section and everything up till
*/ ?> સનેપાત - Shabdoni Sangathe

સનેપાત

જેવી રીતે આપણે જાણીએ છીએ કે માણસ એક સામાજિક પ્રાણી છે એટલે કે એ સ્પષ્ટ જીવન અને સાર્થક જીવનશૈલીમાં જીવી શકવા સક્ષમ છે. જ્યારે અન્ય કોઈ સજીવમાં કોઈ ને કોઈ ખામીઓ જોવા મળે જ છે. જેમ કે પશુ પંખીઓ બોલી નથી શકતા, એમની પાસે આપણા જેવી બુદ્ધિ નથી કે નવી નવી શોધ કરી શકે. ટૂંકમાં માણસ એક અજોડ પ્રાણી છે જે આપણા સૌ મનુષ્યો માટે ગર્વની બાબત છે. આદિમાનવથી શરૂ કરી માણસે જેમ જેમ જરૂરિયાત ઉત્પન્ન તેમ તેમ શોધ કરવાની ચાલુ જ રાખી છે. જેનું પરિણામ તમે આજના સમયમાં જોઈ જ શકો છો. દુનિયા ખૂબ મોટી છે એમાં ઘણા પ્રકારના લોકો રહે છે. બધાને અલગ અલગ વિભાગોમાં અલગ અલગ રીતે વર્ગીકૃત કરવા અશક્ય થઈ પડે. સ્વાદથી, રંગથી, કપડાથી, વિચારથી, બોલચાલથી, મનોભાવોથી ના જાણે કેટકેટલા ભિન્ન વિભાગોની સૂચિમાં માણસોને મૂકી શકાય. આજે કંઈક જુદા જ પ્રકારના માણસોની વાત છે કે જેને ‘સનેપાતિયા’ તરીકે ઓળખવામાં આવે છે.

 

આમ જોવા જઈએ તો દરેકમાં થોડોક સનેપાત તો હોય જ છે અને હા હોવો પણ જોઈએ પરંતુ અમુક હોય ને કે જેને ભૂખ તો ચાર રોટલીની લાગી હોય પણ જોશમાં ને જોશમાં દસ રોટલીનો ઓર્ડર આપી દે બસ આવા જ લોકો સનેપાતમાં પણ અતિશયોક્તિ કરીને બેઠા હોય છે. આવા લોકોને ઘડી ઘડી સનેપાત આવી જાય. રસ્તા પર ચાલતા ચાલતા જો કોઈ પથ્થર નજરે ચડી ગયો તો પછી તો પતી જ ગયું! એ પથ્થરને બિચારાને ઠેકડા મારી મારી એટલો આગળ લઈ જશે કે જેમ એ પથ્થરને સફળતાની સીડી સુધી ના લઈ જવાનો હોય! વળી પાછું જો લાતો મારી મારી પેટ ભરાય જાય તો એ પથ્થરને છોડવાનો તો નહીં જ, છેલ્લે એને એક જોરથી લાત મારી રસ્તાની નીચે પાડી દેવાનો. આ કરીને સનેપાતિયા લોકોને શું અનહદ આનંદ  થાય કે પૂછો જ ના. અમુકને અમથો અમથો સનેપાત ઉપડતો હોય. ચાલતા ચાલતા કોઈને ટપલી મારીને ચાલ્યા જાય, કોઈની પીઠ થબથબાવી ચાલ્યા જાય. શું એમના હાથમાં ખંજવાળ આવતી હશે?

કેટલાકને નવી નવી વસ્તુ લાવાનો સનેપાત હોય અને વળી તેનાથી વધુ તો વસ્તુ બીજાને બતાવવાનો! નવો મોબાઈલ લાવ્યા તો બધાને બતાવવા કેવો સનેપાત હોય; બસ કોઈનો ફોન ના આવ્યો હોય તો પણ અમથો અમથો ફોન કાઢી એનું લોક ખોલી અંદર એકાદ વાર સ્ક્રોલ કરી પાછો ફરીથી મોબાઈલ બંધ કરવો ત્યારબાદ જોવું કે સામેવાળો મને જોતો હતો કે નહીં. આ અલગ જ પ્રકારનો નશો કહેવાય. એનાથી વળી ઉચ્ચ કક્ષાનો સનેપાત કહીએ તો એ છે બાઇકનો. ઘણા નવયુવાન લોકોને અન્ય કોઈ છોકરીને જોતા ખબર નહીં કેવા પ્રકારનો સનેપાત ઉપડે છે કે એ તરત જ ઝડપ વધારી દે છે. આ તો સાઇલેન્સરનો અવાજ આવે છે એટલે તીવ્ર લાગે પણ જો કદાચ માનવમનનો અવાજ આવતો હોત તો આ પરિસ્થિતિમાં એ ઘણો જ તીવ્ર હોત! બાઇકને નજીકથી એકદમ સમમમ લઈને કાઢવાનો જે સનેપાત છે એ ખરેખર લાભદાયી છે અને ભૂલેચૂકે બ્રેક ના વાગી કે લપસી જવાયું તો તો અતિ ઉત્તમ. શું યાર તમને સ્વર્ગની સીડીઓ પૃથ્વી પર દ્રશ્યમાન થઈ જાય અને જો બચી ગયા તો પછી એકાદ પગ કે હાથમાં સનેપાત નાબૂદ થઈ ચૂક્યો હશે.

 

સનેપાત એ કઈ યુવાન કે કોઈ ચોક્કસ વ્યક્તિમાં નથી હોતો એ બાળપણથી જ આપણી જોડે વિકસિત થઈ જાય છે. નાના બાળકો કે જે ભણવા જાય છે તો ત્યાં પણ સનેપાતના દર્શન થાય જ છે. શું તમારા ક્લાસમાં કોઈ એવો વિદ્યાર્થી નહોતો કે જે હંમેશા સાહેબ કે બેનનો આજ્ઞાકારી બાળક હોય કે જે સાહેબ પ્રશ્ન પૂછતાની સાથે જ જવાબ આપવા ઉછળકૂદ કરતો જ હોય! કે પછી એવો કોઈ કે જેની જોડે નવી પેન્સિલ કે નવો કંપાસ ને નવી બોટલ હોય. એ ફરી ફરીને એ વસ્તુઓ બતાવવા પ્રયત્ન કરશે અને મનોમન ખુશ થશે બસ આ એક પ્રકારનો સનેપાત જ છે.

 

આશા એટલી જ કે તમારામાં આમ જ સનેપાત વિકસતો રહે તથા એ સર્વોચ્ચ શિખરો સર કરે એવી અભ્યર્થના જેથી બીજા લોકોને હસવાનું માધ્યમ મળી રહે. અંતે એક પંક્તિ કે

“ના જોઈએ મારે એકેય પણ વાત.
બસ હવે તો જે છે એ છે સનેપાત.
ગધેડું મારે તો હું પણ મારીશ લાત,
કેમ કે મારામાં છે પોતાનો સનેપાત.”

-આદર્શ પ્રજાપતિ

3 comments on “સનેપાત”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *