section and everything up till
*/ ?> રભાની ફાંદ - ૯ (રભાની રિંકી) - Shabdoni Sangathe

રભાની ફાંદ – ૯ (રભાની રિંકી)

“એ બે જ છોકરી હતી આખી દુનિયામાં? આવી રીતે આમ તું કાંઇ હતાશ થઈ જા એ થોડું ચાલે? માંડ કરીને સામેથી આવ્યું છે માંગુ, પગે પડું રભલા માની જા ને? એક વાર જોઈ તો લે, આપણે ક્યા તરત હા પાડી દેવાની છે.” મે રભાની આગળ પાછળ ફરતા ફરતા કહ્યું.

“ના એટલે ના માસ્તર. હું મારી ઇજ્જત ત્રીજીવાર કાઢવા નથી માંગતો. પેલા અનુરાધા પછી કરિશ્મા અને હવે તમે લઈ આવ્યા આ રિંકી. નામ સાંભળીને જ મન મરી ગયું. એવું લાગે કે હું નાની છોકરીને ચોકલેટ લેવા લઈ જાવ છું.” રભાએ ત્રીજી ગુલફી મોઢામાં નાખતા કહ્યું.

“કાકા, સાચું જ કહે છે રભા કાકા ક્યા આ ફાંદાસૂર અને ક્યા ઇંદ્રલોકની અપ્સરા. તમે લખીને લઈ લો આ છોકરી રભા કાકાનું મોઢું જોયા વગર જ ના પાડી દેશે.” મારા ભત્રીજાએ છોકરીનો ફોટો જોતા જોતા કહ્યું.

“કેમ મારા મોઢામાં શું તકલીફ છે? યાદ છે ને મારુ મોઢું જોઈને જ મને લાશનો રોલ મળ્યો હતો.” રભાએ અકડાઈને કહ્યું.

“મોઢામાં કાંઇ તકલીફ નથી પણ નજર મોઢા સુધી પહોંચવી તો જોઈએ ને વચ્ચે આટલી મોટી ફાંદ આવી જાય એ જોતા જ એમ લાગે કે આગળ કાંઇ ભલીવાર નહીં હોય.” મારા ભત્રીજાએ રભાની ફાંદ પર હાથ મૂકીને કહ્યું.

“માસ્તર, હવે આજે મને ના રોકતા. આજે આ બટુક ગયો મારા હાથે.”

“રેવા દો.. રેવા દો.. હું તો કાંઇ ભાગી જઈશ પણ તમે મારી પાછળ આવશો એમાં મારા કાકાએ બીજા દસ લોકોને તમારી પાછળ તમને લેવા મોકલવા પડશે. એમાં આ અગાસીનો દરવાજો સાંકડો છે ખોટી મને પકડવામાં તમારી ફાંદ ફસાઈ જશે તો અત્યારે અમારે જે. સી. બી ક્યા શોધવા જવા.”

“એ ચૂપ! તું ઉપડ નીચે હાલ, મને રભા સાથે વાત કરવા દે.” મે મારા ભત્રીજાને ખિજાઈને નીચે મોકલ્યો.

એ જતા જતા બોલતો ગયો, “નીચે આવવામાં ફસાઈ જાવ તો કહેજો મારા ફ્રેન્ડના પપ્પા જે. સી. બી અને ક્રેન બન્ને ચલાવે છે.”

મને હસવું આવ્યું પણ રભાની આંખોમાં ગુસ્સો જોતા મે મારા પર કંટ્રોલ રાખ્યો.

“માની જા ને રભા, હવે તારી ઉમર થઈ છે લગ્નની અને શું મને ઈચ્છા ના હોય કે હું મારા પરમ મિત્રના લગ્નમાં નાચુ, રૂમાલ મોઢામાં નાખીને નાગિન ડાન્સ કરું.”

“માસ્તર, હવે તમે આમ ઇમોશનલી બ્લેકમેલ ના કરો. રિંકી.. પણ આવું નામ સાવ? તમે જ વિચારો કાર્ડ પર કેવું લાગે? રભેશ વેડ્સ રિંકી.”

“તો એમાં રિંકીનો શું વાંક? તારું નામ આવું જૂના જમાનાનું છે એમાં?”

“બેટા, આ રભલો કાંઇ નહીં માને કોઈનું. મારો રોયો સમજતો જ નથી, હવે મારી પણ ઉમર થઈ ક્યા સુધી એને મારા હાથની રસોઈ જમાડું? એને એમ ના થાય કે બાપને આરામ આપીએ? ખબર નહીં ક્યા જન્મનો બદલો લે છે મારી સાથે. અહિયાં આની ફાંદ ભરતા ભરતા મારી કમર જતી રહી છે.” રભાના બાપા એ જ નાડા વગરનો લેંઘો પકડતા પકડતા બોલ્યા.

“એ કમર ઓછી નથી થઈ, લેંઘામાં નાડુ નથી. તમારા લેંઘાના નાડા માટે હું લગ્ન કરી લઉં એમ? હું તો આમ જોવો તો કંટાળ્યો જ છું, કરી જ લેવા છે મારે લગ્ન. માસ્તર, આ મારા બાપા કહે છે ને એ રસોઈ કરે છે, સાવ ખોટું. છેલ્લા એક અઠવાડિયાથી ફુલાવરનું શાક ખવડાવે છે, હવે તો મને આમ ફુલાવર જોવ તો મારા બાપા જ દેખાઈ છે. તમે મિટિંગ ફિક્સ કરો, કરી જ લઈએ લગ્ન હવે તો. આ ફુલાવરમાંથી તો છુટકારો મળે.”

“હું એ જ ક્યારનો વિચારું છું કે આ ફુલાવરની ગંધ આવે છે ક્યાથી?”

“એ ફાંદમાંથી ફુલાવર ફૂટતું હશે કાકા. ફાંદને પણ વેરાયટી જોઈએ ને! પહેલા બટેટાનો બ્લાસ્ટ થતો હવે ફુલાવરનો.” મારો ભત્રીજો પાછો આવ્યો.

“એલા તું પાછો આવ્યો. જા તો અહિયાથી બાકી હવે મારી ફાંદથી એક ટક્કર મારીશ.”

“વાંધો નહીં આવા દો, મારે જમ્પિંગ થઈ જશે. એ જમ્પિંગ જપાંગ.. જમ્પિંગ.. જમ્પિંગ.” ભત્રીજો ગાતો ગાતો ભાગી ગયો.

મે રભાને કંટ્રોલ કર્યો. રભાના બાપા સાથે મે બધી વિગતે વાત કરી અને આવતા રવિવારે છોકરીના ઘરે જવાનું નક્કી કર્યું. રવિવાર આવ્યો અને રભાને તૈયાર કર્યો, સરસ મજાનો તંબુ સાઇઝનો કુરતો પહેરાવ્યો.

“રભલા, તને બે હાથ જોડું છું છોકરીના ઘરે જઈને ખાવામાં લિમિટ રાખ જે. જેવો છો એવો વર્તાઇ ના આવતો. માંડ કરીને એ લોકોએ હા પાડી છે જોવા આવવા માટે.” રભાના બાપા લેંઘામાં નાડુ નાખતા નાખતા બોલ્યા.”

“મે પેટ ભરીને નાસ્તો કરી લીધો છે. બાપા, તમે થેપલા જ એવા જોરદાર બનાવ્યા હતા અને સાથે ગોળ કેરીનું અથાણું.”

“એક દિવસ તો ખાવાની વાત છોડ. તારા જીવનમાં આગળ વધવાની વાત ચાલે છે અહિયાં પણ તારે થેપલા ને ગોળ કેરી હદ છે હો રભા તારી.” મે ચિડાઈને કહ્યું.

“બોવ કરી માસ્તર, તમે તો બઉ નાની વઉની જેમ રિસાઈ જાવ છો. હવે હું કાંઇ ખાવાનું બોલીશ જ નહીં બસ.”

મને એ અશક્ય લાગ્યું છતા મે વધારે ધડ ના કરી. રભાએ એના બાપાના જમાનાની કાર કાઢી જે એ વર્ષના વચલા દિવસે જ વાપરતો.
ભગવાનના આશીર્વાદ હતા કે ગાડી રભાના બાપાના નાડા વગરના લેંઘા જેવી ના નીકળી. અમે હેમ ખેમ છોકરીવાળાને ત્યાં પહોંચ્યા. છોકરીના મમ્મી – પપ્પાએ આમારુ ભાવભર્યું સ્વાગત કર્યું. રભો મારી બાજુમાં જ બેઠો. થોડીવાર માટે તો અમે અલક – મલકની વાતો કરી. રભાએ મને ઠોહો માર્યો,

“શું છે?”

“માસ્તર, ગરમા ગરમ સમોસાંની સુગંધ આવે છે.”

“જીભ ભરવીને બેઠ અત્યારે, કાંઇ આડો અવળો ના થતો. અહિયાં બધુ નિર્વિઘ્ને પતવા દે પછી તને તાહડો ભરીને સમોસાં ખવડાવીશ.”
રભાએ માંડ માંડ કંટ્રોલ કર્યો. થોડીવાર રહીને છોકરી આવી. છોકરીને જોતા લાગ્યું કે જો કદાચ આ બન્નેનું નક્કી થાય તો સર્વ શ્રેષ્ઠ કજોડાનો ઍવોર્ડ આ બન્નેને જ મળે. રભો અમારે ફાંદાસૂર ને આ રિંકી સામે વિટામિનની ઉણપ હોય એવી. એણે પટિયાલા ડ્રેસ પહેર્યો હતો કે પટિયાલા ડ્રેસએ રિંકીને સાચવી હતી સમજાતું ના હતું. રભો એક શ્વાસ લે તો આ બે મકાન ઠેકી જાય એટલી પતલી છોકરી. મને તો એમ જ હતું કે આમાં કાંઇ મેળ પડે એવું લાગતું નથી. મોટું પતલુંની જોડી તો જોયેલી જ પણ આ જોડી જોવી જ કેમ એમ થવા લાગ્યું!

“છોકરી – છોકરાને વાત કરવા મોકલી દઈએ, એકબીજા વિશે જાણી લે.” રિંકીના પપ્પાએ કહ્યું.

રભો અને રિંકી બન્ને બાજુના રૂમમાં વાત કરવા ગયા.

“જોવો રિંકીબેન.”

“હે બેન?”

“બઉ કરી બેન બોલાઈ ગયું માફ કરજો દુકાને બેઠો હોવ તો દરેકને બેન કહું ને એટલે.”

“હા કાંઇ વાંધો નહીં, એ તો મેળ નહીં પડે તો બેન જ કહેવું પડશે ને!”

“તમે મને જોવો જ છો. આખી સોસાયટીમાં મારી કરતાં વધુ મારી ફાંદની ઓળખ છે. મારા પરમ મિત્ર માસ્તર બહાર બેઠા જ છે એ લેખક છે એ ઘણીવાર મારા પર વ્યંગ લખે. મને એક જ શોખ છે ખાવાનો અને જીવનમાં એક જ ધ્યેય છે કે ખાતો રહું સાથે આ ફાંદ ઓછી કરતો રહું. આવો છું હું બાકી હવે તમારી ઈચ્છા.”

“હું પણ આવી જ છું, મને ખાવું બિલકુલ ના ગમે, પણ હા મને જો ગોપાલના વાટકા, બાલાજીના સીંગ ભજીયા, હલ્દીરામના ભૂજિયા આપો તો હું ખાધા જ રાખું ખાધા જ રાખું. મારો પણ જીવનમાં એક જ ધ્યેય છે કે હું આવા પડીકાં ખાધા રાખું અને થોડી જાડી થાવ. આવી છું હું બાકી હવે આગળ ઠાકર કરે ઈ ઠીક.”

રભો અને રિંકી વાતો કરી બહાર આવ્યા. બન્નેને જોતા એવું લાગ્યું કે મેળ પડી ગયો છે. પાડો અંતે એના એક ખૂંટે બંધાઈ જ જવાનો. બન્ને પક્ષે વિચારીને જવાબ આપશુ એમ કહી નીકળ્યા. અમે ઘરે પહોંચ્યા રભાએ તો ઘરમાં ઘૂસતા જ કહી દીધું કે એની હા છે. એને તો રિંકી ગમી ગઈ.

“માસ્તર, હવે બસ જલ્દી જવાબ આવે.”

“આવી જશે ટેન્શન ના લે.”

“એ જવાબ નહીં આવે ત્યાં સુધી મને હખ નહીં થાય અને હખ નહિ થાય એટલે મને ભૂખ જ લાગ્યા કરશે.”

“બોલ.. બોલ.. શું ખાવું છે તારે? આજે તો હું રાજી છું મારા તરફથી.”

“ગોપાલના વાટકા, બાલાજીના સીંગ ભજીયા અને હલ્દીરામના ભૂજિયા.”

“ઠેકાણે તો છે ને?”

“હા માસ્તર હા. મારી રિંકીને જે ભાવે એ હવે મને ભાવે બસ મને તમે આ લાવી દો.”

મે એને આવા પડીકાં લાવી દીધા. એક એક વાટકે રિંકી.. રિંકી બોલતો જાય અને શરમાતો જાય. હું સમજી ગયો કે રભો હવે હાથમાંથી ગયો.

🖊️Sunil Gohil “માસ્તર”

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

5 comments on “રભાની ફાંદ – ૯ (રભાની રિંકી)”

  1. રભો પ્રેમમાં પડ્યો😂
    સસ્તામાં પતશે.. ગોપાલના વાટકા!

  2. ભગવાન કરે એ રભાનું રીંકી જોડે ગોઠવાય જાય અને માસ્તરનો નાગીન ડાન્સ ચિત્ર સહિત આવતા અંકે જોવા મળે….. અને હા ગોપાલના વાટકા મસ્ત હોય સ્વાદમાં સાચું……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *