section and everything up till
*/ ?> નવલિકા Archives - Shabdoni Sangathe

રભાની ફાંદ – ૧૧

રભા સાથે ચમત્કાર

“જલ્દી બહાર આવો બધા.. જલ્દી બહાર આવો..” મારા ભત્રીજાએ બૂમો પાડી આખી સોસાયટી ભેગી કરી.
“એલા પણ મને તો કહે કે શું થયું?” હું મારા ચશ્મા સાફ કરતો કરતો બહાર દોડી આવ્યો.
“શું થયું? શું સવારમાં બૂમાબૂમ પાડે છો?” રભાના બાપા નાડાવાળો લેંઘો પહેરી બહાર આવ્યા.
“ચમત્કાર થઈ ગયો ચમત્કાર..”
“હવે તું જલ્દી બોલ અહિયાં બધા બાથરુંમ અધૂરું છોડીને આવ્યા છે.” રભાના બાપા લેંઘો ચડાવીને બોલ્યા.
“તમે લોકોએ સવારથી રભાકાકાને જોયા છે?”

બધાએ ના પાડી. હું પણ વિચારમાં પડી ગયો કે રોજ સવારે અલાર્મ પહેલા રભો મને જગાડે પણ આજે તો એ આવ્યો જ નથી. આજે તો એનો મનપસંદ નાસ્તો હતો. ચાર જાતના ગાંઠિયા, મેથીના ગોટા, પપૈયાંનો સંભારો. આમ તો લોકો નાકથી સૂંઘી લે પણ અમારે રભાની ફાંદ બધુ સૂંઘી લે. આજે શું ફાંદ બીમાર પડી છે કે શું?

“હું સવારે પાણી ભરવા જાગ્યો ત્યારે રભો રૂમમાં હતો નહીં.” રભાના બાપા બોલ્યા.
“હા, મને પણ કાંઇ કીધું નથી.” મે પણ આશ્ચર્યમાં કહ્યું.
“એજ કહું છું કે ચમત્કાર થયો છે અને મારુ તો હમેશાનું મનોરંજન બંધ થઈ ગયું.” મારો ભત્રીજો ઉદાસ થઈને બોલ્યો.
“હવે ગોળ ગોળ જલેબીની જેમ વાત ના ફેરવ અને સીધી વાત કર.” મને પણ રભાની જેમ વાત વાતમાં ખાવાની વસ્તુ બોલવાની આદત પડી ગઈ, સંગ એવો રંગ, સારું છે સંગ એવો ઢંગ નથી આવ્યો બાકી હું પણ ફાંદમાં કેવો લાગેત?

“કાકા, આ જુઓ સામે આપણાં રભા કાકા.” મારા ભત્રીજાએ સોસાયટીના બગીચા તરફ ઈશારો કરતાં કહ્યું.

અમે બધાએ એ તરફ જોયું તો રભો બગીચામાં રહેલા બાળકોના હિચકા ખાતો હતો અને રિંકી એને હિચકા નાખતી હતી. મારી તો આંખો પહોળી થઈ ગઈ કે આ શું? હા, એ તો સાંભળ્યું છે કે વાંઢાનું અચાનક નક્કી થઈ જાય તો એ ફુલાઈ જાય પણ આ ફાંદાસુર એની પત્નિ મકોડી પહેલવાન રિંકીની જેમ આટલો પતલો કેવી રીતે થઈ શકે? હું બધા પહેલા દોડી એની પાસે ગયો.

“આવો.. આવો માસ્તર, કયું હિલા ડાલાના?” રભો રજનીકાંતની જેમ ડાઈલોગ બોલ્યો.
“એલા, એ રજનીકાંત છે ગમે તે કરી શકે પણ તું ફાંદાકાંત હતો એમાંથી આ સુંવાળી સુકન્યાની પાતળી કમર જેવો કેવી રીતે થઈ ગયો?”
“આ બધુ મારી રિંકીનો કમાલ છે.”
“ભાઈ, ફાફડામાં રહેલા મરીની જેમ ટૂંકમાં નહીં ફાફડામાં રહેલા ચણાના લોટની જેમ વિગતે વાત કર.”
“માસ્તર, એ બધુ હવે ભૂલી જાવ. રભો હવે કાકડી, ગાજર, બીટ, કોબીજ, પાલક આવું બધુ જ ખાશે અને હા ચિટ મીલમાં મારી રિંકીના ફેવરિટ ગોપાલના વાટકા.” રભાએ ઘમંડથી કહ્યું.

મને તો આ બધા શાકભાજીના નામ રભાના મોઢે સાંભળીને ચક્કર આવી ગયા. લીલા શાકભાજી એ પણ કાચા અને એ પણ રભાના મોઢે નક્કી આ કલિયુગનો અંત થઈ ગયો છે અને સતયુગ આવી ગયો લાગે.

“માસ્તર, ક્યાં ખોવાઈ ગયા?”
“ભાઈ, આ તારી ફાંદ વગર તું અપંગ લાગે છો. તારી ફાંદ તારી ઓળખ હતી. તે કેમ આવું કર્યું તારી ફાંદ સાથે?”
“માસ્તર, બધુ મારી રિંકીના પ્રેમના કારણે થયું છે.” એ હિચકાંમા ઝૂલતાં ઝૂલતાં બોલ્યો.
“તું આ ઝૂલવાનું બંધ કર અને મને કહે આ બધુ થયું કેવી રીતે અને એ પણ એક રાતમાં?”
“રિંકી, તું જ કહી દે માસ્તરને.”
“ફાંદ પર એને બઉ ખિજવે બધા એમ કરી રભેશ ગઈકાલે રાત્રે મારી પાસે બઉ રડ્યા મારાથી એ સહન ના થયું. મે એમને સવારે ૫ વાગે ફોન કરી જગાડ્યા, અને ભંડારી બાબા પાસે લઈ ગઈ. એમણે એક પડીકી આપી એ રભેશ નયણાં કોઠે પી ગયા પછી કાંઇ જ નાસ્તો નથી કર્યો. પડીકી ખાધી એના અર્ધી કલાક રહીને એમને લેટ્રીન લાગી, એ ત્યાં બાબાના ટોઇલેટમા ગયા. વીસ – પચ્ચીસ મિનિટે બહાર આવ્યા અને જેમ તમારી આંખો અત્યારે આમ પહોળી છે એમ જ મારી આંખો ત્યારે આમ પહોળીને પહોળી રહી ગઈ હતી. ભંડારી બાબા પથરી અને ચરબી કાઢવામાં નિષ્ણાંત છે. જય હો ભંડારી બાબાની.” રિંકીએ જયઘોષ કર્યો સાથે રભો પણ જોડાયો.

“આ તો અશક્ય વાત છે. મોટા મોટા ડૉક્ટર પણ ચરબી ઘટાડવાની દવા આપે કાં તો ઓપરેશનનું કહે અને આ તમારો બાબો પડીકી આપીને ચરબી કાઢે!”
“હા, માસ્તર સાવ સાચું છે એ પડીકી પણ બઉ જ સ્વાદિષ્ટ હતી. એકદમ ચટાકેદાર.”
“રભેશ, શું તમે પણ? એ દવા હતી અને યાદ છે ને બાબા એ શું કહ્યું હતું? કોઈપણ ચટપટું અને મસાલાવાળું બિલકુલ બોલવાનું પણ નહીં અને ખાવાનું પણ નહીં.” રિંકીએ પ્રેમથી રભાના ગાલ પર ચિંટીયો ભરીને કહ્યું.
“સોરી.. સોરી.. તો માસ્તર કેમ પણ હવે આપણાં સિક્કા પડે ને! જે તમારું જીમ, તમારું ઝુંબા ના કરી શક્યું એ મારી રિંકીના બાબા ભંડારીએ એક પડીકીમાં કરી બતાવ્યું.” રભાએ રિંકીનો હાથ પકડીને કહ્યું.

મારે તો શું જવાબ દેવો એ જ વિચારતો રહ્યો. મારી પાછળ પાછળ આખી સોસાયટી આવી અને રભાને બધાએ ખૂબ અભિનંદન આપ્યા.

“ક્યાં છે ઓલો ટીનયો ક્યાં છે?” રભો મારા ભત્રીજાનું પૂછતો હતો. “ક્યાં ટીનયા બોલ ને હવે ગેસનો બાટલો.. બોલ એમ બોલ કે ગેસનો બાટલો ફાટશે.. બોલ હવે એમ બોલ કે ગેસ ભરું છું.. ક્યાં તારી જીભ હવે કેમ સિવાઈ ગઈ બોલ કે ફાંદમાં કૂણું કૂણું લાગે.. હાલ માર હવે ફાંદ પર ઠેકડા..” રભાએ કટાક્ષમાં કહ્યું.

“અને ક્યાં છે મારા બાપા? બઉ બોલતા હતા ને કે હું તો સિન્ટેક્સના ટાંકા જેવો છું. હું હાલું તો આખું ઘર ધ્રૂજે.. બોલો બાપા હવે બોલો..” રભાએ એનાં બાપાને કાનેથી પકડ્યા.

“માસ્તર, તમે ક્યાં ભાગ્યા? તમે તો મને ફાંદાસુર, ફાંદાળો, બકાસુર, ભૂખડો ને કેટ કેટલું કહેતા હતા. હવે કેમ મોઢામાં મગ ભર્યા છે?” રભાએ મારી ભાઈબંધી પર પણ સવાલ કર્યા.

“યાદ રાખી લેજો બધા હવે, હવે હું ફાંદ વગરનો રભો છું. તમારા બધા કરતાં મારુ શરીર હવે તંદુરસ્ત છે. હવે કોઈએ જો મને કે મારી મરી ગયેલી ફાંદ પર કાંઇપણ કહ્યું છે તો ભંડારી બાબા પાસે લઈ જઈને મારા કરતાં ડબલ ફાંદ કરાવી નાખીશ. હાલ રિંકી, હવે મારા પાલકના જ્યુસ પીવાનો સમય થઈ ગયો છે.” રભો સ્ટાઈલ મારતા મારતા રજનીકાંતની જેમ ચશ્મા ચડાવ્યા અને ઉપડ્યો, અમારી સામે જોવામાં આગળ એને ભાન ના રહી અને એક ઠેબું આવ્યું અને એ એક ગુલાટી મારી નીચે પડ્યો.

“માસ્તર.. માસ્તર.. એલા એ માસ્તર..” અચાનક સવારમાં મારા દરવાજા પર ઠક ઠકના અવાજ આવ્યા. દરવાજો ખોલીને જોયું તો રભાના બાપા ઉભા હતા.
“શું થયું કાકા?”
“રભો..”
“શું થયું રભાને?”
“રભો સૂતો હતો તો અચાનક પલંગ પરથી નીચે પડ્યો. તમે જલ્દી ચાલો.”

હું દોડા – દોડ રભાના ઘરે પહોંચ્યો, જોયું તો રભો પલાળેલા પોતાની જેમ જમીન પર પડ્યો હતો. બે – ચાર માણસોને બોલાવીને એને ઊભો કર્યો.

“એલા, આ અચાનક પડી કેમ ગયો?”
“માસ્તર..! બાપા..! ટીનયો..! રિંકી..! સોસાયટી..! આ તમે બધા મારા રૂમમાં! મારી ફાંદ..” રભાએ એની ફાંદ તરફ જોયું. “હે રામ! બઉ કરી આ તો સપનું!” રભાએ ફાંદ પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું.
“શું બોલે છો? શેનું સપનું?” મે પૂછ્યું.
“એ હું નિરાંતે કહીશ, પેલા તમે ચાર જાતના ગાંઠિયા, મેથીના ગોટા, પપૈયાનો સંભારો આટલું મંગાવો. નાસ્તો કરતાં કરતાં આજે તમને હું મારા સપનાંની હકીકત કહું.”

મે માથું ખંજવાળ્યું પણ સવાર સવારમાં આ ફાંદાસુર સાથે ક્યાં ધડ કરવી એમ માની મારા ભત્રીજાને બસોની નોટ આપી નાસ્તો લેવા મોકલ્યો. નાસ્તો કરતાં કરતાં રભાએ સપનાંની વાત કરી, એ વાત પર આટલું હસવું આવ્યું કે ચારે ચાર જાતના ગાંઠિયા હજમ થઈ ગયા.

🖊️Sunil Gohil “માસ્તર”

રભાની ફાંદ – ૧૦

રભાની સગાઈ

“શું વાત છે રભાકાકા! તમને શેરવાની મળી પણ ગઈ એ પણ તમને ફીટ આવે એવી!” મારા ભત્રીજાએ રભાની શેરવાનીનું ફીટીંગ ચેક કરતાં કહ્યું

“વાત ના પૂછ બેટા, સત્તર દુકાને ફર્યા અમે બન્ને ત્યારે આ ફાંદાસૂરનો કાંઇક મેળ આવ્યો.” મે રભાની ફાંદમાં એક ઘુસ્તો મારતા કહ્યું.

“માસ્તર, હળવે.. હળવે કાલ મારી સગાઈ છે. રિંકી આ ફાંદ જોઈને તો મારા પ્રેમમાં પડી છે.” રભાએ ફાંદને પ્રેમથી જોતા જોતા કહ્યું.

“તો ભાઈ હવે આ ફાંદ ઘટાડવાનું કેન્સલ?”

“હા, રિંકી પેલી એવી છોકરી છે જેણે મને હું જેવો છું એવો પસંદ કર્યો છે. એટલે હવે ફાંદ ઘટાડવાનું કેન્સલ અને એ માસ્તર, તમે ગોપાલના વાટકા લાવ્યા કે નહીં?”

“એલા જમવાનો ટાઈમ થયો અત્યારે વાટકા?”

“હા, મારે હમણાં રિંકીનો વિડીયો કોલ આવશે એ સામે એક વાટકો ખાશે અને હું અહિયાથી એક વાટકો ખાઈશ.”

“કાકા, ના લાવતા હો વાટકા. આ ગોપાલવાળા છે ને બંધ કરવા ઉપર આવી ગયા છે. જ્યારથી રિંકીકાકી આમના જીવનમાં આવ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક વાટકા ખાઈ ગયા છે. એ દિવસ દૂર નહીં કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળા આ રભાકાકાનું નામ લખવા આવશે.”

“બટુકયા, પણ આ વાટકાથી તારે એક ફાયદો તો થઈ ગયો ને મારો ગેસનો બાટલો હવે હમેશાં માટે બંધ થઈ ગયો અને તું મને હવે કોઈ દિવસ ગેસનો બાટલો ખિજવી નહીં શકે.”

“હા એ મારા જીવનનું સૌથી મોટું દુખ છે.” મારા ભત્રીજાએ મોઢું બગાડીને કહ્યું.

“રભલા, હવે બાપા તારે શેરવાનીનું પત્યું કે નહીં? હવે તારો મેળ પડ્યો હોય તો મારા આ ધોતિયાનું કાંઇક કર. શું સગાઈમાં પણ તું મને આમ જ નાડા વગરના ધોતિયા સાથે લઈ જઈશ?”

“બાપા, તમે તો મારા જીગર જાન છો. આ લ્યો તમારું નવું નક્કોર ધોતિયું એ પણ નાડા સાથે.” રભાએ ધોતિયાનું બોક્સ આપતા કહ્યું.

“રભા, હવે જો બધી જ તૈયારી થઈ ગઈ છે અને આજે તારે બસ આરામ જ કરવાનો છે કાલે તો જ તારું મોઢું ગ્લો કરશે.” મે રભાને કહ્યું.

“હા.. હા માસ્તર બસ આ સાત આઠ વાટકા ખાવાના બાકી છે એ પતે એટલે આજનું પૂરું. હવે તમે જાવ હમણાં રિંકીનો કોલ આવશે, મને તમારા બધા વચ્ચે શરમ આવે વાત કરતાં.”

અમે બધા રભાને મૂકીને પોત પોતાના ઘરે નીકળી ગયા. બસ મનમાં એક જ ચિંતા હતી કે રભાની સગાઈ નિર્વિઘ્ને પૂરી થઈ જાય. રભાનું જેવું નસીબ છે એ મુજબ જોતા તો એવું જ લાગે છે કે કાલે કાંઇક તો કાંડ થવાના જ. સવાર પડી, અમે બધા જગમગાટ તૈયાર થઈને નીચે રભાની રાહ જોતા હતા.

“જો.. રભાકાકા આવી ગયા.” મારા ભત્રીજાએ ઈશારો કરતાં કહ્યું.

રભો આટલો હેન્ડસમ તો ક્યારેય નહોતો લાગ્યો, રોઝ ગોલ્ડ એની શેરવાની, એમાં ફેશિયલ કરાવીને ધોળો ધોળો ચટ થયેલો રભો, ગળામાં પાંચ તોલાનો સોનાનો ચેન, હાથમાં ગોલ્ડની ઘડિયાળ, નજીક આવ્યો એટલે આખી સોસાયટીને ખબર પડી કે મયુર રાડોનો પરફ્યુમ છાંટેલો.

“વાહ રભાં આજે તો બાકી તું જ દેખા છો, પહેલીવાર એવું થયું કે તારી ફાંદ પર નહીં તારા પર નજર ગઈ. બાકી તારી ફાંદ જ બધુ ધ્યાન દોરી જાય.” મે રભાને ગળે લગાડતા કહ્યું.

“માસ્તર, આજના દિવસે તો મારી ફાંદ મારી લાજ રાખે ને પણ ગમે તે કહો આજે આ શેરવાનીમાં મારી ફાંદ પણ ચમકે છે.”

“રભલા, અહિયાં આવ.” રભાના બાપાએ રભાના દુખણાં લીધા આજે એ પણ એનો લેંઘો પકડ્યા વગર હાજર હતા.

બધા ગાડીમાં બેસી હૉલ પર પહોંચી ગયા. પહોંચતા જ અમારા બધાનું ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગત પણ રભા અને રિંકીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું હતું. અંદર જતા વેલકમ ડ્રિંક હોય પણ અહિયાં તો વેલકમ વાટકા હતા કારણ કે રિંકીને રભા કરતાં વાટકા વધુ વ્હાલા હતા. રભાને એક રાજાશાહી ખુરસી પર બેસાડી દીધો.
થોડીવારમાં રિંકી દાદરો ઉતરતા નીચે આવી, રિંકી હતી તો મકોડી પહેલવાન પણ કદાચ રભાના પ્રેમના કારણે આજે એ પણ સુંવાળી સુકન્યા લાગતી હતી. એની પણ રોઝ ગોલ્ડ રભા સાથે મેચિંગ ચણિયા ચોળી. એ રભાથી એક કદમ આગળ નીકળી આણે ફેશિયલ સાથે બ્લીચ પણ કરાવેલું, હાથમાં રભાના નામની મહેંદી. મહેંદીમાં રભાની ફાંદ રભા પહેલા દેખાતી હતી, અને રિંકી બિલકુલ દેખાતી ના હતી. રિંકીએ એના વજન કરતાં વધુ વજન વાળો જુડો માથા પર લીધો હતો. રભો તો એને એક જ નજરે જોઈ રહ્યો. મારે રભાનું મોઢું બંધ કરવું પડ્યું.

“માસ્તર, જોયું ને મારી સપનાંની રાણી?”
“હા ભાઈ જેવો રાજા એવી એની રાણી.”

સગાઈમાં બધુ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પણ મને એક વાત અજીબ લાગી કે કોરોનાને કારણે માણસોની મર્યાદા પંચાસ હતી પણ અહિયાં તો માણસો મને સો ઉપર લાગતાં હતા.

“રભા, પોલીસની પરમીશન તો આ લોકોએ લીધી હશે ને? આ પંચાસ માણસો કરતાં વધુ લાગે છે.” મે ચિંતામાં કહ્યું.

“માસ્તર, મારા સસરા બઉ ઊચી નોટ છે એને પરમીશનની શું જરૂર? તમે ચિંતા ના કરો ને બસ પ્રસંગની મોજ માણો.”

સગાઈમાં ગોળ ખાવાની અને ચુંદડી ઓઢાડવાની વિધી સરસ રીતે પૂરી થઈ ગઈ. બન્નેએ મળીને બઉ બધા ફોટા પણ પડાવી લીધા એ ફોટા એવા એવા પોઝ આપીને પડાવ્યા છે, મે પહેલીવાર એક કેમેરામેનને એના ટેલેન્ટ પર શંકા કરતાં જોયો. ફોટા પાડવા પણ કેમ? આ રભો એક ફ્રેમમાં આવવો જોઈએ ને! એક ફ્રેમમાં તો એની ફાંદ માંડ માંડ આવે, અને બીજી બાજુ રિંકી એને ફ્રેમમાં લઈએ તો પણ એ છે કે નહીં એ જ ખબર ના પડે. ગમે તેમ કરી ફોટા પડ્યા અને પછી રિંગ સેરેમનીનો સમય થયો.

બન્નેએ એકબીજાને રિંગ પહેરાવી અને હવે વારો હતો કેક કાપવાનો. આવી કેક બધાએ પહેલીવાર જોઈ હશે. કેક સામાન્ય રીતે ગોળ હોય, હાર્ટ શેપની હોય, ચોરસ હોય પણ આ કેક ગોપાલના વાટકા આકારની. કોઈને વાટકાનું આટલું ગાંડપણ હશે એ સમજ બહારનું છે. રભાએ અને રિંકીએ એ વિચિત્ર કેક કાપી અને જેવું પેલું બટકું એકબીજાને ખવડાવાના હતા કે ખાતું આવ્યું.

“કોણ છે અહિયાં મુખ્ય? શું ખબર નથી કે કોરોનામાં આટલા બધા માણસોએ ભેગા નથી થવાનું?” એક અધિકારીએ ડંડો પછાડીને કહ્યું.
થયું થયું જે ડર હતો એ જ થયું, રભાનું કોઈ કામ વિઘ્ન વગર તો થવાનું જ ના હતું. બધાએ મળીને ખાતાને ખૂબ સમજાવાની કોશિશ કરી, મે પણ ઘણી આજીજી કરી પણ ખાતું એકનું બે ના થયું. એમણે તો નક્કી જ કર્યું કે રભાને ડિવિઝને લઈ જ જવો પડશે.

“સાહેબ, બે હાથ જોડું છું ભૂલ થઈ ગઈ. જરા મારી સામે તો જોવો તમને લાગે છે કે મારા જેવાની સગાઈ આસાનીથી થઈ? માંડ કરીને આ રિંકી મળી છે, જો તમે મને ડિવિઝને લઈ જશો તો ચોપડે નામ ચડશે. કદાચ આ લોકો સંબંધ તોડી નાખે. મારી ફાંદના સમ ખાઈને કહું છું નાદાનીમાં ભૂલ થઈ છે છેલ્લીવાર જવા દો, હવેથી આવું નહીં કરીએ.” રભાએ સાઇડમાં લઈ જઈને અધિકારીને સમજાવ્યા.

“ઠીક છે, તમારી હાલત જોઈને જવા દઉં છું.”
“સાહેબ, હવે સો ઉપર છે જ ને તમે બીજા ચાર મળીને આવ્યા છો તો જમીને જ જાવ ને એમ પણ રસોઈની ૫૦૦ વાળી થાળી છે. તમારો ધક્કો એળે ના જાય, જમવાનો સમય થઈ જ ગયો છે. અમસ્તા ખાતું છે તો ખાવાની ટેવ તો છે જ ને તો ખાતા જાવ ને.” રભાની જીભ કાબુમાં રહી નહીં ને ના બોલવાનું બોલી દીધું.

એ ૫૦૦ વાળી થાળી રભાને ૫૦૦૦ માં પડી, હમણાં જ રભાને છોડાવીને આવ્યો છું.
“માસ્તર, મારી કુંડળીમાં કાંઇક તો ડખ્ખા છે જ બાકી આજ સુધી જોયું કે જેની સગાઈ હોય એણે અર્ધી સગાઈએ ખાતું આવે ને ઉપાડી જાય.”

“હશે.. હશે હાલ્યા કરે રભા, ભૂખ્યો થયો હઈશ. વાટકા ખાવા છે?”
“એ રિંકીને એના બાપાને ખવડાવો મારે હવે ભરપેટ જમવું છે, તમે એ ૫૦૦ વાળી થાળી ઓર્ડર કરો મારા માટે.”

રભાએ એની સગાઈના દિવસે મફતમાં મળતી ૫૦૦ની થાળી પૂરા ૫૦૦ રૂપિયા ચૂકવીને ખાધી.

🖊️Sunil Gohil “માસ્તર”

અધૂરો પ્રેમ – ૬

આપણે ભાગ પાંચમાં જોયું કે તારા કમલેશના કહેવાથી ઓફિસમાં મોડે સુધી બેસવાની છે. સિધ્ધાર્થ તારાને બસમાં ન જોતા બસમાંથી ઉતરી જાય છે અને તારા સલામતીપૂર્વક ઘરે પહોંચી જાય એની ખાતરી કરીને જ પોતે ઘરે જશે એવું વિચારતો, મુખ્ય દરવાજાથી ઓફિસ બિલ્ડીંગ તરફ આવવા નીકળે છે .

હવે આગળ………………….

કમલેશ ઇન્ટરનલ ઓડિટ હેડ હતો અને એ ઘણા સમયથી કંપનીમાં હતો. એની આવી એક ત્રણ ચાર જણાની ટુકડી હતી કંપનીમાં, જે સુંદર અને સ્માર્ટ છોકરીઓને પોતાની મિલકત સમજતી હતી. વખત આવે કંઈક અડપલાં કરી પોતાનો પુરુષ ઈગો સિદ્ધ કરવા પ્રયત્ન કરતી. કમલેશ જ્યારથી તારાની એના કામ માટે પ્રશંસા થઇ હતી ત્યારથી ઈર્ષાથી બળતો હતો અને આજે એ તારા સાથે બદલો લેવા માંગતો હતો. એની સાથે એવું કંઈક કરવાની એની દાનત હતી જેથી એ જયારે ઈચ્છે ત્યારે એને પોતાના કાબુમાં કરી શકે અને એટલેજ એને આ પ્લાન બનાવ્યો હતો. સ્ત્રીને ઉપભોગના સાધન તરીકે જોવાની માનસીકતાથી પીડાતો પુરુષ કમલેશ આજે લઘુતાગ્રથીથી ઘેરાયો હતો. એ સારા નરસાનો ભેદ ભૂલી ગયો હતો .

કમલેશે ઇન્ટરનર ઓડિટને લગતા એવા મુદ્દા ખોલ્યા જેનું આટલા વખતથી કંઈજ થયું ન હતું. કહો ને કે કરવામાં જ નહોતું આવ્યું. એને તારાને મુશ્કેલીમાં મુકવા માટે આ બધી વસ્તુની ચર્ચા કરી જેથી તારાને ના છૂટકે કમલેશ કહે એમ કરવું પડે. પાંચ એક મિનિટ આ નાટક કરીને એને તારાને કહ્યું કે જો તારા ઈચ્છે તો કમલેશ એના માટે આ બધું ઉકેલી શકે છે પણ એના માટે તારાએ પણ કમલેશ માટે કંઈક કરવું પડે .

કમલેશ હોદ્દા અને ઉંમર, બંનેમાં તારાથી ઘણો મોટો હતો એટલે તારાએ જરા વિવેકથી પૂછ્યું કે સર હું સમજી ના શકી. કમલેશ તારાની નજીક આવી નફ્ફટાઈથી બોલ્યો ” Give and take “. તારા કમલેશની લોલુપ નજરનો ઈશારો સમજી ગઈ. તારા એક મિનિટ માટે તો ડરી ગઈ. એના હાથ પગ ઠંડા પડી ગયા.

અંદરથી ડરી અને સહેમી ગયેલી તારા એક ચંડીનું સ્વરુપ લઇ લે છે. એ નક્કી કરી લે છે મારે મારી રક્ષા જાતે કરવાની છે. પોતાની વ્યવસાયિક જિંદગીને લઈને સ્પષ્ટ એવી તારા આવા “give and take” માં માનતી ન હતી . એ કમલેશને એક તમાચો મારી દે છે.

કમલેશ તારાને ઓળખી નહોતો શક્યો એને એમકે તારા એના પદના ઠસ્સા નીચે ઝૂકી જશે. પોતાના અહં અને અસ્વીકારથી છંછેડાયેલો કમલેશ ભાન ભૂલી ગયો અને તારા સાથે જબરજસ્તી કરવા લાગ્યો. એને તારાના કપડાં ફાડવા માટે તરાપ મારી, તારા ખસી ગઈ અને એક્ઝીટ તરફ ભાગવા લાગી. પાછળ જોઈને ભાગતી તારા એકદમ અથડાઈ, એને જોયું કે, એ સિધ્ધાર્થના આલિંગનમાં છે. ભલે પોતે હિમ્મત કરી હતી પણ અંદરથી તો ખુબ જ ડરી ગયેલી. એ એકદમ જોરથી સિધ્ધાર્થને વળગી પડી અને રડવા લાગી. પાછળ કમલેશને આવતો જોઈ સિધ્ધાર્થ એના અનુભવથી આખી પરિસ્થિતિ વિશે સમજી ગયો.

એક મિનિટ માટે એ ડરી જાય છે. પણ બીજી જ પળે એ પરિસ્થિતિને સાંભળી લે છે. એ કલ્પના પણ નથી કરી શકતો કે જો એ પોતાના ઇન્સ્ટિકને અનુસરીને બસમાંથી ઉતરી ના ગયો હોત તો અહીંયા કેવી દુર્ઘટના ઘટી જાત! જો તારા સાથે કઈ ખરાબ થઇ જાત, તો એ પોતાની જાતને માફ ના કરી શકત. સિધ્ધાર્થ મનો-મન પોતાના દેવનો આભાર માને છે. એનું મગજ હવે બે બાબતો પર એક સાથે કાર્યશીલ થઇ જાય છે. એને ખબર છે કે એને ડરી ગયેલી તારાને પણ સંભાળવાની છે અને કમલેશની સાથે પણ ટેકલ કરવાનું છે .

કમલેશ, સિધ્ધાર્થને જોઈને બે મિનિટ માટે ગભરાઈ જાય છે પણ તરત જ પોતાનો બચાવ કરતા કહે છે કે ” આ સ્ત્રીની જાત …………….હજી આગળ કઈ બોલે એ પહેલા સિધ્ધાર્થ પોતાનો હાથ ઊંચો કરીને એને રોકવાનો ઈશારો કરતો, લગભગ ત્રાડ પાડતો હોય એમ ” ચૂપ “રહેવાનું કહે છે. કમલેશ ત્યાંથી જતા રહેવાનું પસંદ કરે છે. કમલેશ તારા વિરુદ્ધ ખરાબ બોલવા જતો હતો પણ સિધ્ધાર્થ એને એમ કરવા નથી દેતો.

તારા પાંચ એક મિનિટ સુધી આમ જ સિધ્ધાર્થના આલિંગનમાં રડતી રહે છે. પછી કળ વળતા એ સિધ્ધાર્થના આલિંગનમાંથી નીકળે છે. બંનેની આંખો મળે છે. તારા સિધ્ધાર્થની આંખોમાં પોતાના માટે ખૂબજ પ્રેમ, અધિકાર અને ચિંતા જુવે છે. એ બોલવા જાય છે કે, સિધ્ધાર્થ એના હોઠ પર આંગળી મૂકી, એનો હાથ પકડીને રિસેપ્શન તરફ લઇ જાય છે. એક નાની બાળકીની જેમ તારા એની સાથે દોરાય છે. એને રિસેપ્શન એરિયામાં બેસાડી સિધ્ધાર્થ એને પાણી પીવડાવે છે. પાણી પીને તારા પાસેથી ગ્લાસ પાછો લેતા ફરી બંનેની નજર મળે છે ત્યારે સિધ્ધાર્થ, તારાને કહે છે કે, તું રડે ત્યારે બિલકુલ સારી નથી લાગતી. જો તારી આંખોની આસપાસ કાજળના કુંડાળા થઇ ગયા. તારા રડતા રડતા પણ હસી પડી. સિધ્ધાર્થ ફરીથી તારાને કહે છે કે એ આમ જ હસતી રહે! પ્રિયતમને હંમેશા હસતું જોવું એ દરેક પ્રેમીની ઈચ્છા હોય છે અને સિધ્ધાર્થ પણ એમાંથી બાકાત નથી .

સિધ્ધાર્થ તારાને કહે છે કે હવે એ લોકો તારાની જગ્યાએ જશે અને એનો સામાન લેશે. સિધ્ધાર્થ તારાના મગજમાંથી ડર દૂર કરવા માંગતો હતો. તારા ઉભી થાય છે પણ પછી ખચકાય છે, સિધ્ધાર્થ એનો હાથ પકડીને કહે છે ” હું છું ને તને કઈ નહિ થવા દઉં ” અને તારાને દોરીને લઇ જાય છે. તારા આજ્ઞાંકિત બાળકીની જેમ એની પાછળ દોરાય છે. એને સિધ્ધાર્થ પર વિશ્વાશ છે. એને ખબર છે કે સિધ્ધાર્થ એની જોડે કંઈ જ ખરાબ નહી થવા દે.

કહેવાય છે, ને દરેક વસ્તુનો એક સમય હોય છે અને આ સમય તારા અને સિધ્ધાર્થનો હતો. શું આજ એ પળ છે ,જે એમની હતી? શું હવે બંને પોતાની અંદર ધૂઘવતા પ્રેમના સાગરને રોકી શકશે? શું આજે સિધ્ધાર્થ અને તારા બંને સ્વીકારી લેશે કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે ?

વાંચો આવતા અંકમાં…..

🖊️Aanal Goswami Varma