section and everything up till
*/ ?> પત્ર Archives - Shabdoni Sangathe

મળવાની છેલ્લી ઈચ્છા (પત્ર)

Mothers Day Special

મારી વ્હાલા દુનિયાની બેસ્ટ મમ્મી,

તને લાગતું હશે ને! કે આ પત્ર મેં 3 વર્ષ પછી કેમ લખ્યો અને એ પણ વ્હાલી મમ્મી એવી શુભ શરૂઆત સાથે? હું જ્યારે ઘર છોડીને ભાગી ગઈ ત્યારે કદાચ હું ભવિષ્યની પરિસ્થિતિથી તદ્દન અજાણ હતી, હું સ્વાર્થી માત્ર મારો જ વિચાર કર્યો. નાનો ભાઈ, પપ્પા અને તને એ ક્ષણે ભૂલી જ ગયેલી.

જ્યારે તારા ગર્ભમાં લાત મારતી ત્યારે તું હસી પડતી હશે ને! આજે ખરેખર હું તારા અને પપ્પાના જીવનને લાત મારીને ચાલી ગઈ. પણ મમ્મી તું અને પપ્પા તો મને કદાચ સ્વીકારી પણ લેત પરંતુ આપણો પડોશ, આપણી સોસાયટી, આપણાં સગાંવહાલાં, આપણો સમાજ કદી ના સ્વીકારત. કારણ કે એ લોકોની માન્યતા એવી જ છે કે દીકરીના જીવનનો નિર્ણય એ જાતે ના લઈ શકે, મા બાપ કહે ત્યાં જ પરણવાનું. પણ તે મારી સહેલી ધારાનું જીવન જોયું ને! બિચારી ત્રણ ઠેકાણાં બદલી તો’યે ઠેકાણે નથી પડી. જો એ ઈચ્છતી હતી ત્યાં રેવામાસીએ લગ્ન કરવાની મંજૂરી આપી દીધી હોત તો આજે આટલી દુઃખી ના હોત.

હું એવું નથી કહેતી કે તે અને પપ્પાએ શોધેલા ઠેકાણે હું પણ દુઃખી થાત, પણ મને ખબર નહીં ક્યારે સિદ્ધાર્થ સાથે અતૂટ લાગણીઓ બંધાઈ ગઈ! એવું નથી કે તને અને પરિવારને મેં સાચો પ્રેમ નથી કર્યો, પરંતુ મમ્મી હું સિદ્ધાર્થ વગરનું જીવન વિચારી જ નથી શકતી. અને તારા દબાણ નીચે જીવતા જીવતા ક્યારે સિદ્ધાર્થ મને લેવા આવ્યો અને હું ચાલી ગઈ એની મને ભાન જ ના રહી.

આજે મારા ઘેર કોઈ પણ મહેમાન આવે છે તો એ મને જોઈને પહેલાં તને યાદ કરતા કહે છે શું માતાના સંસ્કાર છે! આવી વહુ તો ડામશીએ દીવો લઈને ગોતવા નીકળીએ તો’યે ના મળે. સિદ્ધાર્થ અને આકૃતિની કેમેસ્ટ્રી ખૂબ જ જોરદાર છે. અમે બીજાને પણ દાખલા આપીયે છીએ કે જાવ આકૃતિ પાસે અને જઈને જુવો કે ઘર, નોકરી, ઘરડા મા બાપની સેવા વચ્ચે તાલમેલ કેમ જાળવવો? આ બધી જ શીખ મમ્મી મને તે જ આપેલી છે. હું આજે કોઈ માટે ઉદાહરણરૂપ બની છું તેનો આધારસ્તંભ મમ્મી તું છે.

તે ક્યારેય મારા કે ભાઈ વચ્ચે ભેદભાવ નથી કર્યો, જે વસ્તુ અને જે સુવિધાઓ તે એને આપી છે એ જ વસ્તુ અને એવી સુવિધાઓ તે મને આપી છે. તારે ખોળે એક દિકરી હતી તો તારા અંતરમનમાં એક શાંતિ હશે ને કે જીવનનો થાક મારી પાસે ઉતારી શકીશ પણ મેં તો કદાચ તારા આ મહામુલા સ્વપ્નાઓ પર પાણી જ ફેરવી નાખ્યું.

મારો પરિવાર અને સિદ્ધાર્થ મારાથી ખૂબ જ ખુશ છે અને હું પણ સૌથી ખુશ છું, પણ જીવવામાં હજુ કંઈક અધૂરપ લાગે છે અને એ અધૂરપ છે તારી અને આપણા પરિવારની. હું આજે અનેક સફળતાઓ મેળવીને ઘણી ખુશ થાઉં છું, મનોમન તને યાદ કરીને રડી પડાય છે. તારા ફોટાને છાતી ચરસો ચાંપી હિબકે ચડી જવાય છે. ભૂતકાળના એ બાળપણના દિવસો યાદ કરતા કરતાં ક્યારેક ભૂલી જવાય છે કે હું આજે સિદ્ધાર્થની પત્ની બની ચુકી છું અને એક નાનકડી દીકરીની માતા પણ…

હા મમ્મી એક વર્ષ પહેલા જ મેં એક દીકરીને જન્મ આપ્યો છે અને તે પણ પ્રથમ જૂને. તારો અને એનો જન્મ દિવસ સાથે જ છે. તું હવે માત્ર મારી મમ્મી જ નથી રહી તું મારી દીકરીની નાની બની ગઈ છે. તે બિલકુલ તારી જ હમશકલ છે. જ્યારે માતા બની ત્યારે જ તારા દર્દનો અનુભવ કરી શકી. હું મારી દીકરીને એક મિનિટ માટે પણ દૂર નથી રાખી શકતી, મારા ગયા પછી તારું જીવન કેવું બની ગયું હશે? સગાસબંધીઓએ તારી ઉપર કેટલાં માછલાં ધોયા હશે કેવા તને મેં’ણા ટો’ણા માર્યા હશે? અને વાંક મારો હતો છતાંયે તે કેટલું સાંભળ્યું હશે?

મમ્મી હું જેમ તારી આંગળી પકડીને તારી સાથે ચાલતી એમ મારે હજુ ચાલવું છે, તારી છાતી પર માથું મૂકીને સૂતી એમ સૂવું છે, તારા હાથેથી જમતી તેમ જમવું છે, અને હાલરડું ગાઈને સુવડાવતી તેમ આજેય સૂવું છે. આખો દિવસ મારો વ્યસ્તતામાં નીકળી જાય છે પરંતુ તારી પાસે જે નિરાંતનો અનુભવ કરી શકતી એ નિરાંત મને આજે ત્રણ કરોડના ઘરમાં નથી અનુભવાતી.

સિદ્ધાર્થ અને ઘરે સૌનો સ્વભાવ ખૂબ જ સારો છે, સિદ્ધાર્થ ખૂબ જ મહેનતુ છે. ખબર નહીં મારા પરિવાર અને સિદ્ધાર્થ વિશે તને ખોટી જાણકારી કોણે આપી અને તે અને પપ્પાએ કંઈ તાપસ કર્યા વિના જ એ સત્ય માનીને મને સિદ્ધાર્થને ભૂલી જવાની વાત કહી હતી. ત્રણ વર્ષમાં મને કોઈએ અહેસાસ નથી થવા દીધો કે હું ભાગીને આવી છું. મારા સાસુએ પણ દિકરીથી વિશેષ પ્રેમ આપ્યો છે છતાં પણ તારા પ્રેમની હૂંફ ઝંખું છું. તારું વ્હાલ ઝંખું છું.

વેકેશનમાં મામાની ઘેર તો જતી રહેતી પરંતુ ત્યાં જ્યારે એકલું લાગતું અને ક્યાંય ગોઠતું નહીં ત્યારે તું જે દિવસે લેવા આવવાની હોય અને કેવી હું કાગડોળે રાહ જોયા કરતી અને તને જોઈને તને ભેંટીને હું કેટલું રડતી અને ઘરે જવાની જીદ કરતી બસ આજે પણ એ ક્ષણ ફરી આવે એવું ઈચ્છું છું બસ ફર્ક એટલો છે કે આજે મામાના ઘરે નહીં પણ મારા ઘરે છું.

ઘણીવાર એવું થયેલું કે હું તારી પાસે આવું પરંતુ તારા એ શબ્દો આપણાં ઘર તરફ આવતા મારા ડગલાં રોકી દે છે. હું ભાગીને ગઈ અને લગ્ન કરી લીધા ત્યારે તને મારા પરિવારે કોલ કરેલો અને જ્યારે આપણી વાત થઈ ત્યારે તે કહેલું કે, “આજ પછી ક્યારેય આ ઘર તરફ પાછું વળીને જોયું કે આ ઘરે તારા પગલાં પડ્યા એ પછીથી તું ક્યારેય મારું મોઢું નહીં જોવે” તારા આ શબ્દો મને કંપાવી દે છે, હું પપ્પાને એકલા સ્વપ્ને પણ ના વિચારી શકું અને નાના ભાઈને હજુ તારી ખૂબ જરૂર છે, ભાઈના લગ્નનો વર મા બનવાનો શોખ તારો અધુરો રહી જાય, એટલે વિચાર્યું કે જ્યારે સામેથી તું આપણા સંબંધો સ્વીકારીશ ત્યારે જ પાછી આવીશ.

આજે હું મારા પરિવાર સાથે દરેક તહેવાર ઉજવું છું, પરંતુ તારી સાથે દિવાળીએ દિવા પ્રગટાવવાની, ફટાકડા ફોડવાની, મીઠાઈઓ બનાવવાની અને ફરવા જવાની મજા જ કંઈક અલગ હતી. તું તારી પહેલા પણ મારું વિચારતી, અને હું સ્વાર્થી તારો એકવાર પણ વિચાર કર્યા વિના…

તું એક વાર તો મને મળીશને? મને અને મારી દીકરીને તારી છાતીનું વ્હાલ આપીશને? સિદ્ધાર્થ અને અમારા પરિવારને સ્વીકારીશને? આપણા સગાંવહાલાં, સોસાયટી અને સમાજના બંધનની ટીકાની પરવાહ કર્યા વિના એકવાર મને અપનાવીશને? બસ મારી આ છેલ્લી ઈચ્છા છે.

હું ભાગીને ગઈ ત્યારે લોકોએ મારી ખૂબ ટીકા કરી હશે ખૂબ જ બદ્દદુવા આપી હશે, કદાચ તારી અને પપ્પાની જીભેથી પણ મારા માટે બદ્દદુવા અને અપશબ્દો નીકળ્યા હશે પરંતુ હું એટલું તો જાણું જ છું કે તમે દિલથી મારા માટે કદીયે ખરાબ નહીં વિચાર્યું હોય. પરંતુ તારી અને પપ્પાની ઈજ્જત ઉપર પાણી ફેરવીને જનારીને પ્રભુ ક્યાં જન્મે સુખી કરે?

હાલ જ મારી તબિયત લથડતા જાણ થઈ કે મને છેલ્લા સ્ટેજનું ફેફસાનું કેન્સર છે, જેના ઈલાજ માટે ઘણું મોડું થઈ ગયું છે. કદાચ હું મારા પરિવાર, મારી દીકરી, સિદ્ધાર્થ અને તારી સાથે પણ ખૂબ જ ઓછા દિવસોની મહેમાન છું. ખબર નહીં ક્યારે અંતકાળ આવી જાય! એક દિવસ તો સૌને પ્રભુ પાસે જ જવાનું છે પરંતુ આ જન્મે હું તને એકવાર મળ્યા વિના નથી જવા માંગતી, મારી દિકકરીનો હાથ મારે તારા હાથમાં સોંપવો છે જેથી તું એનું ભવિષ્ય સુધારી શકે, અને સિદ્ધાર્થને બીજા લગ્ન કરવા માનવી શકે, મારા ગયા પછી તે એકલા થઈ જશે, એ જીવી નહીં શકે. આ ઉંમરે તેને વિધુર જોવાની તાકાત તેના મા બાપમાં નથી.

આવતા જન્મે ફરી મળીશું, મમ્મી હું પ્રભુ પાસે જઈને એમ જ કહીશ કે મને આવતા જન્મે તારા જ ખોળે જન્મ મળે અને મારી આ અક્ષમ્ય ભૂલ સુધારવાનો મોકો મળે. મમ્મી મને કંઈ થઈ જાય એ પહેલાં મને મળવા આવીશને? એમ કરજે તું 9 મેં ના રોજ જ મળવા આવજે ત્યારે હું પણ તને છેલ્લીવાર મળી લઉં અને મારી દીકરી પણ મને છેલ્લી વાર મળી લેય. આવતી 9 મેં સુધી હું તમારી વચ્ચે નહીં હોઉં એ નક્કી છે. મમ્મી તું એકવાર પ્લીઝ હૈયે પથ્થર મૂકીને પણ આવજે કારણ કે હું ત્યાં હવે નહીં આવી શકું. મારી આ છેલ્લી ઈચ્છા એક પુરી કરજે, મને મમ્મી તું મધર્સ ડે ના દિવસે મળવા આવજે.

લી. તારી લાડકડી આકૃતિ.

🖊️Ankita Mulani

પત્ર

આ પત્ર આનલ પોતાની માસીયાઈ બહેન નિધિને લખે છે, જે પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા માટે તૈયારી કરી રહી છે.

વિષય: પરીક્ષામાં સફળતા માટે પ્રેરણા આપતો પત્ર.

વ્હાલી નિધિ,

આશા રાખું છું કે, મારો આગળનો પત્ર જેમાં મેં સફળતા માટે બે અગત્યના મસાલા પૈકી એક મસાલા, એકાગ્રતાની વાત કરી હતી એ તને ઉપયોગી થયો હશે. સફળતા માટે જેટલુ મહત્વ એકાગ્રતાનું છે, એટલુ જ મહત્વ સાતત્યનું પણ છે, તો ચાલ આજે સાતત્ય વિશે વાત કરું.

સાતત્ય એટલે સતત કરવામાં આવતું કાર્ય. જે સતત કરવામાં આવે એ તમારામાં વણાઈ જાય, એ કાર્યમાં તમારી ઝડપ વધી જાય અને પછી તમે એમાં એકદમ નિપુર્ણ થઇ જાવ. Consistency is the key to success.

તમે એક દિવસ જે કર્યું એના પર નહિ પણ તમે રોજ શું કરો છો એના ઉપર તમારી સફળતાનો આધાર રહેલો છે. કોઈ પણ સફળ વ્યક્તિની દિનચર્યા જોવામાં આવે તો એમાં સાતત્ય જરૂર દેખાશે! દરેક સફળ વ્યક્તિનું એક રૂટિન હોય છે.ખાલી મહેનત નહિ પણ એકધારી મહેનત જ રંગ લાવે છે.

આપણે આપણા નાનપણનો જ દાખલો લઈએ. કેટલી વાર પડ્યા પછી આપણે ચાલતા થયા! સતત ચાલવાનો પ્રયત્ન જ આપણને ચાલતા કરે છે. જો એક વાર ચાલવાની કોશિશ કર્યાં પછી આપણે એક અઠવાડિયું ના ચાલ્યા હોત તો ચાલવાનું શીખતાં વધારે વાર લાગી હોત પણ આપણે રોજ-રોજ પડી ગયા પછી ઉભા થઈને ત્યાં સુધી ચાલતા ગયા જ્યાં સુઘી ચાલતા આવડી ના ગયું. સફળતાનું પણ આવું જ છે.

જો એક વાર કોઈ પાઠ વાંચ્યા પછી તરત એને રિવાઇસ કરવામાં આવે તો એ કાયમ માટે યાદ રહી જાય અને સતત એ પાઠ વાંચ્યા કરવાથી પછી એ ક્યારેય ના ભુલાય. સતત પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી ત્યાં સુધી પહોંચવા માટેના પગથિયાં ચઢવાથી, સફળતા આપણને વરીને જ રહે છે.

આપણે મહેનત તો કરીએ છે પણ એ મહેનતની પેર્ટન નથી જાળવી શકતા. એક દિવસ દસ કલાક વાંચ્યા પછી, બીજા દિવસે માત્ર બે કલાક વાંચનાર વિધાર્થી કરતા, સતત ચાર કલાક વાંચનાર વિધાર્થીની સફળતાની સંભાવના વધી જાય છે.

વાંચનની સાથે આપણે આપણી ઊંઘના કલાકોમાં પણ સાતત્ય જાળવવું જરૂરી છે. એક દિવસ રાતે મોડા સુધી વાંચ્યું અને બીજે દિવસે બાર વાગે ઉઠ્યા તો એક દિવસ રાત્રે આઠ વાગ્યે સુઈ ગયા અને બીજા દિવસે પાંચ વાગે ઉઠીએ આવા રોલર-કોસ્ટરમાં આપણું શરીર પોતાની બોડી કલોક કેવી રીતે ગોઠવે? જો તને રાત્રે ૨ વાગ્યા સુધી જાગીને વાંચવું ગમતું હોય તો રોજ રાત્રે બે વાગ્યા સુધી વાંચ. રાત્રે સુવાનો અને સવારે ઉઠવાનો સમય નક્કી કર. આ સમય રજાના દિવસ પણ નક્કી રાખ જેથી તારું શરીર પોતેજ એક બોડી કલોક જાળવશે. નિયમિતતાથી માથું દુખવું કે એસિડિટી થવી એવી તકલીફ નહિ થાય કારણકે, શરીર અમુક ચોક્કસ સમયે ચોક્કસ કાર્ય કરવા ટેવાઈ ગયેલું છે.

તે કીડીને ધ્યાનથી જોઈ છે? કીડી કેટલી વાર કોઈ વસ્તુના નાના કણને લઇ જતા પડી જાય છે. પણ એ નાની કીડી એકધારી મચી રહે છે અને અંતે એ કણને લઇ જવામાં સફળ થાય છે. નદી પણ સતત એકધારી વહેતી રહે છે જેથી એનું પાણી ક્યારેય મલિન થતું નથી. સુરજ રોજ પૂર્વ દિશામાં ઉગીને પશ્ચિમ દિશામાં આથમે છે. એકધારું એક જ દિશામાં કામ કરવાથી જ કોઈ પણ કાર્યમાં સફળ થવાય છે.

બોલવામાં સહેલું અને સરળ લાગતું સાતત્ય કેળવવા માટે દ્રઢ મનોબળ, ફોકસ મન અને શિસ્તની ખાસ જરૂર છે.

સાતત્ય કેળવવા માટે નીચેના પગલાં લઇ શકાય:

👉તારું નિર્ધારિત લક્ષ્ય હંમેશા નજર સમક્ષ રાખ.

👉તું જે કરી રહી છે એની પાછળનો ઉદ્દેશ સામે રાખવાથી, તને આગળ વધવાની ધગશ થશે. હરણ હમેશા વઘથી વધારે ઝડપથી ભાગે છે કારણકે એના માટે પ્રસન્ન જીવનનો છે , જ્યારે વાઘ માટે ભૂખનો.

👉તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી ચુકી છે એ વિશ્વાશ કેળવ. એ વિશ્વાસ જ તને સતત કામ કરવું માટે પ્રેરણાં આપશે.

👉મોબાઈલમાં રિમાન્ડર મૂકીને, તારા રૂટિનને વળગી રહે.

👉કોઈક વાર સમય પત્રક તૂટે તો એના માટે ખુદને માફ કરી દે . દરેક ભૂલ કંઈક શીખવાડવા માટે હોય છે, એ ભૂલનો દોષ આપવાને બદલે એમાંથી કંઈક શીખ.

👉સારા પ્રેરણાત્મક વાંચનથી સતત પ્રોત્સાહન મળે છે અને આપણા નિશ્ચિત ધ્યેય સુઘી પહોંચી શકાય છે એટલે પ્રેરણાત્મક વાંચન કર.

👉થોડી થોડા સમયાંતરે મૂલ્યાંકન કર જેથી જાણી શકાય કે તે સતત મહેનતથી શું પ્રાપ્ત કર્યું અને હવે આગળ કેવી રીતે વઘી શકે છે.

ખાલી ભણતરમાં જ નહિ પણ રોજિંદા જીવનમાં પણ એક લક્ષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી મહેનતથી સફળતાની સિડી ચઢવામાં વાર નથી લાગતી. જિંદગીના દરેક મુકામ પર દરેક વ્યક્તિ એ સાતત્ય કેળવવું ખુબ જરૂર છે જે ખાલી વ્યવસાયિક નહિ પણ વ્યક્તિગત જીવન અને અંગત સંબંધોમાં પણ મદદ રૂપ થાય છે.

તારી વ્હાલી આનલ.

©️ આનલ ગોસ્વામી વર્મા

મનની લય

ડિયરેસ્ટ નિધિ,

આજે માસી મમ્મી સાથે ફોન પર વાત કરતા ખૂબ રડતા હતા. તારું આ વખતે પણ સીએ ફાઇનલ માં નાપાસ થવું એમને, તારાં કરતા વધારે દુઃખી કરી ગયું. ખૂબ જીવ બાળતા હતા. એમને પરિણામથી વધારે દુઃખ તારા અથાગ પ્રયત્નો અને મહેનત નિષ્ફળ ગયા એ વાતનું હતું.

મમ્મી પણ એમની વાતથી દુઃખી થઈ ગયા. મને કહે આપણી નિધુ મહેનત તો ખૂબ કરે છે પણ કેમે કરીને પાસ નથી થતી!

જો બેના, રખેને સમજતી કે હું સીએ થઇ ગઈ એટલે તને લેક્ચર આપું છું. હું પણ ચારવાર નિષ્ફળ પ્રયત્નો કર્યા પછી જ મારી મંઝિલ પામી શકી છું અને એટલેજ તારું ધ્યાન એ ભૂલ તરફ દોરી શકીશ જે ભૂલ હું કરતી હતી.

ફક્ત સીએ જ નહીં કોઈ પણ પરીક્ષામાં સફળ થવા માટે મહેનત કે પ્રયત્નોમાં આ બે મસાલા ઉમેરવા ખૂબ જરૂરી છે.
🍁 એકાગ્રતા
🍁 સાતત્ય

જો આ બેમાંથી એક માં પણ કચાસ રહી જાય તો સફળતા આપણા થી જોજન દૂર ભાગે છે. આજે તને એકાગ્રતા વિશે કહું. એકાગ્રતા એટલે મનની લય. જેમ સંગીતમાં લય વગર તાલ ના જામે એમજ એકાગ્રતા વગર મન રિઝાય નહિ અને એ રિસાયેલું મન ધાર્યું પરિણામ ન આપે. હું, તને મેં પોતે અનુભવ કરેલા કેટલાક મુદ્દા પર પ્રશ્ન પૂછું તું એનો જવાબ ખુદને આપજે. તને આપો-આપ તારી ભૂલ સમજાઈ જશે.

✍️તું ચોક્કસ વાંચતી જ હોઈશ. પ્રેકટીસ પણ કરતી હોઇશ પણ શું તું જે કરે છે એમાં એકાગ્ર હોય છે?

✍️એ ક્ષણે તારી સમક્ષ ફક્ત અને ફક્ત એ મુદ્દો, એ વિષય અને એ પાઠ જ હોય છે?

✍️જેમ અર્જૂન ને ફક્ત પોતાના લક્ષ માછલીની આંખ જ દેખાતી હતી તેમ તને એ વખતે એ મુદ્દા સિવાય બીજું કંઈ ન દેખાવું જોઈએ.

✍️એકાગ્રતા નો સૌથી મોટો દુશ્મન આ મોબાઇલ છે. હું મારી જાતને ખરેખર નસીબદાર માનું છું કે જ્યારે હું ભણતી હતી ત્યારે મોબાઈલ ફોન ન હતા. આતો જરાક “ટીંગ”અવાજ આવ્યો નથીકે ધ્યાન વિચલિત થયું નથી. મોબાઇલ વાપરો પણ સાવચેતી સાથે.કોઈ પણ કામ હોય તો વોટ્સઅપ કરવાને બદલે ડિરેકટ ફોન કરી દે. જેથી મેસેજ ની રાહ જોવામાં તારો સમય ન બગડે.

✍️પણ આ મોબાઈલ માં રહેલા સુંદર એપ્લિકેશન નો ભણવા માટે ઉપયોગ થઈ શકે જેમકે ટાઈમર, રિમાઇન્ડર્સ, કેલેન્ડર, મેડિટેશન કરવાની એપ વગેરે.

✍️રોજ ધ્યાન કરવાથી અને નિયમિત રૂટિન ફોલૉ કરવાથી ચોક્કસ તારી એકાગ્રતા વધશે.

✍️મનને એકાગ્ર થવા માટે શરીર પણ સ્વસ્થ હોવું જરૂરી છે. રોજ સવારે પિસ્તાલીસ મિનિટ તારી ગમતી કસરત માટે ફાળવ અને જો કેવી સ્ફુર્તિ આવે છે.

✍️ખાવા ના સમયપત્રક પર પણ ધ્યાન આપ.ગમે ત્યારે ખાવા કરતા, એક દિનચર્યાનું પાલન કર.

આ મે મહિનામાં આવતી ફાઇનલ એક્ઝામમાં એકાગ્રતા ની મશાલ લઈ , ફરકાવીદે તારી જીતનો વાવટો !

લી.
તારી બહેન આનલ

🖊️Aanal Goswami Varma