section and everything up till
*/ ?> Deep Gurjar, Author at Shabdoni Sangathe

ચોમાસું ચીતરે બારી : ગીત

ચોમાસું ચિતરતી બારી ખુલ્લી રાખી મૂકી છે,
પાણીનાં ટીપાંના ભારે ડાળીઓ સૌ ઝૂકી છે.

ચીં ચીં કરતી ચકલી પેલી ભીનું તન ખંખેરી ગઈ,
એની સાથે મનમાં તારી યાદોનાં બી વેરી ગઈ,
વાછટ ક્યારે અંદર આવી અશ્રુ સાથે ભેળી થઈ,
સંતાકૂકડી રમતી આંખો સઘળા દાવો ચૂકી છે,
ચોમાસું ચિતરતી બારી ખુલ્લી રાખી મૂકી છે.

ભીની ભીની વાછંટે ભીંજાતું સપનું મારું,
હૈયે બેઠું વરસોથી તરબોળ સ્મરણ છે તારું,
ઝરમરતા આ વ્હાલ ઉપર હું મારું દિલડું હારું,
દિલથી દિલની રાહ બની સીધી ને સાવ ટૂંકી છે ,
ચોમાસું ચિરતતી બારી ખુલ્લી રાખી મૂકી છે.

🖊️Leelaben Patel

લાચારી

બંધારણ: લગાગાગા×૪

જગત ઘૂમી શક્યા ના એ હતી કાયાની લાચારી,
હતી એ માન્યું પણ એને હૃદયમાં કેમ કંડારી?

દબાવી દે છે આજે લાગણીને ભોંયતળિયામાં,
છે કારણ એનું, ચારેબાજુ લોકો છે અહંકારી.

અપેક્ષા રોશની ક્યારેય ના જોઈ આ જીવનમાં,
ફકત જોઈ નયન સામે, છવાઈ રાત અંધારી.

કશો મતલબ નથી જીવનથી એમજ ભાગવાનો પણ,
હવે તો સ્થિતિમાંથી જીતવાની વાત સ્વીકારી.

પ્રભુનાં ધામની યાત્રાને ભૂલ્યો ભક્ત અવતારી,
ફરી માયા ને મૂડીમાં બન્યો સંપૂર્ણ સંસારી.

🖊️Ami Maheta

જરૂરિયાત કેટલી?

“બસ મારે ત્રણ જોડી કપડાં લેવા છે એટલે લેવા જ છે એમાં હું એકનો બે નહીં થાવ.”

“પણ હમણાં તો બે જોડી લાવ્યો હતો હમણાં થોડોક સમય રાહ જો પછી લાવજે.”

“ના ના એ હું ના જાણું મારે જોઈએ જ છે.”

ઉપરના વાક્યોમાં તમને હઠ દેખાતી હશે પરંતુ મૂળ પ્રકાશ જરૂરિયાત પર છે. એના જોડે પહેલેથી બે જોડી છે તો પછી ફરી ત્રણ જોડી લેવાનો કોઈ અર્થ છે ખરો? આવું જ કંઈક આપણે આપણા જીવનમાં પણ કરીએ જ છીએ ને! કોઈ વસ્તુની જરૂરિયાત નથી તો પણ લાવીને ઢગલો કરી દેશું. એક કિલો દાળ જોઈતી હશે તો દસ કિલો લાવી દઈશું! કેમ? કંઈ ખાસ કારણ નહીં તમને દુકાનદાર પાસે એક કિલો માંગતા શરમ આવે બીજું શું? જો તમારે બે જ રોટલીની જરૂર છે તો પછી તમે બે જ લો પછી પાંચ લઈને ભોજન વ્યર્થ કરવામાં કોઈ સાર્થકતા નથી.

ભગવાને તમને સરસ સુખ સાહેબી આપી છે તો એનો ખોટો ઉપયોગ કરવો જરૂરી છે? માની લો કે તમે બહાર ગામ ફરવા માટે ગયા. ત્યાં તમને તરસ લાગી તો તમે એક પાણીની બોટલ ખરીદી. કેટલા રૂપિયામાં? બસ માત્ર દસ કે વીસમાં. હવે અહીં પાણી કેટલું બધું સસ્તું છે. એની જ સરખામણીમાં જો તરસની વાત કરીએ તો? જો તમને પાણી ન મળ્યું હોત અને કદાચ ડીહાયડ્રેશન થઈ ગયું હોત તો તમારે દવાખાનામાં દસના હજાર આપવા પડતા. અહીં પાણી એકદમ સસ્તું છે પરંતુ તરસ મોંઘી છે. જીવનમાં પણ આ જ રીતે ચાલે છે. સુખ એકદમ સસ્તું છે પરંતુ સુખી થવું મોંઘું છે. રસ્તા પર સૂતો માણસ પણ ખૂબ સુખી હોઈ શકે છે અને બંગલામાં રહેતો માણસ પણ ખૂબ દુઃખી હોઈ શકે છે.

જેવી વાત તરસની છે એવી જ વાત ભૂખની છે. ભોજન સસ્તું છે પરંતુ ભૂખ મોંઘી છે. તમે અવારનવાર આવા શબ્દો પ્રયોજતા હશો કે આજે જમવાનું સરસ બન્યું છે, આજે એનો સ્વાદ કંઈક અલગ જ છે વગેરે વગેરે. વાસ્તવિકતાએ એવું કશુંય પણ હોતું નથી. એક માણસને ખેતરમાં મોકલવામાં આવે છે અને આખો દિવસ કામ કરાવવામાં આવે છે અને બીજાને માત્ર ઘરમાં આરામ કરવાનું કહેવામાં આવે છે. બંનેને રાત્રે એકસરખું ભોજન આપવામાં આવે છે. આ ભોજન ખેતરમાં ગયેલા માણસને સ્વાદિષ્ટ લાગશે જ્યારે ઘરમાં બેઠેલા માણસને બિલકુલ નહીં લાગે. કહેવાનો મતલબ તમારી ભૂખ નક્કી કરે છે કે ભોજન કેવું છે. પાંચ દિવસના ભુખ્યાને તો સૂકી રોટલી પણ એકદમ સ્વાદિષ્ટ લાગશે જ્યારે કામ કર્યા વિનાનાને તો છપ્પન ભોગ પણ ફિક્કા લાગશે. જે તે કામ મહત્વ નથી ધરાવતા પરંતુ એમની પાછળના પ્રયત્નો ખૂબ અગત્યના છે. તમને બે ટંકનું ભોજન મેળવી શકો છો તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે આપણને એ લાયક બનાવ્યા.

માણસોમાં જરૂરિયાતો અક્ષય છે અને એ અક્ષયપાત્ર ક્યાં છે એ પણ કોઈને ખબર નથી. જેમ જેમ એને તકલીફ પડશે એમ એમ એ નવા નવા ઉપાય શોધતો રહેશે. જરૂરિયાત હોય એટલું જ કરવું જોઈએ. એ પરથી એક બીજો વિવાદાસ્પદ મુદ્દો છે કે માંસાહાર યોગ્ય છે કે નહીં? ઘણા લોકોના મતમતાંતર અલગ હોય શકે એના સાથે કોઈ નિસ્બત નથી. તર્ક કંઈક આવો છે કે આપણે આપણી જીભ માટે આ બધા ખેલ કરી રહ્યા છીએ અર્થાત આપણી જરૂરિયાત સંતોષવા. જીવને મારવાથી પાપ લાગે, નિસાસા લાગે એની વાત નથી કરવી પણ ઘણા લોકો એવું કહે છે કે એનો સ્વાદ શું જોરદાર હોય છે. એ લોકોને એટલું જ કહેવું છે કે જો માંસ ખાવું હોય તો ખાલી માંસ જ ખાવ પછી કેવો સ્વાદ આવે એ જોવો મતલબ કે એમાં મરચું, મીઠું, મસાલા, હળદર, પાણી એ બધા શાકાહારને નાખ્યા વગર ખાવ. જો પછી પણ તમને સ્વાદ લાગે તો ઠીક છે કે માંસાહાર યોગ્ય હશે. આ માત્ર એક તર્ક છે સાચો કે ખોટો એ ભગવાન જાણે. આ બાબતમાં વિસ્તૃત ચર્ચા કરવી યોગ્ય નથી. અંતે એટલું જ કે તમારી બિનજરૂરી જરૂરિયાત સંતોષવા અન્ય કોઈને નુકશાન થાય એવું ના જ કરવું જોઈએ.

🖊️આદર્શ પ્રજાપતિ