section and everything up till
*/ ?> ગમતી ચાહત.....”સ્નેહ” - Lekhanotsav - Shabdoni Sangathe

ગમતી ચાહત…..”સ્નેહ” – Lekhanotsav

“તું ગમે છે કારણ હું તને ચાહું છું,

પણ ગમવું અને ચાહવું એ બન્નેમાં ઘણો ફર્ક છે.”

 

વ્યક્તિને જીવનમાં કોઈ ગમતું મળે એનાથી વિશેષ શું જોઈએ. પણ જે ગમે એને ખરા દિલથી ચાહી શકાય છે? જ્યારે આપણે કોઈ વ્યક્તિના રૂપથી, એમના સ્વભાવથી,એમના હાજર જવાબીપણાથી,એમની હોશિયારીથી, એમના કામથી આકર્ષિત થવા લાગીએ એટલે આપણને એ ગમવા લાગે છે.ગમવા માટે ફક્ત ગુણો જ દેખાય છે. આ જ સારી બાબતો બીજી કોઈ વ્યક્તિમાં મળે એટલે અહીં આપણી પસંદ બીજી તરફ વળી જાય છે બીજી કોઈ વ્યક્તિ ગમવા માંડે છે.

 

આમ જોઈએ ને તો, ગમવામાં અને ચાહવામાં ફક્ત મિલિસેકન્ડનો જ ફરક છે.પણ એ મિલિસેકન્ડ તમારો આખોય ટાઈમ ઝોન બદલી નાખે છે.તમારું જીવન બદલી નાખે છે જેના માટે સાચે જ પોતાનાપણાની લાગણી હોય એમને ચાહીને ગમાડી લઈએ છીએ.પણ જ્યાં ફક્ત ગુણોને જ ગણવામાં આવે ત્યાં ચાહત એટલી તીવ્રપણે રહેતી જ નથી.

 

જ્યારે કોઈકને ખરા દિલથી ચાહીએ ત્યારે એમના ગુસ્સાને, એમની મૂર્ખામીઓને, એમની નાદાનીઓને, એમની આદતો, અને એમની ન ગમતી ઘણી બધી બાબતોને આપણે સહર્ષ સ્વીકારી લઈએ છીએ. એમના ગમાંઅણગમાને જાણતા હોઈએ છતાં પણ એમના તરફના પ્રેમમાં આપણે ભીંજાતા રહીએ તો એ “ચાહત” છે. એમનો ફોટો જોઈએ ત્યારે એમની આંખોની ઊંડાણ જોઈને, ખૂબ સરસ દેખાય છે એવુ કહીએ તો, એ આપણને ગમે છે,પણ એમના ફોટામાં જયારે એમની આંખમાં ઊંડાણની સાથે આપણને એમનો ઉજાગરો પણ દેખાય જાય તો એ ચાહત છે.

 

તું ક્યાં છે? ક્યારે આવીશ તું? મને સમય ક્યારે આપીશ? તે જમ્યું કે નહીં? આ બધા સવાલો ક્યારેક અકળાવે છે.પણ જો કોઈ તમને આ સવાલ પૂછે તો એ સમજી લો આ પ્રેમ છે. પ્રેમમાં ચિંતા ભેગી ભળેલી જ હોય છે. મોબાઈલના હજારો કોન્ટેક માંથી ફક્ત કોઈ એકને જ આ સવાલ પૂછી શકાય. એવું પણ થાય કે હજારો કામ હોય તો પણ એમની જોડે જ વાત કરવાનું મન થાય, અર્થ વગરની વાતોમાં પણ કલાકો નીકળી જાય. એકબીજાને પામવા માટે કોઈ પ્રકારની કોશિશ જ નથી કરવી પડતી પણ બંન્ને પક્ષે એક સરખો ઉમળકો હોય જે સદાય ઉભરાતો હોય અને અંતરે રહીને અનુભવી શકાય. જો કોઈ આવું જીવનમાં હોય તો એ ચાહત છે.

 

ચાહવામાં એક મર્યાદા છે.જયારે ગમવામાં લાબું લિસ્ટ છે. ચાહવામાં રાહ છે પણ ગમવામાં જે હાજર છે એની જોડે વાતો કરી લેવાની બસ સમયપસાર થવો જોઈએ એટલે એમાં કોઈ રાહ જોવાની નથી.ગમવામાં માત્ર ઈચ્છાપૂર્તિ નો આશય હોય છે જયારે ચાહવામાં ઈચ્છાઓ જાતે જ થઈ આવે કોઈ આશય વગર પ્રિયપાત્રની ઈચ્છાઓ પૂરી કરવી એ પણ આપણી ઈચ્છા બની રહે છે. ઇચ્છાઓની સાથે ચાહતની જોડી ના શકાય પણ ઈચ્છા વગર ચાહવું એ શક્ય પણ નથી. એમના વગર નહીં જ રહી શકાય એ લાગણી પણ ચાહતમાં આપણેને એકબીજા સાથે જોડી રાખે છે.

 

કદાચ આપણા શબ્દોમાં, વર્તનમાં, વિચારોમાં એમની હાજરી રહ્યા જ કરે.ગમવા માટે હજાર કારણો મળી જાય પણ ચાહવા માટે કોઈ જ કારણની જરૂર નથી અને કારણોને ચાહત સાથે કોઈ નિસ્તબ જ નથી એટલે એનું તારણ શોધવાનો પ્રયાસ પણ અર્થહીન છે. અમુક સમયે સામેનું પાત્ર આપણાં સ્વભાવ કે વિચારોમાં ખરું નથી ઉતરતું. અમુક સંજોગોમાં બંનેના વિચારોમાં એક ભેદ પણ સર્જાય છે. તેમ છતાંય એના માટેનો સ્નેહ સહેજ પણ ઓસરતો નથી. મતભેદ જોવા પણ મળે પરંતુ મનભેદ ક્યારેય સર્જાતો નથી.

 

ગમવું એ ટૂંકા સમયનું ચયન છે. જ્યારે ચાહવું એ સમીપતાનું પર્યાય છે.ચાહવું એ ક્ષણનું સુખ આપે છે તો દિવસ કે મહિનાઓની સહન ન થાય એવી ભરપૂર પીડા પણ આપે છે.અને એ પીડા પામવા છતાં ચાહત ઓછી થતી જ નથી.જ્યારે ગમવામાં કોઈ પીડા નથી બસ છટકબારી છે છૂટવાની. ગમતી વ્યક્તિ સાથે વાત કરતાં પહેલાં વિચાર કરવો પડે પણ જ્યાં ચાહત હોઈએ ત્યાં આપણને આ ડર હોતો જ નથી આપણે મન ખોલીને એમને બધું જ જણાવી દેતા હોઈએ છીએ.

 

આપણને એક સાથે અસંખ્ય લોકો ગમી શકે છે કદાચ અનેક લોકો એક સાથે આપણને ગમાડી પણ શકે છે પણ ચાહવામાં આ શક્ય નથી ગમતી દરેક વ્યક્તિને આપણે ચાહી શકીએ નહીં એ ફરક નજીવો છે .પણ ફરક તો છે જ ને.ગમતાં વ્યક્તિની ભૂલો આપણને એમનાથી તરત દૂર કરી દે છે. પણ જેમને આપણે ચાહીએ છીએ એની અક્ષમ્ય ભૂલોને પણ આપણે માફ કરી દઈએ છીએ.ચાહવાની ક્રિયા ગમવાથી શરૂ થાય છે પણ જેમને ચાહિએ એમનું પછી બધું જ ગમવા લાગે છે.

 

ગમવામાં આકર્ષણ છે અને ચાહવામાં સમર્પણ છે. ગમવાના સંબંધ જરૂરિયાત પૂરતા હોય છે. ચાહવાના સંબંધ શ્વાસ જેવા હોઈ છે ખૂબ જ જરૂરી.પણ જેમ શ્વાસ જરૂરી એમ તું પણ જરૂરી એ વ્યક્ત કરવું પણ એટલું જ જરૂરી છે. ચાહત જતાવવી એ એક એવી અભિવ્યક્તિ જેમાં કાળજી છે, ત્યાગ છે, ચિંતા છે, પ્રતિક્ષા છે, માફી છે સમર્પણ છે અને સદાય માટે સ્નેહ છે. એકબીજાને બાંધી રાખીને નહીં એક બીજામાં બંધાઈ જવાની ઈચ્છા થઈ આવે સંબંધ એટલે સ્નેહસંબંધ.

 

જીવનના સફરમાં ગમતાં હજારો મળી રહેશે પણ ચાહી શકાય એવું કોઈ અનન્ય જ મળશે. ગમવામાં બીજા સાથે હરીફાઈ હોય કે કોઈ આપણને કેટલું ગમાડે છે અથવા કેટલા લોકોને આપણે ગમીએ છીએ પણ ચાહતમાં સ્પર્ધા ફક્ત પોતાની સાથે હોય છે.ચાહત આપવાની સ્પર્ધા, ચાહતમાં પામવાની ઘેલછા હોય છે ભોગવવાની નહીં. ચાહતમાં માપવા કરતાં આપવાની મજા છે. ચાહતમાં મળતી હાર એ પણ જીત કરતાં અનેરી ખુશી આપે. અને મન મુકીને કોઈને ચાહતા ચાહતા વ્યક્તિ પોતાને પણ ચાહવા લાગે છે.

 

અંતે,ગમવું એ એક પડાવ હોઈ શકે પણ ચાહવું એ એક સફર છે એનો કોઈ અંત જ નથી. ગમવાની શરૂઆતથી લઈને ચાહવાની રાહ સુધી એકબીજા સામે હારીને એકબીજાને જીતી લેવાની સફર એટલે “સ્નેહ”…..

 

હું તને ચાહું છું એટલે નહીં કે તું મને ગમે છે,

એટલે કે, તને ચાહતા ચાહતા હું ખૂદને ચાહું છું.

 

Rekha Manvar

31 comments on “ગમતી ચાહત…..”સ્નેહ” – Lekhanotsav”

  1. Really Heart touching lines when we read above lines at that time our eyes becomes blind…. only and only our heart reads it…..

    So True…….

  2. વાહ…! જોરદાર લેખ.. પ્રેમ ના મર્મ ને સમજાવતી રચના..

  3. સાચી વાત કહી દીધી બધી પ્રેમ ની..
    પ્રેમ અને લાગણી નો સાચો અર્થ બતાવી દીધો..

    જોરદાર..

  4. સરસ ભેદ ગમવા અને ચાહવા વચ્ચે નો👌👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *