section and everything up till
*/ ?> રભાની ફાંદ - ૧૦ - Shabdoni Sangathe

રભાની ફાંદ – ૧૦

રભાની સગાઈ

“શું વાત છે રભાકાકા! તમને શેરવાની મળી પણ ગઈ એ પણ તમને ફીટ આવે એવી!” મારા ભત્રીજાએ રભાની શેરવાનીનું ફીટીંગ ચેક કરતાં કહ્યું

“વાત ના પૂછ બેટા, સત્તર દુકાને ફર્યા અમે બન્ને ત્યારે આ ફાંદાસૂરનો કાંઇક મેળ આવ્યો.” મે રભાની ફાંદમાં એક ઘુસ્તો મારતા કહ્યું.

“માસ્તર, હળવે.. હળવે કાલ મારી સગાઈ છે. રિંકી આ ફાંદ જોઈને તો મારા પ્રેમમાં પડી છે.” રભાએ ફાંદને પ્રેમથી જોતા જોતા કહ્યું.

“તો ભાઈ હવે આ ફાંદ ઘટાડવાનું કેન્સલ?”

“હા, રિંકી પેલી એવી છોકરી છે જેણે મને હું જેવો છું એવો પસંદ કર્યો છે. એટલે હવે ફાંદ ઘટાડવાનું કેન્સલ અને એ માસ્તર, તમે ગોપાલના વાટકા લાવ્યા કે નહીં?”

“એલા જમવાનો ટાઈમ થયો અત્યારે વાટકા?”

“હા, મારે હમણાં રિંકીનો વિડીયો કોલ આવશે એ સામે એક વાટકો ખાશે અને હું અહિયાથી એક વાટકો ખાઈશ.”

“કાકા, ના લાવતા હો વાટકા. આ ગોપાલવાળા છે ને બંધ કરવા ઉપર આવી ગયા છે. જ્યારથી રિંકીકાકી આમના જીવનમાં આવ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક વાટકા ખાઈ ગયા છે. એ દિવસ દૂર નહીં કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડવાળા આ રભાકાકાનું નામ લખવા આવશે.”

“બટુકયા, પણ આ વાટકાથી તારે એક ફાયદો તો થઈ ગયો ને મારો ગેસનો બાટલો હવે હમેશાં માટે બંધ થઈ ગયો અને તું મને હવે કોઈ દિવસ ગેસનો બાટલો ખિજવી નહીં શકે.”

“હા એ મારા જીવનનું સૌથી મોટું દુખ છે.” મારા ભત્રીજાએ મોઢું બગાડીને કહ્યું.

“રભલા, હવે બાપા તારે શેરવાનીનું પત્યું કે નહીં? હવે તારો મેળ પડ્યો હોય તો મારા આ ધોતિયાનું કાંઇક કર. શું સગાઈમાં પણ તું મને આમ જ નાડા વગરના ધોતિયા સાથે લઈ જઈશ?”

“બાપા, તમે તો મારા જીગર જાન છો. આ લ્યો તમારું નવું નક્કોર ધોતિયું એ પણ નાડા સાથે.” રભાએ ધોતિયાનું બોક્સ આપતા કહ્યું.

“રભા, હવે જો બધી જ તૈયારી થઈ ગઈ છે અને આજે તારે બસ આરામ જ કરવાનો છે કાલે તો જ તારું મોઢું ગ્લો કરશે.” મે રભાને કહ્યું.

“હા.. હા માસ્તર બસ આ સાત આઠ વાટકા ખાવાના બાકી છે એ પતે એટલે આજનું પૂરું. હવે તમે જાવ હમણાં રિંકીનો કોલ આવશે, મને તમારા બધા વચ્ચે શરમ આવે વાત કરતાં.”

અમે બધા રભાને મૂકીને પોત પોતાના ઘરે નીકળી ગયા. બસ મનમાં એક જ ચિંતા હતી કે રભાની સગાઈ નિર્વિઘ્ને પૂરી થઈ જાય. રભાનું જેવું નસીબ છે એ મુજબ જોતા તો એવું જ લાગે છે કે કાલે કાંઇક તો કાંડ થવાના જ. સવાર પડી, અમે બધા જગમગાટ તૈયાર થઈને નીચે રભાની રાહ જોતા હતા.

“જો.. રભાકાકા આવી ગયા.” મારા ભત્રીજાએ ઈશારો કરતાં કહ્યું.

રભો આટલો હેન્ડસમ તો ક્યારેય નહોતો લાગ્યો, રોઝ ગોલ્ડ એની શેરવાની, એમાં ફેશિયલ કરાવીને ધોળો ધોળો ચટ થયેલો રભો, ગળામાં પાંચ તોલાનો સોનાનો ચેન, હાથમાં ગોલ્ડની ઘડિયાળ, નજીક આવ્યો એટલે આખી સોસાયટીને ખબર પડી કે મયુર રાડોનો પરફ્યુમ છાંટેલો.

“વાહ રભાં આજે તો બાકી તું જ દેખા છો, પહેલીવાર એવું થયું કે તારી ફાંદ પર નહીં તારા પર નજર ગઈ. બાકી તારી ફાંદ જ બધુ ધ્યાન દોરી જાય.” મે રભાને ગળે લગાડતા કહ્યું.

“માસ્તર, આજના દિવસે તો મારી ફાંદ મારી લાજ રાખે ને પણ ગમે તે કહો આજે આ શેરવાનીમાં મારી ફાંદ પણ ચમકે છે.”

“રભલા, અહિયાં આવ.” રભાના બાપાએ રભાના દુખણાં લીધા આજે એ પણ એનો લેંઘો પકડ્યા વગર હાજર હતા.

બધા ગાડીમાં બેસી હૉલ પર પહોંચી ગયા. પહોંચતા જ અમારા બધાનું ભવ્ય સ્વાગત કર્યું. સ્વાગત પણ રભા અને રિંકીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યું હતું. અંદર જતા વેલકમ ડ્રિંક હોય પણ અહિયાં તો વેલકમ વાટકા હતા કારણ કે રિંકીને રભા કરતાં વાટકા વધુ વ્હાલા હતા. રભાને એક રાજાશાહી ખુરસી પર બેસાડી દીધો.
થોડીવારમાં રિંકી દાદરો ઉતરતા નીચે આવી, રિંકી હતી તો મકોડી પહેલવાન પણ કદાચ રભાના પ્રેમના કારણે આજે એ પણ સુંવાળી સુકન્યા લાગતી હતી. એની પણ રોઝ ગોલ્ડ રભા સાથે મેચિંગ ચણિયા ચોળી. એ રભાથી એક કદમ આગળ નીકળી આણે ફેશિયલ સાથે બ્લીચ પણ કરાવેલું, હાથમાં રભાના નામની મહેંદી. મહેંદીમાં રભાની ફાંદ રભા પહેલા દેખાતી હતી, અને રિંકી બિલકુલ દેખાતી ના હતી. રિંકીએ એના વજન કરતાં વધુ વજન વાળો જુડો માથા પર લીધો હતો. રભો તો એને એક જ નજરે જોઈ રહ્યો. મારે રભાનું મોઢું બંધ કરવું પડ્યું.

“માસ્તર, જોયું ને મારી સપનાંની રાણી?”
“હા ભાઈ જેવો રાજા એવી એની રાણી.”

સગાઈમાં બધુ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પણ મને એક વાત અજીબ લાગી કે કોરોનાને કારણે માણસોની મર્યાદા પંચાસ હતી પણ અહિયાં તો માણસો મને સો ઉપર લાગતાં હતા.

“રભા, પોલીસની પરમીશન તો આ લોકોએ લીધી હશે ને? આ પંચાસ માણસો કરતાં વધુ લાગે છે.” મે ચિંતામાં કહ્યું.

“માસ્તર, મારા સસરા બઉ ઊચી નોટ છે એને પરમીશનની શું જરૂર? તમે ચિંતા ના કરો ને બસ પ્રસંગની મોજ માણો.”

સગાઈમાં ગોળ ખાવાની અને ચુંદડી ઓઢાડવાની વિધી સરસ રીતે પૂરી થઈ ગઈ. બન્નેએ મળીને બઉ બધા ફોટા પણ પડાવી લીધા એ ફોટા એવા એવા પોઝ આપીને પડાવ્યા છે, મે પહેલીવાર એક કેમેરામેનને એના ટેલેન્ટ પર શંકા કરતાં જોયો. ફોટા પાડવા પણ કેમ? આ રભો એક ફ્રેમમાં આવવો જોઈએ ને! એક ફ્રેમમાં તો એની ફાંદ માંડ માંડ આવે, અને બીજી બાજુ રિંકી એને ફ્રેમમાં લઈએ તો પણ એ છે કે નહીં એ જ ખબર ના પડે. ગમે તેમ કરી ફોટા પડ્યા અને પછી રિંગ સેરેમનીનો સમય થયો.

બન્નેએ એકબીજાને રિંગ પહેરાવી અને હવે વારો હતો કેક કાપવાનો. આવી કેક બધાએ પહેલીવાર જોઈ હશે. કેક સામાન્ય રીતે ગોળ હોય, હાર્ટ શેપની હોય, ચોરસ હોય પણ આ કેક ગોપાલના વાટકા આકારની. કોઈને વાટકાનું આટલું ગાંડપણ હશે એ સમજ બહારનું છે. રભાએ અને રિંકીએ એ વિચિત્ર કેક કાપી અને જેવું પેલું બટકું એકબીજાને ખવડાવાના હતા કે ખાતું આવ્યું.

“કોણ છે અહિયાં મુખ્ય? શું ખબર નથી કે કોરોનામાં આટલા બધા માણસોએ ભેગા નથી થવાનું?” એક અધિકારીએ ડંડો પછાડીને કહ્યું.
થયું થયું જે ડર હતો એ જ થયું, રભાનું કોઈ કામ વિઘ્ન વગર તો થવાનું જ ના હતું. બધાએ મળીને ખાતાને ખૂબ સમજાવાની કોશિશ કરી, મે પણ ઘણી આજીજી કરી પણ ખાતું એકનું બે ના થયું. એમણે તો નક્કી જ કર્યું કે રભાને ડિવિઝને લઈ જ જવો પડશે.

“સાહેબ, બે હાથ જોડું છું ભૂલ થઈ ગઈ. જરા મારી સામે તો જોવો તમને લાગે છે કે મારા જેવાની સગાઈ આસાનીથી થઈ? માંડ કરીને આ રિંકી મળી છે, જો તમે મને ડિવિઝને લઈ જશો તો ચોપડે નામ ચડશે. કદાચ આ લોકો સંબંધ તોડી નાખે. મારી ફાંદના સમ ખાઈને કહું છું નાદાનીમાં ભૂલ થઈ છે છેલ્લીવાર જવા દો, હવેથી આવું નહીં કરીએ.” રભાએ સાઇડમાં લઈ જઈને અધિકારીને સમજાવ્યા.

“ઠીક છે, તમારી હાલત જોઈને જવા દઉં છું.”
“સાહેબ, હવે સો ઉપર છે જ ને તમે બીજા ચાર મળીને આવ્યા છો તો જમીને જ જાવ ને એમ પણ રસોઈની ૫૦૦ વાળી થાળી છે. તમારો ધક્કો એળે ના જાય, જમવાનો સમય થઈ જ ગયો છે. અમસ્તા ખાતું છે તો ખાવાની ટેવ તો છે જ ને તો ખાતા જાવ ને.” રભાની જીભ કાબુમાં રહી નહીં ને ના બોલવાનું બોલી દીધું.

એ ૫૦૦ વાળી થાળી રભાને ૫૦૦૦ માં પડી, હમણાં જ રભાને છોડાવીને આવ્યો છું.
“માસ્તર, મારી કુંડળીમાં કાંઇક તો ડખ્ખા છે જ બાકી આજ સુધી જોયું કે જેની સગાઈ હોય એણે અર્ધી સગાઈએ ખાતું આવે ને ઉપાડી જાય.”

“હશે.. હશે હાલ્યા કરે રભા, ભૂખ્યો થયો હઈશ. વાટકા ખાવા છે?”
“એ રિંકીને એના બાપાને ખવડાવો મારે હવે ભરપેટ જમવું છે, તમે એ ૫૦૦ વાળી થાળી ઓર્ડર કરો મારા માટે.”

રભાએ એની સગાઈના દિવસે મફતમાં મળતી ૫૦૦ની થાળી પૂરા ૫૦૦ રૂપિયા ચૂકવીને ખાધી.

🖊️Sunil Gohil “માસ્તર”

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

5 comments on “રભાની ફાંદ – ૧૦”

  1. વાહ.. ખૂબ મજા આવે છે વાંચવાની😂😂👌👌

  2. મજા પડી ગઈ
    રભા ભારે કરી હો…!
    વાટકા જ આપવાના હતા ખાતાવાળા ને એમને થાળી ના પચે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *