section and everything up till
*/ ?> ઝાકળનું ઝરણું - Shabdoni Sangathe

ઝાકળનું ઝરણું

“ઝાકળ” શબ્દ કાને અથડાયને એક અમથા ટીપાંની રચના નજરમાં અંકાય. પણ આ નાનું અમથું ટીપું એ આખા વિશ્વને સ્વમાં સમાવી લેતા સૂર્યને પણ પોતાનામાં સમાવી લે છે.એવું કહેવાય છે કે ઈશ્વર કશી જ મલીન વસ્તુ સ્વીકારતો નથી, એટલે જ ફૂલોને ઝાકળથી ધૂએ છે. ઝાકળનું આગમન અહલાદક હોય છે. ઝાકળ સવાર પર સવાર થઈને આવે છે. સવાર સવારમાં એનો રૂતબો જ કંઈક અલગ હોય છે. ઝાકળને પણ પતંગિયું બની ઊડી જવું છે અને આકાશનો છેડો મેળવવો હોય છે. જરા અમથી ઝાકળ તડકાની તીવ્રતા પણ રોકી દે છે.

કેટલાક સંબંધો ઝાકળ જેવા હળવાફૂલ હોય છે. જેના શ્વાસ અને સહવાસમાં ઝાકળ જેવી જિંદગી ખરેખર મોતી બની જાય છે.હા, એ જરાય ખોટું નથી કે, આજના બનાવટી સમયમાં લાગણીઓની ભીનાશ ઓસરતી અને ઓગળતી જાય છે. પણ પ્લાસ્ટીકના ફૂલને કદી ઝાકળ બાઝયાની જાહોજલાલી સાંપડતી જ નથી એમ જ બનાવટી સંબંધમાં સ્નેહની ઝાકળ ક્યારેય સ્પર્શતી જ નથી.વ્હાલ કરતાં વ્યવહારને મહત્વ આપતો વ્યક્તિ લાગણીભીનો સંબંધ કયારેય મેળવી નથી શકતો.

પણ વિચારો, જ્યાં ઝાકળસમી લાગણીઓનો ઝરુખો હોય એ સંબંધોના ફળિયામાં ફરવાની મજા કેવી અનેરી હશે.લાગણીઓના ભીનપનો અહેસાસ સદાય થશે. ત્યાં કશું કોરુંકટ્ટાક નહીં લાગે. શુષ્કતાના સરનામે ઝાકળસમી સંવેદનાઓ ઓજસ પાથરશે અને જીવન જીવવા જેવું લાગશે. સંબંધોના બગીચામાં લાગણીઓના નાનાં નાનાં ઝાકળબિંદુ ખૂબ જરૂરી છે. ઘણીવાર વ્યક્તિના મનની મલિનતાને સ્નેહસમી ઝાકળ જડમૂળથી ઉખાડીને ફેંકી દે છે અને સ્વને નિખારવાની પણ અમૂલ્ય તક મળી રહે છે. ઝાકળ ક્ષણનો મહિમા દર્શાવે છે. કેટલું જીવ્યા કરતા કેવું જીવ્યાનું વધુ મૂલ્ય છે ખરું ને. જેમ નવલકથા કરતાં લઘુકથા હમેંશા ધારદાર લાગે છે એ જ રીતે કેટલા સંબંધ બનાવ્યાં એનાં કરતાં બનાવેલ સંબંધમાં કેટલું જીવ્યા એનું મૂલ્ય હમેંશા વધુ રહે છે.

આપણે એવું ના માની લઈએ કે સંબંધોને માત્ર સગવડો જ જોઈતી હોય છે, સંબંધો સમય અને લાગણીઓ જ માંગતા હોય છે. એ આપીએ અને આપણે પણ એ જ ઇચ્છતા હોઈએ છીએ. ખરેખર લાગણી એક એવું મ્યૂચલ ફંડ છે, જે હમેંશા સારું જ વળતર આપે છે, બસ આપણને રોકાણ કરતાં આવડવું જોઈએ. ગમતાં સંબંધોમાં રોકાણ કરો, પણ કોઈપણ જાતના વળતરની અપેક્ષા વિના, પછી જુઓ જીંદગી તમને કેવી સરપ્રાઈઝ આપે છે! જે સંબંધો જિંદગી માટે અગત્યના છે, તેની સાથે નિખાલસ રહો, કોઈ ગમે તેવું જીવે, પણ આપણે સ્વાભાવિક જીવન જીવીએ. અને યાદ રાખો કે, નજીકના સંબંધોને રેપીંગ કે પેકિંગ નહી, પણ કેરીંગની જ જરૂર હોય છે. નજીકના સંબંધોને ખુલ્લું આકાશ જોઈતું હોય છે, માટે આપતાં રહો. તેમણે આપણા માટે શું કર્યું? એ વિચાર્યા વિના સંબંધો નિભાવતા રહો.

સંબંધને સફળ બનાવવા પણ આત્મ-વિશ્વાસ જરૂરી છે.જે વ્યક્તિને ખુદ પર વિશ્વાસ હશે, એ જ સંબંધોમાં વિશ્વાસ રાખી શકશે. આપણે જેવા હોઈએ છીએ, એવા પ્રતિબિંબો પડતાં હોય છે. અને આ બાબત સંબંધોને પણ લાગુ પડે છે. દરેક વ્યક્તિનું ખુદનું અસ્તિત્વ હોય છે, એ કદી નાં ભૂલવું. એ અસ્તિત્વને પણ સન્માન આપતા રહીએ અને મોજથી સંબંધો નિભાવતા રહીએ. લાગણીઓના આવેશો અને આવેગોની ક્ષણોમાં પણ એક બીજાને સાચવી લે એવા સંબંધો હમેંશા જીવંત રહે છે.કદી ના સમજી શકાય તેવા સંબંધ પણ કાયમ માટે ધબક્તા હોય છે.

પાંદડા પરથી દડતું ઝાકળનું દ્રશ્ય જોવું એ જીવનનો લસલસતો લ્હાવો છે. તીર જેમ ભોંકાતા સૂર્યકિરણ સામે છેલ્લી ક્ષણ સુધી ટક્કર લે છે. એમ જ ઝાકળભીના સંબંધો પ્રતિકૂળ સમયમાં એકમેકનો આધાર બની રહે છે.ઝાકળ તડકાના તાલે પોતાનું સ્વરાંકન શોધી લે છે એ જ રીતે લાગણીઓના તાલે સંબંધ પોતાનું અસ્તિત્વ શોધી જ લે છે. જરૂર છે તો અંતરમાં રહેલ ઝાકળસમી સંવેદનાઓ ને પિછાણવાની અને જતાવવાની. સંબંધમાં જીવવા માટે સ્વને ભૂલવાનું નથી પણ એકમેકમાં ઓગાળી જવાનું છે એ પણ ઝાકળની માફક. સંબંધમાં સ્વને ઓગળીને એકમેક સંગાથે સ્નેહભર્યા જીવન માટેનું સમર્પણ એટલે સૂર્યના સાગરમાં સમાતું “ઝાકળનું ઝરણું”…

🖊️Rekha Manvar

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

5 comments on “ઝાકળનું ઝરણું”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *