section and everything up till
*/ ?> "સુખ" એક અવ્યાખ્યાયિત પદ - Shabdoni Sangathe

“સુખ” એક અવ્યાખ્યાયિત પદ

આપણને સહુને એક વિચાર જરૂર આવતો હશે કે,આ સુખની વ્યાખ્યા શું હશે એનો આકાર રંગ રૂપ કંઈક તો હશેને કે વ્યક્તિ સુખ પામવા માટે કાયમ અધીરો જ રહે છે. વ્યક્તિ બધું છોડીને સુખ પામવા દોડ્યા કરે છે પણ ખરેખર આ સુખ પતંગિયા જેવું હોય છે એની પાછળ દોડો તો એ કદી હાથમાં આવતું જ નથી પણ શાંતિથી બેસી જાઓ તો આવી ને તમારી હથેળી પર બેસી જાય છે. સુખને શબ્દોના ચોકઠામાં બાંધી જરૂર શકાય છે પણ એની કોઇ નક્કર વ્યાખ્યા આપવી ઘણી જ મુશ્કેલ છે.

સુખ શબ્દનો અર્થ એવો નીકળે છે “સુ”એટલે સારી અને “ખ” એટલે ઇન્દ્રિય. ઘણા લોકો વાતવાતમાં સાચું સુખ એવો શબ્દપ્રયોગ કરે છે એનો અર્થ એ થયો કે ખોટું સુખ પણ અસ્તિત્વ ધરાવે છે ખોટું સુખ એ સુખની ભ્રમણા છે.સાચું સુખ દેખાડાનો વિરોધી છે જયારે ખોટાં સુખને આકર્ષક દેખાવું ગમે છે. આજના યુગની તકલીફ પણ એ છે કે, લોકોને સુખી થવું નથી બસ, સુખી દેખાવું છે. મનુષ્યને પંખીની જેમ આકાશમાં ઉડતા આવડી ગયું પણ આ ધરતી પર સુખી રહેતા ના આવડ્યું.

સુખની શોધમાં હમેંશા દુઃખ જડ્યું એવું લગભગ દરેક વ્યક્તિના મોઢેથી આપણને સાંભળવા મળ્યું જ હોય છે. પણ હકીકતમાં સુખ અને દુઃખ નો સંબંધ આંગળીઓ અને નખ જેવો છે.બંને અલગ રહી શકે તે શક્ય જ નથી દુઃખ નહીં હોય તો સુખ નહી જડે. માટે જો સુખને ભોગવવું હોય તો પહેલા થોડું દુઃખ ભોગવી લો. દુઃખ પહાડ જેવું અચળ અને અવિચળ છે જયારે સુખ એમાંથી પ્રગટેલા નાનકડાં ઝરણા જેવું ચંચળ છે.વ્યક્તિ પોતના મનમાં અમુક પ્રકારની ગાંઠ વાળી લે છે એની જરૂરિયાતમાં સહેજ પણ ખામી રહી જાય તો એ તરત દુઃખી દુઃખી થઇ જાય છે. ખરેખર તો એણે ધારેલા કરતા જે બન્યું હોય એ વધારે સારું હોય પણ એ વાતનું સુખ વ્યક્તિ માણી શકતો નથી અને એનો સંતોષ માનવાનું વ્યક્તિને આવડતું જ નથી.ખરેખર સુખ જેને જોઈતું હશે એને મળશે જ પણ જેને માત્ર પોતાની ઇચ્છામુજબનું સુખ જોઈએ એમને મળતાં સુખમાં પણ દુઃખ જ દેખાશે.

સુખ અને દુઃખ તો આપણા મનની લાગણીઓના છાયા પડછાયા છે. સુખ મેળવવા માટે ફક્ત પુરુષાર્થ કરવાની જરૂર છે. ખોટી દિશામાં દોડધામ કરવાથી કંઈ પ્રાપ્ત થતો નથી. સુખી થવું એ માણસનો જન્મસિદ્ધ અધિકાર નથી પણ એનું કર્મ સિધ્ધ અધિકાર છે. યોગ્ય દિશામાં કર્મ કરવાથી સાચા સુખની પ્રાપ્તિ શક્ય બને છે. ઘણીવાર સુખનો અભાવ પ્રવૃત્તિના ફળના પ્રભાવમાંથી પણ જન્મ લેતા હોય છે. જે માણસ પોતાના મન પર સંપૂર્ણ કાબુ રાખી શકે છે જે માણસને સાચા અને ખોટાનું ખરેખર ભાન છે અને જે માણસને બીજાની વાતમાંથી એનું કારણ અને મારણ બંને કાઢતા આવડે છે, એ માણસ જ સાચા સુખને ભોગવી શકે છે.

આપણી અંદરની ઈર્ષ્યા એ એવી ચીજ છે જે બીજાનું સુખ સહન કરવા દેતી નથી.આપણા પેટમાં આગ લાગે છે અને એ આગ આપણા સુખને પણ બાળી નાખે છે.વધારે પડતા સુખનો પણ કોઈ અર્થ નથી દુઃખ છે એટલે સુખનું મૂલ્ય છે. કદી બધા જ સુખ મેળવી લેવાની આશા ન રાખવી જોઈએ અને વધારે પડતાં સુખથી મોટું કોઈ દુઃખ નથી. દુઃખ વિનાનું સુખનો અનુભવ એ ભ્રમ છે.માત્ર સુખ માણસને રાક્ષસ બનાવે છે આપણે રાક્ષસ બનવું હોઈ તો અને તોજ માત્ર સુખનો વિચાર કરવો.

જીવનમાં મળતી સગવડોને આપણે સુખનું લેબલ આપી દીધું છે. અને આપણી સાપેક્ષ બીજાને મળતી સગવડોથી જ આપણે સરખામણી કરતાં રહીએ, અને એટલે જ સગવડો સુખ આપવાને બદલે દુ:ખ આપતી રહે છે. ઘણા તો વળી સગવડો હોવા છતાં સુખી રહી શકતા નથી. સુખ સરખામણી કરવાથી તો ક્યારેય મળતું નથી.આપણી અપેક્ષાઓ જયારે આગ્રહ બને ત્યારે એ દુઃખનું કારણ બને છે ત્યારે આપણી સંવેદના જ વેદનાનો પર્યાય બને છે.

સુખનું કોઈ ગોડાઉન હોતું નથી પણ એ વાત સાચી કે વ્યક્તિની ભીતર સુખનો એક આખો સમુદ્ર ઘૂઘવતો હોય છે. તકલીફ માત્ર એટલી છે કે એના દરવાજે વ્યક્તિએ પોતાની ઇચ્છાનું તાળું મારી દીધું છે અને એ તાળું ખુલે છે માત્ર સંતોષ નામની ચાવીથી જ. સુખ આપણી પાસે આવીને બેસે ત્યાં સુધીમાં તો આપણી સુખની વ્યાખ્યા બદલાઈ જતી હોય છે જેમ થિયેટરમાં ફિલ્મના પાટીયા બદલાઈ જાય એમ સુખના પાટા પણ બદલતા રહે છે. સુખ શબ્દ જ સુખ અપાવવા માટે પૂરતો છે.માણસ ધારે તો સુખ મેળવી શકે છે પોતે સુખી થઈ શકે છે બીજાને પણ સુખી કરી શકે છે. બસ, જરૂર છે સંતોષની.

“સુખ” એટલે એક અવખ્યાયિત પદ જેની કોઈપણ વ્યક્તિ ચોક્કસ વ્યાખ્યા આપી શકાતું નથી.અથવા તો કહી શકાય એને કોઈ બીબામાં ઢાળી શકાતું નથી. પણ હા એટલું જરૂર કહી શકાય કે, એને અડકી નથી શકાતું પણ એનો સ્પર્શ અનેરો હોય છે, એને સાંભળી નથી શકાતું પણ એનો અહેસાસ આહલાદક હોય છે, સુખને આંગળી પકડીને ઘરના કોઈ ખૂણામાં બેસાડી નથી શકાતું પણ એની હાજરી જીવનમાં ઉત્સાહ બેસાડે છે, એ આપણને ગમે છે પણ સતત એનો સાથ શક્ય નથી. એ આપણું પોતાનું છે પણ તેને બાહુપાશમાં જકડી નથી શકાતું. ના તો એને બીજા પાસેથી ઉછીનું લઈ શકાય કે ના તો કોઈનું છીનવી શકાય કે ના તો એને દુકાનોમાંથી ખરીદી શકાય કે ના તો સંગ્રહ કરી શકાય પણ હા, એને વહેંચી જરૂર શકાય છે.

અંતે,આપણે જિંદગીના ટુકડે ટુકડા કરી સુખ શોધતા રહીએ ઘણા ખરા અંશે જિંદગીના ટુકડે ટુકડા કરી પણ નાખ્યા અને શોધવામાં પણ એ નથી સમજી શકતા કે આ જિંદગી મળી છે એ જ ખરું સુખ છે.અંતે, સુખની વ્યાખ્યા” કેટલી? તમને ખબર જ ન હોય તમારા “સુખનું કારણ” બસ એટલી જ…..
©Sneh

🖊️Rekha Manvar

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

10 comments on ““સુખ” એક અવ્યાખ્યાયિત પદ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *