section and everything up till
*/ ?> લેખ Archives - Shabdoni Sangathe

વિચારો પર અલ્પવિરામ

વિચાર! કેવો શબ્દ છે ને વિચાર, કેટલાંય લોકો તો આ શબ્દ સાંભળવા માત્રથી પણ વિચારોમાં ખોવાઈ જતાં હશે! કેટલાંક વિચારો મન પ્રૂફલ્લિત કરી જતાં હોય છે અને ક્યારેક માત્ર એક વિચાર અતિઆનંદિત એવાં વાતાવરણને ગમગીન કરી જાય છે. વિચારોનો ના તો કોઈ અંત હોય કે ન તો કોઈ છેડો. માણસનો અંત થાય કદાચ ત્યારે જ તેનાં અંદર ચાલતાં વિચારોનો અંત થતો હશે, જીવતો માણસ વિચાર ન કરતો હોય એ તો અશક્ય જ રહ્યું.

બેશક વિચારો કરવાં પણ જોઈએ. વિચાર કર્યા વગર આપણે કોઈ કાર્ય ના કરી શકીએ અને કંઈ પાર પણ ના પાડી શકીએ. આપણાં વર્તમાન માટે અને આપણાં ભવિષ્ય માટેનાં તમામ નિર્ણયો આપણે પૂરતો વિચાર કરીને જ લેવા જોઇએ. વગર વિચાર્યે નિર્યણ પણ ન જ લઇ શકાય. એક ડગલું આગળ ઉઠાવતા પહેલાં પણ વિચાર કરી લેવો જોઈએ કે આનું પરિણામ શું આવશે? કેમ કે વિચાર કર્યા વગર કરેલું કાર્ય સફળ જાય તેની સંભાવનાઓ ખૂબ જ ઓછી હોય છે. પણ અહીંયા આ વિચારોની વાત આપણે નથી કરતાં કેમ કે આ બધાં વિચાર કરવા તો જરૂરી જ છે, કોઈપણ કાર્ય કરતા પહેલાં તેનાં પર વિચાર કરી લેવો સારી બાબત જ છે.

વાત છે અણધાર્યા સમયે, અણધારી જગ્યાએ, અણધારી વસ્તુ કે વ્યક્તિ માટે, અણધાર્યા વિચાર આવવા તેની, બિનજરૂરી વિચારોની આમ તો ઓવરથીંકિંગ કહીએ તો પણ ચાલે! આ ઓવરથીંકિંગ જો બહુ ઓવરટાઈમ સુધી કરતાં રહીએ ને, તો આપણે આપણાં જીવનની કેટલીય અમૂલ્ય ક્ષણો ખોઈ બેસતા હોઈએ છીએ અને સાથેસાથે કેટલોય સમય વ્યર્થ કરતાં હોઈએ છીએ અને ઘણીવાર તો કેટલાંય જરૂરી કર્યો પડતાં મૂકી દઈએ છીએ. ઘણીવાર એવું બને કે કરતાં કઈ બીજું હોય અને મગજમાં વિચાર કઈંક બીજાં ચાલતાં હોય. તો મતલબ શું? કાં તો તમે શાંત ચિત્તે બેસીને પહેલાં કામ પતાવી લો, કાં તો પહેલાં વિચારો કરી લો. જો વિચારતાં કઈંક બીજું હશો ને કરતાં કઈંક બીજું હશો તો બેમાંથી કોઈપણ કાર્ય થશે ખરું? તમારાં વિચારોને તમારાં પર એટલાં હાવી ન થવા દો કે તમે બસ વિચાર કરવા સિવાય અન્ય કંઈ કરી જ ન શકો.

આપણાં રોજિંદા જીવનમાં આપણે કેટલીય સમસ્યાઓમાંથી પસાર થઈએ છીએ જેમ કે પરિવારજનો સાથે કંઈક મતભેદ હોય, મિત્ર સાથે ઝઘડો થયો હોય, વર્કર હોય તો બૉસે આપેલ વર્કલોડ હોય અને સ્ટુડન્ટ હોય તો શિક્ષકે આપેલ સબમિશન-લોડ અને અત્યારે ટ્રેડિંગમાં જોઈએ તો બ્રેક-અપ થઈ ગયું હોય જેવી કેટલીય મુશ્કેલીઓ એક સામાન્ય માણસના જીવનમાં આવતી જ હોય. ઘણીવાર તમે જોયું હશે કે તમારાં સહકર્મચારીની એની પત્ની સાથે લડાઈ થઈ ગઈ હોય તો એ ઓફિસમાં આવીને સરખું કામ નહીં કરી શકે અથવા તો તમારાં મિત્રનો એની પ્રેમિકા સાથે ઝઘડો થતાં કૉલેજનું એકપણ સબમિશન સમયસર સબમિટ નહીં કરાવી શકે અને કદાચ કેટલીય વાર તમારી સાથે પણ એવું થયું હશે, એનું મુખ્ય કારણ શું? કારણ એ જ કે આપણાં જીવનમાં એક મુશ્કેલી શું આવી ગઈ, આપણે એને જ લઈને એનાં જ વિચારોમાં બેસી રહેવું છે, આપણાં વિચારોને જરાક કાબૂમાં રાખીને બીજી રોજિંદી, આપણાં ભવિષ્ય અને વર્તમાન માટે જરૂરી ક્રિયાઓ તરફ પણ ધ્યાન નથી આપવું.
“વિચારોને કેવી રીતે કાબૂમાં કરવા, એ તો વિચાર છે આવી જ જાય ને!” કેટલાંય લોકોનાં મનમાં આવું થયું હશે પણ આ બધો વહેમ છે. કેમ આપણે આપણા બિનજરૂરી વિચારોને કાબૂમાં ન રાખી શકીએ? વિચારોને પૂર્ણવિરામ લગવવાની વાત નથી પણ અલ્પવિરામ તો લગાવી શકાય ને! આજે તમે અલ્પવિરામ લગાવીને અન્ય કાર્યો પર ધ્યાન આપશો તો જ પોતાનાં બધાં સપનાં સાકાર કરી શકશો અને તો ક્યારેક બિનજરૂરી વિચારો પર પૂર્ણવિરામ જાતે જ લાગી જશે.

તમે કોઈ વ્યક્તિ, કોઈ વાતને લઈને પરેશાન છે અને બસ એ જ વિચાર મનમાં ચાલ્યા કરે છે તો એકવાર તમારો પૂરતો સમય તમારાં વિચારોને આપો અને જે કંઈપણ, જેની સાથે પણ મતભેદ છે એ ખતમ કરવાનો રસ્તો શોધીને આગળ વધો. એ જ મતભેદ પાછળ કેટલાંય દિવસો બગાડી દેવા યોગ્ય છે? ફક્ત વિચાર કરવાથી તો કંઈ પાર નથી પાડવાનું ને તો કોઈ વ્યક્તિ સાથે મતભેદ થતાં દસ દિવસ સુધી એ જ વાત યાદ કરી એનાં પર અનંત વિચારો કરી સમય વ્યર્થ કરવા કરતાં તો એકદિવસ એ વ્યક્તિ સાથે બેસીને બધાં જ મતભેદ દૂર કરી લો. એ જ સમસ્યાને લઈને અન્ય કોઈપણ કાર્ય ન કરવું અને પોતાની જિંદગી અટકાવી લેવા કરતાં તો એ સમસ્યાનો ઉકેલ શોધી લો અને પછી પોતાની જરૂરી ક્રિયાઓમાં ધ્યાન આપો. જો તમે પોતાનાં હિત માટે પોતાનાં જ વિચારોમાંથી બહાર નીકળી, પોતાનાં ભવિષ્ય માટે ન વિચારી શકતા હોય તો અન્ય કોઈપણ વ્યક્તિ પાસેથી કઈ જ આશા ન રાખી શકાય. શું આશા રાખવી યોગ્ય ગણાય ખરી? તમારે પોતે જ પોતાનાં માટે ખડું થવું પડશે! તો હવે કંઈ ન થઈ શકે એવી ભાવના છોડીને, હવે કંઇક કરવું છે એવો વિચાર એકવાર તો કરો, બધું જ સંભવ છે.

વિચારોનો અંત કરવો તો આપણાં વશમાં નથી પણ અનંત, અણધાર્યાં વિચારો પર એક નાનકડું અલ્પવિરામ મૂકીને આગળ કંઇક નવી શરૂઆત ન કરી શકીએ? અલ્પવિરામ મૂક્યા પછી આગળ શું લખવું એ તો આપણાં હાથમાં જ છે ને તો આગળ મોજથી જીવવું, પોતાનાં તમામ કાર્યો પૂર્ણ કરવા, પોતાના તમામ સ્વપ્નો પૂર્ણ કરવા તો આપણાં જ હાથમાં છે ને! તો શું આપણે પોતાનાં માટે પોતાનાં બિનજરૂરી વિચારો પર એક અલ્પવિરામ ન મૂકી શકીએ?

“બિનજરૂરી વિચારોનું કરશો જો તમે જરાક પ્રબંધન,
થશે સપનાંઓ સાકાર અને નવી ખુશીઓનું સિંચન!”

🖊️Jannat Asnani

ચિંતન લેખ : શ્વાસ

ભગવાનનું સર્જન ખરેખર અદભુત છે. એમણે બધાને એક આગવી ઓળખ આપવા પ્રયત્ન કર્યો છે. અમુક વસ્તુઓ જરૂરી રાખી છે તો અમુક વસ્તુઓને ના હોય તો પણ ચાલી શકે. ઘણા લોકો કહે છે કે હાથ ખૂબ જ મહત્વના છે એના પર ભાગ્યની રેખાઓ હોય છે પરંતુ જેને હાથ નથી એનું ભાગ્ય નથી? કહેવાનો હેતુ એ કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેના વગર ચાલી જ શકે. આજે મારા મનમાં વિચાર આવ્યો કે જે એકદમ જરૂરી છે આખી સજીવ સૃષ્ટિ માટે એની ચર્ચા જ કરી લઈએ. એનું નામ છે શ્વાસ. શ્વાસ વગર કોણ જીવી શકે? હા જીવી શકો પણ કેટલો સમય? બસ થોડાક જ કલાક ત્યારબાદ યમરાજ સાક્ષાત તમને તમારી પથારી પર લેવા આવે. તમે જોતા જ હશો આજે કેટકેટલા લોકો ઓક્સિજનની ઉણપના લીધે મૃત્યુ પામે છે. શ્વાસ એ એટલો બધો જરૂરી છે કે કદાચ એના વગર સજીવસૃષ્ટિની કલ્પના જ ન કરી શકાય.

આ શ્વાસ પરથી મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવયો કે જીવનમાં પણ અમુક પ્રકારના શ્વાસ છે. કદાચ મારુ વાક્ય એટલું ઊંડું નહીં સમજાયું હોય પણ મારો પ્રકાશ એ વસ્તુ પર છે કે આપણા જીવનમાં આપણે થોડાક શ્વાસ રાખવા જોઈએ. ફરી તમને લાગતું હશે કે હું આજે કોઈ નશો કરીને બેઠો છું! ના એવું બિલકુલ નથી. ઉદરાહરણ સ્વરૂપે સમજાવું તો જેવી રીતે મારી દિનચર્યામાં સવારે સ્નાન કર્યા પછી મંદિરે જવું આવશ્યક છે. એના વગર કોઈપણ દિવસ ન ચાલે. ત્યારબાદ જ ઉપાહાર કે પાણી લેવું. આ વસ્તુ મારા માટે શ્વાસ છે. આવા જીવનમાં તો અઢળક શ્વાસ હશે. કોઈ કોઈને તો એવા શ્વાસ હશે કે જ્યાં સુધી મને પલ્સર બાઇક નહીં મળે ત્યાં સુધી હું ચપ્પલ નહીં પહેરું. એમાં ચપ્પલ ન પહેરે એ શ્વાસ ગણી શકાય જોકે એ સાર્થક નથી એની ચર્ચા પછી કરીએ. મારે પણ ઘણા શ્વાસ છે તમારે પણ હશે. મારી આસપાસ ઘણા લેખકમિત્રો જોડાયેલા છે. ઘણા મારાથી મોટા છે ઘણા મારાથી નાના. એમાંના કેટલાક પાસે મેં એક મહત્વનો પ્રશ્ન જોયો છે; પ્રશ્ન તો ન કહી શકાય એક બહાનું જ ગણી શકાય કે મારે આ કામ છે મારે પેલું કામ છે એટલે મારાથી લેખનકાર્ય નહીં થઈ શકે. ખરેખર આ વસ્તુમાં કોઈ જ તથ્ય નથી કેમ કે તમને શ્વાસ લીધા વિના ચાલે છે? તો પછી આ સાહિત્ય પણ શ્વાસ જ છે ને! તો એના વગર કેમ ચાલે? ‘ને જો ના લાગતું હોય તો પછી તમારે લેખક હોવાના કોઈ લક્ષણ નથી. ચિંતનલેખ લખવાનો હેતુ એટલો જ કે હું મારી આસપાસના જ ઉદાહરણમાંથી તમને ચોક્કસ સમજ આપી શકું. આવું તો આપણે ઘણા બધા કાર્યોમાં કરતા હોઈશું. મારાથી પરીક્ષા પાસ નહીં થાય કેમ કે મને વાંચવામાં રસ નથી. “હું તો માત્ર વાંચવા ખાતર વાંચું છું.” આપણે શ્વાસ બનાવવાની જગ્યાએ ‘બહાનું’ નામની છટકબારી પકડી લઈએ છીએ અને પોતાને ધન્ય માનીએ છીએ કે જોયું ને હું કેવો છટકી ગયો! અરે! ભગવાન તારા જોડેથી છટકી જશે આવું જ કર્યા કરીશ તો. ખરેખર આપણે બને એટલા વધારે શ્વાસ બનાવવા જોઈએ જેથી એના દ્વારા આપણને જ ફાયદો થાય.

આપણી મોટા ભાગની મુશ્કેલીઓ ફટાફટ ભાગે એમ છે; જો આપણે થોડાક પગલાં ભરીએ તો. તમારે કશું જ કરવાનું નથી ખાલી જે વસ્તુ તમારે પ્રાપ્ત કરવી છે કે જે વસ્તુ મેળવવાની મહેચ્છા તમે રાખીને બેઠા છો એના બધા રસ્તાને તમારા શ્વાસ બનાવી લો. ઉદાહરણ તરીકે તમારે આઈએએસ બનવું છે તો પરીક્ષાની તૈયારીને તમારો શ્વાસ બનાવી લો. શ્વાસનો સંદર્ભ એ છે કે જેના વગર ચાલી જ શકે નહીં. જેટજેટલી ઇચ્છાઓ થાય એને મેળવવાના રસ્તાને શ્વાસ બનાવી લો અને પછી જોવો કેમ કરી ઇચ્છાઓને ખુદ તમારી પાસે પૂર્ણ થવા આવવું પડે છે. મારી આ વાતનો સાર્થક મતલબ લો તો જ સારું છે બાકી મને ખબર છે માણસ ઇચ્છાઓનું પોટલું છે. ઉપર જણાવ્યું એ મુજબ તમે બાઇક માટે ચપ્પલ ના પહેરો તો એ ઇચ્છામાં કોઈ સાર્થકતા ખરી? હા એ સંદર્ભે જરૂર લઈ શકો કે હું બાઇક મેળવવા માટે મહેનત કરીશ. અંતે એટલું જ કહું છું કે શ્વાસ અઢળક હોવા જોઈએ જેના વગર આપણે જીવી જ ના શકીએ. એકસમય એવો પણ આવશે જ્યારે આપણામાં પણ શ્વાસ નહીં રહે અને આપણા બનાવેલા શ્વાસ પણ નહીં રહે.

“કે મળ્યા છે દુઃખ દરદ બધાયે મટી જશે.
છે રસ્તો ઘણો કપરો એ પણ વટી જશે.
જીવનમાં શ્વાસ જરૂર બનાવજે નહીં તો,
અંતે કશું વધે નહિ અને શ્વાસ ઘટી જશે.”

🖊️આદર્શ પ્રજાપતિ

વ્યર્થ જીવન અને સાપેક્ષતા

વિજ્ઞાનનો યુગ છે ઘણા બધાને આ શબ્દ સાંભળી આલ્બર્ટ આઈન્સ્ટાઈનની યાદ આવી ગઈ હશે. એ વિષયે ઘણી ચર્ચાઓ થઈ ચૂકેલી છે એને અવકાશ આપવો એ હમણાં આપણો હેતુ નથી. એ વિશે ચર્ચા થઈ જાય તો બિચારા આર્ટ્સ અને કોમર્સના લોકો તો બેભાન જ થઈ જાય. વૈજ્ઞાનિક તો સમજ્યા પણ માનવીય જીવનમાં પણ આ એટલી જ મહત્વની છે. સાપેક્ષતા એટલે સામાન્ય રીતે મગજમાં એ આવે કે સરખામણી; કોઈને ચડિયાતું કે નીચું બતાવવા પ્રયોજવામાં આવતો શબ્દ. બસ આટલું જ? ના એની વિસ્તારપૂર્વક ચર્ચા કરવી ઘણી જ અનિવાર્ય છે.

ક્યાંક લખેલું હતું કે “જીવન એકદમ વ્યર્થ છે.” ઘણા બધા લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી. જોઈને એવું જ થાય કે આમાં શું ગંભીરતા છે? ભૂલ આપણી એટલી જ કે આપણે આ વાક્યને પૂર્ણ માની લઈએ છીએ. કહેવાનો અર્થ એ જ કે આ વાક્ય પોતાનામાં જ એક ઉણપ ધરાવે છે. આ સમજવા સાપેક્ષતાની મદદ લઈએ તો જીવન વ્યર્થ ત્યારે જ કહેવાય જયારે કોઈ જગ્યાએ જીવન સાર્થક હોય. સીધું કહીએ તો કોઈ સારું છે તો સામે કોઈ ખરાબ હોવું જોઈએ જેનાથી જે તે જનનું સારું હોવું સાર્થક છે. જો કશુંય સારું જ નહીં હોય તો ખરાબ શબ્દને અવકાશ ખરો? કઈ ઈચ્છાના લીધે જીવન વ્યર્થ છે? તમારી ઈચ્છાઓ જ આ બધા પર સંચાલન કરે છે એતો એવું જ થયું ને! ગરીબ માણસ ત્યાં સુધી જ ગરીબ છે જ્યાં સુધી અમીરનું અસ્તિત્વ છે. ઘણી વાર આપણી પદ્ધતિઓ પર ગુસ્સો આવી જાય છે. ખાસ કરીને શિક્ષણપધ્ધતિ પર! કોઈ એક વૈજ્ઞાનિકે એક વસ્તુની શોધ કરી તો એનો એક ભાગ ભણાવવામાં આવે છે. ત્યારબાદ એ જ વસ્તુમાં ભૂલ નીકળી અને બીજાએ સુધારો કર્યો તો સુધારા કરનારને બધો શ્રેય મળી જાય છે. આ કેટલે અંશે વ્યાજબી? જો પ્રથમ માણસ બનાવતો જ ના તો ભૂલ નીકળતી? ત્યાં સાપેક્ષતાનો ખોટો ઉપયોગ થાય છે. ખરેખર બંને વૈજ્ઞાનિકો પોતાના કામમાં સર્વશ્રેષ્ઠ જ હતા આવું કેમ નથી ભણાવતા? આ વસ્તુ સુધારવાની તાતી જરૂરિયાત છે.

ફરીથી પ્રકાશ ત્યાં જ આવીને અટકી જાય છે કે “જીવન એકદમ વ્યર્થ છે.” આ વાક્ય વિશે વિચારો એટલું ઓછું છે. કહેવાવાળું તો કહી ગયું કે સમજણને અવકાશ છે સમજવાવાળા સમજી જશે પણ એમને ક્યાં ખબર લોકો અર્થનો અનર્થ કરી નાખશે! માની લો કે તમે અરીસા સામે ઊભા છો. તમે પોતાને જોઈ રહ્યા છો. શું અંદર દેખાવ છો એવા જ તમે છો? શું તમારી છબિ તમારી સાર્થકતા બતાવે છે કે તમારો અસલી ચહેરો બતાવે છે? પરંતુ એ ચહેરો અસ્તિત્વ તો ધરાવે જ છે ને? એવી જ રીતે જીવનના કેટલાય પાસા છે બધા નજરે ચડે એવું જરૂરી નથી ને! તથા જો અરીસો તોડી નાખવામાં આવે તો શું તમે પણ તૂટી જશો? સ્વાભાવિક છે ના જ. એવી જ રીતે જીવનમાં તકલીફનું વાવાઝોડું આવી જાય તો શું જીવન પૂરું? જીવન વ્યર્થ? ચોક્કસથી તમે જીવનને કોઈ ઢાંચામાં બાંધી શકો નહીં, એ મુક્ત છે.

દરેક વસ્તુના સારા અને ખરાબ પાસા હોય જ છે. તમે ઘરે દહીં બનાવતા જ હશો. દહીં બનાવવા માટે પહેલા થોડુંક દહીં હોવું આવશ્યક છે ને? બસ એવી જ રીતે આપણે સાપેક્ષતાનું સારું પાસું જોવા થોડીક સાપેક્ષતા જરૂર નીવડશે. કશું જ કરવાનું નથી સાપેક્ષતાને સાર્થકતાનો પર્યાય માની લો અને પછી જીવનમાં નવો પ્રવેશ કરો. નક્કી કરો કે “જે વસ્તુની સાપેક્ષતા મારા જીવનને સાર્થક બનાવે છે એવી જ સાપેક્ષતા મારા મને ભગવાન.” હા એ ચોક્કસ કે બધાના મતમતાંતર તો અલગ હોય જ. શિવલિંગ કોઈને પવિત્ર દેખાય છે તો કોઈને પથ્થર. તમારા પર છે તમે સાપેક્ષતાને જીવનમાં કેટલે સુધી સમજી શકો છો. છેલ્લે એક પંક્તિ કે,

“કોઈ કહે ખુશી નથી કોઈ કહે કે આરામ જ નથી,
સાલું આ જીવન વ્યર્થ છે ને એકેય જામ જ નથી,
આઇન્સ્ટાઈનની હોય કે પછી પોતીકા જીવનની,
સાપેક્ષતાને સમજવી જેવા તેવાનું કામ જ નથી.”

🖊️Adarsh Prajapati