section and everything up till
*/ ?> માસ્તરની મોજ Archives - Page 2 of 8 - Shabdoni Sangathe

રભાની ફાંદ – 13

પ્રકરણ 13 – રભાની સોનાની પોચી

સવાર સવારમાં આખી સોસાયટી ભેગી થયેલી જોઈ સૌથી પહેલો પ્રશ્ન મારા મનમાં એ જ આવ્યો કે રભાના બાપા ધામમાં ગયા કે શું? મારે કોઈ એવી દુશ્મની નથી પણ રભાના ત્રાસથી કદાચ જમનો પાડો વહેલા લેવા આવી ગયો હોય. મને આશાતો હતી જ કે સુરતથી ભાવનગરમાં પગ મુકીશ અને જેવો સોસાયટીમાં જઈશ એટલે કાંઇક તો નવા જૂની જોવા મળશે જ.

“એ ટેણી, અહિયાં આવ.” મારા ભત્રીજાને અવાજ દઈને બોલાવ્યો.
“અરે કાકા તમે આવી ગયા!”

એક તો આ સવાલ આપણાં ગુજરાતીઓમાં મને ખાસ જોવા મળે. આપણે સામે ઊભા હોઇએ છતાં પણ પૂછે તમે આવી ગયા?
“શું લાગે છે? હું આવી ગયો છું કે જીનની જેમ અડધો દેખાવ છું!” ચા મળી નહોતી એટલે કદાચ ગુસ્સો થઈ ગયો.
“કાકા, આ તમારા પરમ સ્નેહીમિત્રના કારનામાંને કારણે આખી સોસાયટી ભેગી થઈ છે.”
“હા એ મને અંદાજ આવી જ ગયો. હવે તું મને સરખું વિગતે કહે કે મૂળ વાત શું છે અને આ વાતનું મૂળ ક્યાં છે?”
“વાતનું મૂળ એના ઘરમાં બેઠા બેઠા એની પ્રતિજ્ઞા મુજબ તહેસ મહેસ મચાવે છે, સારું થયું તમે આવી ગયા જલ્દી જાવ અને એને રોકો બાકી આજે જ આખા દેશમાં ભૂખમરો ફેલાઈ જશે.”

મારો ભત્રીજો આટલો ગંભીર મને ક્યારેય નહીં લાગેલો. હું ફટાફટ થેલા લઈ રભાના ઘરે પહોંચ્યો. જતા જ જોયું તો ફાંદાસૂર એનું આસન જમાવીને બેઠો હતો. આખા રૂમમાં જાત જાતના પકવાનોની સુગંધ આવી રહીં હતી. ભૂખ તો મને પણ લાગી હતી પણ આટલું જમવાનું જોઈને મારુ પેટ આમ જ ભરાઈ ગયું હતું.

“સારું થયું માસ્તર તમે આવી ગયા. આ રભલાને તમે જ સમજાવો એની જીદ છોડે.” રભાના બાપાને મે પહેલીવાર લુંગીમાં જોયા.
“કાકા, લેંઘો ક્યાં?” મારાથી વિષય બારનું કદાચ પૂછાઈ ગયું.
“લેંઘાની રામાયણ પછી કરશું પહેલા તમે આ રભલાનું ખોરાકપુરાણ રોકો.”

મને તો હજી પૂરી વાતની ખબર જ ના હતી. ના મારા ભત્રીજાએ ના તો રભાના બાપાએ મને વાતની જાણ કરી. ગરમા ગરમ ગાંઠિયા ચટણી વગર આપ્યા હોય એવી મારી હાલત હતી.

“રભેશ, આટલું બધુ ખોટું લાગી ગયું? હું તો એક દિવસ માટે જ સેમિનારમાં સુરત ગયો હતો અને તને મારા માટે એટલી લાગણી છે કે તું એક દિવસ પણ ના રહી શક્યો મારી વગર.” જેમ બ્રેડ પર બટર લાગે એમ મે પણ બટર લગાવ્યું.
“માસ્તર, રહેવા દો. અત્યાર સુધીમાં હું છ બ્રેડ બટર ખાઈ ગયો છું. વધારે બટર ના લગાવો.” રભાએ એક સેન્ડવીચનું બટકું ભરતા કીધું.
“હા તો બોલને આ આખી સોસાયટી શું ભેગી કરી છે નીચે? અને ભેગી કરતાં તો કરી પણ તું અહિયાં આ શું ભરેલા રીંગણાંની જેમ બધુ ભરીને બેઠો છો?”
“આ જોવો મારો હાથ.” રભાએ હાથ બતાવતા કહ્યું.
“એલા હું થોડો જ્યોતિષ છું, મને શું હાથ બતાવે છે?”
“એમ નહીં આ કાંડું જોવો મારુ. યાદ આવે છે કાંઇ?”

હવે પહેલા જેવી યાદશક્તિ નથી રહીં છતા મગજમાં બેકવર્ડ કર્યું પણ કશું યાદ આવ્યું નહીં.
“ભાઈ, માફી પણ મને કશું યાદ આવતુ નથી.”
“રુદ્રાક્ષની સાઈઠ હજારની મારી રિંકીએ આપેલી સોનાની પોચી, દેખાઈ છે હાથમાં?”

મારાથી સાઈઠ હજાર અને રિંકી શબ્દ સાંભળતા જ ઊભા થઈ જવાયું. એનું કાંડું આમ તેમ બે – ત્રણવાર ફેરવી નાખ્યું.
“એલા ક્યાં ગઈ? ઓલી રિંકીને ખબર પડશે તો તારી ફાંદ પર તાંડવ કરશે.”
“ખબર પડી ગઈ છે અને આ એ જ સજા આપીને ગઈ છે કે જ્યાં સુધી પોચી નહીં મળે ત્યાં સુધી જમવાનું બંધ ના થવું જોઈએ. માસ્તર, કરો કાંઇક. સવારનો સાત વાગ્યાથી ખાવ છું હવે તો ફાંદમાં ઓરકેસ્ટ્રા વાગતા હોય એવું લાગે છે. બાથરૂમ ક્યારનું બોલાવે છે પણ ત્યાં રિંકી ટેબલ નાખીને બેસી છે જવા નથી દેતી.”
“હે! શું વાત કરે? એ બાથરૂમની ચોકીદારી કરે!” મારાથી જોરથી હસાઈ ગયું.
“હસોમાં તમે, એક તો અમેરિકા જવાનું કેન્સલ થયું એમાં એ નારાજ છે અને હવે મારાથી એ પોચી ખોવાઈ ગઈ એટલે એ ભુરાટી થઈ છે.”
“કાકા, સાચું જલ્દી કાંઇક કરો. પેલા તો આ ગેસનો બાટલો એક જ હતો હવે તો આ રિંકી કાકી પણ, સવાર સવારમાં ગોપાલનો ટેમ્પો વાટકા ખાલી કરીને ગયો છે. રભા કાકાને બધુ ખાવાની સજા આપી અને પોતે રડતાં રડતાં અત્યાર સુધીમાં પચ્ચીસ વાટકાના પડીકાં ખાઈ ગયા છે. વિચારો, આ બન્ને બ્લાસ્ટ એકસાથે થશે તો હિરોશીમાં અને નાગાસાકી કરતાં પણ ભયાનક અસર થશે.” મારા ભત્રીજાએ કહ્યું.

મારે શું કરવું આ પરિસ્થતિમાં કાંઇ સમજાતું નહોતું. એકબાજુ રભો આજે મને પંદર વીસ જમવાની આઇટમમાં અથાણાંની હાલત હોય એવો લાગતો હતો. અને બીજીબાજુ રિંકી શેડીયા મરચાં જેવી થઈને બેઠી હતી. એક સોનાની પોચી માટે આવી સજા!

“માસ્તર, આવ્યું કશું મગજમાં કે નહીં? હવે આજે સાચું એવું જ લાગે છે કે આ ટેણીની વાત સાચી પડશે, હું આજે ફાટવાનો છું. મને ખાવાનું અતિશય વ્હાલું છે પણ આજે આ ખાવા પર જ આટલો ગુસ્સો આવે છે. આજે મને અનુભવ થાય છે કે ખૂબ ટોઇલેટ લાગી હોય અને બાથરૂમ જવા ના મળે તો શું થાય? મારી સામે ભાવતી એકથી એક ચડિયાતી વાનગી છે પણ મને સામે ટોઇલેટ જ દેખાઈ છે.” રભાથી રડાઈ ગયું.

રભાને રડતો જોઈ, હું સીધો રિંકી પાસે ગયો.
“રિંકી, રભાએ જાણી જોઈને પોચી નહીં ખોઈ હોય. એને માફ કરી દે.”
“માસ્તર, તમે વચ્ચે ના પડો. તમે તમારા કામથી કામ રાખો બાકી તમને પણ આખો દિવસ ચા પીવાની સજા આપી દઇશ.”
“રિંકી, માફ ના કર પણ બિચારાને એકવાર ટોઇલેટ તો જવા દે. રભાનું નહીં તો માણસાઈને ખાતર એને ટોઇલેટ જવા દે. રભો જો ફાટ્યો તો આખી સોસાયટીની સાથે સાથે આજુ બાજુના દસ કિલોમીટર સુધી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડશે.”
“માસ્તર, હું ટસની મસ નહીં થાવ. તમે તમારો સમય વ્યર્થ કરો છો. જાવ અને મને મારા વાટકા ખાવા દો.”

હું ચાસણી ચૂસાઈ ગયેલા રસ્સગુલ્લાની જેમ પાછો આવ્યો. હારીને સીધો મારા બેગ પર બેસી ગયો. બેસતા જ કાંઇક તૂટવાનો અવાજ આવ્યો. બેગ ખોલીને જોયું તો એમાં સુરતની ઘારી અને લોચો હતો. હું ઘણા પ્રેમથી રભા માટે લાવ્યો હતો. પણ હાલ તો રભાને જોતા લાગ્યું કે આ બધુ એને આપવું યોગ્ય નથી. બેગમાં બધુ પાછું મૂકતો જ હતો કે મારી નજર બેગમાં કાંઇક ચમકતું હતું એના પર પડી. અંદર વ્યવસ્થિત હાથ નાખીને જોયું અને ખેચીને બહાર કાઢ્યું તો રભાની પોચી હતી. વર્ષો સુધી ડાઈટિંગ કરેલાને જાણે છપ્પન પકવાન મળ્યા હોય તેમ હું રાજી થઈ ગયો.

“ફાંદાળા, તારા ટોઈલેટની ચાવી મળી ગઈ. આ જો.” મે પોચી હાથમાં પકડીને કહ્યું.

રભાએ મારા હાથમાં પોચી જોતા મને વળગી પડ્યો. જાણે વણેલા ગાંઠિયામાં કઢી લાગે એમ મને ચોંટી ગયો. રભો મારા હાથમાંથી પોચી લઈ એના કાંડામાં પેરી દોડા દોડ રિંકી પાસે ગયો. રિંકીને કાંડું બતાવી, રિંકી જોવે કે ના જોવે એ જોયા વગર રિંકીને ધક્કો મારી એ સીધો ટોઈલેટમાં. પોણી કલાક રહીને બહાર આવ્યો. આખી સોસાયટીએ રાહતનો શ્વાસ લીધો.

“માસ્તર, આ તમારી પાસે કયાથી આવી?” રભાએ હળવા થઈને કહ્યું.
“એ કયાથી આવી વાળી! આ બેગ જો કોનું છે? મારુ બેગ ફાટી ગયું હતું એટલે તારું લઈ ગયો હતો અને તે આમા રાખી હશે પોચી. ગજબ માણસ છો તું! પોચી કોણ બેગમાં રાખે?”
“એલા હા આ તો મારુ જ બેગ છે. એ દુકાને કામ કરવામાં મને પોચી નડતી હતી તો મે કાઢીને બેગમાં નાખી, ઉતાવળે સાંજે તમે બેગનો કકળાટ કરતાં કરતાં આવ્યા અને મે મારુ બેગ તમને આપી દીધું એમાં આ રામાયણ થઈ.”
“જે થયું એ પણ રિંકી હવે આવી સજા ના આપતી તને બે હાથ જોડું.”
“હા.. હા એ હું વિચારીશ.” રિંકીના વાટકાતો શરૂ જ હતા.
“માસ્તર, સુરતથી આવ્યા તો ઘારી ને લોચો લાવ્યા કે નહીં?” રભાએ બેગ ફંફોળતા કહ્યું.
“એ ફાંદાસૂર આટલું ખાધું છે તો પણ હજી તારે લોચો ખાવો છે!”

રભાએ બેગમાંથી પાર્સલ કાઢ્યા અને ધરાઈને બધાએ લોચો ખાધો અને છેલ્લે ઘારી ખાઈને બધા ઘર ભેગા થયા.

🖊️સુનિલ ગોહિલ “માસ્તર”

રભાની ફાંદ – 12

જેન્ટલમેન રભો

“આ શું છે ભાઈ બધુ? મે રભાના કબાટમાં આખો ફાડી જોતા જોતા કહ્યું.
“રભો નહીં સર રભેશ કહો હવે.” રભાએ કબાટમાંથી એક કડક ઇસ્ત્રી કરેલું બ્લેઝર પહેરીને કહ્યું.
“એલા, ભણવામાં તું ચાલીશ ચિટ્ઠી લઈને જતો તો પણ નાપાસ થતો અને તને સર કહું!”
“યુ કોલ મી સર રભેશ મિસ્ટર માસ્તર. આઈ પ્લાન અમેરિકા.”
“એલા આ શું બટેટા ભૂંગળામાં કડક બટેટાને કારણે તુટી ગયેલા ભૂંગળા જેવું ઇંગ્લિશ બોલે છે! કહેવા શું માંગે છે? સમજાઈ એવી ભાષામાં બોલ.”
“નો, આઈ ટોક ઇંગ્લિશ, આઈ વોક ઇંગ્લિશ અને આઈ ડ્રિંક પણ ઇંગ્લિશ.”

બાવા હિન્દી તો ગુજરતીઓનું સહન થાય જ પણ આ બાવા ઇંગ્લિશ કેમ કરવું? એમાં પણ આ રભાને ગુજરાતીમાં પણ ખાવાની વાનગીના નામ સરખા બોલતા આવડતા બાકી એનું ગુજરાતી ઊંધિયામાં જે તુરની દાળની હાલત હોય એવી ગુજરાતીની હાલત હોય.

“કાકા, આ રભલાને શું છે આજે?” મે રભાના બાપા ફાટેલો લેંઘો સિવતા હતા ત્યાં જઈને પૂછ્યું.
“મગજની મેથી મારી છે આજે એણે, સવારનો અંગ્રેજીમાં બડ – બડ કરે છે. સવારમાં જાગ્યો ત્યારે કે ફાધર તું કપટી. સવાર – સવારમાં બે ધોલ મારી છે, જાગતા વેત બાપાને કપટી કહે છો.” રભાના બાપા બોલતા બોલતા લેંઘો સિવતા ગયા.

થોડીવાર તો મને પણ સમજ ના પડી કે રભાએ કાકાને કપટી કેમ કહ્યું? થોડીવાર રહીને એક કપ ચા પીધી પછી ખબર પડી કે રભાએ ટુ કપ ટી કીધું હતું.

“કાકા, એ તમને ઈંગ્લીશમાં કહેતો હતો એનો મતલબ એમ થાય કે બે કપ ચા આપો એમ.”
“અરર.. બઉ કરી!”
“કેમ શું થયું?”
“મે એને બે ધોલ મારી તો એ પાછો બબડ્યો યુ હીટ.. યુ હીટ.. એમ તો મે એને ઓલો કાલા હીટ સ્પ્રે છાંટી દીધો, સવારનો લોહી પીતો હતો તો મે પણ કંટાળીને છાંટી માર્યો.”

મનમાં તો મે વિચાર્યું કે સારું છે કાલા હીટ છાંટ્યો કાંઇક ગળ્યું ખાશે તો ફાંદ પર કીડયું નહીં ચડે.

“પણ આને વળગ્યું છે શું ઈંગ્લીશનું?”
“રામ જાણે એ માટે તમે મને બક્ષી દો.”
“સારું.. સારું તમે તમારો લેંઘો સીવો હું રભાને જ પકડું.”

“રભા, તને હવે મારા સમ છે બોલીશ કે આ બધા તારા શું નાટક છે? અને ભાઈસાબ ગુજરાતીમાં બોલ જે.”
“રિંકીએ કીધું છે કે હવે અમારે અમેરિકા સેટલ થવાનું છે એટલે હું મારી પર્સનાલિટી અને બોલ – ચાલ બધુ ઈંગ્લીશમેન જેવી કરું.” રભાએ વરસાદના બફારામાં ગરમીના ઉકળાટમાં પહેરેલા બ્લેઝરની બાયો ચડાવીને કહ્યું.

“તો અહીંયા તારા બાપા અને અમારા બધાનું શું? તે ખાલી એક રિંકીનું જ વિચાર્યું? અને ભાઈ, અહિયાં તારી દુકાન કોણ સંભાળશે? એ બધુ છોડ આપણાં નાસ્તાનું શું? એ સવાર સવારમાં ફાફડા, ચા, બપોરે દાળ પૂરી, રસોઈની થાળી, દાસના પેંડા, સાંજે ભરતભાઈના ચણામઠ બટેટા, સાંજે રામ ઔર શ્યામની પ્યાલી, ગોળા. ભાઈ, તું આમ અમેરિકાની ગોળી પાઈને જઈ ના શકે. આપણે તો જન્મ જન્મના સાથી છીએ. તું આમ અમેરિકા ના જઈ શકે ભાઈબંધ.” મારાથી લગભગ રડાઈ જ ગયું.

“ધિસ ઈઝ ઓલ મોહ માયા માસ્તર. આઈ ગો અમેરિકા ઈઝ ફાઇનલ. યુ યોર રસ્તે એન્ડ આઈ માય રસ્તે. એન્ડ બાકી વિડીઓ ફોન ઈઝ ચાલુ તો રોજ આઈ વીલ કોલ.” રભાનું આ અંગ્રેજી શેડીયા મરચાં કરતાં પણ ભયાનક હતું.

“હું રિંકી સાથે વાત કરીશ પણ તને અમેરિકા નહીં જ જવા દઉં.”
“હા રભાકાકા, હવે અમને આ ગેસના બાટલાની આદત પડી ગઈ છે. આ તમારી ફાંદ જ્યાં સુધી અમને રસ્તા પર દેખાઈ નહીં ત્યાં સુધી જમવાનું હજમ ના થાય. તમારી ફાંદ જતી રહેશે તો હું ગેસનો બાટલો.. ગેસનો બાટલો કોને ખિજવીશ? તમારી આ સુંવાળી સુંવાળી ફાંદ પર હાથ કોણ ફેરવશે? એ રોજના સો બસો રૂપિયાના બટેટા ભૂંગળા કોણ ખાશે?” મારા ભત્રીજાએ રડમસ થઈને કહ્યું.

“યુ ટેણી બોલ મી ગેસના બાટલા એટલે જ આઈ ગો અમેરિકા બીકોઝ આઈ એમ કંટાળેલા ઓફ યુ.”

ઘડીક તો મારો ભત્રીજો એનું ભણેલું ઈંગ્લીશ ભૂલી ગયો. એ માથું ખંજવાળવા લાગ્યો કે આ રભાકાકા કઈ ભાતનું ઈંગ્લીશ બોલે છે? મે વધારે કાંઇ ધડ કરી નહીં કારણ કે હું પણ સમજી જ ગયેલો કે આ ઈંગ્લીશ સાંભળીને રભાને કોણ અમેરિકાના વિઝા આપવાનું એટલે હું નિરાંતનો શ્વાસ લઈને બેઠી ગયો. બધાને પણ સમજાવી દીધા કે રભાને કોઈ વિઝા આપશે નહીં અને આફૂડો ફુદકતો બંધ થઈ જશે.

બીજા દિવસે સવારે રભાના બાપા પોંક મૂકી મારી પાસે રડતાં રડતાં આવ્યા.
“એલા કાકા, શું થયું? રભો પાછો પડ્યો કે શું થયું?”
“એ થેલા ભરી મુંબઈ જવા ઉપડ્યો ત્યાંથી પરમદિવસે અમેરિકા.”

હું દોડાદોડ રભા પાસે ગયો. રભો તો ઘરની બહાર નીકળીને છેક સોસાયટીના દરવાજા સુધી જતો રહ્યો હતો. મે વિચાર્યું કે આમ તો રભો કોઈથી રોકાશે નહીં. રભો ભાવનગર રેલ્વે સ્ટેશન પહોંચ્યો. ત્યાં રિંકી, એના મમ્મી – પપ્પા બધા જ ઊભા હતા. હું, મારો ભત્રીજો, રભાના બાપા અમે પણ ફટાફટ ત્યાં પહોંચ્યા.

“સારું ભાઈ રભા સોરી સોરી. સર રભેશ હવે તમે જવાનું મન બનાવી જ લીધું છે તો અમે કોઈ રોકશું નહીં પણ મારી એક છેલ્લી વિનંતી માનીશ?” મે રભાને ગળે લગાડીને પૂછ્યું.
“યેસ.. યેસ મિસ્ટર માસ્તર તેલ.”

મનમાં કીધું ફાંદાસુર તેલ નહીં ટેલ આવે પણ આજકાલ તેલના ભાવ જ એટલા બધા છે કે રભા જેવા મિડલ ક્લાસ માણસોના મોઢે તેલ આવી જ જાય.

“જતા જતા છેલ્લી વાર મારી સાથે આ નવાપરાના બટેટા, પોપટની સેવ ખમણી, લછું ભાઈના પાઉંગાંઠિયા, પાલવની બટર ભાજી, હેવમોરના છોલે પૂરી અને ક્રેવ ઇટેબલ્સની ગરમા ગરમ જલેબી ખાતો જા. તારા માટે ખાસ લઈને આવ્યો છું.”
“નો.. નો રભેશ વી ટ્રેન કેચ કમ.. કમ જલ્દી કમ.. છોડ ધીઝ આઈ આપ યુ વાટકા કમ બેબી.. કમ.” રિંકીએ રભા કરતાં પણ ભયાનક ઈંગ્લીશ સાથે કહ્યું.

હું રભાની રગે રગ ઓળખતો હતો. આ બધા જ એના પ્રિય વ્યંજન હતા. જેમ કુંભકર્ણને જગાડવા માટે સ્વાદિષ્ટ જમવાનું હતું એમ મારા ફાંદાકર્ણ માટે આ બધુ જ પૂરતું હતું. બસ એકવાર એની ટ્રેન છૂટી જાય પછી તો રભાને સમજાવીને ક્યાંય જવા દેવાનો હતો નહીં.

રભો પણ અમારે સ્વાદ પ્રિય આટલું બધુ એનું ભાવતું જોઈને એ રિંકીનો બેબી કાંઇ વાટકા થોડીને ખાવાનો હતો! રભાએ થેલાના કર્યા ઘા. દોડતો દોડતો આવ્યો મારી તરફ જાણે સમોસુ ચટણી તરફ જતું હોય. રેલ્વે સ્ટેશન એ દિવસે રભાનું ડાઇનિંગ ટેબલ બની ગયું. એક – એક વાનગી એણે ચાટી ચાટીને આરોગી. મોટેથી ઓડકાર લઈને રિંકી તરફ જોઈને બોલ્યો.

“રિંકી બેબી, લેટ્સ ચલો ટ્રેન ઇન?”
“બેબી ગઈ રિક્ષામાં શાસ્ત્રીનગર, તમારી આ મુઈ ટ્રેન છૂટી ગઈ તમારી આ ખાવાની ઉજાણીમાં.”
“રિંકી.. રિંકી..” રભો બોલતો રહ્યો પણ રિંકીતો રિક્ષામાં છૂમંતર થઈ ગઈ.

રભો આવ્યો અમારી પાસે અને એણે જે ભાવનગર રેલ્વે સ્ટેશન રમણ – ભમણ કર્યું હતું એ જોઈને મારી નજીક આવીને બોલ્યો, “માસ્તર, હવે હાલો ત્યારે લીંબુ સોડા પી ને ઘર ભેગા થઈએ?”
મે પણ એની સામે હસ્તાં હસ્તાં એને મારી પાછળ બેસાડયો અને લીંબુ સોડા પી ને ઘર ભેગા થયા.

🖊️સુનિલ ગોહિલ “માસ્તર”

રભાની ફાંદ – ૧૧

રભા સાથે ચમત્કાર

“જલ્દી બહાર આવો બધા.. જલ્દી બહાર આવો..” મારા ભત્રીજાએ બૂમો પાડી આખી સોસાયટી ભેગી કરી.
“એલા પણ મને તો કહે કે શું થયું?” હું મારા ચશ્મા સાફ કરતો કરતો બહાર દોડી આવ્યો.
“શું થયું? શું સવારમાં બૂમાબૂમ પાડે છો?” રભાના બાપા નાડાવાળો લેંઘો પહેરી બહાર આવ્યા.
“ચમત્કાર થઈ ગયો ચમત્કાર..”
“હવે તું જલ્દી બોલ અહિયાં બધા બાથરુંમ અધૂરું છોડીને આવ્યા છે.” રભાના બાપા લેંઘો ચડાવીને બોલ્યા.
“તમે લોકોએ સવારથી રભાકાકાને જોયા છે?”

બધાએ ના પાડી. હું પણ વિચારમાં પડી ગયો કે રોજ સવારે અલાર્મ પહેલા રભો મને જગાડે પણ આજે તો એ આવ્યો જ નથી. આજે તો એનો મનપસંદ નાસ્તો હતો. ચાર જાતના ગાંઠિયા, મેથીના ગોટા, પપૈયાંનો સંભારો. આમ તો લોકો નાકથી સૂંઘી લે પણ અમારે રભાની ફાંદ બધુ સૂંઘી લે. આજે શું ફાંદ બીમાર પડી છે કે શું?

“હું સવારે પાણી ભરવા જાગ્યો ત્યારે રભો રૂમમાં હતો નહીં.” રભાના બાપા બોલ્યા.
“હા, મને પણ કાંઇ કીધું નથી.” મે પણ આશ્ચર્યમાં કહ્યું.
“એજ કહું છું કે ચમત્કાર થયો છે અને મારુ તો હમેશાનું મનોરંજન બંધ થઈ ગયું.” મારો ભત્રીજો ઉદાસ થઈને બોલ્યો.
“હવે ગોળ ગોળ જલેબીની જેમ વાત ના ફેરવ અને સીધી વાત કર.” મને પણ રભાની જેમ વાત વાતમાં ખાવાની વસ્તુ બોલવાની આદત પડી ગઈ, સંગ એવો રંગ, સારું છે સંગ એવો ઢંગ નથી આવ્યો બાકી હું પણ ફાંદમાં કેવો લાગેત?

“કાકા, આ જુઓ સામે આપણાં રભા કાકા.” મારા ભત્રીજાએ સોસાયટીના બગીચા તરફ ઈશારો કરતાં કહ્યું.

અમે બધાએ એ તરફ જોયું તો રભો બગીચામાં રહેલા બાળકોના હિચકા ખાતો હતો અને રિંકી એને હિચકા નાખતી હતી. મારી તો આંખો પહોળી થઈ ગઈ કે આ શું? હા, એ તો સાંભળ્યું છે કે વાંઢાનું અચાનક નક્કી થઈ જાય તો એ ફુલાઈ જાય પણ આ ફાંદાસુર એની પત્નિ મકોડી પહેલવાન રિંકીની જેમ આટલો પતલો કેવી રીતે થઈ શકે? હું બધા પહેલા દોડી એની પાસે ગયો.

“આવો.. આવો માસ્તર, કયું હિલા ડાલાના?” રભો રજનીકાંતની જેમ ડાઈલોગ બોલ્યો.
“એલા, એ રજનીકાંત છે ગમે તે કરી શકે પણ તું ફાંદાકાંત હતો એમાંથી આ સુંવાળી સુકન્યાની પાતળી કમર જેવો કેવી રીતે થઈ ગયો?”
“આ બધુ મારી રિંકીનો કમાલ છે.”
“ભાઈ, ફાફડામાં રહેલા મરીની જેમ ટૂંકમાં નહીં ફાફડામાં રહેલા ચણાના લોટની જેમ વિગતે વાત કર.”
“માસ્તર, એ બધુ હવે ભૂલી જાવ. રભો હવે કાકડી, ગાજર, બીટ, કોબીજ, પાલક આવું બધુ જ ખાશે અને હા ચિટ મીલમાં મારી રિંકીના ફેવરિટ ગોપાલના વાટકા.” રભાએ ઘમંડથી કહ્યું.

મને તો આ બધા શાકભાજીના નામ રભાના મોઢે સાંભળીને ચક્કર આવી ગયા. લીલા શાકભાજી એ પણ કાચા અને એ પણ રભાના મોઢે નક્કી આ કલિયુગનો અંત થઈ ગયો છે અને સતયુગ આવી ગયો લાગે.

“માસ્તર, ક્યાં ખોવાઈ ગયા?”
“ભાઈ, આ તારી ફાંદ વગર તું અપંગ લાગે છો. તારી ફાંદ તારી ઓળખ હતી. તે કેમ આવું કર્યું તારી ફાંદ સાથે?”
“માસ્તર, બધુ મારી રિંકીના પ્રેમના કારણે થયું છે.” એ હિચકાંમા ઝૂલતાં ઝૂલતાં બોલ્યો.
“તું આ ઝૂલવાનું બંધ કર અને મને કહે આ બધુ થયું કેવી રીતે અને એ પણ એક રાતમાં?”
“રિંકી, તું જ કહી દે માસ્તરને.”
“ફાંદ પર એને બઉ ખિજવે બધા એમ કરી રભેશ ગઈકાલે રાત્રે મારી પાસે બઉ રડ્યા મારાથી એ સહન ના થયું. મે એમને સવારે ૫ વાગે ફોન કરી જગાડ્યા, અને ભંડારી બાબા પાસે લઈ ગઈ. એમણે એક પડીકી આપી એ રભેશ નયણાં કોઠે પી ગયા પછી કાંઇ જ નાસ્તો નથી કર્યો. પડીકી ખાધી એના અર્ધી કલાક રહીને એમને લેટ્રીન લાગી, એ ત્યાં બાબાના ટોઇલેટમા ગયા. વીસ – પચ્ચીસ મિનિટે બહાર આવ્યા અને જેમ તમારી આંખો અત્યારે આમ પહોળી છે એમ જ મારી આંખો ત્યારે આમ પહોળીને પહોળી રહી ગઈ હતી. ભંડારી બાબા પથરી અને ચરબી કાઢવામાં નિષ્ણાંત છે. જય હો ભંડારી બાબાની.” રિંકીએ જયઘોષ કર્યો સાથે રભો પણ જોડાયો.

“આ તો અશક્ય વાત છે. મોટા મોટા ડૉક્ટર પણ ચરબી ઘટાડવાની દવા આપે કાં તો ઓપરેશનનું કહે અને આ તમારો બાબો પડીકી આપીને ચરબી કાઢે!”
“હા, માસ્તર સાવ સાચું છે એ પડીકી પણ બઉ જ સ્વાદિષ્ટ હતી. એકદમ ચટાકેદાર.”
“રભેશ, શું તમે પણ? એ દવા હતી અને યાદ છે ને બાબા એ શું કહ્યું હતું? કોઈપણ ચટપટું અને મસાલાવાળું બિલકુલ બોલવાનું પણ નહીં અને ખાવાનું પણ નહીં.” રિંકીએ પ્રેમથી રભાના ગાલ પર ચિંટીયો ભરીને કહ્યું.
“સોરી.. સોરી.. તો માસ્તર કેમ પણ હવે આપણાં સિક્કા પડે ને! જે તમારું જીમ, તમારું ઝુંબા ના કરી શક્યું એ મારી રિંકીના બાબા ભંડારીએ એક પડીકીમાં કરી બતાવ્યું.” રભાએ રિંકીનો હાથ પકડીને કહ્યું.

મારે તો શું જવાબ દેવો એ જ વિચારતો રહ્યો. મારી પાછળ પાછળ આખી સોસાયટી આવી અને રભાને બધાએ ખૂબ અભિનંદન આપ્યા.

“ક્યાં છે ઓલો ટીનયો ક્યાં છે?” રભો મારા ભત્રીજાનું પૂછતો હતો. “ક્યાં ટીનયા બોલ ને હવે ગેસનો બાટલો.. બોલ એમ બોલ કે ગેસનો બાટલો ફાટશે.. બોલ હવે એમ બોલ કે ગેસ ભરું છું.. ક્યાં તારી જીભ હવે કેમ સિવાઈ ગઈ બોલ કે ફાંદમાં કૂણું કૂણું લાગે.. હાલ માર હવે ફાંદ પર ઠેકડા..” રભાએ કટાક્ષમાં કહ્યું.

“અને ક્યાં છે મારા બાપા? બઉ બોલતા હતા ને કે હું તો સિન્ટેક્સના ટાંકા જેવો છું. હું હાલું તો આખું ઘર ધ્રૂજે.. બોલો બાપા હવે બોલો..” રભાએ એનાં બાપાને કાનેથી પકડ્યા.

“માસ્તર, તમે ક્યાં ભાગ્યા? તમે તો મને ફાંદાસુર, ફાંદાળો, બકાસુર, ભૂખડો ને કેટ કેટલું કહેતા હતા. હવે કેમ મોઢામાં મગ ભર્યા છે?” રભાએ મારી ભાઈબંધી પર પણ સવાલ કર્યા.

“યાદ રાખી લેજો બધા હવે, હવે હું ફાંદ વગરનો રભો છું. તમારા બધા કરતાં મારુ શરીર હવે તંદુરસ્ત છે. હવે કોઈએ જો મને કે મારી મરી ગયેલી ફાંદ પર કાંઇપણ કહ્યું છે તો ભંડારી બાબા પાસે લઈ જઈને મારા કરતાં ડબલ ફાંદ કરાવી નાખીશ. હાલ રિંકી, હવે મારા પાલકના જ્યુસ પીવાનો સમય થઈ ગયો છે.” રભો સ્ટાઈલ મારતા મારતા રજનીકાંતની જેમ ચશ્મા ચડાવ્યા અને ઉપડ્યો, અમારી સામે જોવામાં આગળ એને ભાન ના રહી અને એક ઠેબું આવ્યું અને એ એક ગુલાટી મારી નીચે પડ્યો.

“માસ્તર.. માસ્તર.. એલા એ માસ્તર..” અચાનક સવારમાં મારા દરવાજા પર ઠક ઠકના અવાજ આવ્યા. દરવાજો ખોલીને જોયું તો રભાના બાપા ઉભા હતા.
“શું થયું કાકા?”
“રભો..”
“શું થયું રભાને?”
“રભો સૂતો હતો તો અચાનક પલંગ પરથી નીચે પડ્યો. તમે જલ્દી ચાલો.”

હું દોડા – દોડ રભાના ઘરે પહોંચ્યો, જોયું તો રભો પલાળેલા પોતાની જેમ જમીન પર પડ્યો હતો. બે – ચાર માણસોને બોલાવીને એને ઊભો કર્યો.

“એલા, આ અચાનક પડી કેમ ગયો?”
“માસ્તર..! બાપા..! ટીનયો..! રિંકી..! સોસાયટી..! આ તમે બધા મારા રૂમમાં! મારી ફાંદ..” રભાએ એની ફાંદ તરફ જોયું. “હે રામ! બઉ કરી આ તો સપનું!” રભાએ ફાંદ પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું.
“શું બોલે છો? શેનું સપનું?” મે પૂછ્યું.
“એ હું નિરાંતે કહીશ, પેલા તમે ચાર જાતના ગાંઠિયા, મેથીના ગોટા, પપૈયાનો સંભારો આટલું મંગાવો. નાસ્તો કરતાં કરતાં આજે તમને હું મારા સપનાંની હકીકત કહું.”

મે માથું ખંજવાળ્યું પણ સવાર સવારમાં આ ફાંદાસુર સાથે ક્યાં ધડ કરવી એમ માની મારા ભત્રીજાને બસોની નોટ આપી નાસ્તો લેવા મોકલ્યો. નાસ્તો કરતાં કરતાં રભાએ સપનાંની વાત કરી, એ વાત પર આટલું હસવું આવ્યું કે ચારે ચાર જાતના ગાંઠિયા હજમ થઈ ગયા.

🖊️Sunil Gohil “માસ્તર”