ષામાં આગળ વધવા થતી, યુવાનીમાં તો ઈર્ષ્યા આસમાને હોય છે. નવા નવા મોબાઈલ, નવી ઘડિયાળ, નવા બુટ વગેરે વગેરે તથા અંતે વૃદ્ધાવસ્થામાં પણ થશે કે મારી પાસે આટલી સંપત્તિ છે ‘ને મારી પાસે બસ આટલું જ છે. કહેવાનો તાત્પર્ય એટલો જ કે આ વસ્તુનો અંત શક્ય જ નથી. આ કોરોના તો એના સામે કશુંય નથી. ખૂબ જૂનો અને જાણીતો રોગ છે ઈર્ષ્યા કરવાનો. આ કોઈ રસી કે દવાથી તો મટવાનો નથી! તો કરવું તો કરવું શું? એક વસ્તુ જરૂર કરી શકો કે તમે ભરપૂર ઈર્ષ્યા કરો પરંતુ એવી કરો કે જેમાં તમારો જ ફાયદો થાય. દા.ત – કોઈ માણસ તમારી ભરપૂર નિંદા કરે છે. તમારા ચોક્કસ કરેલા કામમાં પણ ભૂલો શોધી બતાવે છે તો શું તમે એવા માણસ સામે ઝઘડવા જશો? હા બે-ત્રણ વાર તમે પ્રત્યુત્તર આપશો જ કેમ કે આખરે તમે પણ માણસ જ છો ને! પણ પછી? નક્કી જ છે કંટાળો આવશે જ. એની વાતો મગજ પર લેવી એથી સરળ ઉપાય એ છે કે એ જે જે ભૂલો બતાવે છે એમાંથી અમુક તો સાચી જ હશે બસ એને સુધારી લો અને બાકીનું એનું બોલેલું અવગણી નાખો. જીવનનો એક મંત્ર બનાવી લો કે “સાચું સાચવો,ખોટું અવગણો.” સો ટકાની જુબાની છે કે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. બાકી ભારત એક લોકશાહી દેશ છે જેને જે કરવું હોય એ કરી શકે છે. હા ઈર્ષ્યા પણ. તમ તમારે કર્યા કરો પછી માઠા પરિણામો આવશે ત્યારે હરેક મંદિરના દ્વાર ખખડશે અને એક જ બૂમ હશે, “હે પ્રભુ! હવે માફ કરી દે હવેથી આવું નહિ કરું.”

🖊️Adarsh Prajapati

સાંત્વના – માદક લાગણી

કોઈ માણસનો ક્યાંક અકસ્માત થઈ જાય છે અને તેના કોઈ સ્વજન તમારી આંખ સામે મૃત્યુ પામે છે. હવે તમે શું કરશો? સામાન્ય બાબત છે એ માણસને સાંત્વના સિવાય તમે બીજું શું આપી શકો? કહેવાનો અર્થ એ કે સાંત્વના એક એવી વસ્તુ છે કે જે એકદમ સહજ છે. ઘણી વાર તે ઉપયોગી પણ સાબિત થાય છે. ઘણી વાર એ કેટલાક લોકોને હૃદય પરિવર્તન પણ કરાવી નાખે છે પણ શાસ્ત્રોમાં કહેવાયેલું છે કે ‘અતિ’ બહુ સારું નથી. કોઈપણ વસ્તુમાં અતિશયોક્તિ એ ચોક્કસ એ વસ્તુને વિનાશ તરફ ખેંચી જાય છે.

બધા જાણે જ છે આજે મોબાઈલનો યુગ છે. સોશિયલ મીડિયામાં ના જાણે કેટકેટલા લોકો જોડે આપણે વાતો કરતા હોઈએ છીએ. ઘણા લોકોને બે-ત્રણ ઈમોશનલ પોસ્ટ શેર કરીએ ત્યારે એ આપણને ગમતો પ્રત્યુત્તર આપે છે અને આપણા મનમાં વિકૃતિ શરૂ. અમુક લોકો જોડે તો આપણે એટલા નજીક થઈ જઈએ છીએ કે જાણે જન્મોજન્મથી સાથે ના હોય. ખરેખર વાસ્તવિક રીતે આવું કશુંય હોતું જ નથી. ધીમે ધીમે વાતો કરતા કરતા આપણે સાંત્વનાના ભૂખ્યા બની જઈએ છીએ. આપણને કશુંય થયું ના હોય તો પણ પોતે કોઈ મુસીબતમાં છે એમ કહીને મફતની સાંત્વના મેળવી લઈએ છીએ. ખરેખર આ એટલી માદક છે કે કદાચ ગાંજો અને અફીણ પણ ફિકુ પડી જાય. એટલે સુધી લોકો ગગડી જાય છે કે “મને બોટલ ચડાવ્યો છે અને હું ખૂબ બીમાર છું.” આ સાંભળી સામેવાળું તો સાંત્વના આપે જ ને! એમાં એનો શું દોષ? પછી આ માણસ પ્રત્યુત્તર આપનાર માણસને પોતાનો ગણી કાલ્પનિક સંબંધનું નિર્માણ મનમાં જ કરી લે છે. આ વસ્તુ જે-તે માણસને પતનના દરવાજા સુધી લઈ જાય છે.

મોબાઈલની વાત તો ઠીક છે પરંતુ અસલ જીવનમાં પણ આ વસ્તુ ક્યાંક જોવા મળે જ છે. આપણે અમુક વાર અમથા અમથા કોઈને બોલતા નથી, મમ્મી જોડે કે પપ્પા જોડે અબોલા લઈએ છીએ. એ એટલા માટે કે પછી એ લોકો આપણને મનાવવા આવે અને સાંત્વના આપે. આપણે સાંત્વનાના એટલા ભૂખ્યા થઈ ગયેલા છીએ કે એની કોઈ હદ નથી. સાંત્વના એક નશો હોય એવું થઈ ગયું છે એના વગર ચાલતું જ નથી! થોડુંક પગમાં વાગ્યું હોય તો પણ સાંત્વના જોઈએ છે. પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા તો પણ સાંત્વના. એવું નથી કે એ જરૂરી નથી પરંતુ હાલના સમયમાં જે લોકો સાંત્વનાના નામે બીજું જ કઈ ઝંખે છે એ ખોટું છે. મોટા લોકો તો તોયે સમજદાર હોય કેમ કે એમને થોડોક જીવનનો અનુભવ હોય પરંતુ આજકાલના યુવાનોને સાંત્વના વગર નથી જીવાતું. તમારી માનસિક શક્તિ આટલી નાની ઉંમરમાં આટલી નિર્બળ બની ગઈ છે? તો તમારે સાંત્વનાની જરૂર પડે? ‘સાંત્વના ઝંખવી’ એ ધીમે ધીમે તમારા જીવનમાં પ્રવેશશે તમારા નજીકના એવા સંબંધો હરશે, પુષ્કળ દુઃખ આપશે અને પછી ઈચ્છાઓમાં પરિવર્તિત થઈ તમને અંદરથી તોડી નાખશે. એક પંક્તિ યાદ આવે છે કે

જો તે અમથી અમથી સાંત્વના માંગી છે,
તો ચોક્કસ જીવનમાં તારી વાટ લાગી છે.
સુધરવાનો મોકો છે સુધરી જાવ થોડાક,
આ લાગણી મને તો બહુ માદક લાગી છે.

આનો એક સરળ ઉપાય છે કે આ કૂવામાં પડ્યા છીએ તો બહાર કેમના આવીએ? ઉત્તર છે ‘સ્વયંસાંત્વના’ પોતાને સાંત્વના આપો. જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. કોઈ માણસ પાસે આશા રાખો તો કદાચ એ નિરાશા પણ બની શકે છે પણ જો પોતાના પાસે જ આશા રાખશો તો એકસમયે નિરાશા મળશે તો એમપણ કહી દેવાશે કે “કરેલું તો મેં જ ને! ભૂલ તો મારી જ હતી ને! થાય થાય જીવન છે બધુંય થાય.” પરસાંત્વના કરતા સ્વયંસાંત્વના જીવનોપયોગી છે.

🖊️Adarsh Prajapati

સરખામણી – એક રોગ

માની લો કે તમે કોઈ વસ્તુ લાવ્યા. એ વસ્તુ ઘરના એક સદસ્યને પસંદ ના આવી. કારણ જાણ્યું તો એવું ખબર પડ્યું કે આના કરતાં બાજુવાળાના ઘરે સારું છે. બસ આજકાલ આપણી આસપાસ પોતાનું જોવા કરતા બીજાનું જોવામાં લોકો અતિ આનંદ અનુભવે છે. બિચારા પપ્પા સવારના મહેનત કરી એમના પૈસેથી મમ્મી માટે બંગડી લાવે અને સામે મમ્મી શું કે’ “આના કરતાં તો પેલી જોડે સારી છે.” બિચારા પપ્પા આટલા પ્રેમભાવથી લાવ્યા હોય એ પછી નફરતમાં પરિવર્તન પામી જાય છે. આપણું શું સારું છે અને શું ખરાબ છે એ લોકો પરથી નક્કી થાય છે.

‘બીજાનું જોવાનું’ આ વસ્તુ શિક્ષણ સાથે અત્યંત ગાઢ સંધિ કરીને બેઠી છે. બધાને જીવનમાં ભણવાનું આવે છે: કોઈ ભણી ચૂક્યું હોય, કોઈ ભણતું હોય પરંતુ આ ભણતરની વચ્ચે એક એવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે પરિણામ આવે. ત્યારે ઘરના લોકો તથા સમાજના લોકો એક માપદંડ નક્કી કરે છે આટલાથી ઉપર હોય તો સારા આટલાથી નીચે હોય તો ખરાબ. તમારા બાળકની અન્ય બાળક સાથે સરખામણી કેમ? શું ખબર એનામાં બીજા કરતા વધારે જ્ઞાન હોય! પણ એ બીજી દિશામાં હોય તો શું એ બાળક પ્રસંશાને લાયક નથી? તમારું બાળક જ્યાં છે ત્યાં શ્રેષ્ઠ છે એની સરખામણી બીજા લોકો કરી એનું મનોબળ ના તોડશો. હા એને અતિ શ્રેષ્ઠ બનાવવા ચોક્કસથી પ્રયત્ન કરો.

‘બીજાનું જોવાનું’ આ પોતે તો એક બીમારી છે જ પરંતુ સાથે સાથે બીજી એક બીમારી લઈને આવે છે. જેમ શરદી જોડે ઉધરસ મફતમાં આવી જાય એમ આ રોગ જોડે ‘અસંતોષ’ નામની બીમારી આવી જ જાય. તમે અલ્ટો ગાડી લાવો છો પરંતુ તમારું મન ત્યાં બળ્યા કરે છે કે બાજુવાળા પાસે ક્રેટા છે તો પછી તમારા પાસે અલ્ટો છે એનોય કોઈ આનંદ નહીં રહે. ઘણા લોકો પોતાની એ.સી ૮૦૦માં પણ અલગ પ્રકારની ખુશી અનુભવે છે. તમારી પાસે દ્રાક્ષ પડી છે તો શું તમે એની સરખામણી કેરી સાથે કરશો તો એ શું કેરી બની જશે? કે પછી કેરીની સરખામણી ટેટી જોડે કરશો તો શું એ ટેટી બની જશે? જે મળ્યું છે એમાં સંતોષ રાખો. જો પૃથ્વી પરનો પ્રત્યેક માણસ બીજાનું જોવામાં રહેશે તો તો આખી પૃથ્વી દુઃખી જ થશે. “પેલાએ બે માળ કર્યા તો હું પણ કરી લવ.” આવા વિચારો કો’ક દિવસ તમારું અસ્તિત્વ ભૂંસાવાનું કારણ ના બને જોઈ લેજો.

આ રોગ સમાજમાં વ્યાપકપણે ફેલાય ચૂકેલો છે. કદાચ આને સદંતર નાબૂદ ના કરી શકીએ પરંતુ જાતે થોડીક પરેજી તો પાડી જ શકીએ. આનું એક ક્રૂર પાસું પણ છે. વચ્ચે કો’ક સમાચારપત્રમાં હતું કે એક પિતા પુત્રની માંગણી પુરી ના કરી શક્યો તેથી આપઘાત કર્યો તથા વિશેષમાં એ કે પુત્રની માગણી એ હતી કે એને પલ્સર બાઇક જોઈએ છે જેવું એના મિત્ર એ લીધું હતું. હવે આ પુત્ર તો પુત્ર કહેવાય જ ના પરંતુ આપણો પ્રકાશ અલગ બાબત પર છે. વિચારો જો સરખામણી ના થઇ હોત તો આવું બનતું? આવા તો અઢળક કિસ્સા પેપરમાં આવે છે. એક બાપ કે જેણે ત્રણ-ચાર જગ્યાએ દેવા કરીને દીકરીને પરણાવવાનો નિર્ણય લીધો હોય અને લગ્ન બાદ કો’ક એમ કહે કે “જોઈએ એટલી મજા ના આવી.” ફલાણાના ઘરે ખૂબ સરસ હતું. હા તો ભાઈ જા ને ફલાણાને ઘરે! કોણે ના પાડી છે? સરખામણીની હદ હોય! એ બાપ પર શું વીતી રહી હશે જ્યારે કો’કે આવું કહ્યું હશે? એકાદ પંક્તિ દ્વારા રજૂ કરી શકાય કે,

“એમ કહ્યું કે જિંદગી ભૂલો વગર તૈયાર છે.
ભૂલ નથી? તે કાઢવા માટે નજર તૈયાર છે.
મન ફાવે એટલી સરખામણી કરી લો તમે,
તમારા કાજે વર્ષોથી આ કબર તૈયાર છે.”

અર્થાત કે ભૂલો વગરની જિંદગી કો’કના નજરે ચડશે તો એને જરૂરથી જ ખટકશે. એ હંમેશા ભૂલો કાઢતો જ રહેશે. આ બધું બીજું કશું જ નથી દુઃખને સરનામું આપવાની વાત છે જેથી એ તમારા મનમંદિરમાં આવી સુખના બધાયે ઘરેણાં ચોરી કરી જાય અને તમે જાણતા હોવ છતાં પણ કશું કરી શકો નહીં. કેમ કે મનમંદિરમાં પ્રવેશવાના દ્વાર તો તમે જ ખોલી આપ્યા હતા ને! કશું પણ લઈ જવાનું નથી આપણી કબર તૈયાર જ છે બસ વાર છે તો આપણા કુકર્મોનો ઘડો ભરાવાની.

🖊️Adarsh Prajapati