section and everything up till
*/ ?> થાક્યો હું પપ્પા ! - Lekhanotsav - Shabdoni Sangathe

થાક્યો હું પપ્પા ! – Lekhanotsav

ધોરણ : 10 ની બોર્ડ એક્ઝામ નું પરિણામ જાહેર થવાનો એ દિવસ . કેટલાયને તો આગલા દિવસે રાતે ટેન્શનમાં ઊંઘ જ ન આવી અને કેટલાંય લોકો પરિણામ જોવા માટે આતુરતાપૂર્વક સવારે વહેલા જાગી ગયા હતા . આ દિવસે કેટલાય લોકોના સપનાંની નીવ તરી જાય જ્યારે કેટલાય લોકોની નીવ ડૂબી જાય  . ફક્ત વિદ્યાર્થીઓ ને નહી તેમના પરિજનોને પણ પરિણામ જાણવાની આતુરતાથી રાહ હોય અને કેટલાયના મનમાં પ્રશ્નોનો તો ઢગલો હોય ,

“મારો પુત્ર / પુત્રી ઉત્તીર્ણ તો થઈ જશે ને ?

ત્યારબાદ આગળ ક્યાં મુકીશું ?

વિજ્ઞાન પ્રવાહ સિલેક્ટ કરાય કે કોમર્સ ?

ડિપ્લોમા કોર્સ માં એડમીશન કરાઈ દઈશું ?

અરે પણ ! નાપાસ તો નહીં થાય ને !? “

આવા હજારો પ્રશ્નો વિદ્યાર્થીઓ અને તેમના માતા – પિતાના મનમાં ઘર કરીને જ બેઠા હોય છે .

આવી જ રીતે ધોરણ દસ બોર્ડની એક્ઝામ આપીને પોતાના પરિણામની રાહ જોતા પંકજ અને તેના પિતા અશ્વિનભાઈ સાથે બેઠા હતા . વેબસાઇટ પર કેટલાય લોકો એકસાથે ધસી પડયા હોવાથી તે ઓપન નહોતી થતી . છેવટે એક કલાકના અથાક પ્રયાસ બાદ પરિણામ ખુલ્યું અને પંકજ અને તેના પિતાની ખુશીનો પાર ના રહ્યો . પંકજ બોર્ડની પરીક્ષામાં ૯૦% પ્રાપ્ત કરીને સફળતાથી પાર પડી ગયો હતો .

હંમેશા તેને ટોકતાં રહેતા અને તેને ચામડા ના બેલ્ટ્ટથી ઢોર માર મારતાં તેના પિતા આજે તેને ભેટી પડ્યા અને તને ગળે મળતાં જ કહ્યું ,

“ બસ ! હવે , જો હું તારું ડિપ્લોમા એન્જીનીયરીંગ માં એડમીશન કરાવી દઉં અને તું તારે એમાં પાસ થઈને ફટાફટ નોકરીએ લાગી જજે . “

બસ આ વાક્ય સાંભળતાની સાથે જ પંકજની આંખમાંથી આંસુઓ ની ધાર છૂટી ગઈ અને પિતાનું આલિંગન છોડાવીને ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો . પોતાના રૂમમાં કલાકો સુધી ખુદને બંધ કરીને તે રડતો રહ્યો . આટલા સારા ગુણથી પાસ થવા છતાં પણ તે જમ્યો નહી , અન્નનું એક કોળિયું પણ તેના ગળેથી ના ઊતર્યું . જોતજોતામાં રાત પડી ગઈ અને પંકજ હજી પણ તે રૂમમાં જ પડ્યો રહ્યો , ના તો કોઈ એને છાનું રાખવા આવ્યું કે ના તો કોઈ એને હેતથી જમાડવા આવ્યું , બસ તેના મિત્રોનાં કોલ્સ આવતાં હતાં પરંતુ તેણે કોઈનો કોલ ઉપાડીને વાત ના કરી .

આમ ને આમ બે દિવસ વીતી ગયાં . પંકજ ઉદાસ જ રહ્યો . તે દિવસ તેનાં ખાસ મિત્ર મિતથી ટકાયું નહી એટલે તેની ખબર લેવા ઘરે આવી ચડ્યો .

“ કેમ ભાઈ પંકજ ? કોલ કેમ નથી ઉપાડતો ?નાપાસ થયો તો અમારા કોલ પણ નહી ઉપાડે ? ચાલ ચાલ હવે ફરી પરિક્ષા આપી દેજે , આમ શું મો લટકાવીને બેસી ગઈ છે ! “

ઘરે આવતાં જ પગથિયાં પરથી તેણે પંકજ ને આમ કહીને બૂમ મારી .

ત્યાં પંકજ નાં મમ્મી આવી ચડ્યા ,

“ અરે અરે ! આ શું બોલે છે ? પંકજ પૂરા ૯૦ % થી પાસ થયો છે . કોણે કહી દીધું નાપાસ છે ! “

“ હે ! એ અમારા કોલના જવાબ જ નથી આપતો બે દિવસ થી , બધાંયને એમ છે કે એ નાપાસ થઈ ગયો . આટલા સારા ટકા આવ્યા છે તો કેમ આમ છે માસી ? ક્યાં છે પંકજ ? “

એની મમ્મી કઈ જ જવાબ આપે એના પહેલાં જ ત્યાં પંકજ આવી ગયો .

“ મને કંઈ નથી થયું મિત ( તે સ્વસ્થ થઈને બોલ્યો ) .

બસ તબિયત થોડી ખરાબ છે . ચાલ , આવ્યો છે તો ચા પીતો જા ,  બેસ . “

આમ કહી તેણે વાત પલટાવી નાખી , બંને મિત્રો સાથે બેઠાં , સ્કૂલની બધી જ સારી – નરસી વાતો યાદ કરી અને થોડીવાર બાદ મિતે રજા લીધી  અને બંને મિત્રો છૂટા પડ્યા .

થોડાંક દિવસ બાદ પંકજ અને તેનાં પિતા અશ્વિનભાઈ તેનાં પિતાનાં મિત્રની કોલેજમાં મુલાકાતે ગયા અને ડિપ્લોમા એન્જીનીયરીંગ માં પંકજનું એડમીશન કરાવતાં આવ્યાં .

લાંબા વેકેશન બાદ કૉલેજ શરૂ થયાં અને પંકજ પણ કૉલેજના પ્રથમ દિવસે કૉલેજ પહોંચી ગયો . આમ જ ચાલતું રહ્યું , તે દરરોજ કૉલેજ જાય , ઉતરેલું મોઢું લઈને ત્યાં બેસે , ઘરે આવીને જમીને પોતાનાં રૂમમાં ઉતરેલા મોઢા સાથે જ સૂઈ જાય અને જોતજોતામાં એક વર્ષ વિતી પણ ગયું પરંતુ પંકજની ઉદાસી એમ ની એમ જ રહી . પંકજને એક વિષયમાં કે. ટી. આવી ( નાપાસ થયો ).

બીજું વર્ષ પત્યું ત્યાં તે બે વિષયમાં નાપાસ થયો અને આગલી કે.ટી.  ક્લિયર કરવાની તો હજી બાકી હતી . પંકજ ગળાડૂબ ટેન્શનમાં પડી ગયો અને એવામાં તેના પ્રિન્સિપાલનો તેના પિતા અશ્વિનભાઈને કૉલ આવ્યો.

“ દસમાં ધોરણમાં ભલે એના ૯૦ % આવ્યા હોય અશ્વિનભાઈ , અત્યારે પંકજ અમારી કૉલેજનો સૌથી ઠોઠ વિદ્યાર્થી ગણાય છે , એને કંઈ ટપ્પો જ નથી પડતો . સતત બે વર્ષમાં કે.ટી. આવી છે એને , જે એ સોલ્વ કરી શકશે એવું મને જરાય નથી લાગતું . બીજું કંઈ નહિ આ તો તું મારો મિત્ર છે એટલે તને જાણ કરવી મારી ફરજ હતી એટલે તને કોલ કર્યો . “

કૉલ મૂકતાં જ અશ્વિનભાઈએ પંકજને ફરી ચામડાના બેલ્ટ થી ઢોર માર માર્યો ,  તેને મારતી વખતે તેની ચિખો સાંભળીને પણ તેમણે જરાય દયા ન ખાધી . બેલ્ટ અને ચપ્પલથી બસ મારતાં જ જતાં હતા , જોનારનાં મન માં પણ પ્રશ્ન થઈ ઉઠે કે આ તેનો બાપ જ છે ને !?

પરંતુ તે દિવસ પંકજની પણ સહનશીલતા ની હદ આવી ગઈ હતી . તે મોટેથી બોલી ઉઠ્યો ,

 

“ બસ પપ્પા , ક્યાં સુધી મારવો છે હે ? મરી ના જાવ ત્યાં સુધી ?

આમ મને ઢોર ની માફક મારીને જ મને ડિપ્લોમા કૉલેજમાં  એડમીશન માટે લઇ ગયા હતા , યાદ છે તમને ?

મેં તો ત્યારે પણ તમને કીધું હતું ને કે મારે એન્જીન્યરીંગ નથી ભણવું , મારે તો પહેલાં થી જ સાયન્સ ભણવું હતું પપ્પા . તમે જ મને કૂતરાની જેમ મારીને ડિપ્લોમા માં એડમીશન કરાવ્યું હતું ,

જેનાં લીધે હું બે વર્ષથી ઠોઠ ગણાતો આવું છું . “

 

તે રડતાં રડતાં તેના પિતા સમક્ષ તેમની ભૂલો રજૂ કરતો જતો હતો અને માર ખાતો જતો હતો.

 

“ તમારું સપનું હતું કે હું એન્જીનીયરીંગ ભણું તો શું તમે મને એના માટે જિંદગીભર મારતાં રહેશો ? તમારાં એક સપનાં માટે તમે તો મારી આખી જિંદગી બગાડી જ નાખી ને ! શું ભણું હું પપ્પા ? “

 

તે આટલા સમયથી તેની અંદર લાગેલી આક્રોશની એ આગથી સંપૂર્ણપણે દજાઈ ગયો હતો અને આજે એની એ આગ પહેલી વખત પ્રશ્નો દ્વારા બહાર નીકળી હતી આથી તેની ફરિયાદો , તેનું રુદન અટક્યા વગર શરૂ જ રહ્યું .

 

“ મને એમાં કઈ સમજાતું જ નથી , મને એમાં કઈ રુચિ જ નથી તો હું કેવી રીતે ભણી શકું પપ્પા ? આમ રોજ રોજ મને મારવા કરતાં મને મારી નાખો પણ હવે મારાથી નહીં સહેવાય . “

 

બહુ જ હિંમત ભેગી કરી આજે પંકજ પહેલીવાર તેના પિતા સામે બોલ્યો હતો પણ તેના પિતા પોતાની ભૂલ સમજવાની જગ્યાએ તેના જવાબ સાંભળીને વધુ ગુસ્સે ભરાયા અને તેને ચપ્પલ , બેલ્ટ અને લાકડીથી જે હાથમાં આવે તેનાથી વધુ ને વધુ મારતાં ગયા પણ પંકજનું બોલવાનું , તેની ફરિયાદો આજે અટકી નહી.

 

“ હું કૉલેજમાંથી પણ લિવિંગ સર્ટિફિકેટ લેતો આવીશ , પપ્પા .

નથી ભણવું મારે.  “

 

રડતાં – રડતાં પંકજથી બસ આટલું જ બોલાયું અને તે ભાંગી પડ્યો અને છેલ્લે તે બસ એટલું બોલ્યો ,

 

“ થાક્યો હું પપ્પા ! “

 

અને તે બોલતો અટકી ગયો .

પિતાનો માર ખાતાં ખાતાં તે ત્યાં જ ઢળી પડ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું .

 

Jannat Asnani

19 comments on “થાક્યો હું પપ્પા ! – Lekhanotsav”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *