section and everything up till
*/ ?> ગુજરાતી ગદ્ય Archives - Shabdoni Sangathe

રભાની ફાંદ – ૧૧

રભા સાથે ચમત્કાર

“જલ્દી બહાર આવો બધા.. જલ્દી બહાર આવો..” મારા ભત્રીજાએ બૂમો પાડી આખી સોસાયટી ભેગી કરી.
“એલા પણ મને તો કહે કે શું થયું?” હું મારા ચશ્મા સાફ કરતો કરતો બહાર દોડી આવ્યો.
“શું થયું? શું સવારમાં બૂમાબૂમ પાડે છો?” રભાના બાપા નાડાવાળો લેંઘો પહેરી બહાર આવ્યા.
“ચમત્કાર થઈ ગયો ચમત્કાર..”
“હવે તું જલ્દી બોલ અહિયાં બધા બાથરુંમ અધૂરું છોડીને આવ્યા છે.” રભાના બાપા લેંઘો ચડાવીને બોલ્યા.
“તમે લોકોએ સવારથી રભાકાકાને જોયા છે?”

બધાએ ના પાડી. હું પણ વિચારમાં પડી ગયો કે રોજ સવારે અલાર્મ પહેલા રભો મને જગાડે પણ આજે તો એ આવ્યો જ નથી. આજે તો એનો મનપસંદ નાસ્તો હતો. ચાર જાતના ગાંઠિયા, મેથીના ગોટા, પપૈયાંનો સંભારો. આમ તો લોકો નાકથી સૂંઘી લે પણ અમારે રભાની ફાંદ બધુ સૂંઘી લે. આજે શું ફાંદ બીમાર પડી છે કે શું?

“હું સવારે પાણી ભરવા જાગ્યો ત્યારે રભો રૂમમાં હતો નહીં.” રભાના બાપા બોલ્યા.
“હા, મને પણ કાંઇ કીધું નથી.” મે પણ આશ્ચર્યમાં કહ્યું.
“એજ કહું છું કે ચમત્કાર થયો છે અને મારુ તો હમેશાનું મનોરંજન બંધ થઈ ગયું.” મારો ભત્રીજો ઉદાસ થઈને બોલ્યો.
“હવે ગોળ ગોળ જલેબીની જેમ વાત ના ફેરવ અને સીધી વાત કર.” મને પણ રભાની જેમ વાત વાતમાં ખાવાની વસ્તુ બોલવાની આદત પડી ગઈ, સંગ એવો રંગ, સારું છે સંગ એવો ઢંગ નથી આવ્યો બાકી હું પણ ફાંદમાં કેવો લાગેત?

“કાકા, આ જુઓ સામે આપણાં રભા કાકા.” મારા ભત્રીજાએ સોસાયટીના બગીચા તરફ ઈશારો કરતાં કહ્યું.

અમે બધાએ એ તરફ જોયું તો રભો બગીચામાં રહેલા બાળકોના હિચકા ખાતો હતો અને રિંકી એને હિચકા નાખતી હતી. મારી તો આંખો પહોળી થઈ ગઈ કે આ શું? હા, એ તો સાંભળ્યું છે કે વાંઢાનું અચાનક નક્કી થઈ જાય તો એ ફુલાઈ જાય પણ આ ફાંદાસુર એની પત્નિ મકોડી પહેલવાન રિંકીની જેમ આટલો પતલો કેવી રીતે થઈ શકે? હું બધા પહેલા દોડી એની પાસે ગયો.

“આવો.. આવો માસ્તર, કયું હિલા ડાલાના?” રભો રજનીકાંતની જેમ ડાઈલોગ બોલ્યો.
“એલા, એ રજનીકાંત છે ગમે તે કરી શકે પણ તું ફાંદાકાંત હતો એમાંથી આ સુંવાળી સુકન્યાની પાતળી કમર જેવો કેવી રીતે થઈ ગયો?”
“આ બધુ મારી રિંકીનો કમાલ છે.”
“ભાઈ, ફાફડામાં રહેલા મરીની જેમ ટૂંકમાં નહીં ફાફડામાં રહેલા ચણાના લોટની જેમ વિગતે વાત કર.”
“માસ્તર, એ બધુ હવે ભૂલી જાવ. રભો હવે કાકડી, ગાજર, બીટ, કોબીજ, પાલક આવું બધુ જ ખાશે અને હા ચિટ મીલમાં મારી રિંકીના ફેવરિટ ગોપાલના વાટકા.” રભાએ ઘમંડથી કહ્યું.

મને તો આ બધા શાકભાજીના નામ રભાના મોઢે સાંભળીને ચક્કર આવી ગયા. લીલા શાકભાજી એ પણ કાચા અને એ પણ રભાના મોઢે નક્કી આ કલિયુગનો અંત થઈ ગયો છે અને સતયુગ આવી ગયો લાગે.

“માસ્તર, ક્યાં ખોવાઈ ગયા?”
“ભાઈ, આ તારી ફાંદ વગર તું અપંગ લાગે છો. તારી ફાંદ તારી ઓળખ હતી. તે કેમ આવું કર્યું તારી ફાંદ સાથે?”
“માસ્તર, બધુ મારી રિંકીના પ્રેમના કારણે થયું છે.” એ હિચકાંમા ઝૂલતાં ઝૂલતાં બોલ્યો.
“તું આ ઝૂલવાનું બંધ કર અને મને કહે આ બધુ થયું કેવી રીતે અને એ પણ એક રાતમાં?”
“રિંકી, તું જ કહી દે માસ્તરને.”
“ફાંદ પર એને બઉ ખિજવે બધા એમ કરી રભેશ ગઈકાલે રાત્રે મારી પાસે બઉ રડ્યા મારાથી એ સહન ના થયું. મે એમને સવારે ૫ વાગે ફોન કરી જગાડ્યા, અને ભંડારી બાબા પાસે લઈ ગઈ. એમણે એક પડીકી આપી એ રભેશ નયણાં કોઠે પી ગયા પછી કાંઇ જ નાસ્તો નથી કર્યો. પડીકી ખાધી એના અર્ધી કલાક રહીને એમને લેટ્રીન લાગી, એ ત્યાં બાબાના ટોઇલેટમા ગયા. વીસ – પચ્ચીસ મિનિટે બહાર આવ્યા અને જેમ તમારી આંખો અત્યારે આમ પહોળી છે એમ જ મારી આંખો ત્યારે આમ પહોળીને પહોળી રહી ગઈ હતી. ભંડારી બાબા પથરી અને ચરબી કાઢવામાં નિષ્ણાંત છે. જય હો ભંડારી બાબાની.” રિંકીએ જયઘોષ કર્યો સાથે રભો પણ જોડાયો.

“આ તો અશક્ય વાત છે. મોટા મોટા ડૉક્ટર પણ ચરબી ઘટાડવાની દવા આપે કાં તો ઓપરેશનનું કહે અને આ તમારો બાબો પડીકી આપીને ચરબી કાઢે!”
“હા, માસ્તર સાવ સાચું છે એ પડીકી પણ બઉ જ સ્વાદિષ્ટ હતી. એકદમ ચટાકેદાર.”
“રભેશ, શું તમે પણ? એ દવા હતી અને યાદ છે ને બાબા એ શું કહ્યું હતું? કોઈપણ ચટપટું અને મસાલાવાળું બિલકુલ બોલવાનું પણ નહીં અને ખાવાનું પણ નહીં.” રિંકીએ પ્રેમથી રભાના ગાલ પર ચિંટીયો ભરીને કહ્યું.
“સોરી.. સોરી.. તો માસ્તર કેમ પણ હવે આપણાં સિક્કા પડે ને! જે તમારું જીમ, તમારું ઝુંબા ના કરી શક્યું એ મારી રિંકીના બાબા ભંડારીએ એક પડીકીમાં કરી બતાવ્યું.” રભાએ રિંકીનો હાથ પકડીને કહ્યું.

મારે તો શું જવાબ દેવો એ જ વિચારતો રહ્યો. મારી પાછળ પાછળ આખી સોસાયટી આવી અને રભાને બધાએ ખૂબ અભિનંદન આપ્યા.

“ક્યાં છે ઓલો ટીનયો ક્યાં છે?” રભો મારા ભત્રીજાનું પૂછતો હતો. “ક્યાં ટીનયા બોલ ને હવે ગેસનો બાટલો.. બોલ એમ બોલ કે ગેસનો બાટલો ફાટશે.. બોલ હવે એમ બોલ કે ગેસ ભરું છું.. ક્યાં તારી જીભ હવે કેમ સિવાઈ ગઈ બોલ કે ફાંદમાં કૂણું કૂણું લાગે.. હાલ માર હવે ફાંદ પર ઠેકડા..” રભાએ કટાક્ષમાં કહ્યું.

“અને ક્યાં છે મારા બાપા? બઉ બોલતા હતા ને કે હું તો સિન્ટેક્સના ટાંકા જેવો છું. હું હાલું તો આખું ઘર ધ્રૂજે.. બોલો બાપા હવે બોલો..” રભાએ એનાં બાપાને કાનેથી પકડ્યા.

“માસ્તર, તમે ક્યાં ભાગ્યા? તમે તો મને ફાંદાસુર, ફાંદાળો, બકાસુર, ભૂખડો ને કેટ કેટલું કહેતા હતા. હવે કેમ મોઢામાં મગ ભર્યા છે?” રભાએ મારી ભાઈબંધી પર પણ સવાલ કર્યા.

“યાદ રાખી લેજો બધા હવે, હવે હું ફાંદ વગરનો રભો છું. તમારા બધા કરતાં મારુ શરીર હવે તંદુરસ્ત છે. હવે કોઈએ જો મને કે મારી મરી ગયેલી ફાંદ પર કાંઇપણ કહ્યું છે તો ભંડારી બાબા પાસે લઈ જઈને મારા કરતાં ડબલ ફાંદ કરાવી નાખીશ. હાલ રિંકી, હવે મારા પાલકના જ્યુસ પીવાનો સમય થઈ ગયો છે.” રભો સ્ટાઈલ મારતા મારતા રજનીકાંતની જેમ ચશ્મા ચડાવ્યા અને ઉપડ્યો, અમારી સામે જોવામાં આગળ એને ભાન ના રહી અને એક ઠેબું આવ્યું અને એ એક ગુલાટી મારી નીચે પડ્યો.

“માસ્તર.. માસ્તર.. એલા એ માસ્તર..” અચાનક સવારમાં મારા દરવાજા પર ઠક ઠકના અવાજ આવ્યા. દરવાજો ખોલીને જોયું તો રભાના બાપા ઉભા હતા.
“શું થયું કાકા?”
“રભો..”
“શું થયું રભાને?”
“રભો સૂતો હતો તો અચાનક પલંગ પરથી નીચે પડ્યો. તમે જલ્દી ચાલો.”

હું દોડા – દોડ રભાના ઘરે પહોંચ્યો, જોયું તો રભો પલાળેલા પોતાની જેમ જમીન પર પડ્યો હતો. બે – ચાર માણસોને બોલાવીને એને ઊભો કર્યો.

“એલા, આ અચાનક પડી કેમ ગયો?”
“માસ્તર..! બાપા..! ટીનયો..! રિંકી..! સોસાયટી..! આ તમે બધા મારા રૂમમાં! મારી ફાંદ..” રભાએ એની ફાંદ તરફ જોયું. “હે રામ! બઉ કરી આ તો સપનું!” રભાએ ફાંદ પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું.
“શું બોલે છો? શેનું સપનું?” મે પૂછ્યું.
“એ હું નિરાંતે કહીશ, પેલા તમે ચાર જાતના ગાંઠિયા, મેથીના ગોટા, પપૈયાનો સંભારો આટલું મંગાવો. નાસ્તો કરતાં કરતાં આજે તમને હું મારા સપનાંની હકીકત કહું.”

મે માથું ખંજવાળ્યું પણ સવાર સવારમાં આ ફાંદાસુર સાથે ક્યાં ધડ કરવી એમ માની મારા ભત્રીજાને બસોની નોટ આપી નાસ્તો લેવા મોકલ્યો. નાસ્તો કરતાં કરતાં રભાએ સપનાંની વાત કરી, એ વાત પર આટલું હસવું આવ્યું કે ચારે ચાર જાતના ગાંઠિયા હજમ થઈ ગયા.

🖊️Sunil Gohil “માસ્તર”

શ્રેષ્ઠ બનવું કે ઉત્તમ?

શ્રેષ્ઠ અને ઉત્તમ વચ્ચેનાં તફાવતની ક્ષિતજ જેને દેખાઈ જાય તે વ્યક્તિને પોતાનું જીવન એક સુંદર રીતે જીવવાની રીત મળી જાય. શ્રેષ્ઠ બનવું એટલે અન્ય લોકોથી વધુ સમૃદ્ધ બનવું. કોઈ હરીફાઈ હોય તો તેમાં પોતાના પ્રતિસ્પર્ધી વ્યક્તિઓથી ફક્ત આગળ નીકળવા માટે જ પ્રયાસ કરવા. નહીં કે પોતાની આવડતને ઉજ્જવળ બનાવવના પ્રયત્નો કરવા. શ્રેષ્ઠતા એટલે સરખામણી. શ્રેષ્ઠ બનવાની હોડમાં વ્યક્તિ કેટલું શીખ્યો, શું શીખ્યો? તે મહત્વનું નથી પણ અન્ય લોકોથી કેટલું વધારે પ્રાપ્ત કર્યું એ અગત્યનું બની જતું હોય છે. ટૂંકમાં પોતાની આવડતને અન્યોની આવડત કરતાં વધુ સારી સાબિત કરવાના પ્રયાસો એટલે શ્રેષ્ઠતા. એમાં ભલે પોતાને કંઈ શીખવા મળે કે ન મળે. શ્રેષ્ઠ બનવાની ઈચ્છા જ્ઞાનપ્રાપ્તિને પણ સ્પર્ધા બનાવી દે છે.

પણ જે વ્યક્તિ શ્રેષ્ઠ બનવાની ભાગદોડને છોડીને ઉત્તમ બનવાનાં પ્રયાસ કરે તો પોતાના જીવનમાં જે ઈચ્છે તે પામી લે છે. કેમ કે ઉત્તમ બનવું એટલે અન્યો સાથેની હરીફાઈના વમળમાંથી બહાર નીકળીને પરિપૂર્ણતાનાં સળંગ રસ્તે ચાલવુ. ઉત્તમ બનવાનાં માર્ગ પર હરીફાઈ તો હોય જ છે પણ એ હરીફાઈ અન્ય લોકો સાથે નઈ પરંતુ પોતાની જાત સાથે. ભૂતકાળમાં જે-જે ભૂલ થઈ હોય તે ભૂલોને સુધારવી, પશ્ચાતાપની અગ્નિમાં તપીને પોતાની જાતને વધુને વધુ ઘસીને તેજસ્વી બનાવવી અને સરખામણી કરવાની ભાવનાને છોડીને ફક્ત ઉત્તમ બનવાનાં પ્રયત્નો કરનાર વ્યક્તિ જ પોતાની ઈચ્છા મુજબનું જીવન જીવી શકે છે. બાકી શ્રેષ્ઠતાની ઈચ્છા ધરાવનાર તો ફક્ત સ્પર્ધા માટે જ જીવી જાણે છે.

નાનપણમાં કાચબા અને સસલાવાળી વાર્તા તો બધા એ સાંભળી જ હશે. એમાં સસલાને પોતાની ઝડપનો અહંકાર હતો. અને કાચબાને પોતાની જાત પર આત્મવિશ્વાસ. એટલે જ કાચબાની ધીમી ગતિને સામાન્ય બાબત ગણીને સસલું સૂઈ રહ્યું અને કાચબો દોડ જીતી ગયો. આ વાર્તાના સંદર્ભથી જ શ્રેષ્ઠ અને ઉત્તમ વચ્ચેનો તફાવત સરળતાથી સમજી શકાય. સસલું પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવામાં રહ્યું, જ્યારે કાચબો ફક્ત પોતાના સ્વાભિમાન માટે અને પોતાની ક્ષમતાને વધુ નિખારવા માટે જ હરીફાઈમાં દોડી રહ્યો હતો. કાચબો જીત્યો કારણ કે તે ઉત્તમ બનવાનાં માર્ગ પર ચાલ્યો. અન્યને પરાજિત કરવાની ઈચ્છાથી નઈ પણ પોતાના સંતોષ માટે હરીફાઈમાં પોતાનું યોગદાન આપ્યું હતું. જ્યારે સસલાને એમ જ હતું કે હું તો શ્રેષ્ઠ જ છું મને કોણ પરાજિત કરવાનું?.

પોતાની શ્રેષ્ઠતા સાબિત કરનારાઓને કાયમ માટે અસંતોષ જ રહે છે. કેમ કે તેઓ અન્યો સાથે હરીફાઈ કરે છે. અને બીજા સાથેની હરીફાઈનો કદીય અંત આવતો નથી. ગઈકાલે જે શ્રેષ્ઠ સ્થાન પર હતું તો આજે એનું સ્થાન કોઈ બીજું લઈ લેશે અને આવતીકાલે કોઈ ત્રીજું. સત્તા પામવાની લાલસામાં અમુક વાર ખુદને જ ખોઈ બેસાય છે. અન્યો કરતા વધુ શ્રેષ્ઠ બનવા જઈએ તો અંતે પોતે જ ક્યાંક અંટવાઈ ગયા હોય એવું પણ બને. ઉત્તમતાની અભિલાષા આનાથી તદ્દન વિપરીત છે. વ્યક્તિ પોતાના સાથે જ હરીફાઈ કરે છે અને પોતે જ જીતે છે. દરેક વાર જીતે છે. કદીય હારતો નથી. કારણ કે ઉત્તમ વ્યક્તિ પોતાના સિવાય અન્ય કોઈને પણ પ્રતિસ્પર્ધી માનતો નથી. પોતાના સાથે જ હરીફાઈ કરીએ તો ભૂતકાળમાં જે હતું એનાં કરતાં વધુ ધારદાર વ્યક્તિત્વ દિવસે ને દિવસે બનતું જાય છે.

શ્રેષ્ઠ વ્યક્તિ “સ્વાર્થી” બનતો જાય છે અને ઉત્તમ વ્યક્તિ “પરમાર્થી” બનતો જાય છે. તમે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લો અને તમારાં મનમાં એવું થાય કે, “ફલાણા ભાઈએ/બેને સ્પર્ધામાં ભાગ ન લીધો હોત તો હું ચોક્કસ જીતી જાત.”તો સમજવું કે તમે શ્રેષ્ઠતાનાં વર્તુળમાં ઘેરાયેલા છો. બીજાની ઉત્તમ અભિવ્યક્તિથી તમને ઈર્ષ્યા થાય છે. અને આ વલણ તદ્દન ખોટુ છે. તેનાથી ફક્ત ઈર્ષ્યા અને સ્વાર્થની પ્રગતિ થશે તમારા વ્યક્તિત્વની નહીં. અને જો તમને આ વખતે મનમાં એવું થાય કે, “જે-તે સ્પર્ધાથી મને ઘણું બધું જાણવા મળશે અને ભૂતકાળમાં મારામાં જે ખોટ હતી તે હવે પૂરી થશે.” તો સમજવું કે તમે એક ઉત્તમ વ્યક્તિ છો. ઉત્તમ વ્યક્તિ પરિપૂર્ણતા પામવાના માર્ગ પર આપોઆપ ચાલવા લાગે છે. અને એનું વ્યક્તિત્વ નિર્મળ અને નિઃસ્વાર્થી બનતું જાય છે.

શ્રેષ્ઠતાનાં માર્ગ પર ક્યારેય સફળતા મળતી નથી અને જો મળે તો પણ એ ક્ષણિક જ હોય છે. વ્યક્તિનો અસંતોષ કાયમ માટેની સફળતા છીનવી લે છે. જ્યારે ઉત્તમતાનાં માર્ગ પર ચાલનાર વ્યક્તિને સફળતા પાછળ દોડવાની જરૂર જ નથી. એની પાસે સફળતા સામેથી જ આવીને દ્વાર ખખડાવે છે. આજના આધુનિક યુગમાં પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિ એટલી બધી ચરમસીમાએ પહોંચી ગઈ છે કે મનુષ્યનાં જીવનમાંથી ‘સંતોષ’ શબ્દ
નામશેષ થઈ ગયો છે. અસંતોષના બીજ માંથી જ દુઃખ, ચિંતા અને તણાવ જન્મે છે. ભારતમાં ૪૩% ભારતીયો હાલ તણાવમાં પોતાનું જીવન “કાપે” છે. આનું કારણ શ્રેષ્ઠ બનવાની તીવ્ર અભિલાષા છે.

મનુષ્ય લક્ષ્ય મેળવવા માટે એટલો બધો આંધળો બની જાય છે કે એ સફરનો આનંદ જ ચૂકી જાય છે. ઝડપથી લક્ષ્ય મેળવવાની લાલસામાં એ ઝડપથી દોડે છે અને એ યાત્રાની મજા ચૂકી જાય છે.
કાચબાની જેમ ધીમે ધીમે ચાલીએ તો પણ લક્ષ્ય તો મળે જ છે. સાથે સાથે એ સફરનો ઉલ્લાસ માણવા પણ મળે છે. આ વિષય અંગે હૃદયમાં બે પંક્તિઓ ગુંજે છે………

“ઝડપથી દોડ્યા તો એ યાત્રાનો ઉલ્લાસ હારી ગયા,
પા પા પગલી ચાલ્યા તો યાત્રાની મોજ જીતી ગયા.”

ટૂંકમાં, બીજા સાથે હરીફાઈ કરવા માટે નઈ પણ પોતાની જાત સાથે હરીફાઈ કરવા જીવવું. ઉત્તમ વ્યક્તિ શ્રેષ્ઠ બની શકે છે પણ શ્રેષ્ઠ વ્યક્તિ કદીય ઉત્તમ બની શકતો નથી. ઉત્તમ વ્યક્તિ આજે નઈ તો કાલે પોતે ઈચ્છેલુ તમામ પામી લે છે. માટે હંમેશ ઉત્તમ બનવાનાં જ પ્રયાસ કરવા કારણ કે ઉત્તમનું પરિણામ અતિઉત્તમ જ મળે છે. અને અતિઉત્તમથી ઉત્તમ બીજું કશું જ નથી.

🖊️Disha Patel

ગમતી ચાહત…..”સ્નેહ” – Lekhanotsav

“તું ગમે છે કારણ હું તને ચાહું છું,

પણ ગમવું અને ચાહવું એ બન્નેમાં ઘણો ફર્ક છે.”

 

વ્યક્તિને જીવનમાં કોઈ ગમતું મળે એનાથી વિશેષ શું જોઈએ. પણ જે ગમે એને ખરા દિલથી ચાહી શકાય છે? જ્યારે આપણે કોઈ વ્યક્તિના રૂપથી, એમના સ્વભાવથી,એમના હાજર જવાબીપણાથી,એમની હોશિયારીથી, એમના કામથી આકર્ષિત થવા લાગીએ એટલે આપણને એ ગમવા લાગે છે.ગમવા માટે ફક્ત ગુણો જ દેખાય છે. આ જ સારી બાબતો બીજી કોઈ વ્યક્તિમાં મળે એટલે અહીં આપણી પસંદ બીજી તરફ વળી જાય છે બીજી કોઈ વ્યક્તિ ગમવા માંડે છે.

 

આમ જોઈએ ને તો, ગમવામાં અને ચાહવામાં ફક્ત મિલિસેકન્ડનો જ ફરક છે.પણ એ મિલિસેકન્ડ તમારો આખોય ટાઈમ ઝોન બદલી નાખે છે.તમારું જીવન બદલી નાખે છે જેના માટે સાચે જ પોતાનાપણાની લાગણી હોય એમને ચાહીને ગમાડી લઈએ છીએ.પણ જ્યાં ફક્ત ગુણોને જ ગણવામાં આવે ત્યાં ચાહત એટલી તીવ્રપણે રહેતી જ નથી.

 

જ્યારે કોઈકને ખરા દિલથી ચાહીએ ત્યારે એમના ગુસ્સાને, એમની મૂર્ખામીઓને, એમની નાદાનીઓને, એમની આદતો, અને એમની ન ગમતી ઘણી બધી બાબતોને આપણે સહર્ષ સ્વીકારી લઈએ છીએ. એમના ગમાંઅણગમાને જાણતા હોઈએ છતાં પણ એમના તરફના પ્રેમમાં આપણે ભીંજાતા રહીએ તો એ “ચાહત” છે. એમનો ફોટો જોઈએ ત્યારે એમની આંખોની ઊંડાણ જોઈને, ખૂબ સરસ દેખાય છે એવુ કહીએ તો, એ આપણને ગમે છે,પણ એમના ફોટામાં જયારે એમની આંખમાં ઊંડાણની સાથે આપણને એમનો ઉજાગરો પણ દેખાય જાય તો એ ચાહત છે.

 

તું ક્યાં છે? ક્યારે આવીશ તું? મને સમય ક્યારે આપીશ? તે જમ્યું કે નહીં? આ બધા સવાલો ક્યારેક અકળાવે છે.પણ જો કોઈ તમને આ સવાલ પૂછે તો એ સમજી લો આ પ્રેમ છે. પ્રેમમાં ચિંતા ભેગી ભળેલી જ હોય છે. મોબાઈલના હજારો કોન્ટેક માંથી ફક્ત કોઈ એકને જ આ સવાલ પૂછી શકાય. એવું પણ થાય કે હજારો કામ હોય તો પણ એમની જોડે જ વાત કરવાનું મન થાય, અર્થ વગરની વાતોમાં પણ કલાકો નીકળી જાય. એકબીજાને પામવા માટે કોઈ પ્રકારની કોશિશ જ નથી કરવી પડતી પણ બંન્ને પક્ષે એક સરખો ઉમળકો હોય જે સદાય ઉભરાતો હોય અને અંતરે રહીને અનુભવી શકાય. જો કોઈ આવું જીવનમાં હોય તો એ ચાહત છે.

 

ચાહવામાં એક મર્યાદા છે.જયારે ગમવામાં લાબું લિસ્ટ છે. ચાહવામાં રાહ છે પણ ગમવામાં જે હાજર છે એની જોડે વાતો કરી લેવાની બસ સમયપસાર થવો જોઈએ એટલે એમાં કોઈ રાહ જોવાની નથી.ગમવામાં માત્ર ઈચ્છાપૂર્તિ નો આશય હોય છે જયારે ચાહવામાં ઈચ્છાઓ જાતે જ થઈ આવે કોઈ આશય વગર પ્રિયપાત્રની ઈચ્છાઓ પૂરી કરવી એ પણ આપણી ઈચ્છા બની રહે છે. ઇચ્છાઓની સાથે ચાહતની જોડી ના શકાય પણ ઈચ્છા વગર ચાહવું એ શક્ય પણ નથી. એમના વગર નહીં જ રહી શકાય એ લાગણી પણ ચાહતમાં આપણેને એકબીજા સાથે જોડી રાખે છે.

 

કદાચ આપણા શબ્દોમાં, વર્તનમાં, વિચારોમાં એમની હાજરી રહ્યા જ કરે.ગમવા માટે હજાર કારણો મળી જાય પણ ચાહવા માટે કોઈ જ કારણની જરૂર નથી અને કારણોને ચાહત સાથે કોઈ નિસ્તબ જ નથી એટલે એનું તારણ શોધવાનો પ્રયાસ પણ અર્થહીન છે. અમુક સમયે સામેનું પાત્ર આપણાં સ્વભાવ કે વિચારોમાં ખરું નથી ઉતરતું. અમુક સંજોગોમાં બંનેના વિચારોમાં એક ભેદ પણ સર્જાય છે. તેમ છતાંય એના માટેનો સ્નેહ સહેજ પણ ઓસરતો નથી. મતભેદ જોવા પણ મળે પરંતુ મનભેદ ક્યારેય સર્જાતો નથી.

 

ગમવું એ ટૂંકા સમયનું ચયન છે. જ્યારે ચાહવું એ સમીપતાનું પર્યાય છે.ચાહવું એ ક્ષણનું સુખ આપે છે તો દિવસ કે મહિનાઓની સહન ન થાય એવી ભરપૂર પીડા પણ આપે છે.અને એ પીડા પામવા છતાં ચાહત ઓછી થતી જ નથી.જ્યારે ગમવામાં કોઈ પીડા નથી બસ છટકબારી છે છૂટવાની. ગમતી વ્યક્તિ સાથે વાત કરતાં પહેલાં વિચાર કરવો પડે પણ જ્યાં ચાહત હોઈએ ત્યાં આપણને આ ડર હોતો જ નથી આપણે મન ખોલીને એમને બધું જ જણાવી દેતા હોઈએ છીએ.

 

આપણને એક સાથે અસંખ્ય લોકો ગમી શકે છે કદાચ અનેક લોકો એક સાથે આપણને ગમાડી પણ શકે છે પણ ચાહવામાં આ શક્ય નથી ગમતી દરેક વ્યક્તિને આપણે ચાહી શકીએ નહીં એ ફરક નજીવો છે .પણ ફરક તો છે જ ને.ગમતાં વ્યક્તિની ભૂલો આપણને એમનાથી તરત દૂર કરી દે છે. પણ જેમને આપણે ચાહીએ છીએ એની અક્ષમ્ય ભૂલોને પણ આપણે માફ કરી દઈએ છીએ.ચાહવાની ક્રિયા ગમવાથી શરૂ થાય છે પણ જેમને ચાહિએ એમનું પછી બધું જ ગમવા લાગે છે.

 

ગમવામાં આકર્ષણ છે અને ચાહવામાં સમર્પણ છે. ગમવાના સંબંધ જરૂરિયાત પૂરતા હોય છે. ચાહવાના સંબંધ શ્વાસ જેવા હોઈ છે ખૂબ જ જરૂરી.પણ જેમ શ્વાસ જરૂરી એમ તું પણ જરૂરી એ વ્યક્ત કરવું પણ એટલું જ જરૂરી છે. ચાહત જતાવવી એ એક એવી અભિવ્યક્તિ જેમાં કાળજી છે, ત્યાગ છે, ચિંતા છે, પ્રતિક્ષા છે, માફી છે સમર્પણ છે અને સદાય માટે સ્નેહ છે. એકબીજાને બાંધી રાખીને નહીં એક બીજામાં બંધાઈ જવાની ઈચ્છા થઈ આવે સંબંધ એટલે સ્નેહસંબંધ.

 

જીવનના સફરમાં ગમતાં હજારો મળી રહેશે પણ ચાહી શકાય એવું કોઈ અનન્ય જ મળશે. ગમવામાં બીજા સાથે હરીફાઈ હોય કે કોઈ આપણને કેટલું ગમાડે છે અથવા કેટલા લોકોને આપણે ગમીએ છીએ પણ ચાહતમાં સ્પર્ધા ફક્ત પોતાની સાથે હોય છે.ચાહત આપવાની સ્પર્ધા, ચાહતમાં પામવાની ઘેલછા હોય છે ભોગવવાની નહીં. ચાહતમાં માપવા કરતાં આપવાની મજા છે. ચાહતમાં મળતી હાર એ પણ જીત કરતાં અનેરી ખુશી આપે. અને મન મુકીને કોઈને ચાહતા ચાહતા વ્યક્તિ પોતાને પણ ચાહવા લાગે છે.

 

અંતે,ગમવું એ એક પડાવ હોઈ શકે પણ ચાહવું એ એક સફર છે એનો કોઈ અંત જ નથી. ગમવાની શરૂઆતથી લઈને ચાહવાની રાહ સુધી એકબીજા સામે હારીને એકબીજાને જીતી લેવાની સફર એટલે “સ્નેહ”…..

 

હું તને ચાહું છું એટલે નહીં કે તું મને ગમે છે,

એટલે કે, તને ચાહતા ચાહતા હું ખૂદને ચાહું છું.

 

Rekha Manvar