section and everything up till
*/ ?> રભાની ફાંદ: પ્રકરણ – ૧૫ રભાની વિદાય - Shabdoni Sangathe

રભાની ફાંદ: પ્રકરણ – ૧૫ રભાની વિદાય

પ્રકરણ – ૧૫ રભાની વિદાય

 

ગલગોટાના ફૂલથી આખું ઘર શણગારેલું, વચ્ચે વચ્ચે ગુલાબના ફૂલોથી ગલગોટા વધુ ખીલેલા લાગતાં હતા. આખી સોસાયટીમાં સીરિઝ લગાવી હતી. ઘર અને સોસાયટી જાણે વરરાજાની જેમ ચમકતું હતું.

“શું રભેશકુમાર? તૈયાર છો જીવનના નવા પડાવ માટે?” સાફો હાથમાં લઈને બેઠેલા રભાને મે પૂછ્યું.
“માસ્તર, આમ પેટ ભરીને જમ્યું હોય પણ મન હજી ના ભરાયું હોય એવું લાગે છે. તમને નથી લાગતું કે રિંકીએ લગ્ન માટે ઉતાવળ કરી હોય એવું?”
“ના બિલકુલ નહીં ભાઈ, જેમ વધારે સિટી વગાડોને બટેટા સાવ બફાઈ જાય એમ હવે જો અમે વધુ રાહ જોઈ હોત તો અમે બધા બટેટાની જેમ બફાઈ જાત.”
“હા રભાકાકા, અમે તમારો ગેસનો બાટલો બઉ સહન કર્યો છે હવે રિંકીકાકીને તમે અને તમારી ફાંદ મુબારક. હવે અમને ને મારા કાકાને બક્ષી દો. તમારી ફાંદ તો કાંઇ ઓછી થઈ નહીં પણ મારા કાકા અઢી હાડકાં જેવા થઈ ગયા. આમ તમને બન્નેને બાજુમાં ઊભા રાખ્યા હોય તો છોકરા બધા તમને મોટું અને પતલુંની જોડી જ કહે, એમાં તમને મોટુની જેમ સમોસાં ભાવે જ છે અને મારા કાકા પતલુંની જેમ ચશમિશ, હા ટકો નથી પણ તમારી ફાંદ ઓછી કરવામાં પાછળ તાલ તો પડવા જ લાગી છે.” મારા ભત્રીજાએ આજે મારો ઉધડો લીધો હોય એવું લાગ્યું.
“માસ્તર, આ ટેણીને તમારા ભાભીએ શું ખાઈને જન્મ આપ્યો હતો? લબલબાટ જીભ હાલે. પણ ટેણી આજે લગ્ન મારા છે, રિંકી વિદાય લઈને અહિયાં આવવાની છે પણ આમ મને મારી વિદાય હોય એવું લાગે છે.”
“ફાંદાસુર, સવારનું તે કાંઇ જમ્યું નથી ને એટલે. પણ આજે તું ફસાયો છે, આજે તારે ઉપવાસ છે અને તારી રિંકી પણ દોઢી થઈ દિવસના નહીં રાતના લગ્ન રાખ્યા. તું અને તારી ફાંદ તો બરાબરના ફસાયા છો.” મે એક ગુલાબજાંબુ રભાને ચીડવવા ખાધું.
“માસ્તર, આ જાંબુ નહીં સદે હો તમને.” રભાએ હસ્તાં હસ્તાં કહ્યું.
“રભલા.. એ રભલા.. ચાલ ને હવે નીચે બધા આવી ગયા છે. ઘોડી પણ આવી ગઈ છે, બેન્ડ વાળા ત્રણવાર હઝીમો શાન શહેનશાહ વગાડી ચૂક્યા છે. હવે એ લોકો દુલહે કા સહેરા સુહાના ગાઈ અને મગજ ફેરવે એ પેલા ચાલ નીચે.” રભાના બાપા ક્લિપવાળો લેંઘો પેરીને તૈયાર થયા હતા.
“વાહ કાકા તમે તો લેંઘામાં ક્લિપ મૂકી લેંઘામાં નવી શોધ લઈ આવ્યા.” ખબર નહીં પણ મને રભાના બાપાના લેંઘામાં ઘણો રસ પડતો.
“માસ્તર, મારો લેંઘો ગયો નાડુ લેવા તમે આ ફાંદાળાને લઈને આવો બાકી ઓલી રિંકી સામી આવશે, તમે તો ઓળખો છો એને.”
“ના.. ના એ જોખમ નથી લેવું.” મે રભાને સાફો પેરાવ્યો અને અમે નીચે ઉતર્યા.

જેવો રભો દેખાયો કે બેન્ડવાળાએ ચોથીવાર હઝીમો શાન શરૂ કર્યું. મને તો મનમાં થયું કે કદાચ જો અકબર જીવતો હોત અને રભા માટે આ ગીત સાંભળેત તો એ ઈચ્છા મૃત્યુ જ સ્વીકારી લેત. બેન્ડવાળા પણ સમજદાર છે એ લોકો પણ પૂરા જોશથી વગાડે એ લોકો પણ જાણે જ છે કે આજે એક જ દિવસ વરરાજા જોશમાં હશે કાલથી તો એના હોશ પણ ઠેકાણે નહીં હોય. રભાને ઘોડી પાસે લઈને આવ્યા. હવે તકલીફ નવી સર્જાણી, ઘોડીએ રભા તરફ જોયું અને જે ડણક મારીને ભાગી છે, ઘોડીનો માલિક ક્યાંય સુધી પાછળ ગયો પણ હાથ ના આવી. અમે બધા સોસાયટીમાં રભા સામે જોઈ રહ્યા.

“મને શું આમ જોવો છો બધા?”
“એ ફાંદાસુર, એ ઘોડી હાથીને જોઈને ભાગી ગઈ. એને પણ એનો જીવ વાલો હોય ને. હવે શું પાડો બોલાવું? પાડા પર તારી જાન કાઢવી?”
“રભાકાકા પાડા પર હશે તો જે જોશે રસ્તા પર બધાને એમ જ લાગશે કે યમરાજ લગ્ન કરવા નીકળ્યા.” મારો ભત્રીજો બોલ્યો અને આખી સોસાયટી હસવા લાગી.

સારું હતું કે બેકઅપ પ્લાન હતો, મારી કાર શણગારેલી હતી, વિદાય પછી બન્નેને અહિયાં લાવવા. રભાને બેસાડયો કારમાં. બેન્ડ શરૂ થયું.
“આજ મેરે યાર કી શાદી હૈ.”
“કાલા કઉઆ કાટ ખાયે સચ બોલ.”
“યે દેશ હૈ વીર જવાનો કા.”
એક એક ગીત ક્યાં સુર અને ક્યાં તાલ, એમાં બધા જાનૈયા આડેધડ નાચે. સૌથી વધુ દેશભક્તિ તો યે દેશ હૈ વીર જવાનો વાગે એટલે બધાને ના હોય ત્યાંથી દેશ ભક્તિ જાગી ઉઠે. વરઘોડો અડધે રસ્તે પહોંચ્યો ત્યાં રભાના ફુવા મોઢું ચડાવીને બેસી ગયા.

“ફુવા, શું થયું?” મે મારુ નાચવાનું બંધ કરી પૂછ્યું.
“વઢવાણથી એસ. ટીના ધક્કા ખાઈ ખાઈને એકના એક ભત્રીજાના લગ્નમાં આવ્યા અને મારુ મનપસંદ ગીત ના વગાડે, રભાના બાપાને અમારી ક્યાં કોઈ ઇજ્જત જ છે?” ફુવા મોગો ચડાવીને બોલ્યા.
“શું થયું લાલ?” રભાના બાપા આવ્યા.
“મારો નાગિન ડાન્સ દરેકના લગ્નમાં ફેવરિટ છે, આખા વઢવાણમાં મારી જેવો નાગિન ડાન્સ કોઈ ના કરે અને તમે આ બેન્ડવાળાને નાગિન વગાડવાનું પણ નથી કહેતા.”

બેન્ડવાળાને કહીને નાગિન વગાડ્યું, જો એકતા કપૂર ફુવાને નાગિન બનેલા જોઈલે તો નાગિન સિરિયલ બનાવવાનું બંધ કરી દે. એક તો આ બેન્ડવાળાની નાગિન ટયુન, જો બધા નાગ સમાજનું કોઈ સંગઠન હોય તો કેસ કરી દે. જાન હેમખેમ રિંકીના દરવાજે પહોંચી. રિંકીના મા – બાપ બહાર સ્વાગત માટે ઊભા હતા. બધાનું સ્વાગત કર્યું. રભાના સાસુ નાક ખેચવા ઊભા હતા. રભાએ તો હસ્તાં હસ્તાં નાક ખેચાવી લીધું. રભાનો સૌથી નાનો સાળો આવીને રભાની ફાંદ પર આવીને ચોંટીઓ ભરી ગયો.

“જીજુ, અમારે ત્યાં આજથી નવો રિવાજ શરૂ થયો છે તમારી ફાંદ પર ચોંટીઓ ભરવાનો.”

એક તો રભો સવારનો ભૂખ્યો હતો. એમાં એની ફાંદ પર ચોંટીઓ, રભાએ બધા સામે હસીતો લીધું પણ મે એની સામે જોયું એટલે હું સમજી ગયો કે રભાએ મનમાં ને મનમાં ઘણું કહી દીધું. રભાને અમે અંદર લઈ ગયા. રભો રોઝ ગોલ્ડ શેરવાનીમાં કોઈ રિયાસતનો રાજા લાગી રહ્યો હતો. માથે ગોલ્ડ સાફા પર સફેદ પિચ્છુ રભાની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. રિંકી સામે લાલ સાડીમાં ગોલ્ડ એમ્બ્રોયડરીમાં જાણે રાજકુમારી લાગી રહી હતી.

બન્નેના ફૂલહાર થયા. ફોટોગ્રાફરએ ફોટા પાડ્યા. મંડપમાં વિધી શરૂ થઈ. કન્યા પધરાવો સાવધાન પંડિતજી બોલ્યા. રભો હકીકતમાં સાવધાન થઈ ગયો, રિંકી હતી પણ એવી. મકોડી પહેલવાન પણ એની જીદ સામે રભા જેવા ફાંદાળાને નીચે બેસાડી દે. રિંકી મંડપમાં આવી. કન્યાદાન કરતાં કરતાં રભાનાં સસરાએ કીધું જમાઈ સાચવીને રહેજો રિંકી હવે તમારી. રભાને સમજાયું નહીં કે શું બોલવું. હસ્તમેળાપ થયો. ફેરા માટે બન્નેને ઊભા કર્યા. ચાર ફેરા ફરતા તો રભો હાંફી ગયો. લગ્નવિધી બધી સુકુશળ પૂર્ણ થઈ ગઈ.

“માસ્તર, હવે જો મને જમવાનું ના આપ્યું ને તો સાચું મારા રામ રમી જશે. એક તો કંસાર આપતા હતા એ પણ મને પેંડાના માવા જેવો લાગતો હતો. ફેરા ફરતા ફરતા મારુ ધ્યાન જમવાની થાળીમાં જ હતું. માસ્તર, ૭૦૦ ની એક થાળી છે. વિચાર તો કરો શું શું હશે એમાં? ગમે તે કહો રિંકીએ મારા માટે થાળી તો મહારાજા જ રાખી.” રભાએ ફાંદ પર હાથ ફેરવતા કહ્યું.
“તું અને તારી ફાંદ કઠિણ છે ભાઈ કઠિણ. ફેરા ફરતા ફરતા પણ તને થાળી દેખાતી હતી.”

અમે બધા જમવા બેઠા. રભાએ એનો કાર્યક્રમ શરૂ કર્યો. કુંભકર્ણ પણ શરમાઈ જાય એટલું રભો જમ્યો. બધાએ જમવાનું પૂરું કરી લીધું પછી પણ રભાએ ચાર વાર દાળભાત લઈને ખાધા. વિદાયનો સમય થઈ ગયો હતો. મે રભાનું જમવાનું માંડ માંડ બંધ કરાવ્યું. એકબાજુ વિદાયનું ગમગીન વાતાવરણ હતું, બીજી બાજુ રભો ફાટ્યો હતો, વાતાવરણ ગરમ કરી રહ્યો હતો. અચાનક, ધડામ અવાજ આવ્યો. બધાને એમ કે કાંઇક ફાટ્યું હશે, જોયું તો રભો ઢળી પડ્યો હતો. પાણી છાંટ્યું, હાથ પગ ઘસ્યા, પણ રભો ભાનમાં ના આવ્યો. બધાને તો એમ જ થયું કે રભાની હમેશાં માટે વિદાય થઈ ગઈ. રિંકીની વિદાય જેમ – તેમ પતાવી લીધી. રભાને વીસ લોકોએ ભેગા થઈને ગાડીમાં બેસાડયો. ગાડી સીધી સોસાયટીએ પહોંચી.

ડૉક્ટરને બોલાવી લીધા હતા. ડોક્ટરે ઇન્જેકશન આપ્યું, અને એક બાટલો ચડાવ્યો.

“શું થયું છે રભાને?” રભાના બાપાએ પૂછ્યું.
“આફરો ચડયો હતો, સવારના ભૂખ્યા હશે એકસાથે જમી લીધું એટલે આફરો ચડયો હતો. ઇન્જેકશન અને બાટલો ચડાવ્યો છે. હું અહિયાં જ છું હમણાં ભાનમાં આવી જશે એટલે આગળ વાત કરું રભેશ સાથે.” ડોક્ટરે કહ્યું.

થોડીવારમાં રભો ભાનમાં આવ્યો. ડોક્ટરે બ્લડ પ્રેશર અને શુગર ચેક કર્યું. બધુ બરાબર હતું. નબળાઈ લાગતી હતી. ડોક્ટરે દવા લખી દિધી અને નબળાઈ ના લાગે એટલે ઓ. આર. એસનું એક પેકેટ આપ્યું.

“ડૉક્ટર, આ ઓ. આર. એસ ઓરેન્જ ફ્લેવરનું તો છે ને? મને ઓલું એપલવાળું નથી ભાવતું.” રભાએ બાટલા ચડતા હતા તો પણ સ્વાદની વાત કરી.

રભાના બાપા અને મને એટલો ગુસ્સો આવ્યો કે ડૉક્ટરને કહી દીધું કે ઘોડા ઇન્જેકશન આપી દો આને. દવામાં પણ ફ્લેવર માંગે આટલો ખાઉધરો તો આ દુનિયામાં કોઈ નહીં હોય. રભાએ ઓરેન્જ ફ્લેવરનું ઓ. આર. એસ પાંચ ગ્લાસ પી ગયો અને પેલા જેવો જ ફાંદાળો થઈને મને કહે,
“માસ્તર, મહેમાનો માટે પાલવની બટર ભાજી આવી ગઈ છે ને? મને પણ ભૂખ લાગી છે હાલો હવે પેટ પૂજા કરી લઈએ.”

રભો હવે લગ્નજીવન સુખદ રીતે વ્યતીત કરે છે. એમ પણ હવે લગ્ન પછી રભો માસ્તરના હાથમાં આવતો નથી. રભા સાથે ઘણા અનુભવો આપણે કર્યા. હાલ હવે રભાની ફાંદ પર થોડા સમય માટે અલ્પવિરામ મૂકીએ છીએ. ફરી પાછા માસ્તર અને રભાની વાતો લઈને ટૂંક સમયમાં આવશું.

સુનિલ ગોહિલ “માસ્તર”

10 comments on “રભાની ફાંદ: પ્રકરણ – ૧૫ રભાની વિદાય”

  1. વાહ વાહ..ખરેખર ખૂબ મજા આવી😂👌👌 રભાની ફાંદ પ્રકરણ પૂર્ણ થયા એનું દુઃખ છે..પણ અત્યાર સુધીના તમામ પ્રકરણો ખૂબ જ સરસ હતા 👌👌

  2. વાહ વાહ..ખરેખર ખૂબ મજા આવી😂👌👌 રભાની ફાંદ પ્રકરણ પૂર્ણ થયા એનું દુઃખ છે..પણ અત્યાર સુધીના તમામ પ્રકરણો ખૂબ જ સરસ હતા 👌👌👌

  3. Are prakran pura😭😭aje hasvani sathe radvu avi gyu … Badha j prakran khub j hasysprad hata… Sunday sudhri jato amaro
    Rabho . e ek sunil bhai ni potani personality che🤣😅…. Ane eni viday…na sahan thay.. 🙄😔

  4. ખૂબ જ સરસ. તમે રંભાની ફાંદ પ્રકરણ અલ્પવિરા મુકયું છે. આશા રાખીએ જલ્દી ફરી મળશું

  5. 👌👌👌ખૂબ મજા આવી પરંતુ વિદાય જલ્દી કરી દીધી માસ્તર તમે…

  6. વાહ… રભાની હસતાં હસતાં વિદાય કરાવી દીધી સાહેબ😀

  7. રભો આખરે પરણી ગયો. બધા ભાગ સરસ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *