section and everything up till
*/ ?> બનાવી ગયા - Shabdoni Sangathe

બનાવી ગયા

“આપો.. આપો.. આપો.. જનતા તમારો અપાર પ્રેમ વોટ આપીને, છટપટિયા સાહેબને ભારી બહુમતીથી વિજયી બનાવો. છટપટિયા સાહેબ, વહેલામાં વહેલી સાંભળશે તમારી સમસ્યાઓ અને દૂર કરશે મોડામાં મોડી.” એક ટેપરેકોર્ડર લગાવેલી રિક્ષા રોડ પર ફરતી હતી.

“મેળવો.. મેળવો.. મેળવો.. જનતા લખોટીયા સાહેબને વોટ આપીને મેળવો સબસિડી કેરોસીન પર, કારણ કે પેટ્રોલ તો લખોટીયા સાહેબ પણ ઉધારીમાં પુરાવે છે.

“આજે રાત્રે.. આજે રાત્રે.. આજે રાત્રે.. જનતા જનારદનને વિનંતી છે કે આજે રાત્રે કાર્યાલયમાં આવે અને પાઉભાજીની પાર્ટી માણે, સાથે ગુલાબજાંબુ ફ્રી.. ફ્રી.. ફ્રી.. મીઠા ગુલાબજાંબુ ખાઈ મીઠા મીઠા વોટ આપો ખટપટિયા સાહેબને.

આવી કેટ કેટલી જાહેરાતો આપણે ચુંટણી દરમિયાન સાંભળી હશે ને, આવા હજારો નેતાઓ આવા વાયદાઓ લઈને આવી પડે છે. એક જાહેર મિટિંગમાં નેતાજી પહોંચ્યા, સાવ નાનું અંતરિયાળ ગામડું હતું ૫૦૦ માણસોની વસ્તી હશે. મિટિંગમાં ૬૦ ૭૦ જેટલા માણસો આવેલા એ પણ પરાણે પરાણે અને નેતાજીએ ભાષણ શરૂ કર્યું,

“હું, ભારતમાતાના સમ ખાઈને કહું છું કે તમારા ગામનો ઉદ્ધાર હું કરીશ, તમારા ગામમાં શૌચાલય  ઊભા કરીશ, તમારા ગામમાં ગટરની સુવિધા ઊભી કરીશ, પાક્કા રસ્તાઓ કરી આપીશ આ સિવાય કોઈ તકલીફ હોય તો કહો.”

એક ગામડાના ડોહા બોલ્યા, “સાહેબ, આ હંધુંય તો સે અમારા ગામડામાં પણ એક સમસાન નથી, જો એ કરી આપો તો મત તમને જ આપસું.”

“કાકા, તમે ચિંતા ના કરો, તમારી માંગ જરૂર પૂરી કરશું. આ ગામમાં સ્મશાન ઊભું કરશું, અને જો સ્મશાનનો ઉપયોગ નહીં થાય તો એ પણ આપણે માણસોને મારીને એનો ઉપયોગ શરૂ કરાવશું.”

એ લાઇન નેતાજી બોલ્યા પછીથી આજ સુધી કોઈ દિવસ એ દેખાયા નથી કોઈ પણ રેલી કે સભામાં કદાચ એ સ્મશાનમાં જ સમાધી લઈ લીધી હશે.

હમણાં થોડા દિવસ પહેલા અમારે સોસાયટીમાં કોર્પોરેશનની ચુંટણી હતી એટલે એક પક્ષના અમુક નેતા અને તેના અનુયાયીઓ આવ્યા જાહેરાત કરવા માટે. એક પથરણું પાથર્યું હતું, એક હેલોજન લાઇટ અને સોસાયટીમાં જાહેરાત કરી દીધી કે આવી રીતે એક મિટિંગ રાખી છે.

રાત્રેસાડા દસ વાગે એ લોકોનું ટોળું આવ્યું, “ભારત માતાકી.. ભારત માતાકી..” બિચારા નવા અનુયાયી હતા એટલે ખબર ના હતી કે જય પાછળ બોલવું પડે, પછી જ્યારે કીધું કે જય બોલો નહિતર આજનું દનિયું નહીં મળે ત્યારે આજુબાજુની દસ સોસાયટીમાં સંભળાઈ એટલા ઊચે અવાજે નારા લગાવ્યા.

ધીરે ધીરે બધા ભેગા થયા, મિટિંગ શરૂ કરી.

એક ઉમેદવારે પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા, “શું તમારે પાણીની તકલીફ છે?”

“ના, ચોવીસ કલાક પાણી આવે છે.” એક સભ્યએ જવાબ આપ્યો.

“તો શું તમારે ગટર ઉભરાવવાની સમસ્યા છે?”

“ના, અઠવાડિયામાં બે વાર બી. એમ. સીમાથી માણસ આવી સાફ કરી જાય છે.” બીજાએ જવાબ આપ્યો.

હવે ઉમેદવાર થોડા અકળાયા, “શું તમારે સોસાયટીમાં બ્લોક નવા નખાવા છે?”

“હજી, પંદર દિવસ પહેલા જ નાખી ગયા.” એક મહિલાએ કીધું.

ઉમેદવાર હવે ભૂરાટા થયા, “તો તમારે કાઇ તકલીફ છે?”

“હા છે ને.” બધા એકસાથે બોલ્યા.

ઉમેદવારને થયું હાશ હવે હું કાઈક સરખું કહી શકીશ, “બોલો, બોલો શું તકલીફ છે?”

“તમે જ છો તકલીફ, તમને દૂર કરી શકાય એવી કોઈ યોજના ખરી?”

ઉમેદવાર અને અનુયાયી બધા જ ત્યાંથી સંકેલો કરી ઉપડી ગયા અને રસ્તામાં એકબીજાને કહેતા હતા,

“સારું થયું, ઓછા લોકો હતા સોસાયટીમાં વધુ જો હોત તો વધુ ઇજ્જત નિકળી જાત.”

હજી પણ આપણે દેશમાં કોઈ પણ ચુંટણીમાં વોટ આપવા માટે જાતિનો સૌથી વધુ ઉપયોગ થાય છે. એક સરસ કટાક્ષ મે સાંભળેલો, એક જંગલમાં વૃક્ષો વચ્ચે ચુંટણી ચાલતી હતી, તો એમાં અમુક યુવા વૃક્ષો પહેલી વાર મતદાન માટે આવ્યા હતા, એટલે એમને વડીલ વૃક્ષોએ એવું જણાવ્યું કે, જો કુહાડીને મત આપજો કારણ કે એનો હાથો બનાવવામાં લાકડું આપણાં વૃક્ષ સમુદાયનો ઉપયોગમાં લેવાયું છે.

આજનો યુવાન જાગૃત છે, સમજે છે છતાં પણ જાતપાતની રાજનીતિના રવાડે ચડી જાય છે. હું એક વાર મારા નવમા ધોરણના વિધ્યાર્થીઓને સામાજીક વિજ્ઞાનમાં નાગરિક શાસ્ત્રનો એક પાઠ ભણાવતો હતો, જેમાં હતું કે વડાપ્રધાન બનવા માટે શું લાયકાત જોઈએ, મુખ્યમંત્રી બનવા માટે શું લાયકાત જોઈએ. તો એવામાં મારો એક વિધ્યાર્થી મારી જેમ જ કટાક્ષ કરવામાં હોશિયાર મને કહે,

“માસ્તર સાહેબ, ડૉક્ટર બનવા માટે એમ.બી. બી. એસ, એમ. ડી આવું ભણવાનું, વકીલ માટે એલ. એલ. બી, મેનેજર બનવા માટે એમ. બી. એ, એન્જિનિયર બનવા માટે બી.ઈ અને એમ. ઈ પણ આવું બધુ કરવું એના કરતા થોડું ઘણું સમાજ સેવા કરેલા ફોટા પાડીએ, એક ગરીબના ઘરમાં જઈને આપણી સાથે લઈ ગયેલા થાળી વાટકામાં જમી લઈએ, ભાઈઓ – બહેનો.. ભાઈઓ – બહેનો.. આમ લહેકો કરતાં કરતાં બોલતા શીખી જઈએ, થોડું ઘણું હાફ મર્ડર કે લૂટફાટ કે કોઈ કાંડ કરી લઈએ અને નેતા બની જઈએ.”

આ સાંભળીને મને મનમાં એ વિધ્યાર્થી પર ગુસ્સો ના આવ્યો પણ એણે જે હકીકત કહી એના પર હસવું આવ્યું, સાચું જ કહ્યું એણે બાકી બધી પોસ્ટ મેળવવા માટે કાઈક ને કાઈક હાઇ લેવલનું ભણવું પડે પણ જો નેતા બનવું છે તો કાઈક હાઇ લેવલનું કાંડ કરવું પડે.

એક સાચો જ કાઈક ડાઈલોગ છે જ ને, “દુનિયા જુકે જ છે બસ જુકાવા વાળા હોવા જોઈએ.”

One comment on “બનાવી ગયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *