section and everything up till
*/ ?> કવિતા કોર્નર Archives - Page 2 of 63 - Shabdoni Sangathe

લાચારી

બંધારણ: લગાગાગા×૪

જગત ઘૂમી શક્યા ના એ હતી કાયાની લાચારી,
હતી એ માન્યું પણ એને હૃદયમાં કેમ કંડારી?

દબાવી દે છે આજે લાગણીને ભોંયતળિયામાં,
છે કારણ એનું, ચારેબાજુ લોકો છે અહંકારી.

અપેક્ષા રોશની ક્યારેય ના જોઈ આ જીવનમાં,
ફકત જોઈ નયન સામે, છવાઈ રાત અંધારી.

કશો મતલબ નથી જીવનથી એમજ ભાગવાનો પણ,
હવે તો સ્થિતિમાંથી જીતવાની વાત સ્વીકારી.

પ્રભુનાં ધામની યાત્રાને ભૂલ્યો ભક્ત અવતારી,
ફરી માયા ને મૂડીમાં બન્યો સંપૂર્ણ સંસારી.

🖊️Ami Maheta

મળે જો મન

લગાગાગા /૪

મળેજો મન મનાવી લે, સમયની ધારમાં વ્હાલે.
મળે જો પ્રભુ વધાવી લે, હૃદયની ધારમાં વ્હાલે.

ગુણાંકો ગાળતાં રોમે, વળાંકો વાળતાં જોમે.
મળેજો ડગ સમાવી લે, વિનયની ધારમાં વ્હાલે.

બધુંએ નામળે જોજે, મળે એ માનથી લેજે.
મળેજો ગમ વહાવી લે, મલયની ધારમાં વ્હાલે.

કનડતું ગાળશે બોજે, ખખડતું બાળશે રોજે.
મળેજો રસ ભરાવી લે, પ્રણયની ધારમાં વ્હાલે.

રડીને કોકિલા જાગે, હસીને ચાહતે ફાગે.
મળેજો પલ લખાવી લે, વિજયની ધારમાં વ્હાલે.

🖊️Kokila Rajgor

જીવન પંથી

શોધવાની આપણે વળી જરૂર ક્યાં છે?
ધારી જો લ્યો તો મંજિલ દૂર ક્યાં છે?

પોતે કંડારવાનો છે જુદો રસ્તો કે પગદંડી,
અહીં નકશાઓ કોતરવા મજૂર ક્યાં છે?

આવ્યા છો તો બધા રસની માણો મજા,
મધ સમી ફક્ત જિંદગી મધુર ક્યાં છે?

જેના કવેણ સાંભળીને ચડતી’તી ચાનક,
એ વિરોધીની વાણીમાં હવે સૂર ક્યાં છે?

પગલાંઓ થાક્યા છે, શ્વાસો હાંફ્યા છે,
એ હૃદયનો ઉન્માદ, આંખોનું નૂર ક્યાં છે?

છતાં સતત ચાલવાનું કારણ છે એ જ,
કે હારવું તો આજે પણ મંજૂર ક્યાં છે!

અળગી રહું છું, એ દોષ દેવાનું રહેવા દો,
મને તાણી જાય એ લાગણીનું પૂર ક્યાં છે?

🖊️Himanshi Parmar