section and everything up till
*/ ?> અધૂરો પ્રેમ : ૧૧ - Shabdoni Sangathe

અધૂરો પ્રેમ : ૧૧

Disclaimer : આ નોવેલમાં આવતા પાત્રો, જગ્યાઓ અને બનાવ બધું જ લેખક ની કલ્પના છે એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી .
પહેલી નજરનો પ્રેમ કેટલો સાચો હોય છે એ વાત પર વિશ્વાસ કરાવતા બે પ્રેમીઓની વાત એટલે અધૂરો પ્રેમ. આ પ્રેમભર્યા સફરમાં આગળ વધી ચૂકેલા સિદ્ધાર્થ અને તારાના જીવનમાં હવે શું વળાંક આવ્યા એ જાણવા ચાલો વાંચીએ અધૂરે પ્રેમ -૧૧.

તારા જે હમેશાં સિધ્ધાર્થનો હાથ પકડવા માટે તત્પર રહેતી. પોતાના હાથની આંગળીઓને સિધ્ધાર્થની આંગળીઓમાં પરોવી કલાકો બેસી રહેતી, એ તારા આજે અદબ વાળી પોતાનું માથું સીટ પર ટેકવી આંખો બંધ કરીને બેસી ગઈ. એનું હાસ્ય વિલાઈ ગયું. મુશ્કેલ પરિસ્થિતિમાં સિધ્ધાર્થના વિશાળ ખભા પર માથું ટેકવી બધા પ્રશ્નના સમાધાન મેળવતી તારા આજે પોતાની લગોલગ બેઠેલ સિધ્ધાર્થથી જોજન દૂર થઇ ગઈ.  એને ગુસ્સો ઓછો અને દુઃખ વધારે હતું અને એટલે જ એણે ચુપ રહેવાનું પસંદ કર્યું. એની આંખો તો બંધ હતી પણ એમાં વિચારના વાવાઝોડા હતા .

   
એ જાણતી હતી કે સિધ્ધાર્થ એને ખુબ ચાહે છે. આટલા વર્ષ એણે જે રીતે તારાને પ્રેમ કર્યો છે, જે રીતે એની કાળજી લીધી છે એ પરથી તારાને  સિધ્ધાર્થના પ્રેમમાં કોઈ શંકા ન હતી. પણ આજે જે રીતે સિધ્ધાર્થ આ વિષય પર વાત કરી અથવા કહો કે વાત જ ના કરી એનાથી તારાને રીતસર ધક્કો લાગ્યો. એને લાગ્યું કે એમની વચ્ચે કદાચ  આ બધું થયું જ ના હોત, જો એણે સિધ્ધાર્થને હા ન પડી હોત. 

એણે અનુભવ્યું કે સિધ્ધાર્થ તો એ પરિસ્થિતિથી આગળ વધ્યો જ નથી. એ હજી પણ એટલો જ પારકો છે અને એથી જ તો એને તારા સાથે રહેવાનું મન નથી. એને  વારેવારે સિધ્ધાર્થનું” હું આ સંબંધથી કઈ જ નથી ઈચ્છતો એ વાક્ય સંભળાવા લાગ્યું ” . 

પતિ, મિત્ર, બોયફ્રેન્ડ કે ગાર્ડિયન જે પણ કહો, બધા સંબંધનો પ્રેમ, લાગણી અને સંભાળ સિધ્ધાર્થ એ  કોઈ પણ નામ વગરના સંબંધમાં આપ્યા હતો. એને હમેશાં તારાને સમય આપ્યો હતો. કદાચ એટલે જ તારાએ સ્વપ્ને પણ સિધ્ધાર્થ પાસે આવા વર્તનની આશા  રાખી ન હતી.

એને પોતાની સ્થિતિ પર દયા ઉપજી. સિધ્ધાર્થ તારા માટે સર્વસ્વ હતો. એનું જીવન સિધ્ધાર્થથી શરૂ થઇને એના પર આવીને અટકી જતું હતું. એ હજી સ્વીકારી શકતી ન હતી કે સિધ્ધાર્થ એ એને રિજેક્ટ કરી.અને આ બધું એ અત્યારે એકલી સહન કરી રહી હતી. એ હવે સિધ્ધાર્થને પણ આ વાતનો ભાગીદાર બનાવવા માંગતી ન હતી.

સિધ્ધાર્થ આ બધું સમજતો હતો . એ તારાનો ગુસ્સો, એની નારાજગી અરે,  એની હતાશા સુધ્ધા અનુભવી શકતો હતો. એ પણ એટલો જ દુઃખી હતો. એ અનુભવી રહ્યો હતો કે  પોતે તારાથી દૂર થઇ રહ્યો છે. જે તારા સિધ્ધાર્થ પાસે રહેવાની કોઈ પણ તક ન છોડે એ આજે લગોલગ બેસવા છતાં કદાચ હંમેશ માટે દૂર થઇ ગઈ હતી. 

સિધ્ધાર્થ તારાની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. સિધ્ધાર્થના મોઢે પોતાનું નામ વધારે વાર સાંભળવા મળે એટલે જાણીને પહેલી વારમાં સાંભળ્યા છતાં, ન સાંભળ્યું કરનાર તારા આજે એક જ વારમાં સિધ્ધાર્થને સાંભળી લે છે અને એની તરફ જોઈને કહે છે કે એ થોડો સમય એકલી રહેવા માંગે છે. 

ગુસ્સામાં હોય ત્યારે ખૂબ બોલતી,  અરે રીતસર ખખડાવી નાખતી તારા આજે ચૂપ છે અને એટલે જ સિધ્ધાર્થ સમજી જાય છે કે આ તારાને મનાવવું અઘરું પડશે. એને પોતાની પરિસ્થિતિ પર ગુસ્સો આવે છે. એ તારાને પ્રેમ કરતો હોવા છતાં એને તારા વગર જ રહેવાનું છે, 
મીરા સાથે, બાળકો સાથે અને એ હકીકત સિદ્ધાર્થ બહુ પહેલા સ્વીકારી ચુક્યો છે. 

તારા સાથે વ્યતીત કરેલા સમયને એ ભગવાનની પોતાના પરની મહેર માને છે. એ હમેશા  તારાને કહેતો  કે” મારી જિંદગીમાં તને લાવવા માટે હું ભગવાનનો જેટલો આભાર માનુ એટલો ઓછો છે. પણ એનાથી આગળ એને ક્યારેય વિચાર્યું ન હતું. 

આજે એને લાગ્યું કે શું આ બધા માટે પોતે જવાબદાર છે? એણે જે રીતે તારાને પ્રેમ કર્યો હતો,.જે રીતે એની કાળજી લીધી હતી, એના દૈનિક રૂટિનની, એની પસંદની, એની જરૂરતની અરે એના મૂડ સ્વિંગ સુધ્ધાંની એને ખબર પડતી એ બધા પછી તારા સિધ્ધાર્થ સાથે રહેવા માટે કહે તો, એમાં કંઈજ અજુગતું ન લાગે એવો, એમનો એકબીજાના જીવનમાં પ્રભાવ હતો  અને  એટલે જ આજે એ તારાના દુઃખ માટે પોતાને જવાબદાર ઠેરવી રહ્યો હતો. 

સિધ્ધાર્થ પોતે પણ જાણતો  હતો કે, આ બધું એ કોઈ પણ જાતના ભારણ વગર કરતો હતો. એના જીવનમાં તારા, મીરા અને બાળકો આ બધાની જગ્યા હતી. એ રોજ સવારે જયારે પ્રાર્થના કરતો ત્યારે તારાની સલામતી માટે પણ હાથ જોડતો. કહેવાય છે ને કે ” તમે કોઈની પ્રાર્થનામાં હિસ્સો બનો  એનાથી પવિત્ર, પ્રેમનું કોઈ સ્વરૂપ નથી.” સિધ્ધાર્થનો તારા માટેનો પ્રેમ એટલો જ પવિત્ર હતો.

બે કલાકની ફ્લાઇટમાં બંને ચૂપ જ રહે છે . એક આઘાતથી અને બીજો વધારે આઘાત ન પહોંચાડી જવાય એ ડરથી . વચ્ચે ઍરહોસ્ટેસ નાસ્તા માટે  પૂછવા આવે છે ત્યારે તારા આંખો ખોલીને એને ના પાડે છે. એ વખતે સિધ્ધાર્થ એની ,એ નજરનો સામનો નથી કરી શકતો. જે ચહેરા પર એ હંમેશા હોઠોથી આંખો સુધી પહોંચતું સ્માઈલ જોવા માંગતો હતો એ આંખોમાં એને આજે આંસુંઓનો સમુદ્ર દેખાયો. આજે પહેલી વાર સિધ્ધાર્થને તારાની આંખોમાં પોતાના માટે ફરિયાદ દેખાઈ, એવી ફરિયાદ જેમાં ગુસ્સો નહિ પણ દુઃખ હતું.

એ તારાનો હાથ પકડી લે છે. તારા પોતાનો હાથ છોડાવા માટે બિલકુલ પ્રયત્ન નથી કરતી પણ એના સ્પર્શમાં એવી ઠંડક આવી જાય છે કે સિધ્ધાર્થ એ સ્પર્શથી તારાને થઇ રહેલી વેદના અનુભવી શકતો હોય કે કેમ એ તારાનો હાથ છોડી દે છે.

તારા વધારે દુઃખી થઇ જાય છે. એ ઇચ્છતી હોય છે કે સિધ્ધાર્થ એણે ઢંઢોળે, એને મનાવે કે એ તારાને સૌથી વધારે પ્રેમ કરે છે અને એના માટે બધું કરી છૂટવા તૈયાર છે . પોતાની મજબૂરી,પોતાની ફરજ,પોતાના વ્યવહારુપણાને એક વાર બાજુ પર મૂકીને ફક્ત અને ફક્ત તારા માટે વિચારે. જેમ પોતાના પ્રેમનો સ્વીકાર કરવામાં વિચાર્યું ન હતું એમ , આજે તારાનો હાથ પકડવામાં પણ ન વિચારે. એણે આટલી સરળતાથી અજાણી ન કરી દે!

પણ સિધ્ધાર્થએ એવું ન કર્યું આજે પહેલી વાર એમના સંબંધમાં તારાને આટલું એકલું લાગ્યું. એને સિધ્ધાર્થને પહેલી વાર જોયાનું, સિધ્ધાર્થનું પોતાના માટેના પ્રેમનું સ્વીકાર કરવું, પોતે સિધ્ધાર્થના પ્રેમનો સ્વીકાર કરવું , કમલેશથી બચવા સિધ્ધાર્થ સાથે અથડાવું, સિધ્ધાર્થના મોઢેથી લાખો વાર પોતાનું નામ સાંભળવું, સિધ્ધાર્થના હાથમાં પોતાની આંગળીઓ પરોવીને આખી દુનિયાની વાતો કરવી, સિધ્ધાર્થનું આંખોથી જ એને ઘણું બધું કહી દેવું ,અને આવું તો કંઇક ઘણું અને વધારે એના મન મગજમાં ફરવા લાગ્યું. 

સિધ્ધાર્થના આલિંગનમાં તારાને આખા વિશ્વનો પ્રેમ, પોતીકાપણું અને ઠહેરાવની અનુભૂતિ થતી. એનું ચાલે તો એ આખો જિંદગી બસ આમ જ સિધ્ધાર્થના આલિંગનમાં પસાર કરી દે.

યાદોની ગણતરી થોડી હોય 
એતો અખૂટ અને અનહદ હોય.

જેમ સિધ્ધાર્થને પહેલી વાર જોઈને એમ લાગ્યું હતું કે આ નજર કંઇક વિશેષ છે એમ આજે પહેલી વાર એવું લાગ્યું, કે સિધ્ધાર્થ એના જીવનમાંથી જઈ રહ્યો છે.   

નાનું બાળક જેમ ઊંઘમાં, પલંગ પરથી પડી જવાની બીક માં ડરી જાય એમ તારાની આંખો ખુલી ગઈ. એણે સિધ્ધાર્થની તરફ જોયું. એની આંખો બંધ હતી. તારા એના ચહેરા તરફ જોઈ રહી. આજે પહેલી વાર એને પોતાના સિધ્ધાર્થની જગ્યા મીરાનો પતિ દેખાયો. 

પોતાના પ્રેમીની જગ્યા એ એને સિધ્ધાર્થમાં એક એવો પુરુષ દેખાયો જેને, એને ચાહી તો હતી, પણ એ એના માટે ખુશી હતી, જરૂરત નહિ કારણ કે માણસ ખુશી વગર તો રહી શકે પણ જરૂરત વગર નહિ પણ કદાચ હવે તારા એની ખુશી નહિ એક માત્ર જરૂરત બનવા ઇચ્છતી હતી. 

સિધ્ધાર્થ બંધ આંખે પણ તારાને પોતાને જોઈ રહેલી, અનુભવી શકતો હતો પણ એ તારાને કોઈ ખોટી આશા બંધાવા માંગતો ન હતો. એ પોતાનું જીવન જેવું હતું તેવું સ્વીકારી ચુક્યો હતો. પણ તારા પણ એવું જ વિચારે છે એ એની ભૂલ હતી અને એ હજી તારા આ વાતને લઈને કેટલી વધારે ગંભીર છે એ નહોતો સમજી શક્યો નહિતર એ સાવ આમ ચુપ ના રહેત. પણ કદાચ આ વાત માટે એને  જીવન ભર પસ્તાવાનું હતું.

ફ્લાઇટ લેન્ડ થતા તારા અને સિધ્ધાર્થ સામાન લઇને એરપોર્ટની બહાર નીકળે છે. સિધ્ધાર્થ ટેક્સી બુક કરે છે. બંને પાછળની સીટ પર બેસે છે. તારા પોતાનું પર્સ વચ્ચે મૂકે છે. એ સિધ્ધાર્થ તરફ જોતી પણ નથી. એનું ઘર આવતા, તારા ટૅક્સીમાંથી ઉતરતા પહેલા સિધ્ધાર્થની સામે જુવે છે એ આશામાં કે સિધ્ધાર્થ એને રોકી લે પણ એવું નથી થતું. એ નીચે જોઈને ટેક્સીનો દરવાજો ખોલીને બહાર નીકળી જાય છે. 

તારાને ખબર છે કે પોતે મેઈન ગેટ પર પહોંચીને પાછળ જોશે પછી જ સિધ્ધાર્થ ટેક્સી વાળાને આગળ વધવાનું કહેશે પણ આજે એ મેઈન ગેટ પર પહોંચીને પાછળ નથી જોતી. સિધ્ધાર્થ ૫ એક મિનિટ એમજ ત્યાં રોકાઈ રહે છે કદાચ એને હવે તારાને ખોઈ દીધાનો અહેસાસ થાય છે. ટેક્સી વાળો બે વાર પૂછે છે કે આગળ વધુ, ત્યારે સિધ્ધાર્થ એણે આગળ ચલાવા માટે કહે છે. એ આંખો બંધ કરીને ભગવાનને તારાની સલામતી અને ખુશીઓ માટે પ્રાર્થના કરે છે. જે ચહેરા પર પોતે હંમેશા સ્માઈલ જોવા માંગતો હતો એ ચહેરાને પોતે જ જીવન ભરની વ્યથા આપી બેઠો એ વાતથી સિધ્ધાર્થ દુઃખી થઇ જાય છે.

રાતના ૧૦ વાગ્યા હોય છે. તારા ઘર ખોલે છે. નિહારને આજે પ્રોજેક્ટ પૂરો થયાની પાર્ટી હતી એવું તારાને પોતાના વર્કશોપ ગયા પહેલાથી ખબર હતી. એને કદાચ એકાંત જોઈતું પણ હતું!  અંદર જતા જ એ બાથરૂમમાં જાય છે. જાણે સિદ્ધાર્થની યાદો પોતાના મન પરથી કાઢી નાખવાં માંગતી હોય એમ એ શાવર ચાલુ કરી એ મન ભરીને રડે છે. બૂમો પડે છે. 

અડધો કલાક જેવું હૃદય નિચોડીને રડ્યા પછી જાણે અંદરથી ખાલી થઇ ગઈ હોય એમ હલકી થઇ જાય છે. એ પોતાની જગ્યાએ આવીને સુઈ જાય છે. થાક અને હતાશામાં , પોતે ક્યારે સુઈ ગઈ એની પણ, એને ખબર નથી.

સવારે ઉઠતા જ એને બાજુમાં સુતેલા નિહારને જુવે છે. એ નિહારમાં સિધ્ધાર્થનો ચહેરો શોધવાનોનો નિષ્ફળ  પ્રયત્ન કરે છે. પણ એ જાણે છે કે એ નિહારને પ્રેમ નથી કરતી. આંખમાં આવતા ઝળઝળિયાંને મહામહેનતે રોકીને એ વરંડામાં જાય છે. રવિવાર હોવાથી ઓફીસ તો જવાનું નથી.

“યાદો નો થાક લાગતો જ હશે 
નહિતર મન થોડું ભારે થઇ જાય ”
 

આમ જ કેટલીય વાર સુધી બેસી રહ્યા પછી જાણે કઈ નિશ્ચય કરી લીધો હોય એમ એ લેપટોપ લઇને બે-એક મેલ કરે છે. એક ફોન કરે છે. અને પછી સોશ્યિલ મીડિયામાં સિધ્ધાર્થના ફોટો જુવે છે. એને પોતાની ઉપર હસવું આવે છે. પોતાના મોબાઈલમાં ફોટો રાખી શકાય એટલો પણ હક જેના પર નથી, એની સાથે પોતે જીવન ગાળવાના સપના જોઈ બેઠી!  નિહારના ઉઠતા જ એ બીજા કામમાં લાગે છે. આખો દિવસ એમ જ પસાર થઇ જાય છે. 

આ તરફ સિધ્ધાર્થ ઘરે પહોંચતા જ બાળકો એને વળગી પડે છે . મીરા હગ કરે છે. સિધ્ધાર્થ ફ્રેશ થઇને સુવા આવે છે. મીરા એને વર્કશોપ વિશે પૂછે છે, પણ સિધ્ધાર્થ કદાચ કોઈ વાત કરવા માંગતો  નથી એના મન -મગજ પર તારા છે. જે રીતે તારા એ ટેક્સીમાંથી ઉતરતા પહેલા એની તરફ જોયું હતું એમાં એને તારા પોતાનાથી છૂટી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. એક અજાણ્યો ડર, એક ખરાબ Vibes એને બેચેન કરી મૂકે છે. એ પડખું ફરીને સૂવાનું  નાટક કરે છે પણ ક્યાંય સુધી સુઈ નથી શકતો. એને તારા સાથે વાત કરવાનું મન થાય છે પણ નિહારને કેવું લાગશે, મીરાને શું કહેશે આવું વિચારીને એ રોકાઈ જાય છે. 

ક્યારે સોમવાર આવેને ઓફીસ જઈને તારાને જુવે, એની સાથે વાત કરે એમ વિચારતો સિધ્ધાર્થ ઊંઘવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. આજે એને પોતાના વ્યવહારિક  હોવા પર ગુસ્સો આવે છે. એ થોડી અલગ રીતે પણ આ પરિસ્થિતિનો સામનો કરી શક્યો હોત?  પણ એનાથી પોતાનો નિર્ણય તો બદલાઈ ન જાત ને ? કદાચ, એનાથી તારાને એવું તો કન્વે નથી થઇ ગયું ને કે એ હંમેશાથી આ વાતને લઈને સ્પષ્ટ હતો કે એ તારાને પ્રેમ તો કરે છે પણ એણે પોતાના જીવનમાં ક્યારેય નહિ લાવી શકે. આવું વિચારતા જ એનો ડર વધી ગયો. 

તારાનું એરપોર્ટથી લઇને ઘર પહોંચ્યા પછીનું વર્તન કદાચ આ વાતને સાબિત કરતું હતું. હવે કદાચ ઘણું મોડું થઇ ગયું હતું કારણ કે એ નબળી ક્ષણોમાં જયારે તારાની સાથે રહેવાની જરૂર હતી ત્યારે પોતે સૌથી પાસે હોવા છતાં કઈ જ કરી શક્યો નહિ. સિધ્ધાર્થને પોતાના ઉપર સખ્ત ગુસ્સો આવ્યો અને એ તારાની સાથે વાત કરવા માટે ઉતાવળો થઇ ગયો. રવિવારે મન હોવા છતાં એ તારાને ફોન કરવાની હિંમત ના કરી શક્યો. 

તારા અને સિધ્ધાર્થના પ્રેમની પરાકાષ્ઠા જાણવા, વાંચો છેલ્લો ભાગ .

🖊️આનલ ગોસ્વામી વર્મા 

Published by Deep Gurjar

Deep Gurjar, Gir-Somnath based an author, published one poetry book on his name, which name is "the poetry of a common man". He is the founder of "Shabdoni Sangathe" group. This group supports new poet & writer for developing their skills. & Also motivate them by organizing different different competitions and post their writeups on social media. SNS group publish an e-magazine every month. Deep Gurjar is a columnist also in Sanjog News & Sorath Dhara (Saptahik). & By educational qualification he is a student of B.tech (Dairy Technology).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *