section and everything up till
*/ ?> માસ્તરની મોજ Archives - Page 7 of 8 - Shabdoni Sangathe

ખાઉધરા ગુજરાતી.

જ્યા જ્યા વસે ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત.

આ વાક્ય આપણાં ગુજરાતીઓ એ ખરેખર સાર્થક કરીને બતાવ્યું છે. દુનિયાનો લગભગ કોઈ ખુણો બાકી નહીં હોય જ્યા આપણો ગુજરાતી નહીં વસતો હોય અને જ્યા ગુજરાતી વસતો હોય ત્યા ખાણીપીણી તો હોવાની જ ને.

અમારે એક કાકા પહેલી જ વાર ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર થયા, ઓસ્ટ્રેલિયામાં એનો છોકરો અને ઓસ્ટ્રેલિયન વહુંએ એને ત્યાં બોલાવ્યા, ભાઈ તો રાજી રાજી. સામાન બધો પેક કર્યો, એરપોર્ટ પર જ્યારે પહોંચ્યા અને બધુ ચેકિંગ થયું ત્યારે આપણાં એરપોર્ટ અધિકારી પણ વિચારમાં પડી ગયા કે માણસ એક ના બિસ્તરા પોટલા આટલા બધા કેમ? તો એણે પૂછ્યું,

“ભાઈ, આ આટલો બધો સામાન તમે એકલાં જ છો કે સાથે કોઈ છે?”

“ના ના સાહેબ, આ તો એકમાં મારા બે જોડી લૂગડાં છે અને બાકીના પાંચ બેગમાં થેપલા, ખાખરા, ચકરી, અથાણાં, પૂરી, પાપડ, ચવાણું, ભાવનગરના ગુણુંભાઈના ગાંઠિયા, ચોળાફળી અને બીજું નાનું મોટું કાઈક ને કાઈક ફરસાણ છે.”

“તો તમારે ઓસ્ટ્રેલિયામાં ફરસાણનો ધંધો કરવો લાગે?”

“ના ના સાહેબ, બધુ ત્યાં મારા છોકરા અને વહું માટે છે અને ગુજરાતી જ્યા જાય ત્યાં થેપલા તો હોય જ.”

“હા પણ આટલો સામાન તમને સાથે ના લઈ જવા દઈએ.”

“એ સાહેબ એવું ના કરો, આ લ્યો તમતમારે બે ખાખરા અને થેપલા ના પેકેટ તમે રાખો પણ સામાન લઈ જવા દો.”

આ છે ગુજરાતી જે લાંચમાં પણ ખાવાનું જ આપે પૈસા નહીં અને સામે અધિકારી પણ એવો એણે એ લઈ લીધા અને સામાન ઓકે છે કરી જવા દીધું.

ફ્લાઇટ ઉપડવાની તૈયારીમાં તો આ ભાઈએ શ્રીફળ કાઢ્યું ને એરહોસ્ટેસને બોલાવીને કહે પ્લેનના આગળના ટાયર પાસે મૂકી દો. પેલી એરહોસ્ટેસ પણ મુંજાણી આનું કરવું શું પછી પાયલેટને બોલાવ્યા એણે સમજાવીને શ્રીફળ મુકાવી દીધું. ગમે તે થાય પણ આપણાં રિવાજો ના ભુલાવા જોઈએ એ છે આપણો ગુજરાતી, પ્લેન સફળતા પૂર્વક ઊડે એટલે એને શ્રીફળ મૂકવું હતું ગજબ છે વાલા ગજબ.

પ્લેન ઉડ્યું, દુબઈ સુધી તો કોઈ વાંધો ના હતો પછી તકલીફ પડી બધા જ પેસેન્જરોને. સૌથી પહેલા થેપલા અને અથાણાંની ગંધ આવી અને આખા પ્લેનમાં એ હદે ફેલાણી કે બધા પેસેન્જરોએ ફરિયાદ કરી કે આ છે કોણ?

એ ગુજરાતી છે સાહેબ એને સ્થાન સાથે કોઈ લેવા દેવા નથી એને તો ભૂખ લાગે એટલે એ હવામાં પણ થેપલા ખાઈ શકે છે.

જેમ તેમ કરી ઓસ્ટ્રેલિયા આવ્યું, એ કાકા નીચે ઉતર્યા એટલે સૌથી પહેલા તો આખા પ્લેનને પરફ્યુમ છાંટીને એ થેપલા અથાણાંની ગંધથી મુક્ત કર્યું. એરપોર્ટ પર ઉતર્યા એટલે કાકાએ છેલ્લા કેટલા કલાકથી બુધાલાલ ખાધી નહોતી, એટલે એણે બહાર નીકળી બુધાલાલ તોડી ને હાથમાં લીધી અને ત્યાં ઉભેલા પોલીસવાળાએ જોયું અને કાકાને અંગ્રેજીમાં પૂછ્યું,

“હેય જેન્ટલમેન વોટ ડુ યુ ડુ?”

હવે કાકાનું અંગ્રેજી કાળા અક્ષર ભેંસ બરાબર જેવું એટલે એને એમ કે આ બુધાલાલ તોડી ને હાથમાં ચોળીને એટલે ઉડ્યું હશે તો કાકાએ પણ ટકો રંગાઈ જાય એવો જવાબ આપ્યો,

“હવે એ ઉડ્યું તો ઉડ્યું. ગમે તે બોલી લે બાકી બુધાલાલ તો ખવાશે જ.”

આ કાકા એક મહિનો ઓસ્ટ્રેલિયા રહ્યા, વિચાર કરો શું હાલત થઈ હશે ઓસ્ટ્રેલિયાની!

આપણે તો એ ગુજરાતી છીએ સાહેબ જે થેપલા પર પણ ચીઝ લગાવીને ખાઈએ, ગુજરાતનાં પ્રખ્યાત લેખકે ચીઝ થેપલા હાસ્ય પુસ્તકમાં પણ કહ્યું જ છે કે થેપલા પર ચીઝ લગાવાથી થેપલા પીઝા ના બની જાય પણ આ ગુજરાતીની ટેલેન્ટ છે જે વિદેશની વસ્તુ અપનાવીને પણ દેશી સ્વાદ નથી છોડતો.

ભારતમાં બર્ગરમાં પણ આલુ ટિક્કી બર્ગર આ મેકડોનલ વાળા એ ગુજરાતીના કારણે જ ચાલુ કર્યું છે. ગુજરાતીનું જો ચાલે તો આપણે કે. એફ. સી ચિકનમાં પણ શાકાહારી ચાલુ કરીએ એવા છીએ. કે. એફ. સી થેપલા બકેટ, કે. એફ. સી અથાણાં વગેરે વગેરે.

ગુજરાતી ખાવાના એ હદે શોખીન છે કે એ જો જિમમાં જતા હોય તો એને ડાઇટ કરવાનું કહે તો એ ૫૦૦ ગ્રામ ફાફડા ખાતા હોય તો એ ૪૫૦ ગ્રામ ખાઈ અને કહે કે ૫૦ ગ્રામનું ડાઈટિંગ ચાલુ છે. આપણે અહિયાં ફાંદ વધારવી એ તો ખાતા પિતા ઘરના હોવાની નિશાની છે. ગુજરાતમાં તો શહેરોમાં પણ એરિયાના નામ ખાવા પરથી હોય છે, “ખાઉધરી ગલી, ફૂડ બાઝાર, ખાઉધરા ચૌક વગેર વગેરે, આવું એક ગુજરાતી જ વિચારી શકે.

એટલે જે એવું કહેવું અતિશયોક્તિ નહીં કે,

“જ્યા જ્યા વસે ગુજરાતી ત્યા સદાકાળ ગુજરાતી ખાણીપીણી.”

સુનિલ ગોહિલ “માસ્તર”

બનાવી ગયા

“આપો.. આપો.. આપો.. જનતા તમારો અપાર પ્રેમ વોટ આપીને, છટપટિયા સાહેબને ભારી બહુમતીથી વિજયી બનાવો. છટપટિયા સાહેબ, વહેલામાં વહેલી સાંભળશે તમારી સમસ્યાઓ અને દૂર કરશે મોડામાં મોડી.” એક ટેપરેકોર્ડર લગાવેલી રિક્ષા રોડ પર ફરતી હતી.

“મેળવો.. મેળવો.. મેળવો.. જનતા લખોટીયા સાહેબને વોટ આપીને મેળવો સબસિડી કેરોસીન પર, કારણ કે પેટ્રોલ તો લખોટીયા સાહેબ પણ ઉધારીમાં પુરાવે છે.

“આજે રાત્રે.. આજે રાત્રે.. આજે રાત્રે.. જનતા જનારદનને વિનંતી છે કે આજે રાત્રે કાર્યાલયમાં આવે અને પાઉભાજીની પાર્ટી માણે, સાથે ગુલાબજાંબુ ફ્રી.. ફ્રી.. ફ્રી.. મીઠા ગુલાબજાંબુ ખાઈ મીઠા મીઠા વોટ આપો ખટપટિયા સાહેબને.

આવી કેટ કેટલી જાહેરાતો આપણે ચુંટણી દરમિયાન સાંભળી હશે ને, આવા હજારો નેતાઓ આવા વાયદાઓ લઈને આવી પડે છે. એક જાહેર મિટિંગમાં નેતાજી પહોંચ્યા, સાવ નાનું અંતરિયાળ ગામડું હતું ૫૦૦ માણસોની વસ્તી હશે. મિટિંગમાં ૬૦ ૭૦ જેટલા માણસો આવેલા એ પણ પરાણે પરાણે અને નેતાજીએ ભાષણ શરૂ કર્યું,

“હું, ભારતમાતાના સમ ખાઈને કહું છું કે તમારા ગામનો ઉદ્ધાર હું કરીશ, તમારા ગામમાં શૌચાલય  ઊભા કરીશ, તમારા ગામમાં ગટરની સુવિધા ઊભી કરીશ, પાક્કા રસ્તાઓ કરી આપીશ આ સિવાય કોઈ તકલીફ હોય તો કહો.”

એક ગામડાના ડોહા બોલ્યા, “સાહેબ, આ હંધુંય તો સે અમારા ગામડામાં પણ એક સમસાન નથી, જો એ કરી આપો તો મત તમને જ આપસું.”

“કાકા, તમે ચિંતા ના કરો, તમારી માંગ જરૂર પૂરી કરશું. આ ગામમાં સ્મશાન ઊભું કરશું, અને જો સ્મશાનનો ઉપયોગ નહીં થાય તો એ પણ આપણે માણસોને મારીને એનો ઉપયોગ શરૂ કરાવશું.”

એ લાઇન નેતાજી બોલ્યા પછીથી આજ સુધી કોઈ દિવસ એ દેખાયા નથી કોઈ પણ રેલી કે સભામાં કદાચ એ સ્મશાનમાં જ સમાધી લઈ લીધી હશે.

હમણાં થોડા દિવસ પહેલા અમારે સોસાયટીમાં કોર્પોરેશનની ચુંટણી હતી એટલે એક પક્ષના અમુક નેતા અને તેના અનુયાયીઓ આવ્યા જાહેરાત કરવા માટે. એક પથરણું પાથર્યું હતું, એક હેલોજન લાઇટ અને સોસાયટીમાં જાહેરાત કરી દીધી કે આવી રીતે એક મિટિંગ રાખી છે.

રાત્રેસાડા દસ વાગે એ લોકોનું ટોળું આવ્યું, “ભારત માતાકી.. ભારત માતાકી..” બિચારા નવા અનુયાયી હતા એટલે ખબર ના હતી કે જય પાછળ બોલવું પડે, પછી જ્યારે કીધું કે જય બોલો નહિતર આજનું દનિયું નહીં મળે ત્યારે આજુબાજુની દસ સોસાયટીમાં સંભળાઈ એટલા ઊચે અવાજે નારા લગાવ્યા.

ધીરે ધીરે બધા ભેગા થયા, મિટિંગ શરૂ કરી.

એક ઉમેદવારે પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા, “શું તમારે પાણીની તકલીફ છે?”

“ના, ચોવીસ કલાક પાણી આવે છે.” એક સભ્યએ જવાબ આપ્યો.

“તો શું તમારે ગટર ઉભરાવવાની સમસ્યા છે?”

“ના, અઠવાડિયામાં બે વાર બી. એમ. સીમાથી માણસ આવી સાફ કરી જાય છે.” બીજાએ જવાબ આપ્યો.

હવે ઉમેદવાર થોડા અકળાયા, “શું તમારે સોસાયટીમાં બ્લોક નવા નખાવા છે?”

“હજી, પંદર દિવસ પહેલા જ નાખી ગયા.” એક મહિલાએ કીધું.

ઉમેદવાર હવે ભૂરાટા થયા, “તો તમારે કાઇ તકલીફ છે?”

“હા છે ને.” બધા એકસાથે બોલ્યા.

ઉમેદવારને થયું હાશ હવે હું કાઈક સરખું કહી શકીશ, “બોલો, બોલો શું તકલીફ છે?”

“તમે જ છો તકલીફ, તમને દૂર કરી શકાય એવી કોઈ યોજના ખરી?”

ઉમેદવાર અને અનુયાયી બધા જ ત્યાંથી સંકેલો કરી ઉપડી ગયા અને રસ્તામાં એકબીજાને કહેતા હતા,

“સારું થયું, ઓછા લોકો હતા સોસાયટીમાં વધુ જો હોત તો વધુ ઇજ્જત નિકળી જાત.”

હજી પણ આપણે દેશમાં કોઈ પણ ચુંટણીમાં વોટ આપવા માટે જાતિનો સૌથી વધુ ઉપયોગ થાય છે. એક સરસ કટાક્ષ મે સાંભળેલો, એક જંગલમાં વૃક્ષો વચ્ચે ચુંટણી ચાલતી હતી, તો એમાં અમુક યુવા વૃક્ષો પહેલી વાર મતદાન માટે આવ્યા હતા, એટલે એમને વડીલ વૃક્ષોએ એવું જણાવ્યું કે, જો કુહાડીને મત આપજો કારણ કે એનો હાથો બનાવવામાં લાકડું આપણાં વૃક્ષ સમુદાયનો ઉપયોગમાં લેવાયું છે.

આજનો યુવાન જાગૃત છે, સમજે છે છતાં પણ જાતપાતની રાજનીતિના રવાડે ચડી જાય છે. હું એક વાર મારા નવમા ધોરણના વિધ્યાર્થીઓને સામાજીક વિજ્ઞાનમાં નાગરિક શાસ્ત્રનો એક પાઠ ભણાવતો હતો, જેમાં હતું કે વડાપ્રધાન બનવા માટે શું લાયકાત જોઈએ, મુખ્યમંત્રી બનવા માટે શું લાયકાત જોઈએ. તો એવામાં મારો એક વિધ્યાર્થી મારી જેમ જ કટાક્ષ કરવામાં હોશિયાર મને કહે,

“માસ્તર સાહેબ, ડૉક્ટર બનવા માટે એમ.બી. બી. એસ, એમ. ડી આવું ભણવાનું, વકીલ માટે એલ. એલ. બી, મેનેજર બનવા માટે એમ. બી. એ, એન્જિનિયર બનવા માટે બી.ઈ અને એમ. ઈ પણ આવું બધુ કરવું એના કરતા થોડું ઘણું સમાજ સેવા કરેલા ફોટા પાડીએ, એક ગરીબના ઘરમાં જઈને આપણી સાથે લઈ ગયેલા થાળી વાટકામાં જમી લઈએ, ભાઈઓ – બહેનો.. ભાઈઓ – બહેનો.. આમ લહેકો કરતાં કરતાં બોલતા શીખી જઈએ, થોડું ઘણું હાફ મર્ડર કે લૂટફાટ કે કોઈ કાંડ કરી લઈએ અને નેતા બની જઈએ.”

આ સાંભળીને મને મનમાં એ વિધ્યાર્થી પર ગુસ્સો ના આવ્યો પણ એણે જે હકીકત કહી એના પર હસવું આવ્યું, સાચું જ કહ્યું એણે બાકી બધી પોસ્ટ મેળવવા માટે કાઈક ને કાઈક હાઇ લેવલનું ભણવું પડે પણ જો નેતા બનવું છે તો કાઈક હાઇ લેવલનું કાંડ કરવું પડે.

એક સાચો જ કાઈક ડાઈલોગ છે જ ને, “દુનિયા જુકે જ છે બસ જુકાવા વાળા હોવા જોઈએ.”

લગ્ન….ગાળો

લગ્ન ગાળો ચાલી રહ્યો છે, અરે રે ભૂલ થઈ ગઈ છૂટું લખાઈ ગયું આપણી ભાષા પણ કેટલી સરસ છે ને શબ્દોના મતલબ બદલાવી દે. મને આજે પણ વિચાર આવે કે આપણે કેમ આવું નામ રાખ્યું હશે, લગ્નગાળો, લગ્ન થતાં જ આ નામ રાખનારે પૂજ્ય પત્નિશ્રીની ખૂબ જ મીઠી મીઠી ગાળો મેળવી હશે એટલે નામ પાડી દીધું લગ્નગાળો. આવું મારુ વિચારવું છે તમે તમારા વિચારો મારાથી પણ ભયંકર જો હોય તો કહી શકો છો મને.

ખેર, મૂળ વાત તો એ છે કે હવે ધીરે ધીરે કોરોનાની વિદાય થઈ રહી છે અને સાથે સાથે લગ્નમાં પૂરેપૂરા મહેમાનોને લાવવાની છુટ્ટી મળી રહી છે. કોરોનાકાળમાં એ લોકો સૌથી વધારે દુ:ખી હતા જે બીજાના લગ્નમાં ૧૦૧ નો ચાંલ્લો કરી આવેલા પણ પોતાના ઘરે પ્રસંગ કોરોનામાં આવેલો અને બિચારા ચાંલ્લાથી વંચિત રહી ગયેલા એટલે એ લોકોની હાલત તો કાપે તો લોહી ના નીકળે એવી હતી. સાચું કહું તો મને આ ચાંલ્લા પ્રથા ખૂબ જ ગમે અને પાછું જેને એ જવાબદારી સોંપવામાં આવે એ લગ્નના દિવસે બે ફૂટ ઊચો હાલે, ભલે એ હીરા ઘસતો હોય પણ જ્યારે ચાંલ્લા લેવામાં એને બેસવાનું કહેવામાં આવે ત્યારે એ બેન્કના કેશિયર જેવો ઘમંડ લઈને ફરે. સાથે બાજુમાં એક આસીસ્ટ્ન્ટ પણ હોય જેનું ફક્ત એક જ કામ હોય, છુટ્ટા દેવાનું અને મુખવાસ થાળીમાં ખાલી થઈ જાય તો ભરવાનું.

ઘણાખરા પ્રસંગો આવે મગજમાં લગ્નનું કહેવા બેસીએ એટલે, જો કે શરૂઆત તો સગાઈથી જ થાય છે. એક જબરો ટ્રેન્ડ ઉપડી પડ્યો છે ખબર નહીં કેમ અને કોણે એનો ઇજાદ કર્યો છે, સગાઈમાં છોકરો છોકરીને ગિફ્ટમાં મોબાઈલ આપે. કેમ? છોકરીના પપ્પા નહીં અપાવી શકતા હોય? હવે તો હિનાનું થયું (જો કે હિનાનું વાઇરલ થયું એમાં એનું થયેલું તૂટી ગયું, સગાઈમાં જ છૂટાછેડા થઈ ગયા) પછી હું તો મારા ઓળખીતાને પહેલેથી જ ચોખવટ કરવાનું કહી દઉં, કોણ ક્યારે વાઇરલ થઈ જાય શું ખબર? મે તો એવા પણ હરખપદુંડા જોયા છે જે સગાઈ થાય પછી હપ્તે ફોન લઈ ગિફ્ટમાં આપે છે, મજા તો ત્યારે આવે જ્યારે કોઈ કારણોસર એ સગાઈ તૂટે અને પછી ના તો એ ફોન પાછો માંગી શકાય તો ના તો બજાજવાળાને એમ કહેવાય કે, “ભાઈ, સગાઈ જ નથી રહી, હપ્તો ભરું કેમ?” ના છૂટકે એ હપ્તા પૂરા કરવા પડે અને એક એક હપ્તે પછી યાદ આવે, “જાનું તારા પ્રેમમાં તો મને મોબાઈલ માથે પડ્યો.”

લગ્ન પ્રસંગમાં સૌથી વધુ આકર્ષણ જમાવે વરઘોડામાં થતાં ડાન્સ. ખાસ કરીને ઉનાળામાં લગ્ન હોય અને જાનૈયા ખરે તડકે ડી.જેના ખટારા આગળ નાચી નાચીને કાળા મશ થયાં હોય, મને એક પ્રસંગ યાદ આવે વરઘોડાનો, એક વાર ઉનાળામાં અમદાવાદ લગ્નમાં જવાનું થયું એ પણ મે મહિનામાં અને અમદાવાદની ગરમી તો વર્લ્ડ ફેમસ છે જ. બધુ તૈયાર હતું, ડી. જે ધમધોકાર વાંગતું હતું, શું વાગતું હતું એ તો રામ જાણે. એક બેન સરસ મજાનો મેકઅપ કરી, સુંદર તૈયાર થઈને અમદાવાદના રસ્તા ઉપર નાચતા હતા, માથે ધમધોકાર આગ જરતો તડકો પણ બેન નક્કી કરીને આવ્યા હતા જાણે કે નચ બલિયે નું ઓડિશન હોય. ખૂબ નાચ્યા, પરસેવે નીતરી ગયા. પતિ પણ ઊંધું નાખીને નાચતો હતો, મજા તો ત્યારે આવી જ્યારે ખૂબ થાકીને એ બેનએ નેપ્કિનથી પરસેવો લૂછ્યો અને પતિ પાસે ગયા અને કહે, “ચાલો હવે ખૂબ નાચી લીધું, મને પાણી પીવું છે.” પતિએ જે જવાબ આપ્યો છે, બિચારો આજ સુધી એની સજા ભોગવતો હશે, “બેન તમે કોણ છો? તમારા પતિને જઈને કહો એ પાણી આપશે મને શું છે?” જવાબ આપ્યાં એના પાંચ મિનિટ રહીને ખબર પડી કે પત્નિ ઉપર જે પ્લાસ્ટર કરેલું મેકઅપનું એ જતું રહ્યું અને અસલ સ્વરૂપ એ ભાઈ ઓળખી ના શક્યા, અત્યારે રોજ અસલ સ્વરૂપે દેવીનો પ્રસાદ મેળવે છે.

વરઘોડામાં નાચવાવાળા એવા એવા જોવા મળે કે રેમો ડિસુઝા પણ એ બધા સામે ઝાંખો પડે. એક છોકરો વરઘોડામાં એવો હોય જેને થોડો ઘણો ડાન્સ આવડતો હોય અને એ આખા વરઘોડામાં આકર્ષણનું કેન્દ્ર હોય, એના ત્રણ ચાર સ્ટેપ ફિક્સ જ હોય, એક દોરડા ખેચવાનો, એક કાચ સામે હોય એવું, એક ગીત એણે ગોખેલું હોય એનો હૂક સ્ટેપ અને એ રોડ પર મુજરો શરૂ કરે, બધા એને ઘેરી લે અને શોખથી એની કળાનું પ્રદર્શન કરે, અધૂરામાં ઘરના એકાદ દાદા જેવા આવે અને એના પર દસ દસની નોટોનો વરસાદ કરે. મને તો ઘણીવાર મનમાં થાય કે આ પૈસા કંટાળીને આપતા હશે કે ભાઈ, તારું પ્રદર્શન બંધ કર.

એક નાચવાવાળી પ્રજાતી તો જોરદાર છે, જે ડ્રમ વાળા પાસે જ નાચતા હોય. આ પ્રજાતી કા તો વરરાજાનો મોટો ભાઈ, એના જીજાજી કે એના મિત્રો હોય. ડ્રમ વગાડવાવાળો પણ સામે એવો કે જેમ પૈસા જોવે એમ વધુ વગાડે, એ લોકોનો જે ડાન્સ હોય છે એને તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળા શોધે છે, એટલો ઓફબીટ ડાન્સ કોઈ ના કરી શકે. એક આંગળી ઊચી, ડોક બળદની જેમ જુલતી અને પગ ગધેડાની જેમ આમ – તેમ ઘૂમતા. નાગિન ડાન્સ તો હવે રાષ્ટ્રીય ડાન્સ જાહેર થવાનો બાકી છે બસ, નાગ પણ હવે વિચારે છે કે અમે આવો ડાન્સ ક્યારે કર્યો?

જમણવાર નક્કી કરે કે લગ્ન સફળ છે કે નહીં, અને એ બધુ નક્કી કરવાનું આવે મહેમાનોએ જે પોતાની જાતને માસ્ટર શેફ સમજતા હોય. એટલી હદે જમી લે અને પછી પાછા એ જ રસોઈની ભૂલ કાઢતા હોય. આમાં ખાસ કરીને હોય ફુવા અને જીજા, એને રસોઈના ર ની પણ ખબર ના હોય પણ વિશેષ ટિપ્પણી તો કરે જ, “આવું કાઇ પનીર નું શાક હોય? મને કીધું હોત તો હું સારો રસોઇયો શોધી આપેત, દાળ છે કે પાણી એ જ નથી સમજાતું, આટલો ખર્ચો કર્યો પણ દાળ સાવ એટલે સાવ ભંગાર બનાવી.” આ એ લોકો જ હોય જે ઘરે રોજ બટેટા ખાઈ ખાઈને પ્રદૂષણ ફેલાવતા હોય.

આપણી ભારતીય સંસ્કૃતિમાં જે લગ્ન કરવાની પરંપરા છે અને જે મજા છે એ ખૂબ જ અનોખી છે, મે તો કર્યા જ છે લગ્ન, સલાહ તો એ જ આપીશ કે કરજો લગ્ન, હું એકલો જ શું લેવા થાવ હેરાન, તમે પણ સાથ આપો મને.

સુનિલ ગોહિલ ‘માસ્તર’