section and everything up till
*/ ?> માસ્તરની મોજ Archives - Shabdoni Sangathe

જો જો નજર ના લાગી જાય!

જો જો નજર ના લાગી જાય!

આપણાં દેશમાં ૧૩૫ કરોડ લોકો રહે છે, અને જેટલા લોકો છે એટલી જ એમની અલગ અલગ નજર લગાડવાની પદ્ધતિ છે. નજર પર આપણી હિન્દી ફિલ્મોમાં ગીતો પણ જાત જાતનાં છે, “નજર કે સામને જીગર કે પાસ, કોઈ રહેતા હૈ વો હો તુમ.” આ લગ્ન પહેલા જ હોય પછી તો નજર સામે વીક્સ, આયોડેક્સ અને મુવ જ જોવા મળે.

આપણો દેશ સર્વ ધર્મ સમભાવ ધરાવે છે છતાં આપણે જ્ઞાતિ મુજબ નજરોને ગોઠવી રાખી છે. હવે આ મુદ્દો જ નજરમાં આવી જાય એવો છે એટલે એને નજરથી દૂર રાખવો એ જ યોગ્ય રહેશે. અમસ્તા આપણને આદત તો છે જ કડવી વાતને નજરઅંદાજ કરવાની.

માણસોને નજર પણ ખુબ લાગી જાય. વિશ્વાસ નથી આવતો ને? જોવો.

નાનું બાળક ખૂબ રોવે એટલે માથેથી લીંબુ ઉતારીને નાખી દે કારણ, નજર લાગી હશે. ગઈકાલે એક ઘરે રાત્રે મહેમાન બની જમવા જવાનું થયું. ત્યાં નજર અલગ જ રીતે ઉતારતાં હતાં. છોકરું ખુબ રડતું હતું તો લોટમાં પાણી રાખી માથેથી સાત વખત ઉતાર્યું પછી એ લોટાને ઉંબરા પાસે રુમાલમાં લટકાવી દીધો. એમાં રહેલું પાણી સુકાઈ જાય એટલે નજર ઉતરી ગઈ.

છોકરી ખુલા વાળ રાખી બહાર જાય એ પહેલા કે આવે પછી એની નજર ઉતારવાની, આ બુકાની બાંધવાનું એમા જ શરૂ થયું! કોઈ શુભકામ શરૂ કરો ને શ્રીફળ વધેરતાં એ જો સડેલું નીકળે તો કારણ, કોઇની નજર લાગી હશે. શ્રીફળ પણ વિચારમાં પડેલું, “ભાઈ, હું પંદર દિવસથી જેમ તેમ પડેલું એટલે સડ્યુ!” ધંધામાં ખોટ જાય તો કારણ કોઇની નજર લાગી ગઈ, અને એજ ધંધામાં જો નફો થાઈ તો એ જ સલાહ, “બહુ હરખાય નો જા, નજર લાગતાં વાર ના લાગે.” વરરાજા બિચારા ખાલી કહેવાના વરરાજા, લગ્નના સાત દિવસ પહેલા એકલાં કાંઇ જાય તો નજર લાગી જાય. બિચારો વરરાજો પણ વિચારે, “આ નજર લાગી એમા તો લગ્નની મોકાણ થઈ!”

નજરના પ્રકાર પણ જોવા મળે છે, “જીવતી નજર, મરેલાની નજર, ભિખારીની નજર, ઈર્ષાવાળી નજર, પ્રેમની નજર, નફરતની નજર અને આ નજરનું તો ખાસ નામ છે “કાતર મારવી”. ઘણીવાર આંખ પણ વિચારતી હશે, “મને તો કોઇની નજર નથી લાગી ને!”

વાત નજરમાં  આવી જ ગઈ હશે તો વધુ નથી કહેવું નહીં તો શબ્દોને પણ નજર લાગી જશે!

સુનિલ ગોહિલ “માસ્તર”

નંબર નંબર રે તારો કયો નંબર?

નંબરની પણ કેવી અલગ જ દુનિયા છે! માણસ રોજીંદા જીવનમાં નંબરો સાથે ગુંચવાયેલો રહે છે. જો શેરબજારમાં જરા પણ નંબર ઉપર નીચે થાય કે તરત માણસનું બ્લડ પ્રેશર પણ ઉપર નીચે થવાં લાગે. લાઇટ બીલ ભરવા જઈએ અને જો લાંબી લાઇન દેખાઈ એટલે તરત જ મનમાં થવાં લાગે કે મારો નંબર આવતા કેટલી વાર લાગશે? એમાં પણ જો બારી પર બીલ ભરવામાં સમય લાગે તો મનમાં રહેલો નિષ્ણાંત જાગૃત થઈ જાય અને સલાહોનો અનરાધાર વરસાદ વરસી પડે, “આપણી આ સીસ્ટમ જ ખોટી છે. આપણો દેશ આમ જ લાઇનમાં જ રહીં ગયો. અંદર બેઠેલો માણસ જ ઢીલો છે. કમ્પ્યુટર સીસ્ટમ જ ધીમી છે.” આ જ પરિસ્થિતિ જ્યારે આપણો નંબર આવે છે, બારી પર જઈને ઊભા રહીએ અને સમય લાગે ત્યારે આપણી પાછળ ઉભેલો માણસ પણ નિષ્ણાંત બની જાય છે.

નંબર મેળવવા આપણે જન્મ લેતા પહેલાથી જ ટેવાઇ ગયા છીએ. આ વાતતો હવે બહાર આવી કે માતા – પિતા નંબરની દુનિયામાં પોતાના સંતાનોને દોડાવે છે. નંબરની દુનિયાતો માતાના પેટમાં હોઇએ ત્યારથી જ શરૂ થઈ જાય છે. દવાખાને ગયા અને ત્યાં જતા લાઈનમાં બેસવાનું. આપણો નંબર ત્યાં પણ ક્યારે આવશે? એમાં પણ જો અંદર એક દર્દીને વધુ સમય લાગે એટલે માતા – પિતા બહાર અટકળો લગાવે કે આટલો બધો શું સમય લાગતો હશે? તો નંબર સીસ્ટમ આપણને માતાના ઉદરથી જ મળી આવી છે.

મોટા થતાં જઈએ એમ ભણવામાં નંબર લાવવા માટેનું દબાણ. એમાં પણ બાજુવાળા રમેશકાકાનો પરેશ પહેલો નંબર લાવે અને આપણે પચ્ચીસમો નંબર આવે એટલે પપ્પા એમનો જૂનો ડાઈલોગ શરૂ કરી દે, “વીસ વર્ષ પહેલા વીસનગરથી વીસ રૂપિયા લઈને આવ્યો હતો, વીસ વીસ કલાક મહેનત કરીને વીસ દુકાનોમાં કામ કર્યું. અને તું પચ્ચીસમો નંબર લઈને આવ્યો, વર્ગમાં છવ્વીસતો છોકરા છે.” હવે એ પપ્પાને કેમ સમજાવવું કે આ 2021 છે અત્યારે પહેલા નંબરે પાસ થવું નહીં પણ નાપાસ ના થવું અગત્યનું છે.

નંબરોની દુનિયામાં સૌથી વધુ જો કમાણી કરે તો એસ્ટ્રોલોજર. એમાં ટેરો કાર્ડ રીડર આ અલગ જ પ્રકારના માનવીઓ છે. એ ટેરો કાર્ડના અલગ અલગ નંબર હોય. જો એમાં સારા નસીબ હોય અને સારા નંબરનું કાર્ડ આવે તો ધન્ય ધન્ય બાકી એ નંબર વાળું કાર્ડ આપણાં ચશ્માના નંબર વધારી દે. આ ટેરો કાર્ડ રીડર પણ સિરિયલમાં આવતી સાસુ જેવા હોય. સિરિયલની સાસુ જેમ ગોળ ગોળ જલેબીની જેમ ફેરવી ફેરવીને મુખ્ય વાત પર આવે એમ ટેરો કાર્ડ રીડર પણ મુખ્ય વાત છેલ્લે બોલશે પહેલા તો સાસુની જેમ ખણખોદ કરશે. અને હા મેકઅપ પણ સિરિયલની સાસુ જેટલો જ કરેલો હોય એટલે ઘણીવાર લાગે કે માણસ ભવિષ્ય જોવા નહીં એ રીડરને જોવા ગયો છે.

નંબરોમાં જો સૌથી વધુ માન સમ્માન કોઈનું હોય તો એ લકી નંબરનું છે. લકી નંબર માટે માણસો એકબીજાને મારવા પણ તૈયાર થઈ જાય છે. હા, ભાવનગરમાં જ એક ભાઈને એની નવી સ્કૂટી માટે ચાર સાતડા વાળો નંબર જોતો હતો, મળ્યો બીજાને તો આર. ટી. ઓમાં જ માથાકૂટ થઈ ગઈ. પહેલા તો ખબર જ ના પડી કે બે માણસો શું કામ લડે છે? એકબીજાને મારી મારીને અધમૂઆ થઈ ગયા. પોલીસે બન્નેને છુટ્ટા પાડ્યા, પૂછપરછ કરી તો ખબર પડી કે લકી નંબર ના મળ્યો એ માટે આટલી ધમાલ કરી. લકી નંબર માટે એ ભાઈએ પચાસ હજાર રૂપિયા ચુકવ્યા, જો કે સ્કૂટી પિસ્તાળીસ હજારની જ હતી. લકી નંબરની સીટ, લકી નંબરનું ઘર, લકી નંબરવાળી બે હજારની નોટ જે જરૂર પડે પણ ખીસ્સામાં જ પડી રે. એક પત્નિએ પગારનો હિસાબ માગ્યો, પતિએ બે હજારની નોટમાં એનો લકી નંબર નીકળ્યો એટલે વાત ફેરવીને હિસાબમાં ગોટાળો કર્યો. પત્નિએ બે હજારની ભૂલ આવતા છુટ્ટા છેડા લીધા અને બે લાખ રૂપીયા પોતાના ભરણ પોષણ માટે માગ્યા. એ પતિ એટલો લકી નંબરના પ્રેમમાં પાગલ છે કે એમ જ વિચારે છે કે કદાચ પત્નિ લકી નંબરવાળી નહોતી.

માણસો પોતાની રાશિ પરથી પણ જ્યોતિષો પાસે પોતાનો લકી નંબર જોવડાવે છે. એ જ્યોતિષ ગ્રહોની દશા જોઈને માણસને લકી નંબર આપે ભલે પછી એ જ્યોતિષની દશા અને દિશા ઠેકાણા વગરની હોય. ઘણીવારતો માણસો જ આટલા રાશી હોય છે તો પણ રાશિ કેમ જોતા હશે?

કોરોનાકાળમાં તો મરવા માટે પણ નંબર આવી ગયા હતા. કેટલા નંબરનો મૃતદેહ છે? સ્મશાનમાં કેટલાંમો નંબર છે? ગઈકાલે જ સમાચારમાં સાંભળ્યું કે મૃતદેહ લઈ લાઇનમાં ના ઊભું રહેવું પડે એટલે સ્મશાનમાં ટોકન સીસ્ટમ શરૂ કરવામાં આવી. જેમ મેકડોનાલ્ડમાં નંબર આવે એમ બર્ગર લઈ આવવાનું એમ સ્મશાનમાં નંબર આવે એટલે અગ્નિસંસ્કાર આપી દેવાનો.

બાળકોની જે જૂની રમત છે, “કલર કલર તારો કેવો રે કલર?” એમ આ નંબરો માટે માણસો માટે આપણે કહી શકીએ, “નંબર નંબર તારો કયો રે નંબર?”

સુનિલ ગોહિલ “માસ્તર”

રભાની ફાંદ: પ્રકરણ – ૧૫ રભાની વિદાય

પ્રકરણ – ૧૫ રભાની વિદાય

 

ગલગોટાના ફૂલથી આખું ઘર શણગારેલું, વચ્ચે વચ્ચે ગુલાબના ફૂલોથી ગલગોટા વધુ ખીલેલા લાગતાં હતા. આખી સોસાયટીમાં સીરિઝ લગાવી હતી. ઘર અને સોસાયટી જાણે વરરાજાની જેમ ચમકતું હતું.

“શું રભેશકુમાર? તૈયાર છો જીવનના નવા પડાવ માટે?” સાફો હાથમાં લઈને બેઠેલા રભાને મે પૂછ્યું.
“માસ્તર, આમ પેટ ભરીને જમ્યું હોય પણ મન હજી ના ભરાયું હોય એવું લાગે છે. તમને નથી લાગતું કે રિંકીએ લગ્ન માટે ઉતાવળ કરી હોય એવું?”
“ના બિલકુલ નહીં ભાઈ, જેમ વધારે સિટી વગાડોને બટેટા સાવ બફાઈ જાય એમ હવે જો અમે વધુ રાહ જોઈ હોત તો અમે બધા બટેટાની જેમ બફાઈ જાત.”
“હા રભાકાકા, અમે તમારો ગેસનો બાટલો બઉ સહન કર્યો છે હવે રિંકીકાકીને તમે અને તમારી ફાંદ મુબારક. હવે અમને ને મારા કાકાને બક્ષી દો. તમારી ફાંદ તો કાંઇ ઓછી થઈ નહીં પણ મારા કાકા અઢી હાડકાં જેવા થઈ ગયા. આમ તમને બન્નેને બાજુમાં ઊભા રાખ્યા હોય તો છોકરા બધા તમને મોટું અને પતલુંની જોડી જ કહે, એમાં તમને મોટુની જેમ સમોસાં ભાવે જ છે અને મારા કાકા પતલુંની જેમ ચશમિશ, હા ટકો નથી પણ તમારી ફાંદ ઓછી કરવામાં પાછળ તાલ તો પડવા જ લાગી છે.” મારા ભત્રીજાએ આજે મારો ઉધડો લીધો હોય એવું લાગ્યું.
“માસ્તર, આ ટેણીને તમારા ભાભીએ શું ખાઈને જન્મ આપ્યો હતો? લબલબાટ જીભ હાલે. પણ ટેણી આજે લગ્ન મારા છે, રિંકી વિદાય લઈને અહિયાં આવવાની છે પણ આમ મને મારી વિદાય હોય એવું લાગે છે.”
“ફાંદાસુર, સવારનું તે કાંઇ જમ્યું નથી ને એટલે. પણ આજે તું ફસાયો છે, આજે તારે ઉપવાસ છે અને તારી રિંકી પણ દોઢી થઈ દિવસના નહીં રાતના લગ્ન રાખ્યા. તું અને તારી ફાંદ તો બરાબરના ફસાયા છો.” મે એક ગુલાબજાંબુ રભાને ચીડવવા ખાધું.
“માસ્તર, આ જાંબુ નહીં સદે હો તમને.” રભાએ હસ્તાં હસ્તાં કહ્યું.
“રભલા.. એ રભલા.. ચાલ ને હવે નીચે બધા આવી ગયા છે. ઘોડી પણ આવી ગઈ છે, બેન્ડ વાળા ત્રણવાર હઝીમો શાન શહેનશાહ વગાડી ચૂક્યા છે. હવે એ લોકો દુલહે કા સહેરા સુહાના ગાઈ અને મગજ ફેરવે એ પેલા ચાલ નીચે.” રભાના બાપા ક્લિપવાળો લેંઘો પેરીને તૈયાર થયા હતા.
“વાહ કાકા તમે તો લેંઘામાં ક્લિપ મૂકી લેંઘામાં નવી શોધ લઈ આવ્યા.” ખબર નહીં પણ મને રભાના બાપાના લેંઘામાં ઘણો રસ પડતો.
“માસ્તર, મારો લેંઘો ગયો નાડુ લેવા તમે આ ફાંદાળાને લઈને આવો બાકી ઓલી રિંકી સામી આવશે, તમે તો ઓળખો છો એને.”
“ના.. ના એ જોખમ નથી લેવું.” મે રભાને સાફો પેરાવ્યો અને અમે નીચે ઉતર્યા.

જેવો રભો દેખાયો કે બેન્ડવાળાએ ચોથીવાર હઝીમો શાન શરૂ કર્યું. મને તો મનમાં થયું કે કદાચ જો અકબર જીવતો હોત અને રભા માટે આ ગીત સાંભળેત તો એ ઈચ્છા મૃત્યુ જ સ્વીકારી લેત. બેન્ડવાળા પણ સમજદાર છે એ લોકો પણ પૂરા જોશથી વગાડે એ લોકો પણ જાણે જ છે કે આજે એક જ દિવસ વરરાજા જોશમાં હશે કાલથી તો એના હોશ પણ ઠેકાણે નહીં હોય. રભાને ઘોડી પાસે લઈને આવ્યા. હવે તકલીફ નવી સર્જાણી, ઘોડીએ રભા તરફ જોયું અને જે ડણક મારીને ભાગી છે, ઘોડીનો માલિક ક્યાંય સુધી પાછળ ગયો પણ હાથ ના આવી. અમે બધા સોસાયટીમાં રભા સામે જોઈ રહ્યા.

“મને શું આમ જોવો છો બધા?”
“એ ફાંદાસુર, એ ઘોડી હાથીને જોઈને ભાગી ગઈ. એને પણ એનો જીવ વાલો હોય ને. હવે શું પાડો બોલાવું? પાડા પર તારી જાન કાઢવી?”
“રભાકાકા પાડા પર હશે તો જે જોશે રસ્તા પર બધાને એમ જ લાગશે કે યમરાજ લગ્ન કરવા નીકળ્યા.” મારો ભત્રીજો બોલ્યો અને આખી સોસાયટી હસવા લાગી.

સારું હતું કે બેકઅપ પ્લાન હતો, મારી કાર શણગારેલી હતી, વિદાય પછી બન્નેને અહિયાં લાવવા. રભાને બેસાડયો કારમાં. બેન્ડ શરૂ થયું.
“આજ મેરે યાર કી શાદી હૈ.”
“કાલા કઉઆ કાટ ખાયે સચ બોલ.”
“યે દેશ હૈ વીર જવાનો કા.”
એક એક ગીત ક્યાં સુર અને ક્યાં તાલ, એમાં બધા જાનૈયા આડેધડ નાચે. સૌથી વધુ દેશભક્તિ તો યે દેશ હૈ વીર જવાનો વાગે એટલે બધાને ના હોય ત્યાંથી દેશ ભક્તિ જાગી ઉઠે. વરઘોડો અડધે રસ્તે પહોંચ્યો ત્યાં રભાના ફુવા મોઢું ચડાવીને બેસી ગયા.

“ફુવા, શું થયું?” મે મારુ નાચવાનું બંધ કરી પૂછ્યું.
“વઢવાણથી એસ. ટીના ધક્કા ખાઈ ખાઈને એકના એક ભત્રીજાના લગ્નમાં આવ્યા અને મારુ મનપસંદ ગીત ના વગાડે, રભાના બાપાને અમારી ક્યાં કોઈ ઇજ્જત જ છે?” ફુવા મોગો ચડાવીને બોલ્યા.
“શું થયું લાલ?” રભાના બાપા આવ્યા.
“મારો નાગિન ડાન્સ દરેકના લગ્નમાં ફેવરિટ છે, આખા વઢવાણમાં મારી જેવો નાગિન ડાન્સ કોઈ ના કરે અને તમે આ બેન્ડવાળાને નાગિન વગાડવાનું પણ નથી કહેતા.”

બેન્ડવાળાને કહીને નાગિન વગાડ્યું, જો એકતા કપૂર ફુવાને નાગિન બનેલા જોઈલે તો નાગિન સિરિયલ બનાવવાનું બંધ કરી દે. એક તો આ બેન્ડવાળાની નાગિન ટયુન, જો બધા નાગ સમાજનું કોઈ સંગઠન હોય તો કેસ કરી દે. જાન હેમખેમ રિંકીના દરવાજે પહોંચી. રિંકીના મા – બાપ બહાર સ્વાગત માટે ઊભા હતા. બધાનું સ્વાગત કર્યું. રભાના સાસુ નાક ખેચવા ઊભા હતા. રભાએ તો હસ્તાં હસ્તાં નાક ખેચાવી લીધું. રભાનો સૌથી નાનો સાળો આવીને રભાની ફાંદ પર આવીને ચોંટીઓ ભરી ગયો.

“જીજુ, અમારે ત્યાં આજથી નવો રિવાજ શરૂ થયો છે તમારી ફાંદ પર ચોંટીઓ ભરવાનો.”

એક તો રભો સવારનો ભૂખ્યો હતો. એમાં એની ફાંદ પર ચોંટીઓ, રભાએ બધા સામે હસીતો લીધું પણ મે એની સામે જોયું એટલે હું સમજી ગયો કે રભાએ મનમાં ને મનમાં ઘણું કહી દીધું. રભાને અમે અંદર લઈ ગયા. રભો રોઝ ગોલ્ડ શેરવાનીમાં કોઈ રિયાસતનો રાજા લાગી રહ્યો હતો. માથે ગોલ્ડ સાફા પર સફેદ પિચ્છુ રભાની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. રિંકી સામે લાલ સાડીમાં ગોલ્ડ એમ્બ્રોયડરીમાં જાણે રાજકુમારી લાગી રહી હતી.

બન્નેના ફૂલહાર થયા. ફોટોગ્રાફરએ ફોટા પાડ્યા. મંડપમાં વિધી શરૂ થઈ. કન્યા પધરાવો સાવધાન પંડિતજી બોલ્યા. રભો હકીકતમાં સાવધાન થઈ ગયો, રિંકી હતી પણ એવી. મકોડી પહેલવાન પણ એની જીદ સામે રભા જેવા ફાંદાળાને નીચે બેસાડી દે. રિંકી મંડપમાં આવી. કન્યાદાન કરતાં કરતાં રભાનાં સસરાએ કીધું જમાઈ સાચવીને રહેજો રિંકી હવે તમારી. રભાને સમજાયું નહીં કે શું બોલવું. હસ્તમેળાપ થયો. ફેરા માટે બન્નેને ઊભા કર્યા. ચાર ફેરા ફરતા તો રભો હાંફી ગયો. લગ્નવિધી બધી સુકુશળ પૂર્ણ થઈ ગઈ.

“માસ્તર, હવે જો મને જમવાનું ના આપ્યું ને તો સાચું મારા રામ રમી જશે. એક તો કંસાર આપતા હતા એ પણ મને પેંડાના માવા જેવો લાગતો હતો. ફેરા ફરતા ફરતા મારુ ધ્યાન જમવાની થાળીમાં જ હતું. માસ્તર, ૭૦૦ ની એક થાળી છે. વિચાર તો કરો શું શું હશે એમાં? ગમે તે કહો રિંકીએ મારા માટે થાળી તો મહારાજા જ રાખી.” રભાએ ફાંદ પર હાથ ફેરવતા કહ્યું.
“તું અને તારી ફાંદ કઠિણ છે ભાઈ કઠિણ. ફેરા ફરતા ફરતા પણ તને થાળી દેખાતી હતી.”

અમે બધા જમવા બેઠા. રભાએ એનો કાર્યક્રમ શરૂ કર્યો. કુંભકર્ણ પણ શરમાઈ જાય એટલું રભો જમ્યો. બધાએ જમવાનું પૂરું કરી લીધું પછી પણ રભાએ ચાર વાર દાળભાત લઈને ખાધા. વિદાયનો સમય થઈ ગયો હતો. મે રભાનું જમવાનું માંડ માંડ બંધ કરાવ્યું. એકબાજુ વિદાયનું ગમગીન વાતાવરણ હતું, બીજી બાજુ રભો ફાટ્યો હતો, વાતાવરણ ગરમ કરી રહ્યો હતો. અચાનક, ધડામ અવાજ આવ્યો. બધાને એમ કે કાંઇક ફાટ્યું હશે, જોયું તો રભો ઢળી પડ્યો હતો. પાણી છાંટ્યું, હાથ પગ ઘસ્યા, પણ રભો ભાનમાં ના આવ્યો. બધાને તો એમ જ થયું કે રભાની હમેશાં માટે વિદાય થઈ ગઈ. રિંકીની વિદાય જેમ – તેમ પતાવી લીધી. રભાને વીસ લોકોએ ભેગા થઈને ગાડીમાં બેસાડયો. ગાડી સીધી સોસાયટીએ પહોંચી.

ડૉક્ટરને બોલાવી લીધા હતા. ડોક્ટરે ઇન્જેકશન આપ્યું, અને એક બાટલો ચડાવ્યો.

“શું થયું છે રભાને?” રભાના બાપાએ પૂછ્યું.
“આફરો ચડયો હતો, સવારના ભૂખ્યા હશે એકસાથે જમી લીધું એટલે આફરો ચડયો હતો. ઇન્જેકશન અને બાટલો ચડાવ્યો છે. હું અહિયાં જ છું હમણાં ભાનમાં આવી જશે એટલે આગળ વાત કરું રભેશ સાથે.” ડોક્ટરે કહ્યું.

થોડીવારમાં રભો ભાનમાં આવ્યો. ડોક્ટરે બ્લડ પ્રેશર અને શુગર ચેક કર્યું. બધુ બરાબર હતું. નબળાઈ લાગતી હતી. ડોક્ટરે દવા લખી દિધી અને નબળાઈ ના લાગે એટલે ઓ. આર. એસનું એક પેકેટ આપ્યું.

“ડૉક્ટર, આ ઓ. આર. એસ ઓરેન્જ ફ્લેવરનું તો છે ને? મને ઓલું એપલવાળું નથી ભાવતું.” રભાએ બાટલા ચડતા હતા તો પણ સ્વાદની વાત કરી.

રભાના બાપા અને મને એટલો ગુસ્સો આવ્યો કે ડૉક્ટરને કહી દીધું કે ઘોડા ઇન્જેકશન આપી દો આને. દવામાં પણ ફ્લેવર માંગે આટલો ખાઉધરો તો આ દુનિયામાં કોઈ નહીં હોય. રભાએ ઓરેન્જ ફ્લેવરનું ઓ. આર. એસ પાંચ ગ્લાસ પી ગયો અને પેલા જેવો જ ફાંદાળો થઈને મને કહે,
“માસ્તર, મહેમાનો માટે પાલવની બટર ભાજી આવી ગઈ છે ને? મને પણ ભૂખ લાગી છે હાલો હવે પેટ પૂજા કરી લઈએ.”

રભો હવે લગ્નજીવન સુખદ રીતે વ્યતીત કરે છે. એમ પણ હવે લગ્ન પછી રભો માસ્તરના હાથમાં આવતો નથી. રભા સાથે ઘણા અનુભવો આપણે કર્યા. હાલ હવે રભાની ફાંદ પર થોડા સમય માટે અલ્પવિરામ મૂકીએ છીએ. ફરી પાછા માસ્તર અને રભાની વાતો લઈને ટૂંક સમયમાં આવશું.

સુનિલ ગોહિલ “માસ્તર”