section and everything up till
*/ ?> શ્રેષ્ઠ બનવું કે ઉત્તમ? - Shabdoni Sangathe

શ્રેષ્ઠ બનવું કે ઉત્તમ?

શ્રેષ્ઠ અને ઉત્તમ વચ્ચેનાં તફાવતની ક્ષિતજ જેને દેખાઈ જાય તે વ્યક્તિને પોતાનું જીવન એક સુંદર રીતે જીવવાની રીત મળી જાય. શ્રેષ્ઠ બનવું એટલે અન્ય લોકોથી વધુ સમૃદ્ધ બનવું. કોઈ હરીફાઈ હોય તો તેમાં પોતાના પ્રતિસ્પર્ધી વ્યક્તિઓથી ફક્ત આગળ નીકળવા માટે જ પ્રયાસ કરવા. નહીં કે પોતાની આવડતને ઉજ્જવળ બનાવવના પ્રયત્નો કરવા. શ્રેષ્ઠતા એટલે સરખામણી. શ્રેષ્ઠ બનવાની હોડમાં વ્યક્તિ કેટલું શીખ્યો, શું શીખ્યો? તે મહત્વનું નથી પણ અન્ય લોકોથી કેટલું વધારે પ્રાપ્ત કર્યું એ અગત્યનું બની જતું હોય છે. ટૂંકમાં પોતાની આવડતને અન્યોની આવડત કરતાં વધુ સારી સાબિત કરવાના પ્રયાસો એટલે શ્રેષ્ઠતા. એમાં ભલે પોતાને કંઈ શીખવા મળે કે ન મળે. શ્રેષ્ઠ બનવાની ઈચ્છા જ્ઞાનપ્રાપ્તિને પણ સ્પર્ધા બનાવી દે છે.

પણ જે વ્યક્તિ શ્રેષ્ઠ બનવાની ભાગદોડને છોડીને ઉત્તમ બનવાનાં પ્રયાસ કરે તો પોતાના જીવનમાં જે ઈચ્છે તે પામી લે છે. કેમ કે ઉત્તમ બનવું એટલે અન્યો સાથેની હરીફાઈના વમળમાંથી બહાર નીકળીને પરિપૂર્ણતાનાં સળંગ રસ્તે ચાલવુ. ઉત્તમ બનવાનાં માર્ગ પર હરીફાઈ તો હોય જ છે પણ એ હરીફાઈ અન્ય લોકો સાથે નઈ પરંતુ પોતાની જાત સાથે. ભૂતકાળમાં જે-જે ભૂલ થઈ હોય તે ભૂલોને સુધારવી, પશ્ચાતાપની અગ્નિમાં તપીને પોતાની જાતને વધુને વધુ ઘસીને તેજસ્વી બનાવવી અને સરખામણી કરવાની ભાવનાને છોડીને ફક્ત ઉત્તમ બનવાનાં પ્રયત્નો કરનાર વ્યક્તિ જ પોતાની ઈચ્છા મુજબનું જીવન જીવી શકે છે. બાકી શ્રેષ્ઠતાની ઈચ્છા ધરાવનાર તો ફક્ત સ્પર્ધા માટે જ જીવી જાણે છે.

નાનપણમાં કાચબા અને સસલાવાળી વાર્તા તો બધા એ સાંભળી જ હશે. એમાં સસલાને પોતાની ઝડપનો અહંકાર હતો. અને કાચબાને પોતાની જાત પર આત્મવિશ્વાસ. એટલે જ કાચબાની ધીમી ગતિને સામાન્ય બાબત ગણીને સસલું સૂઈ રહ્યું અને કાચબો દોડ જીતી ગયો. આ વાર્તાના સંદર્ભથી જ શ્રેષ્ઠ અને ઉત્તમ વચ્ચેનો તફાવત સરળતાથી સમજી શકાય. સસલું પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવામાં રહ્યું, જ્યારે કાચબો ફક્ત પોતાના સ્વાભિમાન માટે અને પોતાની ક્ષમતાને વધુ નિખારવા માટે જ હરીફાઈમાં દોડી રહ્યો હતો. કાચબો જીત્યો કારણ કે તે ઉત્તમ બનવાનાં માર્ગ પર ચાલ્યો. અન્યને પરાજિત કરવાની ઈચ્છાથી નઈ પણ પોતાના સંતોષ માટે હરીફાઈમાં પોતાનું યોગદાન આપ્યું હતું. જ્યારે સસલાને એમ જ હતું કે હું તો શ્રેષ્ઠ જ છું મને કોણ પરાજિત કરવાનું?.

પોતાની શ્રેષ્ઠતા સાબિત કરનારાઓને કાયમ માટે અસંતોષ જ રહે છે. કેમ કે તેઓ અન્યો સાથે હરીફાઈ કરે છે. અને બીજા સાથેની હરીફાઈનો કદીય અંત આવતો નથી. ગઈકાલે જે શ્રેષ્ઠ સ્થાન પર હતું તો આજે એનું સ્થાન કોઈ બીજું લઈ લેશે અને આવતીકાલે કોઈ ત્રીજું. સત્તા પામવાની લાલસામાં અમુક વાર ખુદને જ ખોઈ બેસાય છે. અન્યો કરતા વધુ શ્રેષ્ઠ બનવા જઈએ તો અંતે પોતે જ ક્યાંક અંટવાઈ ગયા હોય એવું પણ બને. ઉત્તમતાની અભિલાષા આનાથી તદ્દન વિપરીત છે. વ્યક્તિ પોતાના સાથે જ હરીફાઈ કરે છે અને પોતે જ જીતે છે. દરેક વાર જીતે છે. કદીય હારતો નથી. કારણ કે ઉત્તમ વ્યક્તિ પોતાના સિવાય અન્ય કોઈને પણ પ્રતિસ્પર્ધી માનતો નથી. પોતાના સાથે જ હરીફાઈ કરીએ તો ભૂતકાળમાં જે હતું એનાં કરતાં વધુ ધારદાર વ્યક્તિત્વ દિવસે ને દિવસે બનતું જાય છે.

શ્રેષ્ઠ વ્યક્તિ “સ્વાર્થી” બનતો જાય છે અને ઉત્તમ વ્યક્તિ “પરમાર્થી” બનતો જાય છે. તમે કોઈ પણ સ્પર્ધામાં ભાગ લો અને તમારાં મનમાં એવું થાય કે, “ફલાણા ભાઈએ/બેને સ્પર્ધામાં ભાગ ન લીધો હોત તો હું ચોક્કસ જીતી જાત.”તો સમજવું કે તમે શ્રેષ્ઠતાનાં વર્તુળમાં ઘેરાયેલા છો. બીજાની ઉત્તમ અભિવ્યક્તિથી તમને ઈર્ષ્યા થાય છે. અને આ વલણ તદ્દન ખોટુ છે. તેનાથી ફક્ત ઈર્ષ્યા અને સ્વાર્થની પ્રગતિ થશે તમારા વ્યક્તિત્વની નહીં. અને જો તમને આ વખતે મનમાં એવું થાય કે, “જે-તે સ્પર્ધાથી મને ઘણું બધું જાણવા મળશે અને ભૂતકાળમાં મારામાં જે ખોટ હતી તે હવે પૂરી થશે.” તો સમજવું કે તમે એક ઉત્તમ વ્યક્તિ છો. ઉત્તમ વ્યક્તિ પરિપૂર્ણતા પામવાના માર્ગ પર આપોઆપ ચાલવા લાગે છે. અને એનું વ્યક્તિત્વ નિર્મળ અને નિઃસ્વાર્થી બનતું જાય છે.

શ્રેષ્ઠતાનાં માર્ગ પર ક્યારેય સફળતા મળતી નથી અને જો મળે તો પણ એ ક્ષણિક જ હોય છે. વ્યક્તિનો અસંતોષ કાયમ માટેની સફળતા છીનવી લે છે. જ્યારે ઉત્તમતાનાં માર્ગ પર ચાલનાર વ્યક્તિને સફળતા પાછળ દોડવાની જરૂર જ નથી. એની પાસે સફળતા સામેથી જ આવીને દ્વાર ખખડાવે છે. આજના આધુનિક યુગમાં પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિ એટલી બધી ચરમસીમાએ પહોંચી ગઈ છે કે મનુષ્યનાં જીવનમાંથી ‘સંતોષ’ શબ્દ
નામશેષ થઈ ગયો છે. અસંતોષના બીજ માંથી જ દુઃખ, ચિંતા અને તણાવ જન્મે છે. ભારતમાં ૪૩% ભારતીયો હાલ તણાવમાં પોતાનું જીવન “કાપે” છે. આનું કારણ શ્રેષ્ઠ બનવાની તીવ્ર અભિલાષા છે.

મનુષ્ય લક્ષ્ય મેળવવા માટે એટલો બધો આંધળો બની જાય છે કે એ સફરનો આનંદ જ ચૂકી જાય છે. ઝડપથી લક્ષ્ય મેળવવાની લાલસામાં એ ઝડપથી દોડે છે અને એ યાત્રાની મજા ચૂકી જાય છે.
કાચબાની જેમ ધીમે ધીમે ચાલીએ તો પણ લક્ષ્ય તો મળે જ છે. સાથે સાથે એ સફરનો ઉલ્લાસ માણવા પણ મળે છે. આ વિષય અંગે હૃદયમાં બે પંક્તિઓ ગુંજે છે………

“ઝડપથી દોડ્યા તો એ યાત્રાનો ઉલ્લાસ હારી ગયા,
પા પા પગલી ચાલ્યા તો યાત્રાની મોજ જીતી ગયા.”

ટૂંકમાં, બીજા સાથે હરીફાઈ કરવા માટે નઈ પણ પોતાની જાત સાથે હરીફાઈ કરવા જીવવું. ઉત્તમ વ્યક્તિ શ્રેષ્ઠ બની શકે છે પણ શ્રેષ્ઠ વ્યક્તિ કદીય ઉત્તમ બની શકતો નથી. ઉત્તમ વ્યક્તિ આજે નઈ તો કાલે પોતે ઈચ્છેલુ તમામ પામી લે છે. માટે હંમેશ ઉત્તમ બનવાનાં જ પ્રયાસ કરવા કારણ કે ઉત્તમનું પરિણામ અતિઉત્તમ જ મળે છે. અને અતિઉત્તમથી ઉત્તમ બીજું કશું જ નથી.

🖊️Disha Patel

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

6 comments on “શ્રેષ્ઠ બનવું કે ઉત્તમ?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *