section and everything up till
*/ ?> તીસ નંબર બીડી - Shabdoni Sangathe

તીસ નંબર બીડી

આ વાર્તા કોઈ વ્યસનમુક્તિના ટોપિક પર નથી કે સાંભળવી નહીં ગમે, પરંતુ મારા જીવનમાં બનેલી સત્યઘટના હું આપ સૌ સમક્ષ અભિવ્યક્ત કરું છું.

પાંચમું ધોરણ પૂર્ણ કર્યું એટલે પપ્પાની ઈચ્છા મુજબ હું સુરત શહેરમાં ભણવા માટે આવી. મેં પ્રથમવાર સુરત જોયેલું, વાડ કરેલા ખેતરમાંથી દીવાલ ચણેલા ખુલ્લા કોપડાનો અનુભવ ત્યારે થયેલો. અરે!, સાચું કહું મને એ પણ ખબર નહોતી પડતી કે શોપિંગ મોલની અંદર ઉભેલી નારિયેળી માત્ર શો-પીસ હોય! હું એવું વિચારતી કે આ નારીયેળીને સૂર્ય પ્રકાશ કેવી રીતે મળતો હશે?

હું રોજ જોતી કે એક દૂધ આપવા વાળા કાકા રોજ નીચે એક સ્વિચ દબાવતા અને છેક ત્રીજા માળ પરથી કાંતામાસી તપેલી લઈને દૂધ લેવા આવતા, હું વિચારતી કે સ્વિચ અહીં દબાવે તો ઉપર કેમ ખબર પડતી હશે? મને એવું થતું કે આ સ્વિચ હું પણ દબાવું, હું પણ સ્વિચ દબાવતી એટલે પેલા માસી ફરીથી નીચે ઉતરતા પણ કોઈને ના જોતા બે ગાળો બોલી પાછા ઉપર ચાલ્યા જતા. પછી સમજાયું કે એ સ્વિચ ડોરબેલની હતી. આવા તો અસંખ્ય કિસ્સાઓ હતા હું જ્યારે અણસમજ હતી.

પરંતુ પરિસ્થિતિઓએ મને માત્ર 14 વર્ષની ઉંમરમાં જ ખૂબ જ સમજુ બનાવી દીધી હતી. હું માનું છું કે કદાચ અમુક સ્થાન જીવનમાં પહેલીવાર જોઈએ એનો અહેસાસ જીવનભર યાદગાર રહેતો હોય છે.

સાતમ-આઠમની શાળામાં બે ચાર દિવસની રજાઓ હતી. ગામડેથી મમ્મી પપ્પા પણ થોડા દિવસો માટે આંટો મારવા આવેલા. સૌ પરિવાર સાથે હતો તેથી વિચાર્યું કે નજીકમાં ક્યાંક ફરવા જઈએ. સૌની સહમતીથી સાપુતારા, નાસિક બાજુ પ્રવાસ નક્કી થયો.

7 ઓગસ્ટ 2006 ની એ રાત હતી. સૌ પોતપોતાનો સામાન લઈને ભાડે બાંધેલી ગાડીમાં ગોઠવાયા. આગળની સીટમાં ડ્રાઈવરની બાજુમાં પપ્પા હતા. પાછળની સામસામેની સીટમાં હું, કાકા, ફુવા અને મમ્મી હતા. પાછળની સીટમાં ફોઈ કાકી અને નાના ભાઈ બહેનો.

ધીરે ધીરે ગાડીએ રફતાર પકડી અને અમે ગુજરાતમાંથી બહાર નીકળી મહારાષ્ટ્ર તરફ આગળ વધવા લાગ્યા. ગાડીની બહાર ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો અને ગાડીની અંદર હલચલ મુવી. નાસિકના જંગલમાંથી અમેં પસાર થઈ રહ્યા હતા ત્યારે બાહ્ય વાતાવરણ એટલું આહલાદક હતું કે સ્વાભાવિક રીતે ચા પીવાની ઈચ્છા હૈયે ટળવળે જ. ઠંડો પવન, ઝાકળ બાજી જાય એવું વાતાવરણ, અડધી રાત્રીનો સમય અને ઘનઘોર અંધારાની વચ્ચે આછા આછા પ્રકાશમાં એક ચા ની લારી દેખાઈ.

સૌ ચા પીવા નીચે ઉતર્યા, પપ્પાએ મને પણ કહેલું કે અહીંની લીલી ચા નો સ્વાદ ખરેખર સ્વાદીષ્ટ હોય છે, પરંતુ મને ચા પ્રત્યે ઓછો લગાવ એટલે મેં વધુ ધ્યાન ના આપ્યું અને હું ગાડીમાં આડે પડખે થઈ. ચા પીઈને સૌ આવ્યા એટલે હું બેઠી થઈ,સૌ ગાડીમાં ગોઠવાયા અને ગાડી ફરીથી ગતિ પકડી મંજિલ તરફ દોડવા લાગી.

સૌની આંખો ઘડી ઝેર ભાંગવા થોડી મીંચાતી અને ખુલી જતી. ગાડી થોડી ચાલી ત્યાં હું ઝબકી અને સામેની સીટ પર બેઠેલા ફુવાના શર્ટનું ખિસ્સું ફંફોળવા લાગી અને હિન્દીમાં બોલી કે, “આલ!,આલ!, તીસ નંબર બીડી આલ. હેય…!, બોલા ના…, તીસ નંબર બીડી આલ”.

સૌ ઝોલા ભરી ઊંઘમાં હતા. માત્ર એક પપ્પા જાગતા હતા. થોડીવાર તો સૌને એવું જ થયું કે હું કંઈક બબડું છું, પરંતુ મારી નજર, મારો અવાજ, મારી બોલી, મારી ભાષા, અને મારી રજુઆત પપ્પાની દ્રષ્ટિને કંઈક અલગ લાગી.

હું અંદાજે ચારથી પાંચ વાર બોલી હોઈશ કે આલ આલ તીસ નંબર બીડી આલ. ફુવાએ એના ખિસ્સા સુધી ગયેલો મારો હાથ એક ઝટકો મારીને તરછોડ્યો અને બોલ્યા, “જા હવે! અહીં કોઈ બીડી નથી, સુઈ જા હવે”. હું થોડીવાર ગુસ્સે થઈ અને સુઈ ગઈ.

સવાર પડતા અમે નાસિક પહોંચ્યા, ત્યાં ધર્મશાળામાં રોકાયા. મારા સિવાય સૌને રાત્રે ઘટેલી ઘટનાની જાણ હતી. સૌ મારી સામે જોઇને હસતા હતા પરંતુ સૌના હસવાનું કારણ હું સમજી નહોતી શકતી. મને એમ હતું કે પાણી જતું રહેલું અને મારે હજુ નહાવાનું બાકી છે એટલે સૌ હસતા હશે.

પપ્પાએ મને નજીક બોલાવી, હું પપ્પા પાસે ગઈ. પપ્પાએ મને પૂછ્યું બેટા, “બીડીમાં કેટલા પ્રકાર આવે?”

મેં કહ્યું પપ્પા કોઈ સારી વાત પુછોને!, આવી વાતો શું કરો છો સવાર સવારમાં?

પપ્પાએ ફરીથી કહ્યું તું જે જાણતી હોય એ કહે, “મેં કહ્યું બીડી આવે અને બીસ્ટોલ આવે બીજું મને કંઈ નથી ખબર”. મને બીડીથી સખત નફરત છે એ જાણવા છતાંયે આવું ને આવું જ પૂછ્યા કરે મને હું બબડી ઉઠી.

પપ્પાએ કહ્યું, “કે તે આજ પહેલા ક્યારેય તીસ નંબર બીડીનું નામ સાંભળ્યું છે?”

મેં કહ્યું, “ના, મને નથી ખબર કે બીડીના નામ પણ અલગ અલગ હોય!”.

મેં પૂછ્યું, ” કેમ પણ તમે મને આવું શા માટે પૂછો છો”?

સૌને આ વાતની જાણ હતી તેથી સૌ બોલવા લાગ્યા આલ, આલ તીસ નંબર બીડી આલ… હું મંત્રમુગ્ધ બની સૌને નિહાળતી રહી અને સૌ મારી મજાક કરતા હતા એટલે આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા.

પપ્પાએ ગઈ રાત્રે મારી સાથે બનેલી સઘળી વાત મને જણાવી અને કહ્યું, “જ્યારે હું દસમું ભણતો ત્યારે તીસ નંબર બીડી બંધ થઈ ગયેલી એ પછી ક્યારેય તીસ નંબર બીડીનું નામ સાંભળ્યું નહોતું, આજે અચાનક 35 વર્ષ પછી સાંભળ્યું તો અચરજ પામ્યો”.

પપ્પા અને અન્ય પરિવારજનોના મનમાં આ વાત ઘર કરી ગઈ કે જે વસ્તુની મને સ્વપ્ને પણ જાણ નથી એ વસ્તુનો ઉલ્લેખ મેં કેવી રીતે કર્યો? આખરે એ તીસ નંબર બીડી વિશે હું કેમ બોલી? હું ઘણીવાર ઊંઘમાં બોલું છું, પરંતુ મારી ભાષા, મારો અવાજ, મારો લહેકો ક્યારેય નથી બદલાયો. તો આજે કેમ આવું બન્યું?

બે દિવસનો પ્રવાસ પૂર્ણ કરી સૌ ગુજરાત સુરત ખાતે પાછા ફરી રહ્યા હતા. ફરીથી અમારી ગાડી બપોરે 2 વાગ્યે એ જંગલમાં પહોંચી. સૌ ફરીથી લીલી ચા પીવા ત્યાં ઉભા રહેલા આ વખતે હું પણ સાથે ગયેલી.

પપ્પાએ એ ચા વાળાને પૂછ્યું, તીસ ભાઈ બીડી મળશે? એ ચા વાળાના ચહેરાનો રંગ ઉડી ગયો, એની અંદર છુપી કોઈ વાત જાણે એ કહેવા માંગતો હોય એવો ભાવ એના ચહેરા પર તાદૃશ્ય થયો. એ ચા વાળો બોલ્યો કોને પીવી છે? પપ્પાએ કહ્યું છે કે નહીં તું એ કે? એ બોલ્યો હું માત્ર રાત્રે જ બીડી વેચું છું, દિવસે નહીં. એની વાતમાં કંઈ તથ્ય લાગ્યું એટલે પપ્પાએ પૂછ્યું કેમ એમ?

એ ચા વાળો બોલ્યો તમે જે તીસ નંબર બીડી માંગી એ બીડી મારી પાસે રાત્રે ઘણાંએ માંગી છે, કહેવાય છે કે આ જંગલમાં ઘણાં અતૃપ્ત શરીર મૃત્યુ પામ્યા છે, અને એ લોકો પોતાની અધૂરી ઈચ્છાઓ અહીં આવનાર લોકો પાસે પુરી કરાવે છે. એ વાતનો હું સાક્ષી રહ્યો છું, કે કોઈ પાંચ વર્ષનું બાળક પણ અહીં અનોખી અનોખી વસ્તુઓની માંગણી કરે છે.

મારા પપ્પાએ તે રાત્રે બનેલી ઘટનાની તે ચા વાળાને વાત કરી. તેણે કહ્યું આ વાત આ જંગલમાં સામાન્ય છે. જેના મનનું મનોબળ નબળું હોય તેવા લોકો આવી ઘટનાનો શિકાર બને છે. કદાચ તમારી દીકરીને એ રાત્રે બીડી આપી હોત તો એ પીવત એમાં નવાઈ નહીં. આ વાત સાંભળી સૌ સ્તબ્ધ બની ગયા. મને તો ઘેર પહોંચતા જ 104 ડીગ્રી તાવ આવી ગયેલો. કારણકે મારા મનનું મનોબળ ખૂબ જ નબળું હતું અને હું ડરપોક હતી.

સતત મનમાં એક જ સવાલ ઉદ્દભવ્યા કરતો કે બીજા કોઈ સાથે નહીં પરંતુ મારી સાથે જ કેમ આવું બન્યું?

એનો જવાબ એટલો જ હશે કે જ્યારે આપણે આ દુનિયા સમક્ષ થાકેલા, હારેલા, મુંજાયેલા અને ડરેલા રહીશું તો આ દુનિયાના બાહ્યપરિબળો આપણને જલ્દી અસર કરી આંતરિક રીતે તોડી નાંખશે. એક પોલા ઢગલા જેવા નહીં પરંતુ કઠોર પહાડ જેવા બનીએ જેથી કોઈ આપણને તોડવા મથે તો પણ એને મોઢે ફીણ આવી જાય.

અહીં અભિવ્યક્ત કરેલી સત્યઘટના કદાચ ભણેલી વ્યક્તિ ના સ્વીકારી શકે! પરંતુ એ ઘટના મારી સાથે બન્યા પછી હું આંતરિક ખૂબ જ મજબૂત બની છું. ઘણીવાર આપણે મજબૂત બનવા માંગીએ તો પણ નથી બની શકતા, પરંતુ આવી નાની મોટી ઘટના આપણને અંદરથી અને બહારથી ખૂબ જ મજબૂત બનાવી દે છે.

અંતે એક શેર મસ્ત બને છે જે અહીં ટાંકુ છું,

“હેય!, વિઠ્ઠલ તિડી,
આલ તીસ નંબર બીડી” 😊

🖊️Ankita Mulani

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

7 comments on “તીસ નંબર બીડી”

  1. સરસ ,લેખનશૈલી ખૂબ જ પકકડ જમાવટ કરે છે, નબળા મનોબળ વાળા માની પણ જાય.એ અલગ વાત છે ,એમ કંઈજ હોતું નથી. અમે ખૂબ પ્રયોગ કરેલા છે. સ્મશાનમાં ઘણી રાતો ની રાત વિતાવી જોઈ છે. વાર્તા માટે અભિનંદન.

  2. સરસ,લેખનશૈલી પક્કડ જમાવટ કરે છે. પરંતુ વાસ્તવમાં એવું કંઈ જ નથી હોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *