section and everything up till
*/ ?> કુદરત સાથે મિત્રતા - Shabdoni Sangathe

કુદરત સાથે મિત્રતા

કુદરત! કેવી છે ને કુદરત? માણીએ તો મજા, ચાહીએ તો પ્રેમ, અનુભવીએ તો લાગણી, શીખીએ તો શિક્ષક, સમજીએ તો સમજણ અને માણીએ તો આનંદ બની જાય છે! પ્રકૃતિ કહીએ કે કુદરત વાત એક જ છે, એક એવી જગ્યા, એક એવી વસ્તુ અને વ્યક્તિ તરીકે લઈએ તો એક એવી વ્યક્તિ જેની ગોદમાં આપણે મન મૂકીને રડી શકીએ, દિલ ખોલીને હસી શકીએ, વગર બોલ્યે વાતો કરી શકીએ અને વગર વિચાર્યે રાતો વિતાવી શકીએ. ન તો એ આપણાને રોકશે, ન ટોકશે અને એકદમ સહજ રીતે આપણી બધી જ ભાવનાઓ, આપણી અસંખ્ય વેદનાઓને અને આપણી અનંત લાગણીઓને વહેવા દેશે.

સમગ્ર વિશ્વથી થાકી જઈએ, આપણી પોતાની જ લાગણીઓ સામે હારી જઈએ, લોકોથી ઠગાઈ જઈએ અને છેવટે અંતરના ખૂણામાં ક્યાંક દબાઈ જઈએ, તૂટીને વિખરાઈ જઈએ અને આશાની એક કિરણ ન દેખાતી હોઈ, સાથ આપનાર કોઈ સાથી, કોઈ મિત્ર ન દેખાતો હોય એવાં સમયે ફક્ત એક નજર આ પ્રકૃતિ, આ કુદરત સામે કરીને તેને સમજવાનો નાનોક અમથો પ્રયાસ કરીએ તો તૂટેલ દિલને, ભાંગેલ મનને અને લથડેલ વિચારોને જીવવાની એક નવી આશ, ઉડવાની એક નવી પાંખ મળી જાય અને સાથેસાથે અંતરમાં ઊર્જાની એક નવી કિરણ જાગી જાય, જાણે એક નવો અને જીવનનાં અંત સુધી ટકી રહે તેવો મિત્ર મળી જાય. હા! કદાચ એ મિત્રતા પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે હશે પણ દુનિયાનો સૌથી સાચો મિત્ર આપણી પાસે હશે, એક એવો મિત્ર જે જિંદગીની કઠિનથી કઠિન ડગરમાં પણ આપણી સાથે જ ચાલતો હશે, જેને ખોવાનો ડર નહીં રહે અને હંમેશાં તેના સાથને માણી શકીશું! આ રીતે જોઈએ તો કુદરત એક સર્વશ્રેષ્ઠ મિત્ર સાબિત થાય.

કુદરતને ફક્ત એક મિત્ર કહેવું યોગ્ય નથી. જિંદગીરૂપી આ ફિલ્મમાં કુદરતરૂપી નાયક (હીરો) અનંત પાત્રો નિભાવીને આપણું જીવન સરળ કરી જાય છે. તેમાંનું એક અવગણી ન શકાય તેવું પાત્ર છે, શિક્ષકનું પાત્ર! મિત્રની સાથેસાથે તેને એક સર્વશ્રેષ્ઠ શિક્ષક પણ કહી શકાય. શિક્ષકનો અર્થ શું? એક એવી વ્યક્તિ કે જે વિષયવસ્તુને લઈને સાચી શીખ, સાચી સમજ આપે અને સાચો માર્ગ બતાવે એટલે કે એક માર્ગદર્શક તો આ બધું તો કુદરત પણ કરે જ છે ને જિંદગી નામક વિષયવસ્તુની સાચેસાચી સમજ તો કુદરત જ આપે છે. આપણી આસપાસ થતાં બનાવો અથવા ઘટનાઓને સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો બધી જ ઘટનાઓ કંઇક ને કંઇક તો જરૂર શીખવતી હશે. એક શ્રેષ્ઠ ઉદાહરણ લઈએ કે જે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ, “વૃક્ષનો નમ્રતાનો ગુણ” જે આપણાં ને ઘણું જ બધું શીખવી જાય છે. તે જ રીતે જોઈએ તો સૂરજ નિયમિત સમયે ઉગે છે, નિયમિત સમયે આથમી જાય છે તેથી જ નિયમિત સમયે દિવસ ઢળીને રાત પણ પડી જ જાય છે, ક્યારેય વિચાર્યું છે કે ક્યારેક સૂરજ નિયત રીતે ઉગે અને આથમે નહીં તો શું થાય? સામાન્ય છે, આપણું જીવનચક્ર ખોરવાઈ જાય! આમ, સૂર્ય પરથી શીખીએ તો નિયમિતતાનો ગુણ શીખવા મળે તો બસ આ જ રીતે આપણી આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું છે તે કંઇક તો શીખવતું જ હશે પણ તમારે શીખવું છે કે નહીં એ તમારાં ઉપર આધાર રાખે છે. કુદરત તો એક સર્વશ્રેષ્ઠ શિક્ષક છે જ પણ તમારે તેનું વિદ્યાર્થી બનવું છે કે નહીં એ તમારે નક્કી કરવાનું આવે. જો કુદરતને શિક્ષક ગણી લઈએ તો સાચી સલાહ લેવા ક્યારેય કોઈ વ્યક્તિની જરૂર રહે જ નહીં.

શિક્ષક અને વિદ્યાર્થી પછી એક મહત્વનો ભાગ કુદરત જીવનરૂપી ફિલ્મમાં ભજવે છે, એક પ્રેરણાસ્રોત! હા,કુદરતથી મોટું પ્રેરણાસ્ત્રોત કોઈ નથી. પ્રકૃત્તિથી ચડિયાતું કોઈ મોટીવેટર નથી. જેટલી પ્રેરણા આપણે પ્રકૃત્તિ/કુદરતમાંથી મેળવી શકીએ એટલી પ્રેરણા દુનિયાનો મોટામાં મોટો મોટીવેટર પણ નહીં આપી શકે. વગર કંઈ બોલ્યે, વિના કંઈ મૂલ્યે તે આપણાને અમૂલ્ય એવી પ્રેરણા આપતું હોય છે. હા! પ્રેરણા પ્રાપ્ત કરવાના રસ્તા અલગ અલગ હશે પણ પ્રેરણા મળશે જરૂર. જીવજંતુઓ, પશુ – પક્ષીઓ, ઢોર – ડાંખર પણ આપણાને કંઇક ને કંઇક પ્રેરણા આપતાં હશે. ક્યારેય સાંભળ્યું છે, “પક્ષી તેનો માળો બનાવતાં – બનાવતાં થાકી ગયો, મધમાખી મધપૂડો બનાવતાં થાકી ગઈ, ગરોળી દીવાલ પરથી પડી – પડીને થાકી ગઈ, મકડી તેનો જાળો બનાવતાં થાકી ગઈ.” નહીં ને? તો આ બધાં જ આપણાં માટે એક પ્રેરણાસ્ત્રોત છે કે જે સતત પ્રયત્નશીલ રહેવાની, અથાક રહેવાની, પોતાનાં પર વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે. આમ, જુદી – જુદી પરિસ્થિતિઓમાં જુદી – જુદી પ્રેરણા આપણી આસપાસ જ મળી રહે છે પણ આપણાને એ પ્રેરણા બસ લેતા આવડવી જોઈએ!

આપણે ફિલ્મનાં મલ્ટીટેલેન્ટેડ એવા નાયક એટલે કે કુદરતનાં જીવનરૂપી ફિલ્મમાં મિત્ર, શિક્ષક અને પ્રેરણાસ્ત્રોત જેવાં કેટલાંક કિરદાર જોયાં અને સમજ્યા અને હજી પણ ઘણાં કિરદાર જોવાનાં બાકી છે, જે સમય સાથે જીવનમાં જોવા મળી જ જશે પણ એક વાત છે કે જો કુદરત સાથે મિત્રતા કરશો તો તે જીવનની દરેક પરિસ્થિતિમાં એક અવનવો, નવીન, પ્રેરણાદાયી, માર્ગદર્શી અને અત્યંત રોચક ભાગ તમારા જીવનમાં તે ભજવશે અને ક્યારેક શાંતિ, ક્યારેક પ્રેરણા, ક્યારેક જ્ઞાન તો ક્યારેક આનંદ પૂરું પાડશે અને તમારાં જીવનરૂપી ફિલ્મનો નાયક અને સાથેસાથે તમારો સાચો મિત્ર બની તમને હમેશાં સાચું માર્ગદર્શન, સાચું જ્ઞાન અને સાચી સમજ ડગલે ને પગલે પૂરી પાડશે પણ તે પ્રત્યક્ષ નહીં, પરોક્ષ હશે તો તેનાં માટે તમારે પણ જાગૃત રહેવું પડશે. જીવનને સરળ બનાવવાનો, જીવનની બધી જ પરિસ્થિતિઓમાં સકારાત્મક રહેવાનો, જીવનની બધી જ મુશ્કેલીઓમાં સાચો માર્ગ પામવાનો અને જીવનમાં એક સાચો મિત્ર મેળવવાનો કદાચ સૌથી સહેલો રસ્તો છે, કુદરત સાથે મિત્રતા! અને જે મેં તો કરી લીધી છે, હવે તમારો વારો!

 

– 🖊️Jannat Asnani

3 comments on “કુદરત સાથે મિત્રતા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *