section and everything up till
*/ ?> મારી વાતો Archives - Shabdoni Sangathe

વિદાય

વિદાય, (ટૂંકી વાર્તા)

સુર્યાસ્તનો સમય એટલે ઠહેરાવ. જ્યાં હોઇએ ત્યાં થંભી જવાનો, કંઈ જ ન કરવાનો સમય. પોતાને એ અસીમ, અદ્રશ્ય શક્તિને સમર્પિત કરી દેવાનો સમય.

બસ આવા જ એક સુર્યાસ્તને માણતો હું નવનીતલાલ આજે ઘરે જવા માંગતો ન હતો. રેવતીના ગયા પછી મારા માટે જીવવાનું એક માત્ર કારણ હતું, આ સૂર્યાસ્ત!

ખૂબ પૈસા કમાયા, ખૂબ નામ કમાયું, ભગવાનની કૃપાથી બે પુત્ર અને એક પુત્રી બધા ખૂબ સરસ રીતે સેટ થઈ ગયા હતા. મારો સિમેન્ટ વેચવાનો ધીગતો ધંધો છોકરાઓને સોંપી શિમલામાં આવેલ હોલીડે હોમમાં રેવતી સાથે જિંદગી કાપવાની ઘણા વર્ષોથી ઈચ્છા હતી જે મને પંચાવન થતા પૂરી થઈ.

આજે એ વાતને છ વર્ષ થઈ ગયા અને રેવતીને ગયે એક વર્ષ. હું રેવતીને ખૂબ યાદ કરું છું અને છત્તા અમે ગાળેલા એ પાંચ વર્ષથી એટલો ખુશ છું કે હવે કોઈ જ વાતનો અફસોસ નથી.

ફકત એક બીજાને સમય આપવાના કોલ સાથે અમે જ્યારે શિમલાનાં બાગમાં આવ્યા ત્યારે, એ ફક્ત એક બંગલો હતો પણ હવે મારી દુનિયા છે.

અમે બન્ને એ આ ઉંમરે પણ જાળવેલ શરીરને કારણે આ પાંચ વર્ષને ખૂબ માણી શક્યા.

મારા ખભા પર માથું મૂકીને રેવતીનો સૂર્યોદય થતો. એક દિવસ હું ચા બનાવતો તો બીજા દિવસે એ. પછી કલાકો ચા અને ફળનો નાસ્તો કરતા બન્ને હાથમાં હાથ નાખીને બેસી રહેતા.

જમવાનું પણ ટીમમાં બનાવતા. અમારો હેલ્પર સુરેશ, ઘરને મેન્ટેન રાખવામાં મદદ કરતો. સાંજે પાંચ વાગ્યાની ચા અને રાતનું જમવાનું બનાવી એ પોતાના ઘરે જતો.

એકબીજાની મસ્તી કરતા, બગીચામાં દોડપકડ રમતા, એકબીજાના ગાલ પર લોટ લગાડતા કે ડોલ ભરીને માથે રેડી દેતા એવા તો કેટલાય નખરા કરતા અમે!

બાળકની જેમ કાગળની હોડી બનાવીને પાણીમાં તરાવતા, પાણીમાં.છબછબિયાં કરતા. થપ્પો, બેડમિન્ટન અને ક્રિકેટ પણ રમતા. કદાચ જિંદગી અમે આ પાંચ વર્ષમાં જ જીવ્યા.

આ જગ્યાએ સૂર્યાસ્ત જોવાનો અમારો નિત્યક્રમ હતો.
એક બીજાનો હાથ પકડી સુર્યાસ્ત જોતા અને સુરજ ઢળતા જ રેવતી મારી આંખોમાં જોતી, જાણે મારી આંખોમાં ડૂબી જવા માંગતી હોય.

રેવતીને જોતા જ હું એના પ્રેમમાં પડ્યો હતો અને એના નગરશેઠ બાપાએ મારી સાથે લગ્નની વાત માત્રથી એને ઘરની બહાર તગેડી મૂકી. કાંઈ પણ લીધા વિના જ્યારે રેવતી મારી પાસે આવી ત્યારે મેં એના માથે હાથ મૂકીને સોગંદ ખાધા હતા કે હું એને એ બધું જ આપીશ જે એના નગરશેઠ પપ્પાને ત્યાં હતું.

કાનુડાની કૃપાથી એ શક્ય પણ બન્યું અને હું પણ શહેરનો આગેવાન બન્યો. મેં રેવતીને એક બીજું વચન પણ આપ્યું હતું કે, આ જે પળો મેં એનાથી છીનવી છે એ હું તને ચોક્કસ પાછી આપીશ.

એ દિવસે રેવતી ખૂબ ખુશ હતી. એની વર્ષગાંઠ હતી. મેં ગીફ્ટ કરેલ પિંક જિન્સ અને બ્લુ જીન્સમાં માંડ ચાલીસની લાગતી રેવતી, એ દિવસે, ફરી એકવાર મને એના પ્રેમમાં ઘેલો કરી ગઈ.

અમે સનસેટ પોઇન્ટ પર હતા. રોજની જેમ સુર્યાસ્ત જોતા, મારા હાથને મજબૂતીથી પકડીને બોલી કે, મારા જીવનમાં હવે કંઈજ ખૂટતું નથી. કોઈ જ સપનું અધૂરું નથી. આ ક્ષણે કાનુડો મારો જીવ લઈ લે તો પણ મને કોઈ અફસોસ નથી. એના આમ બોલતાંમાં જ સુરજ દૃષ્ટિમાંથી ગોચર થઈ ગયો અને રોજની જેમ, રેવતીમાં ખોવાઈ જવા, જેવો હું એની તરફ ફર્યો કે એ મારી સાથે અથડાઈ!

મારી રેવતીને ખૂબ સુંદર મૃત્યુ મળ્યું હતું. એના મો પરનું એ આછું સ્મિત અને ઊંડો સંતોષ મને ક્યારેય ભુલાયો જ નથી. હાથમાં પ્રેમીનો હાથ અને આંખો સામે ગમતો નજારો જોતા મરવાનું ભાગ્ય કઈ બધાને ના મળે.

રેવતી, “love you” આજે મનેય તારી જેમ લાગે છે કે, કાનુડો જીવ લઈ લે તો લેશ માત્ર રંજ નથી. હવે તારા વગર નથી રહેવું.

બીજા દિવસની સવારે, શિમલાના બંગલામાં મેદની જામી હતી, મશહૂર સિમેન્ટ કિંગ, નટવરલાલની સ્મશાન યાત્રા માટે જ તો! પ્રેમીની યાદ અને ગમતો નજારો જોઈને છેલ્લો શ્વાસ લેવાનું એમના નસીબમાં પણ હતું જ.

✍️CA આનલ ગોસ્વામી વર્મા

નકામી દોડ

 

ના, હું પૈસા પાછળની દોડની વાત નથી કરી રહી. હું વાત કરી રહી છું, પરિસ્થીતી ને ન સ્વીકારવાની દોડની.

હાસ્તો વળી, દોડ જ થઇ ને!

જેવી કોઈ પ્રતિકુળ કે ના ગમતી પરિસ્થિતિ આવી નથી કે આપણે “એડીથી ચોટી સુધીનું બળ” લગાડી દઈએ છે  કે કેમ કરતા એ પરિસ્થિતિ સ્વીકારવી ના પડે. જેટલી વાર આપણે પરિસ્થિતિને સ્વીકારવતા લગાડીશું આપણે એટલા જ ઉકેલથી દૂર ભાગશું!

સ્વીકાર  આપણી સમસ્યાને પુરી નહિ તો અડધી તો ઉકેલી દે છે જ કારણકે સ્વીકાર કર્યા પછી જ આપણે ઉકેલ તરફ વળી શકીશું એમાં શંકા ને કોઈ સ્થાન નથી. જેટલો મોડો સ્વીકાર એટલું વધારે દુઃખ અને એટલી વધારે એ પરિસ્થિતિને બદલી ન શકવાની અસમર્થતા.

કેટલા જુવાનિયા ” બ્રેકઅપ”ના દર્દથી પીડાય છે. જે વ્યક્તિ તમારા માટે ખાસ હોય એને  ન મળવાનું દુઃખ, ઘણું વસમું છે. પણ એ દુઃખ અનેક ઘણું વધી જાય છે કારણકે હૃદયથી ભાંગેલો વ્યક્તિ પોતે હૃદયભંગ થયો છે એ વાત સ્વીકારવા તૈયાર જ નથી થતો. એ હજી પણ ભૂતકાળની એ ક્ષણને વાગોળ્યા કરે છે અને એટલે જ જાણે અજાણ્યે પોતાના જ વમળોમાં અટવાયા કરે છે. પોતાના જીવનમાં આવેલ આ બદલાવને સ્વીકારી નથી શકતો. સ્વીકાર કરી લેવાથી બળ મળે છે અને એ બળ આપણને એ વ્યક્તિ વગર જીવવાની શક્તિ આપે છે. એ વ્યક્તિ કદાચ ભુલાય નહિ પણ એની સાથે ગાળેલી સુખદ ક્ષણો આપણા ઘાવ આચ્છા કરવામાં મદદ કર છે.

એક સુંદર યાદ બનીને એ વ્યક્તિ આપણ જીવનમાં રહે છે જયારે અસ્વીકારથી આપણે, ના જિંદગીમાં આગળ નથી વધી શકીયે છે ના પાછળ જઈ શકીયે છે.  આપણી પરિસ્થિતિ, વિક્રમ વેતાલના, વેતાળ જેવી થઇ જાય છે.

કોઈ બીમારી સમયે પણ આપણી પરિસ્થિતિ આવી જ હોય છે. આપણને બીમારીના દર્દ કરતા પણ વધારે દર્દ બીમારીના અસ્વીકારથી થાય છે. કેન્સર જેવી બીમારીથી પણ બચી જનાર લોકો છે. એ લોકો પોતાને કેન્સર થયું છે એ વાતનો સ્વીકાર ખૂબ ઝડપથી કરી લે છે અને એથી જ પોતાના દ્રઢ મનોબળથી એની સામે લડવાની હિંમત કેળવી લે છે.

જયારે કેટલાય લોકો પોતાની બીમારીનો સ્વીકાર જ નથી કરી શકતા અને એથી જ ક્યાંય સુઘી દવા ખાવા છતાં એનું ધાર્યું પરિણામ નથી મેળવી શકતા કારણકે એમનું મન તો, મને જ કેમ ? કેમ કરતા આ બીમારી થઇ ? હવે શું થશે ? મને સાચે જ આ બીમારી થઇ, વગેરે પ્રશ્નોના ગુચવાડામાં અટવાયા ફર્યા કરે છે.

ચાલો આજથી જ નિર્ણય લઈને કે આપણે આ નકામી દોડનો ભાગ નહિ બનીએ અને દરેક પરિસ્થિતિનો મક્કમતાથી સ્વીકાર કરીશું અને લડી લઈશું.

✍️CA આનલ ગોસ્વામી વર્મા

અધૂરો પ્રેમ-૧૨

પ્રકરણ : ૧૨

Disclaimer : આ નૉવેલ માં આવતા પાત્રો, જગ્યા અને બનાવ બધું જ લેખકની કલ્પના છે એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.

પહેલી નજરનો પ્રેમ કેટલો સાચો હોય છે એ વાત પર વિશ્વાસ કરાવતા બે પ્રેમીઓની વાત એટલે અધૂરો પ્રેમ. આ પ્રેમભર્યા સફરમાં આગળ વધી ચૂકેલા સિધ્ધાર્થ અને તારાના જીવનમાં આવેલા આ છેલ્લા વળાંકને જાણવા, ચાલો વાંચીએ અધૂરો પ્રેમ-૧૨.

સોમવારની સવારે સિધ્ધાર્થ ફરી એજ પોતાનું ફેવરિટ બ્લુ ચેકસનું શર્ટ પહેરે છે. તારા એ જયારે સિદ્ધાર્થ ને “I Love You” કહ્યું ત્યારે પહેરેલું આ શર્ટ એ પોતાના માટે lucky માને છે.  કોઈ પણ સંજોગમાં તારાને ખોવા ન માંગતા સિધ્ધાર્થનું, lucky હોવું ખૂબ જ જરૂરી હતું. 

સ્ટાફ બસ આવતા એ પોતાની જગ્યા પર  બેઠો. તારાનું સ્ટોપ આવતા તારા પણ બસમાં ચઢી અને હંમેશાની જેમ એણે સિધ્ધાર્થ સામે જોયું. એજ બેબી પિન્ક કલરની કુર્તીમાં તારાને જોઈ સિધ્ધાર્થના મોઢા પર આવેલું સ્મિત તારાની આંખો પર જઈને અટકી ગયું. આજે થોડું વધારે કાજલ લગાડેલી તારાની આંખોની ફિક્કાશ સિધ્ધાર્થથી છુપી ના રહી શકી. એને અંદાજ આવી ગયો કે, તારા કેટલું રડી હશે. તારા બસમાં ચઢી અને સિધ્ધાર્થની બાજુમાં બેઠી. એણે બેસતા જ સિધ્ધાર્થના ખભા પર માથું મૂકી દીધું. તારાની નારાજગી પછી સિધ્ધાર્થ, તારા  પોતાની જોડે બેસશે કે કેમ એ વિશે પણ ચોક્કસ ન હતો એટલે તારાના આવા વર્તનથી એને સુખદ આંચકો મળ્યો. કદાચ અત્યારે એમને બિલકુલ પડી ન હતી કે કોણ શું વિચારે છે. બંનેમાંથી કોઈ કંઈ જ ન બોલ્યું. તારાએ ભલે સિધ્ધાર્થના ખભે માથું મૂક્યું હતું પણ એના સ્પર્શમાં રહેલી નારાજગી સિધ્ધાર્થ અનુભવી રહ્યો હતો. તારા ગુસ્સે હોત તો સિદ્ધાર્થને પોતાની લાગત પણ આ ચૂપ થઇ ગયેલી તારા એને એકદમ અજાણી, તદ્દન પારકી લાગી.

સિધ્ધાર્થએ પણ તારાનો હાથ પકડી લીધો. જેમ તારા એની આંગળીઓમાં આંગળી પરોવી દેતી ,એમ આજે સિધ્ધાર્થ એ કર્યું, તારાએ સિધ્ધાર્થ સામે જોયું અને સ્માઈલ આપ્યું . પણ એ સ્માઈલ પછી તરત આંખોમાં આવેલ ઝળઝળિયું સિધ્ધાર્થની નજરમાં આવ્યા વગર ના રહ્યું.

ઓફિસ આવતા બન્ને ઉતર્યા. આજે કાર્ડ સ્વાઇપ કર્યા પછી હમેશા પોતાની જગ્યા તરફ જતા પહેલા સિધ્ધાર્થ સામે જોતી તારાએ પાછળ વળી ને ના જોયું. સિધ્ધાર્થ ખૂબ બેચેની અનુભવી રહ્યો હતો. એને અંદરથી કંઈક અજુગતું, કંઈક  ખરાબ થવાનું હોય એવો અંદેશો આવી રહ્યો હતો.. એને મન કરતુ હતું કે તારાને લઈને ક્યાંક જાય એની સાથે વાત કરે પણ, ,કદાચ એ સમય નીકળી ચુક્યો હતો. 

લંચ ટાઈમ સુધી તારાનો કોઈ મૅસેજ ન હતો. જે તારા કલાક લમાં એકાદ વાર તો ” I love you ” કહેતો મૅસેજ અચૂક મોકલે, એ તારા એકદમ ચૂપ હતી. ગુસ્સા વખતે ઈમોજી દ્વારા પોતાનો ગુસ્સો પ્રગટ કરતી તારાના મૌન સામે સિધ્ધાર્થ વામણો પુરવાર થઇ રહ્યો હતો. વળી પોતે સવારથી મિટિંગમાં હોવાને કારણે ફોન પણ  કરી શક્યો ન હતો.  લંચ વખતે આજે તારા કેન્ટીનમાં આવશે કે કેમ, એમ વિચારતા સિધ્ધાર્થને તારાનો કોલ આવે છે. સિધ્ધાર્થ એક જ રિંગમાં કોલ ઉપાડે છે, તારા કહે છે કે એ આજે ૪ વાગે નીકળી જવા માંગે છે અને ઈચ્છે છે કે સિધ્ધાર્થ પણ તેની સાથે જોડાય જેથી એ લોકો વાત કરી શકે. એણે કેબ બુક કરી લીધી હોવાનું પણ કહે છે. પછી ઉમેરે છે કે, એણે લંચ કરી લીધો છે. સિધ્ધાર્થ તારાને  કહે છે કે એ પણ એની જોડે નીકળશે 

ફાઈનલી તારા સાથે વાત થઇ શકશે એમ માનીને સિધ્ધાર્થ ખુશ થાય છે અને પોતે ચાર વાગ્યે નીકળશે એવો બોસને મૅસેજ કરી દે છે. પોતે ક્વિક લંચ કરીને બાકીનું કામ આટોપી લે છે જેથી એ તારા સાથે નીકળી શકે.

૩.૫૦ એ બંને ઓફિસમાંથી અલગ અલગ નીકળીને પીકઅપ પોઇન્ટ પર મળે છે. કેબ આવતા જ બંને પાછલી સીટ પર ગોઠવાય છે. બેસતા જ સિધ્ધાર્થ તારાનો હાથ પકડીને પોતાના હાથની આંગળીઓ એના હાથમાં પરોવી,  એ પરોવેલ હાથને પોતાના હૃદય પાસે લઈ જાય છે. શુક્રવારના ઉચાટ પછી છેક આજે એને શાંતિ મળે છે. તારાના આ સ્પર્શમાં સવારની નારાજગી ન હતી.

તારા, સિધ્ધાર્થને કહે છે કે એ તારાને બોલાવે. સિધ્ધાર્થની આંખમાં ઝળઝળિયું આવી જાય છે. એ તારા, તારા એમ ત્રણ વાર બોલે છે. તારા આંખો બંધ કરીને સિધ્ધાર્થના અવાજમાં પોતાનું નામ સાંભળે છે. કદાચ છેલ્લી  વાર! 

તારા પોતાનું માથું સિધ્ધાર્થના ખભા પર મૂકી  દે છે. સિધ્ધાર્થ એના કપાળને એક વહાલ ભર્યું ચુંબન કરે છે. સિધ્ધાર્થ પણ પોતાનું માથું તારાના માથા પર ઢાળી દે છે. બંને તારાએ અંગ્રેજીમાં ક્યારેક લખેલી નાની કવિતા વાગોળે છે.

What I love the most is,

Resting on your shoulder,

Leaving all my worries behind,

Singing a song of love,

The one which you sang for me then,

The one which you keep singing for me

Now, then and forever. 

એકદમ, તારા સિદ્ધાર્થને કહે છે કે ” જો હું ખોવાઈ જાઉં તો તું મને શોધવા આવે? તારા જયારે હતાશ હોય ત્યારે આવા  પ્રશ્નો પૂછતી અને પછી સિધ્ધાર્થના જવાબથી એને બીજા ઊલટ પ્રશ્ન કરતી અને મોટે ભાગે આ સવાલ જવાબ પછી તારા સિધ્ધાર્થથી નારાજ જ થતી અને પછી સિધ્ધાર્થએ તારાને મનાવવી પડતી. ક્યારેક આમાં તારાને જીતની ખુશી પણ થતી. પણ આજે કદાચ એ જીતીને પણ હારવાની હતી અને સિધ્ધાર્થ તો કદાચ હારી જ ગયો હતો. 

સિધ્ધાર્થ કહે છે કે ના હું તને શોધવા ન આવું.  આ સાંભળીને તારાની આંખમાંથી એક આંસુ પડી જાય છે. પણ એ ચૂપ રહે છે. સિધ્ધાર્થને બોલવા દે છે. સિધ્ધાર્થ કહે છે કે તારા, મારો તારા પર શું હક છે? તારી સાથે વિતાવેલ એક એક ક્ષણ મારા માટે અનમોલ છે. તું મને મળી, એ મારા માટે એક ઉપહારથી ઓછું નથી. પણ તારી સાથે આમ જ  રહેવું, એ જ  મારુ નસીબ છે.

તારાનું મન ચિત્કાર કરી ઉઠે છે. એ  બૂમો પાડીને કહી રહ્યું હોય છે કે, સિધ્ધાર્થ ફક્ત તારો, ફક્ત તારો હક છે મારા પર! તું એક વાર મારા પર હક કર તો ખરો. એ સિધ્ધાર્થને પૂછવા માંગતી હતી કે જો હાથ છોડી જ દેવો હતો તો પકડ્યો જ શું કામ? હવે જયારે તારો પ્રેમ, મારી એક માત્ર જરૂરિયાત, એક માત્ર ઈચ્છા, એકમાત્ર આધાર બની ગયો ત્યારે તું મને આમ તરછોડી ગયો. જો આમ જ કરવું હતું તો, મારી સાથે આગળ શું કામ વધ્યો. તે મને તારી લાગણી જણાવી દીધી હતી. મેં તને મારી લાગણી જણાવી પછી વાત ત્યાંજ કેમ ના અટકી ગઈ? શું સિધ્ધાર્થ નથી જોઈ શકતો કે એ બંને એક બીજા માટે બન્યા છે. જો એવું નથી તો શું કામ એ લોકો મળ્યા? એનું મન એ સ્વીકાર કરવા તૈયાર જ ન હતું કે એના પ્રેમને એનું સરનામું ક્યારેય નહિ મળે. તારા સાથે સિધ્ધાર્થનું નામ ક્યારેય નહિ જોડાય. એણે જોયેલું, સિધ્ધાર્થ સાથેના જીવનનું સપનું, કાયમ માટે અધૂરું જ રહી જશે.

એને સિધ્ધાર્થનું આમ એકદમ પોતાના પર હક જતો કરી દેવું આંખમાં પડેલી કરચ જેવું, રીતસર ખૂંચવા લાગ્યું. સિધ્ધાર્થ એને આટલી સહજતાથી જવા દેશે, પોતાનાથી અલગ કરી દેશે, એના પર કોઈ પણ હક નહિ કરે એ વાતનો તારા સ્વીકાર  કરી શકતી ન હતી. સિધ્ધાર્થએ એને નહિ પણ પોતાના ફેમિલીને choose કર્યું અને તારાને રોકવાની કોઈ કોશિશ ન કરી આ બંને વાતોએ તારાને તોડી નાખી. એ અંદરથી વલોવાઈ રહી હતી.  એકાદ ક્ષણ માટે તો એને એમ લાગ્યું કે એના હૃદય પર કોઈએ મોટા પથ્થર મૂકી દીધા હોય અને એ વજનથી એ ગૂંગળાઈ રહી હોય.

તારા કંઈજ ન બોલતા, સિદ્ધાર્થ તારા ને કહે છે કે “હું તને ચાહું છું તારા, ખુબ ચાહું છું પણ મારી એ ચાહત થી વધારે તને કંઈજ નહિ આપી શકું. અને એટલે જ મેં તો તને પહેલા પણ ક્યુ હતું કે મને તારી પાસે થી કોઈ અપેક્ષાઓ નથી. જો શક્ય હોય તો મને માફ કરી દેજે. 

આ સાંભળતા હવે તારા પોતાનો કાબુ ખોઈ  બેઠી. એ બોલી, હા, તે કહ્યું હતું કે, તારી કોઈ અપેક્ષાઓ નથી, તો મને આટલો પ્રેમ કેમ કર્યો? અપેક્ષાઓ મારી પણ ન હતી પણ હવે જાગી છે. મારે તને પામવો છે. જે સંબંધ એક સપનું માત્ર છે, એને જીવવું છે. તારા સાથે સિધ્ધાર્થનું નામ જોડવું છે.  અને જેમ સંબંધ જોડતી વખતે કોઈ શર્ત ન કરી હતી તો હવે આગળ વધવામાં સીમાશું કામ બાંધવી છે ? 

તારાના આ સવાલોનો સિદ્ધાર્થ પાસ કોઈ જવાબ ન હતો. એ તારાની આંખોમાં ન જોઈ શક્યો અને એને આંખો ઝુકાવી દીધી. તારાને સિધ્ધાર્થ માટે અનુકંપા થઇ. પોતાના પ્રેમને આ હાલતમાં જોવો એના માટે શક્ય ન હતો. પણ હવે  સિધ્ધાર્થના જીવનમાં રહેવું પણ એના માટે શક્ય ન હતું. કદાચ એનું આત્મ સન્માન એને એવું કરવાની ના પાડતું હતું. સિધ્ધાર્થ એનો પ્રેમ છે, પણ પ્રેમ તારાની મજબૂરી તો ક્યારેય નથી. એનો પ્રેમ એની તાકાત છે અને એટલે જ એને લાગ્યું કે એ જે કરવા જઈ રહી છે એ જ એક માત્ર રસ્તો છે.

એ સિધ્ધાર્થને ભેટી પડે છે અને ખુબ જ કોન્ટોલ કરવા છતાં પોતાના આંસુઓને રોકી નથી શકતી. એ એમજ થોડી વાર સિધ્ધાર્થના આલિંગનમાં રડ્યા કરે છે. જાણે સિધ્ધાર્થ આ દુનિયામાં રહેલી છેલ્લી વસ્તુ હોય એમ એ એને વળગી પડે છે. ના, સિધ્ધાર્થ તો એની દુનિયા જ હતો અને આ દુનિયા હવે એની નથી રહેવાની. એ સિધ્ધાર્થથી અલગ થઇ રહી છે.

સિધ્ધાર્થ પણ અંદરથી રડી રહ્યો હોય છે. પોતાની લાચારી પર એને ગુસ્સો નહિ દયા આવતા હોય છે. તારા, જેનામાં એના પ્રાણ વસતા હોય છે ,જેને એ દુનિયા ભરની ખુશી આપવા માંગતો હોય છે એને આખી જિંદગીનું દુઃખ આપી દીધું. 

તારા ધીરેથી સિધ્ધાર્થના આલિંગનમાંથી નીકળે છે અને એના બંને હાથ પોતાના હાથમાં લઈને કહે છે કે, સિધ્ધાર્થ , હું તો ચાહતી હતી કે તું “મારા પ્રેમના રથને હાંકે ” પણ એ તો તું ના કરી શક્યો અને હવે હું તારી થઇને પણ અજાણી બની ને ના રહી શકું એટલે હવે આપણે આ સંબંધનો અંત લાવીએ. તું મારા અંત વખતે તો મારી સાથે નહિ હોય પણ તારી સાથે ગાળેલી હર એક ક્ષણ મારા માટે યાદગાર છે. 

મને આખા જીવન નો પ્રેમ આપવા બદલ, મારી સાથે આટલા વર્ષો પ્રેમ પૂર્વક ગાળવા બદલ તારો આભાર. મને તને પ્રેમ કરતા કોઈ જ નહિ રોકી શકે પણ મારા પ્રેમને હવે તારી હાજરીની જરૂર નથી. તું મારો નહિ, તો હું, આ રીતે, તારી નહિ. અને હા, તારા સિધ્ધાર્થની નહીં તો બીજા કોઈની પણ નહિ. 

સિધ્ધાર્થ પૂછે છે એટલે, શું તું ? તારા કહે છે હા , હું નિહારથી છૂટી થઇ રહી છું. એનો કોઈ વાંક ગુનો નથી. એને mutual consentથી આ નામના સંબંધથી મુક્ત કરું છું. એ રીતે કદાચ હું મારી જાતને guiltમાંથી મુક્ત કરી શકીશ. અને તું? તારા, તારું શું ? સિધ્ધાર્થના આ પ્રશ્નના જવાબમાં તારા કહે છે કે મારે કોઇના સહારાની જરૂર નથી મારા માટે મારો પ્રેમ પૂરતો છે. પણ હું હવે તારા જીવનમાં પણ નહિ રહી શકું અને એટલે આજ પછી હું તને નહીં મળું. 

તું મારી જરૂરત છે સિધ્ધાર્થ અને તારા વગર જીવવું મારા માટે મુશ્કેલ છે પણ તું મારી કમજોરી નથી અને જો હું હવે તારા જીવનમાં રહી તો હું મારી જાતને માફ નહિ કરી શકું.

સિધ્ધાર્થ એકદમ હેરાન થઇ જાય છે. એને કલ્પના પણ નોહતી કરી કે તારા એ બે રાતમાં આટલું બધું વિચારી લીધું. એને એટલું તો ખબર હતી કે તારા ફક્ત બોલનાર વ્યક્તિ ઓ પૈકીની ન હતી. જો એ કહે છે તો એને ચોક્કસ બધું વિચાર્યું હશે અને બધી તૈયારીઓ કર્યા પછી જ પોતાનો નિર્ણય સંભળાવી રહી હશે.

તારા ફરી એક વાર સિધ્ધાર્થને tight hug કરે છે. એને હોઠ પર, આંખો પર, ગાલ પર અને છેલ્લે કપાળ પર એક ચુંબન કરે છે. એના બંને હાથ પકડીને એની આંખોમાં જોઈનેને કહે છે કે “મારા સિધ્ધાર્થનું, મારા પ્રેમનુ ધ્યાન રાખજે”.

અલવિદા સિધ્ધાર્થ. 

આ હતી એમની છેલ્લી મુલાકાત. 

એ પછી સિધ્ધાર્થ અને તારા ક્યારેય નથી મળતા. એ વાતને આજે ૫ વર્ષ થઇ ચુક્યા છે. સિધ્ધાર્થ હજી ત્યાં જ કામ કરે છે, અને એજ બસમાં, એજ સીટ પર બેસીને ઓફિસ આવે છે. પણ હવે એની બાજુમાં બેસનાર તારા ત્યાં નથી. એ ક્યાં છે એના વિશે કોઈ ને ખબર નથી. 

હા કંપનીમાં એની જગ્યાએ એનો જ રીફર કરેલો એનો મિત્ર, મિહિર જોબ કરે છે જે કહે છે કે તારા સાથે એનો પણ સંપર્ક નથી. સિધ્ધાર્થ કેટલીય વાર તારાના ઘર પાસેથી પસાર થતો, કલાકો ત્યાં ઉભો રહેતો પણ એ ઘરમાં ક્યારેય કોઈ ચહેલ પહેલ ન દેખાઈ. કદાચ હવે ત્યાં કોઈ રહેતું ન હતું . 

એ દિવસે જયારે તારા એ સિધ્ધાર્થને” પોતાનું ધ્યાન રાખવાનું કીધું” ત્યારે સિધ્ધાર્થએ તારાને એકદમ મજબૂતાઈથી પકડીને કહ્યું હતું કે, “તારા તું ના જા”. તારા એ ફક્ત એટલું પૂછ્યું હતું કે સિધ્ધાર્થ તારા જીવનમાં મારુ સ્થાન છે? એની સામે સિદ્ધાર્થ ફક્ત માથું નીચું કરી ગયો હતો. એ માથાને ચૂમી ને તારા બોલી હતી , I Love you, સિધ્ધાર્થ and will forever love only you, પણ મારા પ્રેમને પાંગળો બનાવીને નહિ.

એ દિવસે તારાએ સિદ્ધાર્થને ડ્રોપ કર્યો હતો. પછી એ એની મિત્ર મીરા શર્માની ઓફિસ ગઈ હતી . જે ફેમિલી એડવોકેટે હતા અને એમની મદદથી તારા એ નિહારને mutual consentથી ડિવોર્સ આપતા પેપર્સ પર સાઈન કરી  હતી. એ ઘેર પહોંચી અને પોતાને જોઈતો સામાન જે એણે રવિવારે જ પેક કરી લીધો હતો એ લઈને નિહાર ના આવતા પહેલા નીકળી ગઈ. હા એનામાં નિહારને ફેસ કરવાની હિંમત ન હતી. એટલા  માટે નહિ કે એ ખોટી હતી પણ એટલા માટે કે એના પ્રેમને લીધે કદાચ નિહાર સુખી ન થઇ શક્યો. એણે નિહાર માટે એક પત્ર પણ મુક્યો હતો જેમાં એણે લખ્યું હતું કે એ નિહારને પ્રેમ નથી કરતી અને એટલે પોતે નિહાર ને છોડી ને હંમેશ માટે જઈ રહી છે. એણે નિહારને પોતાને ભૂલી ને આગળ વધવા માટે પણ ભલામણ કરી હતી. તારાએ Sunday સવારે જે મેલ કર્યા હતા એમાં એક મેલ એક નાના ટાઉનમાં પોતાની જોબ માટે પણ કર્યો હતો અને એ જોબ એણે મળી ગઈ હતી. એને પોતાનું શહેર છોડ્યું એના પંદર દિવસમાં. એને વિશ્વાસ હતો કે જોબ એને મળશે જ અને એટલે જ એ ૧૫ દિવસથી એ નાના શહેરમાં આવી ને રહેતી હતી. 

તારા હવે એ નાના ટાઉનમાં જોબ કરે છે અને કંપનીની કોલોનીમાં જ રહે છે. એની સાથે એક નાની પાંચ એક વર્ષની ભુલકી રહે છે જેનું નામ છે સિતારા. હા સિધ્ધાર્થ  અને તારાને કંઈક તો જોડી શક્યું. આ બાળકીને તારાએ અનાથ આશ્રમમાંથી લીધી છે. સિંગલ પેરેન્ટ પણ બાળકને દત્તક લઇ શકે એ સુધારા પછી એના એડયુકેશન અને સેવિંગના કારણે એને આ બાળકી મળી હતી. તારાના માતા પિતા પણ એની જોડે જ રહે છે અને હવે નિહાર એ પણ બીજા લગ્ન કરી લીધા છે. એ ખુશ છે એને એક દીકરો પણ છે.

હજી આજે પણ તારા સિધ્ધાર્થને એટલો જ પ્રેમ કરે છે. કદાચ પહેલાથી વધારે કારણકે હવે એની અને સિતારાની દુનિયામાં સિધ્ધાર્થ ફક્ત એમનો છે. વહેંચાયા વગરનો. ફક્ત તારાનો સિધ્ધાર્થ. એ કોઈથી પણ છુપાયા વગર જયારે ઈચ્છે ત્યારે સિધ્ધાર્થની સાથે વાત કરી શકે છે એને યાદ કરી શકે છે અને એના મોબાઇલમાં સિધ્ધાર્થના dpને જોઈને એની સલામતીની પ્રાર્થના કર્યા કરે છે.

સિધ્ધાર્થ પાસે તારાનો જે નંબર હતો એ કેટલાય ટાઈમ પછી ફરી એકટીવેટ થયો અને એ પણ કોઈ બીજા નામ સાથે. કોઈ બીજી વ્યક્તિ માટે .

જ્યારથી તારા, સિધ્ધાર્થના જીવનમાંથી જેમ અચાનક આવી હતી એમ અચાનક જતી રહી ત્યારથી એણે WAમાં dp અને સ્ટેટ્સ allow to eveyone ઓપ્શન રાખેલ છે. પોતાની તારા માટે જ  જીવતો હોય એમ સિધ્ધાર્થ રોજ રાત્રે ગુડ નાઈટનું અને સવારે ગુડ મોર્નીગનું સ્ટેટ્સ મૂકે છે,  જાણે પોતાની હયાતીનો ,સલામતીનો પુરાવો આપતો હોય. એને ઊંડે ઊંડે ખબર છે કે એની તારા જ્યાં છે ત્યાંથી એને જરૂર જોતી હશે. 

સિધ્ધાર્થ અને તારા પોતાના પ્રેમને ના પામી શક્યા, ના જોડે જીવી શક્યા અને …………….

અધૂરો પ્રેમ, અગાઢ પ્રેમની, અપૂર્ણ ગાથા…

🖊️આનલ ગોસ્વામી વર્મા