section and everything up till
*/ ?> મૌન સંવાદો Archives - Shabdoni Sangathe

આંતર વ્યથા

 

વાત મારી હું એટલે સમજાવી શકતી નથી,
કે મહત્વનો મુદ્દો જ મોઢે લાવી શકતી નથી.

સંભળાવે સૌ તે નતમસ્તક સાંભળું છું એટલે,
કે મૌન હું મારું કોઈને સંભળાવી શકતી નથી.

જે થશે બદનામ, એ ચહેરા બધા પોતીકા હશે,
અનૃતનો પરદો તેથી જ હું હટાવી શકતી નથી.

ડૂસકાં ને મારા હું અંદર, ડૂમો કરી ખાળી શકું,
પણ અશ્રુની ભરતી ભીતર, શમાવી શકતી નથી.

કેવો હોય છે આ મોહ એ જરા સાંભળો તમે,
છે મૃત,ને છતાં સ્વપ્નોને દફનાવી શકતી નથી.

જાણું છું લખતી વેળા,આ કલમ કેટલી રડી છે,
આથી જ લખાણ પોતાનું વધાવી શકતી નથી.

હું બધાથી અલગ છું, તેને સારું કહું કે ખરાબ?
ધારું છતાં જાત,કોઈ સાથે સરખાવી શકતી નથી.

-Himanshi parmar

કેમ નથી?

સપનું ખરેખર તૂટીને થયું ચૂર, કંઇ વહેમ-બહેમ નથી,
ફરી સંધાય શકે એટલો પણ એ ચૂરો હેમ-ખેમ નથી.

આતો મારું સ્મિત છે જિદ્દિલું કે હોઠે પરાણે બેઠું છે,
અન્યથા, વક્ર સમયના પ્રહાર ચિત પર જેમ-તેમ નથી.

જ્યાં અડગ રહેવા ધારું ત્યાં જ બગાવત પર ઉતરે,
મારા થઇને,પણ અશ્રુઓને મુજ પર,રહેમ-બહેમ નથી.

આજ સુધી ભરમાવ્યા તેથી જ શ્વાસ ચાલે છે હજી,
સ્પષ્ટતા કરવાનું રહેવા દો, કે કોઈ પ્રેમ – બ્રેમ નથી.

ઘણું હોય નજરની સામે, છતાંય અદૃશ્ય રહેતું હોય,
જેની શોધમાં તમે ભટકો એ બધું કંઈ આમ-તેમ નથી.

સુખની એક પાંદડી,ને દુઃખના ટોપલા,આ કેવું જિંદગી!
સુખના હોય બાગ,ને દુઃખનું એક પાંદડું, એમ-કેમ નથી?

-Himanshi parmar