section and everything up till
*/ ?> રભાની ફાંદ - Shabdoni Sangathe

રભાની ફાંદ

પ્રકરણ ૧૪ – રભાનું રાજકારણ

સાંજે ક્લાસીસ પૂરા કરી ઘર તરફ આવી રહ્યો હતો તો ત્રણ ચાર અલગ અલગ ટેમ્પો સોસાયટી તરફ જતા દેખાયા. મનમાં વિચાર્યું કોઈના લગ્ન કે વેવિશાળ તો છે નહીં. આપણાં ફાંદાસુરના લગ્નને પણ હજી એક વર્ષની વાર છે. તો આટલા બધા ટેમ્પો સોસાયટી તરફ કેમ? મનમાં ઊંડે ઊંડે ફાળ તો પડી કે રભા કે રભાની ફાંદના તો કોઈ કારનામાં નથી ને! હવે તો આખા શહેરમાં રભા કરતાં એની ફાંદ વધારે ચર્ચામાં હોય છે. એમાં પણ દસ દિવસ પહેલા જે સોનાની પોચી માટે રામાયણ થયેલી એમાં ખાઈ ખાઈને આ ફાંદાસુરની ફાંદ જેટલી ઘટી હતી એના કરતાં ત્રણ ગણી વધી ગઈ છે.

“આ આટલા બધા મંડપ અને બધો સામાન કઈ બાજુ?” ટેમ્પોવાળો સિગ્નલ પર ઊભો રહ્યો એટલે મે એને સહજતાથી પૂછી લીધું.
“નળ કમળ સોસાયટી.” એણે પાનની પિચકારી મારતા કહ્યું.
“નીલ કમલ સોસાયટી નળ કમળ નહીં.” મે એને સુધારતા કહ્યું.
“માસ્તર લાગો.”
“હા, તમને કેમ ખબર?” મને લાગ્યું કે હું આટલો બધો પ્રખ્યાત શું વાત છે?
“ભૂલ સુધારવાની આદત, ચાલીસ સેકન્ડના સિગ્નલમાં પણ તમે ભૂલ સુધારવા લાગ્યા અને ઉપરથી તમારો પંચાતીઓ સ્વભાવ એટલે લાગ્યું કે માસ્તર હશો.” એણે બીજી પિચકારી મારી.
“પંચાતીઓ નહીં ભાઈ, હું એ જ સોસાયટીમાં રહું છું તો કદાચ તમને ના મળે તો સાથે આવું એટલે પૂછ્યું.”

સિગ્નલ ખૂલ્યું એ મને જવાબ દીધા વગર સોસાયટી તરફ વળ્યો. હું પણ પાછળ પાછળ સોસાયટીમાં આવ્યો. અંદર જતા જ જોયું તો સોસાયટીના બગીચામાં લાઇટો લાગેલી, દરેક મકાનોમાં ચાઇનીઝ સિરીજ લબૂક ઝબૂક – લબૂક ઝબૂક ચીનાની આંખો ખોલ બંધ થાય એમ થતી હતી. આખી સોસાયટી જાણે કોઈના લગ્ન હોય એમ સજી ધજીને તૈયાર હતી. મે મારી ગાડી પાર્ક કરી. ટિફિન લીધું અને ઘર તરફ જતો જ હતો ત્યાં પાછળથી રાડુ દેકારા સંભળાયા.

“જીતશે ભાઈ જીતશે રભાની ફાંદ જીતશે.”
“સવાર સાંજ જલેબી અને ફાફડા અને પાંચ વર્ષ રભાભાઈ ફાંદાળા.”
“એક.. બે.. ત્રણ.. ચાર રભાની ફાંદની જય જયકાર.”

પાછળ નજર કરી, આગળ રભો મંડપ બની જાય એટલા મોટા સફેદ કુર્તામાં, ગળામાં ફાંદ દોરેલા મફલર, માથે ફાંદ દોરેલી નહેરુ ટોપી, પાછળ મારો ભત્રીજો, સોસાયટીના રમેશભાઈ, કાળુદાદા, લીલાબેન, અરજણભાઈ, પારૂલબેન અને બીજા દસ બાર લોકો. જેમ જેમ એ રાડુ ને દેકારા નજીક આવ્યા એમ એમ સમજ આવી કે રભો હવે રાજકારણમાં જવાનો લાગે. મે મનોમન નક્કી જ કર્યું કે એ મને પકડે એ પહેલા ટિફિન લઈને ઘર ભેગા થઈ જાવ પણ જેમ દાળ ભાતમાં દાળ ભાતને પકડે એમ રભાએ મને પકડી લીધો.

“સવારનો તમને ફોન કરું છું? કેમ મારો ફોન નથી ઉપાડતાં?” સફેદ કુર્તામાં એક સાથે સો રસગુલ્લા મને પૂછતાં હોય એવો રભો લાગતો હતો.
“આજે બેંકના ઘણા કામ હતા, ઉપરથી મેડમ ક્લાસે હતા નહીં તો બધા લેકચર મારી ઉપર જ હતા, બે – ત્રણ પેરેન્ટ્સ મળવા આવ્યા હતા તો આજે ફોન જોવાનો સમય જ નથી મળ્યો.”
“તો આ બપોરના સાડા ત્રણ વાગે વોટ્સેપ સ્ટેટ્સ ચડ્યું એનો સમય મળ્યો તમને? મારો ફોન ઉપાડવાનો નહીં.” રભાએ મને રંગે હાથ પકડી લીધો.
“એ તો આમ ભૂલ ભૂલમાં. એ બધુ છોડ આ શું છે બધુ?” મે જાણતા અજાણ બની સવાલ કર્યો.
“જનતાની સેવા, બઉ કમાયા, બઉ રખડી લીધાં અને બઉ ફાંદ વધારી ઘટાડી લીધી હવે બસ જનતાની સેવા કરવી છે.” રભાએ વધેલી એની ફાંદ પર હાથ ફેરવતા કહ્યું.

“રભલા ફાંદાળા, આ તે રવજીભાઈને આજે બીલ ચૂકવ્યું નહીં? ક્યારનો એ ફોન પર ફોન કરે છે, એક તો કમાણી નથી ને આ શું સર્કસ લઈને નીકળી પડ્યો છે? શું ધતિંગ છે આ બધા? શું બઉ કમાયા? શું રખડ્યા? ક્યારેય ભરૂચથી આગળ ગયો છે? આ કેટલાંયના દેવાના બાકી છે ને બઉ કમાયાની કરે છો.” રભાના બાપા નવો લેંઘો લઈને ઊભા ઊભા રભા પર બગડ્યા.

“બાપા, દરેક મહાપુરુષના પિતા આમ જ ગુસ્સો કરતાં જ્યારે એ કાંઇપણ મહાન કામ કરવા આગળ વધે. તમે પણ એ જ કરો છો. ભાઈઓ બહેનો 2022માં આપણી જીત હવે પાક્કી છે.”

“જીતશે ભાઈ જીતશે રભાની ફાંદ જીતશે.”
“સવાર સાંજ જલેબી અને ફાફડા અને પાંચ વર્ષ રભાભાઈ ફાંદાળા.”
“એક.. બે.. ત્રણ.. ચાર રભાની ફાંદની જય જયકાર.”

“પણ રભા ચુંટણી લડવા માટે અનુભવ જોઈએ, રાજકારણ વિશેની સમજ જોઈએ. આમ મંડપ નાખી દો તો ચુંટણી ના લડાઈ જાય. લોકોના પ્રશ્નો સાંભળવા પડે, દિવસ – રાત કામ કરવું પડે, ખાવા પીવાનું છોડીને લોકો સુધી ખાવાનું પહોંચાડવું પડે.” મે મરણિયો પ્રયાસ કર્યો રભાને સમજાવવાનો.

“કાકા, રભાકાકાએ બધી વ્યવસ્થા કરી છે. સવારથી અમે ઘણી સેવા કરી આવ્યા છીએ. જોવો આ ફોટા, મે જ રભાકાકાને આઇડિયા આપ્યો કે સેવા ઓછી કરો પણ દેખાડો વધારે કરો. આપો એક ને પણ બતાવો દસને. આજે રભાકાકાએ નવી સાત નાસ્તાની લારી પર નાસ્તો કરીને એ બધાને ખૂબ મદદ કરી છે. અહિયાં જો ચાર મંડપ નખાશે, એકમા કાર્યાલય બનશે, બીજામાં દાળપૂરી, ત્રીજામાં પાણીપૂરી, ચોથામાં મીઠાઈઓ અને ફરસાણ. રોજ સવાર, બપોર અને સાંજે રભાભાઈની ફાંદ તરફથી જે કોઈ ફાંદને મત આપશે એમને અનલિમિટેડ નાસ્તો સાથે પાણીના પાઉચ ફ્રી.” મારા ભત્રીજો જાણે વ્યવસ્થાપક હોય એમ રટ્ટુ પોપટની જેમ બોલી ગયો.

“હા માસ્તર, અમસ્તા આપણે ત્યાં ભૂખી જનતા વધારે છે. એને ત્રણ ટાઈમ જમાડો એટલે મતનો વરસાદ.” રભાએ ફાંદવાળું મફલર સરખું કરતાં કહ્યું.
“રભા, મેગી ખાલી બોલવામાં જ બે મિનિટમાં બને બાકી એને બનતા પણ પંદર વીસ મિનિટ થાય એમ જ આ રાજકારણ છે, પક્ષ બનતા બે મિનિટ થાય પણ જીતવામાં બે જન્મ જતા રહે.”
“મારી પાસે જીતવાની પૂરે પૂરી ફોર્મુલા છે.”
“એમ શું છે એ ફોર્મુલા?”

“જોવો આ જે સેવાના ફોટા બધા પાડ્યા છે એ વાયુવેગે ફેલાવી દેશું અને મુખ્ય ફોર્મુલા મારા કોઈ જૂના વિડીયો લઈને એને વાઇરલ કરવાના અને એમાંથી નાની એવી વાત પકડી મારા જ સમર્થકોને કહીને વાતનું વતેસર કરી નાખવાનું. શરૂઆતમાં જ નજરમાં આવવા માટે જો મે અરજણભાઈને પાર્ટીમાં લઈ લીધા છે એ ડાયરો કરે છે, આ રમેશભાઈ આપણાં શહેરના નામાંકિત ઉધ્યોગપતિ, આ તમારો ભત્રીજો યુવા જે ગમે તે બોલી દે છે. અને આ બધા કરતાં પણ વિશેષ આમ સાઇડમાં આવો તમને જીતવાનું બ્રહ્માસ્ત્ર કહું.” રભો મને સાઇડમાં લઈ ગયો. “આવતીકાલે હું પ્રચાર કરવા નિકળીશ એટલે મારા જ સમર્થકો એકબીજા પર ખોટે ખોટો હુમલો કરશે, ગાડીઓના કાંચ ફોડશું અને મિડિયા બોલાવીને ધમાચકડી બોલાવશું એટલે લોકોની નજરમાં આવી ગયા. બસ પછી ગાડી ઉપડી પડશે.” રભાએ કોઈ ફિલ્મ જોઈ હોય એમ બધી વાત કરી.

“રભા આ સાચું જીવન છે આવી ફિલ્મી વાતોથી ચુંટણી ના જીતાઈ. મને એમ કહે તને આ ભૂત વળગ્યું ક્યાંથી?”
“રિંકીના પપ્પા આવ્યા હતા એમણે મને કહ્યું કે રિંકીને રાજકારણ ખૂબ ગમે, નેતા જોવા ખૂબ ગમે એટલે બસ મારી રિંકીને જે ગમે એ હું કરવાનો અને મારા સસરા પણ મને આર્થિક રીતે સહકાર આપે છે. આ બધો ખર્ચો એ ઉપાડવાના છે. એ અમારા મુખ્ય દાતા છે.”

“વધારે પડતું જમાઈ ગયું છે? ફાંદમાં રહેલો ગેસ મગજમાં ચડી ગયો છે? રિંકીને નેતા ગમે એટલે તું નેતા બની ગયો, કાલે સવારે એ કહેશે કે મને સાઉથના ફિલ્મોમાં ગુંડા હોય એ ગમે તો તું એ બની જઈશ? તારું ખુદનું કાંઇ અસ્તિત્વ છે કે નહીં? રિંકી આવી ત્યારથી બસ રિંકી આમ રિંકી તેમ. આમ તારી ધમધોકાર ચાલતી દુકાનને તાળાં મારવાના વારા આવી ગયા છે. તારા બાપા નિવૃત થવાની ઉમરે દોડાદોડી કરે છે. સમાજ સેવા કર પણ પોતાના ભોગે સેવા? આ તો એમ જ થયું કે ભાવતું નથી છતા ભૂખ લાગી હતી એટલે જમી લીધું. જરા વિચાર કર તું કોને લઈને નીકળી પડ્યો છે, આ અરજણભાઈ એ ક્યાં સુરમાં ગાઈ છે એ ખુદ નથી જાણતા, આ રમેશભાઈ ગામનું કરી કરીને ચાર મહિના ગામડે જતા રહ્યા હતા, આ મારો ભત્રીજો જે તારી મજાક ઉડાવે. દેશને યુવા નેતાની જરૂર છે પણ તારી જેવા જો યુવા નેતા ફાટી નીકળશે તો દેશની હાલત હવાઈ ગયેલા પાપડ જેવી થઈ જશે.” મે છેલ્લો પ્રયાસ કર્યો રભાને સમજાવવાનો.

“માસ્તર, તમારી ભૂલ છે.”
“મારી શેની ભૂલ ભાઈ?”
“મે તમને સવારના આટલા ફોન કર્યા જો ત્યારે જ મારો ફોન ઉપાડી મને આમ સમજાવ્યો હોત તો આટલી ભાગાદોડી ના કરેત હું. હવે હું શું કહું છું મંડપ નખાઈ ગયા છે, ચુંટણી ગઈ તેલ લેવા પણ ગરમા ગરમ તેલમાં પૂરી તળાઈ છે તો દાળપૂરીનું માન જાળવી લઈએ અને પછી ચોખ્ખા ઘી ની જલેબી જેથી મારા સસરાને ખોટું ના લાગે કે એણે ખર્ચો કર્યો અને આપણે કાંઇ વાપર્યુ નહીં.”

આખી સોસાયટીએ ભેગા મળી રિંકીના પપ્પાની મહેરબાનીથી ઉજાણી કરી, ફાંદતો ચુંટણી ના લડી પણ વગર લડે ફાંદ લોકોના પેટ ભરી ગઈ.

🖊️સુનિલ ગોહિલ “માસ્તર”

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

5 comments on “રભાની ફાંદ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *