section and everything up till
*/ ?> ખાઉધરા ગુજરાતી. - Shabdoni Sangathe

ખાઉધરા ગુજરાતી.

જ્યા જ્યા વસે ગુજરાતી ત્યા ત્યા સદાકાળ ગુજરાત.

આ વાક્ય આપણાં ગુજરાતીઓ એ ખરેખર સાર્થક કરીને બતાવ્યું છે. દુનિયાનો લગભગ કોઈ ખુણો બાકી નહીં હોય જ્યા આપણો ગુજરાતી નહીં વસતો હોય અને જ્યા ગુજરાતી વસતો હોય ત્યા ખાણીપીણી તો હોવાની જ ને.

અમારે એક કાકા પહેલી જ વાર ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર થયા, ઓસ્ટ્રેલિયામાં એનો છોકરો અને ઓસ્ટ્રેલિયન વહુંએ એને ત્યાં બોલાવ્યા, ભાઈ તો રાજી રાજી. સામાન બધો પેક કર્યો, એરપોર્ટ પર જ્યારે પહોંચ્યા અને બધુ ચેકિંગ થયું ત્યારે આપણાં એરપોર્ટ અધિકારી પણ વિચારમાં પડી ગયા કે માણસ એક ના બિસ્તરા પોટલા આટલા બધા કેમ? તો એણે પૂછ્યું,

“ભાઈ, આ આટલો બધો સામાન તમે એકલાં જ છો કે સાથે કોઈ છે?”

“ના ના સાહેબ, આ તો એકમાં મારા બે જોડી લૂગડાં છે અને બાકીના પાંચ બેગમાં થેપલા, ખાખરા, ચકરી, અથાણાં, પૂરી, પાપડ, ચવાણું, ભાવનગરના ગુણુંભાઈના ગાંઠિયા, ચોળાફળી અને બીજું નાનું મોટું કાઈક ને કાઈક ફરસાણ છે.”

“તો તમારે ઓસ્ટ્રેલિયામાં ફરસાણનો ધંધો કરવો લાગે?”

“ના ના સાહેબ, બધુ ત્યાં મારા છોકરા અને વહું માટે છે અને ગુજરાતી જ્યા જાય ત્યાં થેપલા તો હોય જ.”

“હા પણ આટલો સામાન તમને સાથે ના લઈ જવા દઈએ.”

“એ સાહેબ એવું ના કરો, આ લ્યો તમતમારે બે ખાખરા અને થેપલા ના પેકેટ તમે રાખો પણ સામાન લઈ જવા દો.”

આ છે ગુજરાતી જે લાંચમાં પણ ખાવાનું જ આપે પૈસા નહીં અને સામે અધિકારી પણ એવો એણે એ લઈ લીધા અને સામાન ઓકે છે કરી જવા દીધું.

ફ્લાઇટ ઉપડવાની તૈયારીમાં તો આ ભાઈએ શ્રીફળ કાઢ્યું ને એરહોસ્ટેસને બોલાવીને કહે પ્લેનના આગળના ટાયર પાસે મૂકી દો. પેલી એરહોસ્ટેસ પણ મુંજાણી આનું કરવું શું પછી પાયલેટને બોલાવ્યા એણે સમજાવીને શ્રીફળ મુકાવી દીધું. ગમે તે થાય પણ આપણાં રિવાજો ના ભુલાવા જોઈએ એ છે આપણો ગુજરાતી, પ્લેન સફળતા પૂર્વક ઊડે એટલે એને શ્રીફળ મૂકવું હતું ગજબ છે વાલા ગજબ.

પ્લેન ઉડ્યું, દુબઈ સુધી તો કોઈ વાંધો ના હતો પછી તકલીફ પડી બધા જ પેસેન્જરોને. સૌથી પહેલા થેપલા અને અથાણાંની ગંધ આવી અને આખા પ્લેનમાં એ હદે ફેલાણી કે બધા પેસેન્જરોએ ફરિયાદ કરી કે આ છે કોણ?

એ ગુજરાતી છે સાહેબ એને સ્થાન સાથે કોઈ લેવા દેવા નથી એને તો ભૂખ લાગે એટલે એ હવામાં પણ થેપલા ખાઈ શકે છે.

જેમ તેમ કરી ઓસ્ટ્રેલિયા આવ્યું, એ કાકા નીચે ઉતર્યા એટલે સૌથી પહેલા તો આખા પ્લેનને પરફ્યુમ છાંટીને એ થેપલા અથાણાંની ગંધથી મુક્ત કર્યું. એરપોર્ટ પર ઉતર્યા એટલે કાકાએ છેલ્લા કેટલા કલાકથી બુધાલાલ ખાધી નહોતી, એટલે એણે બહાર નીકળી બુધાલાલ તોડી ને હાથમાં લીધી અને ત્યાં ઉભેલા પોલીસવાળાએ જોયું અને કાકાને અંગ્રેજીમાં પૂછ્યું,

“હેય જેન્ટલમેન વોટ ડુ યુ ડુ?”

હવે કાકાનું અંગ્રેજી કાળા અક્ષર ભેંસ બરાબર જેવું એટલે એને એમ કે આ બુધાલાલ તોડી ને હાથમાં ચોળીને એટલે ઉડ્યું હશે તો કાકાએ પણ ટકો રંગાઈ જાય એવો જવાબ આપ્યો,

“હવે એ ઉડ્યું તો ઉડ્યું. ગમે તે બોલી લે બાકી બુધાલાલ તો ખવાશે જ.”

આ કાકા એક મહિનો ઓસ્ટ્રેલિયા રહ્યા, વિચાર કરો શું હાલત થઈ હશે ઓસ્ટ્રેલિયાની!

આપણે તો એ ગુજરાતી છીએ સાહેબ જે થેપલા પર પણ ચીઝ લગાવીને ખાઈએ, ગુજરાતનાં પ્રખ્યાત લેખકે ચીઝ થેપલા હાસ્ય પુસ્તકમાં પણ કહ્યું જ છે કે થેપલા પર ચીઝ લગાવાથી થેપલા પીઝા ના બની જાય પણ આ ગુજરાતીની ટેલેન્ટ છે જે વિદેશની વસ્તુ અપનાવીને પણ દેશી સ્વાદ નથી છોડતો.

ભારતમાં બર્ગરમાં પણ આલુ ટિક્કી બર્ગર આ મેકડોનલ વાળા એ ગુજરાતીના કારણે જ ચાલુ કર્યું છે. ગુજરાતીનું જો ચાલે તો આપણે કે. એફ. સી ચિકનમાં પણ શાકાહારી ચાલુ કરીએ એવા છીએ. કે. એફ. સી થેપલા બકેટ, કે. એફ. સી અથાણાં વગેરે વગેરે.

ગુજરાતી ખાવાના એ હદે શોખીન છે કે એ જો જિમમાં જતા હોય તો એને ડાઇટ કરવાનું કહે તો એ ૫૦૦ ગ્રામ ફાફડા ખાતા હોય તો એ ૪૫૦ ગ્રામ ખાઈ અને કહે કે ૫૦ ગ્રામનું ડાઈટિંગ ચાલુ છે. આપણે અહિયાં ફાંદ વધારવી એ તો ખાતા પિતા ઘરના હોવાની નિશાની છે. ગુજરાતમાં તો શહેરોમાં પણ એરિયાના નામ ખાવા પરથી હોય છે, “ખાઉધરી ગલી, ફૂડ બાઝાર, ખાઉધરા ચૌક વગેર વગેરે, આવું એક ગુજરાતી જ વિચારી શકે.

એટલે જે એવું કહેવું અતિશયોક્તિ નહીં કે,

“જ્યા જ્યા વસે ગુજરાતી ત્યા સદાકાળ ગુજરાતી ખાણીપીણી.”

સુનિલ ગોહિલ “માસ્તર”

One comment on “ખાઉધરા ગુજરાતી.”

  1. હાહા! સાચ્ચે ચા સાથે વાંચતા- વાંચતા મઝા પડી ગઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *