section and everything up till
*/ ?> સફળતા તરફનો પ્રથમ પ્રયાસ....''જસ્ટ સ્કીપ" - Shabdoni Sangathe

સફળતા તરફનો પ્રથમ પ્રયાસ….”જસ્ટ સ્કીપ”

આપણને સહુને ખ્યાલ જ છે કે, જયારે આપણે કોઈ નવા પ્રોગ્રામ કે નવી એપ્લીકેશનને આપણા મોબાઈલ, કોમ્પ્યુટર કે ટેબ્લેટમાં ડાઉનલોડ કરીએ છીએ ત્યારે અમુક બાબતો સ્કીપ કરવાની આવે છે, અને એ કરાવથી કોઈપણ બિનજરૂરી એપ્લિકેશન કે કેચીસ આપણા ડીવાઈસ સ્ટોરેજમાં વધારાની જગ્યા ના રોકે અને કદાચ આપણે સહુ એ જ કરતાં જ હોઈએ છીએ. એ જ રીતે જો જીવનની જીવંતતા જાળવી રાખવી હોય અને સફળ થવું હોય તો જીંદગીમાં પણ આપણને અમુક બાબતો સ્કીપ કરતા આવડવું જોઈએ. પરંતુ આપણા સહુનો સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે કે, આપણને બિનજરૂરી અને નકામી બાબતો અને અયોગ્ય જરૂરિયાતો સ્કીપ કરતા આવડતું નથી. અને પરિણામે આપણે જે જરૂરી બાબતો છે એને પણ મહત્વ આપી શકતાં નથી.

આપણી જિંદગીમાં પણ આપણને આવા ઘણા જ વિકલ્પો મળતાં હોય છે, પણ આપણે એ સ્કીપ કરવાનું ભૂલી જતાં હોઈએ છીએ ને પરિણામ સ્વરૂપ આપણી જિંદગી હેંગ થઇ જતી હોય છે. જે બાબતો આપણા વ્યક્તિત્વ સાથે મેળ નાં ખાતી હોય એવી બાબતોને સ્કીપ કરતાં રહીએ તો આપણા વ્યક્તિત્વને વધુ સારી રીતે આપણે નીખારી શકીએ.આપણે ક્યારેક શાંતિથી વિચારીશું તો સમજાશે કે આપણા જીવનમાં પણ આવું ઘણું બધું સ્કીપ કરી શકીએ એમ છીએ.

કોઈપણ ક્ષેત્રમાં સ્કીપ કરવું ખોટું નથી. સફળ થવા માટે આપણા કાર્યક્ષેત્રથી લઈને સંબંધોના ક્ષેત્રમાં સ્કીપ કરતાં શીખવું ઘણું મહત્વનું છે. આપણે કોઈની ટીકા કરવા પાછળ, કોઈની પ્રગતિનું મૂલ્યાંકન કરવા પાછળ, કોઈની લીટી ટૂંકી કરવામાં આપણો ઘણો સમય બગાડતાં હોઈએ છીએ.પણ ખરેખર તો એ ટીકા અને ઇર્ષ્યાના આ પન્નાને સંપૂર્ણ રીતે સ્કીપ કરવાનું હોય છે, ઈશ્વરે આપણને સૌને ક્ષમતા અને ખામીઓના મિશ્રણ સાથે આ ધરતી પર મોકલ્યાં છે. તો બીજાની ખામીઓને સ્કીપ કરીને માત્ર અને માત્ર આપણી ક્ષમતાઓ પર ફોકસ કરીએ.

ખરેખર જો આપણે જીવનમાં સફળ થઈ આગળ વધવા માંગતા હોઈએ તો આ સ્કીપના વિકલ્પનો શક્ય એટલો વધુ ઉપયોગ કરવો જોઈએ. અને સૌથી પહેલાં તો આપણી અંદર જન્મ લેતી બીજાની ક્ષમતાઓ કે સિદ્ધિઓ પ્રત્યેના આપણા ઈર્ષ્યાભાવને જ સ્કીપ કરતાં શીખવું રહ્યું. એક વાત યાદ રાખો કે, દરેક વ્યક્તિની આવડત, વિશિષ્ટતા, ક્ષમતા અલગ અલગ જ હોવાની છે એટલે કોઈપણ કાર્ય કોઈ એક વ્યક્તિ જે સહજતાથી કરી શકે એ દરેક કરી શકે એ ક્યારેય શક્ય બનવાનું જ નથી. હા, બીજા પાસે થી શીખી જરૂર શકાય છે.પણ જો નથી આવડતું તો બને એટલું જલ્દી સ્કીપ કરી દો. ધરાર કરવું જ છે એ પણ આપણી ઈર્ષ્યાને લીધે જ તો એ બસ દેખાડવા અર્થે કરાતું કાર્ય બની રહેશે. તમારી પ્રગતિ કે સિદ્ધિમાં એની ગણના ક્યારેય નહીં થાય.

આપણને દરેકને એ સતાવતું હોય છે કે અમુક વ્યક્તિઓ આપણી ગેરહાજરીમાં આપણા વિશે ઘણું ખરાબ બોલે છે, પણ આપણી ગેરહાજરીમાં આપણા વિશે ખરાબ બોલનારને જવાબ આપવાનું કાયમ સ્કીપ કરવું. કોણે શુ કહ્યું? કોણે શુ વિચાર્યું ? જયારે એ આપણો પ્રશ્ન જ નથી તો પછી એમને જવાબ આપવો એ આપણા માટે જરાય જરૂરી જ નથી. એમની માનસિકતા અને દ્રષ્ટિકોણને સ્કીપ કરીને આપણે માત્ર આપણા કામ પર ફોકસ કરીશું, તો આપણા કામ થકી તેઓને જડબાતોડ જવાબ આપી શકીશું. સાથે સાથે એવી જ રીતે કોઈના પ્રત્યેના આપણા અણગમાને કાયમ સ્કીપ કરવો એ આપણા માટે ખૂબ જરૂરી છે.અનાયાસે, એ અણગમો આપણા મનમાં નકારાત્મક વિચારો લાવે છે, અને એ નકારાત્મકતા આપણી બધી જ સારી ઉર્જાને ખતમ કરી નાખે છે.કદાચ એ નકારાત્મકતા આપણી સકારાત્મકતાને જ રિમૂવ કરી નાખે.

વ્યક્તિગત રીતે આપણે સફળ જીવન માટે આપણા સંબંધોમાં પણ સ્કીપ કરવું અનિવાર્ય બની રહે છે. અંગત સાથેના સંબંધમાં પણ પોતાના અહમને સ્કીપ કરતાં રહીશું તો સંબંધોને સાચી રીતે જીવી શકાય અને સ્નેહસંબંધમાં આપણી અંગત અપેક્ષાઓને સ્કીપ કરી દઈએ તો જ મસ્ત રીતે જીવન પસાર થઈ શકે છે. ઘણી વખત આપણે સંબંધોમાં અમુક નજીવી બાબતોને સ્કીપ નથી કરી શકાતી અને એના ફળ સ્વરૂપે આપણા જીવનમાંથી એ સંબંધ કાયમ માટે સ્કીપ થઈ જતો હોય છે.

આપણા જીવનની બિનજરૂરી જરૂરીયાતોને સ્કીપ કરીશું તો પણ આપણા ઘણા બધા પ્રશ્નો ઉકેલી શકીશું.એમાં પણ જે જરૂરોયાતો કોઈ સાથેની સરખામણી દ્વારા ઉભી થાય છે, તેને વહેલી તકે સ્કીપ કરી લેવી. એ તો આપણા સ્વાભાવિક જીવનને પણ ડીસ્ટર્બ કરી દેતી હોય છે. જો આ એક વિકલ્પ સ્કીપ કરીશું, તો બીજા ઘણા બધા વિકલ્પો આપોઆપ સ્કીપ થઇ જશે.

જીંદગી એક વણથંભી દોડ છે, દોડવું ઘણું અનિવાર્ય બની રહે છે પણ દોડતાં દોડતાં વચ્ચે આવતા અવરોધો, માન્યતાઓ અને પૂર્વગ્રહોને આપણે પાર કરતા શીખવાનું હોય છે.પણ જે માફક નથી આવતું એને હમેંશા સ્કીપ કરવાનું રાખો. જો આપણે એ શીખી જઈશું તો આપણા ઘણા બધા પ્રશ્નો ઉકેલાઈ જશે. જીવનમાં જયારે પણ નિષ્ફળતા કે હાર મળે, તો હતાશા અને નિરાશાને જેટલું જલ્દી સ્કીપ કરીશું એટલી જલ્દી સફળતાનો સ્વાદ ચાખી શકીશું. નિષ્ફળતા તો દરેકના જીવનમાં કોઈને કોઈ તબક્કે આવે જ છે, તેમાંથી વ્યક્તિ શું લે છે? અને શું સ્કીપ કરે છે, એ જ બાબત તેની આગળની સફળતા પર આધાર રાખે છે.

નાનપણ તો લગભગ આપણા સહુનું સરખું જ હોય છે, વ્યક્તિ વિશિષ્ટ તો આગળ જઈને જ બને છે. પણ નાનપણને જયારે આપણે વિશિષ્ટ બનાવવા મથીએ છીએ, ત્યારે જ આપણે સામાન્ય વિચારોના થઇ જતાં હોઈએ છીએ. અને આ સામાન્ય વિચારોમાં સ્કીપ કરીને આગળ વધવું એ આપણને ઘણું અસામાન્ય લાગવા લાગે છે. હકીકતમાં આપણે સહુ સ્ટેટસ અને જરૂરિયાતોના ઢગલા નીચે એટલા દબાઈ ગયા છે કે જીવનનું સ્કીપનું બટન જ તૂટી ગયું છે. બધું જ જોઈએ, બધું જ આવડવું જોઈએ, બીજા કરતાં સારું જ જોઈએ અને હું કરું એ જ બેસ્ટ છે. આ બધા જ ભાવો આપણા મન પર કબ્જો જમાવી બેસી ગયા છે. એટલે જ કદાચ સ્કીપ કરવાનું જ સ્કીપ થઈ ગયું છે.

અંતે, આપણા જીવનમાં બાંધી રાખેલ માન્યતાઓને જડમૂળમાંથી સ્કીપ કરતાં શીખવું રહ્યું. માન્યતાઓ આપણે કોઈ પાસેથી લીધેલી હોય છે, જેને આપણે સાચી કે ખોટી એવું નક્કી કર્યા વિના અપનાવી લેતા હોઈએ છીએ અને આપણા પૂર્વગ્રહો એટલે એ માન્યતાઓ તરફની આપણી જડતા! અને હા, અમુક એવા આગ્રહો અને હઠાગ્રહો પણ પંપાળ્યા કરીએ છીએ જે આપણે જાતે ઊભા કરે છે જેની ખરા અર્થમાં કોઈ જરૂર છે જ નહીં. અમુક પ્રકારની આ તમામ જડતા આપણામાં છેક અંદર સુધી મૂળિયા નાખી જાય છે. જિંદગીમાં આપણે સૌ કોઈને કોઈ પૂર્વગ્રહો, આગ્રહો તેમજ મન સહજના હઠાગ્રહોથી તો પીડાતા જ હોઈએ છીએ.અને કદાચ એ બાબતો આપણે ઘણીવાર જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સ્કીપ કરી શકતા હોતા નથી.એટલે અંત સુધી જીવનને ખુલીને માણી શકતાં નથી.

ખરેખર તો જીવનમાં સ્કીપ ના કરી શકાય એવું કશું હોય તો એ છે આપણી મૌલિકતા, આપણી નિખાલસતા, સંબંધો પ્રત્યેની આપણી લાગણીઓ, આપણી સર્જનાત્મકતા અને સૌથી જરૂરી આપણી અંદરની કરુણા. બસ, જીવનમાં આટલું કાયમ જાળવી રાખીએ અને બાકી બધું જ સ્કીપ કરતાં જઈએ તો ઘણી ઉંચાઈ સુધી સુખની છલાંગ લગાવી શકાય. અશક્ય કે અઘરું જરાય નથી,એક વાર સ્કીપનું બટન દબાવીને તો જુઓ…!!!

🖊️રેખા મણવર….”સ્નેહ”

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

12 comments on “સફળતા તરફનો પ્રથમ પ્રયાસ….”જસ્ટ સ્કીપ””

  1. Superb like as usual 😊😊😊. It’s human’s main problem that they think that all things they came across is about them onlyyy… We always miss to skip unwanted things in life but we don’t understand that ultimately we are skiping our life’s moments for things which matters least in it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *