section and everything up till
*/ ?> નંબર નંબર રે તારો કયો નંબર? - Shabdoni Sangathe

નંબર નંબર રે તારો કયો નંબર?

નંબરની પણ કેવી અલગ જ દુનિયા છે! માણસ રોજીંદા જીવનમાં નંબરો સાથે ગુંચવાયેલો રહે છે. જો શેરબજારમાં જરા પણ નંબર ઉપર નીચે થાય કે તરત માણસનું બ્લડ પ્રેશર પણ ઉપર નીચે થવાં લાગે. લાઇટ બીલ ભરવા જઈએ અને જો લાંબી લાઇન દેખાઈ એટલે તરત જ મનમાં થવાં લાગે કે મારો નંબર આવતા કેટલી વાર લાગશે? એમાં પણ જો બારી પર બીલ ભરવામાં સમય લાગે તો મનમાં રહેલો નિષ્ણાંત જાગૃત થઈ જાય અને સલાહોનો અનરાધાર વરસાદ વરસી પડે, “આપણી આ સીસ્ટમ જ ખોટી છે. આપણો દેશ આમ જ લાઇનમાં જ રહીં ગયો. અંદર બેઠેલો માણસ જ ઢીલો છે. કમ્પ્યુટર સીસ્ટમ જ ધીમી છે.” આ જ પરિસ્થિતિ જ્યારે આપણો નંબર આવે છે, બારી પર જઈને ઊભા રહીએ અને સમય લાગે ત્યારે આપણી પાછળ ઉભેલો માણસ પણ નિષ્ણાંત બની જાય છે.

નંબર મેળવવા આપણે જન્મ લેતા પહેલાથી જ ટેવાઇ ગયા છીએ. આ વાતતો હવે બહાર આવી કે માતા – પિતા નંબરની દુનિયામાં પોતાના સંતાનોને દોડાવે છે. નંબરની દુનિયાતો માતાના પેટમાં હોઇએ ત્યારથી જ શરૂ થઈ જાય છે. દવાખાને ગયા અને ત્યાં જતા લાઈનમાં બેસવાનું. આપણો નંબર ત્યાં પણ ક્યારે આવશે? એમાં પણ જો અંદર એક દર્દીને વધુ સમય લાગે એટલે માતા – પિતા બહાર અટકળો લગાવે કે આટલો બધો શું સમય લાગતો હશે? તો નંબર સીસ્ટમ આપણને માતાના ઉદરથી જ મળી આવી છે.

મોટા થતાં જઈએ એમ ભણવામાં નંબર લાવવા માટેનું દબાણ. એમાં પણ બાજુવાળા રમેશકાકાનો પરેશ પહેલો નંબર લાવે અને આપણે પચ્ચીસમો નંબર આવે એટલે પપ્પા એમનો જૂનો ડાઈલોગ શરૂ કરી દે, “વીસ વર્ષ પહેલા વીસનગરથી વીસ રૂપિયા લઈને આવ્યો હતો, વીસ વીસ કલાક મહેનત કરીને વીસ દુકાનોમાં કામ કર્યું. અને તું પચ્ચીસમો નંબર લઈને આવ્યો, વર્ગમાં છવ્વીસતો છોકરા છે.” હવે એ પપ્પાને કેમ સમજાવવું કે આ 2021 છે અત્યારે પહેલા નંબરે પાસ થવું નહીં પણ નાપાસ ના થવું અગત્યનું છે.

નંબરોની દુનિયામાં સૌથી વધુ જો કમાણી કરે તો એસ્ટ્રોલોજર. એમાં ટેરો કાર્ડ રીડર આ અલગ જ પ્રકારના માનવીઓ છે. એ ટેરો કાર્ડના અલગ અલગ નંબર હોય. જો એમાં સારા નસીબ હોય અને સારા નંબરનું કાર્ડ આવે તો ધન્ય ધન્ય બાકી એ નંબર વાળું કાર્ડ આપણાં ચશ્માના નંબર વધારી દે. આ ટેરો કાર્ડ રીડર પણ સિરિયલમાં આવતી સાસુ જેવા હોય. સિરિયલની સાસુ જેમ ગોળ ગોળ જલેબીની જેમ ફેરવી ફેરવીને મુખ્ય વાત પર આવે એમ ટેરો કાર્ડ રીડર પણ મુખ્ય વાત છેલ્લે બોલશે પહેલા તો સાસુની જેમ ખણખોદ કરશે. અને હા મેકઅપ પણ સિરિયલની સાસુ જેટલો જ કરેલો હોય એટલે ઘણીવાર લાગે કે માણસ ભવિષ્ય જોવા નહીં એ રીડરને જોવા ગયો છે.

નંબરોમાં જો સૌથી વધુ માન સમ્માન કોઈનું હોય તો એ લકી નંબરનું છે. લકી નંબર માટે માણસો એકબીજાને મારવા પણ તૈયાર થઈ જાય છે. હા, ભાવનગરમાં જ એક ભાઈને એની નવી સ્કૂટી માટે ચાર સાતડા વાળો નંબર જોતો હતો, મળ્યો બીજાને તો આર. ટી. ઓમાં જ માથાકૂટ થઈ ગઈ. પહેલા તો ખબર જ ના પડી કે બે માણસો શું કામ લડે છે? એકબીજાને મારી મારીને અધમૂઆ થઈ ગયા. પોલીસે બન્નેને છુટ્ટા પાડ્યા, પૂછપરછ કરી તો ખબર પડી કે લકી નંબર ના મળ્યો એ માટે આટલી ધમાલ કરી. લકી નંબર માટે એ ભાઈએ પચાસ હજાર રૂપિયા ચુકવ્યા, જો કે સ્કૂટી પિસ્તાળીસ હજારની જ હતી. લકી નંબરની સીટ, લકી નંબરનું ઘર, લકી નંબરવાળી બે હજારની નોટ જે જરૂર પડે પણ ખીસ્સામાં જ પડી રે. એક પત્નિએ પગારનો હિસાબ માગ્યો, પતિએ બે હજારની નોટમાં એનો લકી નંબર નીકળ્યો એટલે વાત ફેરવીને હિસાબમાં ગોટાળો કર્યો. પત્નિએ બે હજારની ભૂલ આવતા છુટ્ટા છેડા લીધા અને બે લાખ રૂપીયા પોતાના ભરણ પોષણ માટે માગ્યા. એ પતિ એટલો લકી નંબરના પ્રેમમાં પાગલ છે કે એમ જ વિચારે છે કે કદાચ પત્નિ લકી નંબરવાળી નહોતી.

માણસો પોતાની રાશિ પરથી પણ જ્યોતિષો પાસે પોતાનો લકી નંબર જોવડાવે છે. એ જ્યોતિષ ગ્રહોની દશા જોઈને માણસને લકી નંબર આપે ભલે પછી એ જ્યોતિષની દશા અને દિશા ઠેકાણા વગરની હોય. ઘણીવારતો માણસો જ આટલા રાશી હોય છે તો પણ રાશિ કેમ જોતા હશે?

કોરોનાકાળમાં તો મરવા માટે પણ નંબર આવી ગયા હતા. કેટલા નંબરનો મૃતદેહ છે? સ્મશાનમાં કેટલાંમો નંબર છે? ગઈકાલે જ સમાચારમાં સાંભળ્યું કે મૃતદેહ લઈ લાઇનમાં ના ઊભું રહેવું પડે એટલે સ્મશાનમાં ટોકન સીસ્ટમ શરૂ કરવામાં આવી. જેમ મેકડોનાલ્ડમાં નંબર આવે એમ બર્ગર લઈ આવવાનું એમ સ્મશાનમાં નંબર આવે એટલે અગ્નિસંસ્કાર આપી દેવાનો.

બાળકોની જે જૂની રમત છે, “કલર કલર તારો કેવો રે કલર?” એમ આ નંબરો માટે માણસો માટે આપણે કહી શકીએ, “નંબર નંબર તારો કયો રે નંબર?”

સુનિલ ગોહિલ “માસ્તર”

5 comments on “નંબર નંબર રે તારો કયો નંબર?”

  1. વાહ…👌👌👌👌
    નંબર નંબર તારો કયો રે નંબર?

  2. વાહ…ખૂબ સરસ…જય હો માસ્તર સાહેબની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *