section and everything up till
*/ ?> સરખામણીની સ્પર્ધા - Shabdoni Sangathe

સરખામણીની સ્પર્ધા

 

આપણું જીવન એ રમતનું એક એવું મેદાન છે, જેના પર સ્પર્ધા કરનાર ક્યારેક જીતે છે, તો ક્યારેક હારે છે, પણ સરખામણી કરનાર હમેંશા હારી જાય છે! સ્પર્ધા આપણને વધુ ને વધુ બહેતર બનવા તરફ દોરી જાય છે, જ્યારે સરખામણી આપણને સક્ષમ હોવા છતાં આગળ વધવા દેતી નથી.

આધુનિક યુગમાં સોશિયલ મીડિયા સરખામણીનું મોટું કેન્દ્ર છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં બધા જ સઘળું શેર કરતાં રહે છે, એટલે જ અહીં અનાયાસે સરખામણીની ચડભડ શરૂ થઈ જાય છે. શેર, લાઈક અને કમેંટ વચ્ચે જાણે આપણું સાચું સુખ તો કયાંક ખોવાઈ ગયું છે.અન્યના જીવનની ચમકદમક માત્ર આપણી આંખો ને જ નહીં પણ આપણા માનસપાટ પર પોતાની છબી આંકી જાય છે.ખરેખર ક્યારેક તો એવું લાગે કે, આપણા જીવનની દરેક સ્પર્ધામાં બીજા સાથે સરખામણી કરવાની ટેવનું ટોનિક આપણને કદાચ ગળથુંથીમાં પીવડાવી દેવામાં આવ્યું છે.અને આ આદત આપણને સ્વાભાવિક જીવન જીવવા દેતી નથી.

આપણને આપણું સુખ હમેંશા ઓછું જ લાગે છે. અરે કોઈની ખુશી પણ આપણને ખુશ રહેવા દેતી નથી.આપણે બીજાનું જીવન જીવવા લાગીએ છીએ.આમ જોઈએ ને તો, સુખ એકદમ નિરપેક્ષ લાગણી છે, પણ આપણે એને સાપેક્ષ બનાવી મૂકી છે. સુખી થવા માટે આપણી પાસે બધુ જ છે, પણ જ્યારે આપણે કોઈને આપણાં કરતાં વધુ સુખી જોઈએ છીએ, ત્યારે આ બધુ ભૂલાવવા લાગે છે, અધૂરું અધૂરું લાગવા માંડે છે.આજનો માનવી જે કઈ પણ જીવી રહ્યો છે એ હમેંશા કોઇની સાપેક્ષમાં જ જીવી રહ્યો છે. અન્યની સાપેક્ષે પોતાની ખુશીઓ અને પોતાની સફળતાનું સતત મૂલ્યાંકન કરતો રહે છે, અને એટલે જ જીવન સ્પર્ધામાં હાર કે જીત જે મળે એ પચાવવું ખૂબ કઠિન બની રહે છે.

જીવન સ્પર્ધામાં કોઈપણ વ્યક્તિ પોતાની જાતને ‘underestimate’ કરતા હોય છે અથવા તો ‘overestimate’ કરતા હોય છે.ખરેખર તો જીવનમાં આગળ વધવા માટે આ બંને પરિસ્થિતિઓ અવરોધરૂપ બનતી હોય છે.આ બંને પરિસ્થિતિઓમાં વ્યક્તિ કાયમ પોતાની સરખામણી અન્ય સાથે કરતો હોય છે અને ઘણા અંશે બીજાને અનુસરતો હોય છે. અને જે પોતાની રાહ જાતે ખેડી નથી શકતો એને કદાચ સફરના અંતે ધારેલ મંઝિલ નથી મળી શકતી. જિંદગીના રસ્તામાં આવતા માઈલ-સ્ટોનને માત્ર કિલોમીટર દર્શાવનાર પથ્થર સમજનાર કદી સફળતાના કિલોમીટર પાર કરી શકતા નથી.માટે જ જીવનસ્પર્ધમાં વ્યક્તિએ પોતાની જાતને હમેંશા ‘આત્મ-વિશ્વાસ’ નામની ઢાલથી સુરક્ષિત કરવું પણ એટલું જ અનિવાર્ય છે.

જીવન સ્પર્ધા જ્યારે સરખામણીનો ભોગ બને છે,ત્યારે આપણે આપણામાં રહેલા મૂળભૂત તત્વો, સિદ્ધાંતો અને લાગણીઓ જ ભૂલી જતાં હોઈએ છીએ. આપણે એ ભૂલી જતાં હોઈએ છીએ કે ઈશ્વરે દરેક વ્યક્તિને એક અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ આપેલું છે. આપણે આપણામાં રહેલી ક્ષમતાઓને સતત કોઈ અન્ય સાથે સરખાવતા રહીએ છીએ અને દુ:ખી થતાં રહીએ છીએ.આપણા થી કોણ સુખી છે એનું લિસ્ટ આપણને કંઠસ્થ રહી જાય છે. ઘણી વખત તો અન્ય એ જે મેળવ્યું એમાં આપણું સુખ છે કે નહીં, એ વિચાર્યા વિના જ દુઃખી થવા લાગીએ છીએ. આપણાંમાં શું રહેલું છે, એને આપણે ભૂલી જતાં હોઈએ છીએ. અને કદાચ એટલે જ આપણાં કરતાં વધુ સુખી લોકોને ‘અભિનંદન’ આપવાનું આપણે ભૂલી જતાં હોઈએ છીએ.

કોઈપણ સ્પર્ધા હોય પણ એક નિયમ દરેક સ્પર્ધામાં હોય જ છે કે, પરિણામ ભલે કઈ પણ હોય પણ રમતના અંતે બંને પ્રતિસ્પર્ધીઓ એકબીજાને ‘હેન્ડ શેક’ કરી બિરદાવે છે, આ ખેલદિલી માત્ર રમત માં જ નહીં જીવન સ્પર્ધામાં પણ અપનાવી શકાય. વ્યક્તિ તરીકે કોઇની જીતને બિરદાવવા જેટલી ખેલદિલી આપણાંમાં હોવી જોઈએ. બીજા નંબરે આવનાર એ ભૂલી જાય છે કે એને એક સિવાય બાકીના બીજા બધાને ઓવર ટેક કર્યા જ હોય છે! પણ એકને માત ના આપી શક્યાનો અફસોસ ખૂબ મોટો હોય છે.

ખરેખર તો, જીવન સ્પર્ધામાં જીતવા માટે આપણું ખુદનું જીવન જીવવાની તાલાવેલી આપણામાં હોવી જોઈએ. દરેક ક્ષણોને જીવી લેવાની આતુરતા આપણામાં હોવી જોઈએ. બની શકે તો જીવનના દરેક તબબકા માંથી સરખામણીની સ્પર્ધાને જ તિલાંજલિ આપી દઈએ.જીવનમાં સ્પર્ધા તો આવ્યા જ કરવાની અને સ્પર્ધામાં ભાગ લેવો ઘણો અનિવાર્ય છે. જીવનમાં દરેક પ્રકારની સ્પર્ધા રમી શકાય અને યાદ રાખવું કે,જીવન સ્પર્ધામાં કશું જ નિશ્ચિત નથી. ક્યા પગલે જીતની અનુભતી મળશે કે ક્યા ડગલે હારનો અનુભવ થશે એ પણ નક્કી નથી.પણ હા,જીવન સ્પર્ધામાં સરખામણી કરનારની હાર દરેક પગલે નિશ્ચિત જ હોય છે. ખેલદિલી એ જીવન સ્પર્ધામાં સફળ થવાનો સહુથી સરળ ઉપાય છે.

રેખા મણવર…..”સ્નેહ”….

4 comments on “સરખામણીની સ્પર્ધા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *